- નવાં નવાં અણુશસ્ત્રોની શોધ.
- ચારે બાજુ હત્યાઓની વણજાર.
- પક્ષોમાં આંતરિક ઝગડા.
- હુલ્લડો.
- બાળકીને જીવતી સળગાવી.
- બાળક ન થવાથી સ્ત્રીની આત્મહત્યા.
- ઓફિસમાં કામની કદર નથી થતી !
હા ! આ છાપાંનાં શીર્ષકો છે. ઘરથી વિશ્વમાં બનતા બનાવો છે. આપણે ચારે બાજુથી ફરિયાદો કરીએ છીએ કે બધું બગડી રહ્યું છે. ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, બાળકો બગડે છે. કામુકતા વધે છે, વગેરે-વગેરે ! ચારે બાજુનું વાતાવરણ નિરાશાજનક લાગે છે. હતાશ થઈ જવાય તેવું. કશું સૂઝે નહીં કે શું કરવું ?
પણ થોભો; નિરાશ ન થાવ.
મારે આજે બધાને એક સારા સમાચાર આપવાના છે. તે સમાચારથી યુદ્ધ ઘટશે કે શું થશે તેની મને ખબર નથી, પણ સમાચાર સારા છે.
પણ ક્યા ?
થોભો. આ સારા સમાચાર સાંભળવા માટે એકાગ્રતા જોઈએ. છાપાં બાજુએ રાખી દેવાં પડશે. નિરાશાને થોડીવાર મનના એક ખૂણામાં ઘકેલવી પડશે. થો...ડી...ક સ્વસ્થતા રાખવી પડશે; તો સમાચારની સારપ સમજાશે.
પણ આ લપ મૂકીને કહોને કે ક્યા સારા સમાચાર છે ?
ધ્યાન આવી ગયું ? તૈયાર ? રેડી ?
તો ધ્યાનથી સાંભળો સારા સમાચાર.
સારા સમાચાર એ છે-બરાબર સાંભળો છો ને ? કે ‘‘આપણે હજુ વિચારી શકીએ છીએ.’’
હત્ તારીની ! આમાં શું સારા સમાસાર છે ? તેમાં વળે શું ? ભ્રષ્ટાચાર ઘટે ? યુદ્ધ અટકે ? હત્યા બંધ થાય ? ગીજુભાઈની વાર્તાના નાયકની જેમ લપસીંદર કર્યું. અને કાઢ્યો જોડામાંથી કાગળનો ડૂચો.
ધૈર્ય રાખો. ફરીથી સાંભળોઃ ‘‘આપણે હજુ વિચારી શકીએ છીએ.’’
પણ તેનું શું ?
વાક્ય જુઓઃ તેમાં બે વાત ઠે. (1) આપણે વિચારી શકીએ છીએ. (2) હજુ.
ચારેબાજુ જે ફરિયાદો અને તકલીફો છે, જે પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ-કહો કે જીવી શકીએ છીએ-તે પરિસ્થિતિ ગૂંગળાઈ જવાય તેવી છે. અણગમો છૂટે તેવી છે. જે છોકરીનું જીવનપુષ્પ ખીલતું હોય તે જીવતી બળી જાય; તેની વિડીયો ફિલ્મ ધૂમ વેચાય; હુલ્લડોમાં માણસો શાકભાજી જેમ કપાય, માણસને મનુષ્ય માનવા બદલે કોઈ કોમનું લેબલ મારી જોવાય... ત્યારે, ખરેખર તો, સંવેદનશીલતા હોય તો, હૃદય બંધ થઈ જાય. જવું જોઈએ; તે ન થાય તો મગજ તો શૂન્ય થઈ જ જાય.
ત્યારે ‘આપણે વિચારી શકીએ’ અને ‘હજુ’ તે શબ્દ સૂચક નથી ?
પણ તેમાં શું ?
ગાઢ અંધકારવાળી ગુફા હોય, જાળાં હાઝેલાં હોય જીવજંતુનો ભય હોય, તે ભૂલભૂલામણીવાળી હોય... ત્યારે હાથમાં માત્ર મીણબત્તી બળતી હોય તો શું વિચાર આવે ?
- એ કે આ ગાઢ અંધકારમાં તે કેટલી કામ આવવાની ? દરવાજા સુધી પહોંચતાં ક્યાંક હોલવાઈ જશે તો ? આટલી નાની મીણબત્તીના સહારે ગુફા કેમ પાર કરવી !
પરંતુ એવું ન બને કે મીણબત્તી, માની લ્યો કે, હોલવાય ત્યાં સામે જ ગુફાનું મોઢું હોય ? કે આના ગાઢ અંધકારમાં નાના ટમટમિયાથી આપણે જાળામાં ફસાતાં બચી જઈએ ? અંધકાર ભલેને પાંચ હજાર વર્ષ જૂનો હોય. પણ મીણબત્તી તેને એક સેકન્ડમાં દૂર ન કરી શકે ? નથી કરી શકતી ?
તેવું જ વિચારનું છે.
પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય, ક્ષુબ્ધ કરનારી હોય, કશું ન સૂઝે તેવું હોય ત્યારે થોડી પણ વિચારશક્તિ બચી હોય તો આ બધાને અતિક્રમી શકાય છે. વિચાર એ ધ્રુવતારા જેવો છે. તેનો પ્રકાશ નથી, પણ તે દિશાસૂચક છે જ. વિચાર તો પ્રકાશ પણ આપે છે. તે માર્ગ પણ બતાવે છે. નાનો વિચાર-દિવડો એક એક પગલું ભરાવતાં પ્રકાશમયતા તરફ લઈ જાય છે.
માટે સમાચાર સારા છે.
એ યાદ રાખવાનું છે કે દુનિયામાં બધું નાશ પામે પણ જો વિચારશક્તિ બચી જાય તો ચિંતાન કરવી. દુનિયા ફરી ઊભી થઈ જશે આ વિશ્વ સેંકડોવાર વિવિધ રીતે પ્રલયોનો ભોગ બન્યું છે, ઊલટસુલટ થઈ ગયું છે, પણ માત્ર વિચારશક્તિના પ્રભાવે આજની સ્થિએ પહોંચ્યું છે.
પણ વિચારશક્તિના ફાયદા શુ ?
ઘણા. મનુષ્યની બુદ્ધિ મોટે ભાગે સ્વતંત્ર નથી. તે કૌટુંબિક, સામાજિક, ધાર્મિક ખ્યાલો તથા પૂર્વગ્રહોથી લદાયેલી છે, ગ્રસ્ત છે... તે જે વિચારે છે તે પૂર્વગ્રહ-યુક્ત હોય છે; ભૂતકાળના ભારથી, સાચા-ખોટા ખ્યાલોથી ગ્રસ્ત હોય છે. મોટે ભાગે માની લીધેલ હોય છે. તેને બાળપણમાં જે કહેવામાં આવેલ હોય છે તેને આધારે તે નિર્ણયો લે છે. તેનું મન સ્થિતિચુસ્ત બની ગયેલ હોય છે. આવા માણસ અને ત્રાસવાદીમાં તાત્વિક કોઈ તફાવત હોતો નથી. ત્રાસવાદી ગનથી મારી નાખે છે. આવો માણસ હઠાગ્રહથી બીજાને પીડે છે.
ત્યારે વિચારશક્તિ મદદે આવે છે. વ્યક્તિની વિચારશક્તિ જગાડવામાં આવે તો ભલે ધીમેધીમે પણ તેની બુદ્ધિમાં વિચારનો ઉદય થાય છે અને તે પૂર્વગ્રહો, ખ્યાલો, વગેરેને પીગળાવે છે, પડકારે છે. આ પ્રક્રિયા ધીમી અને પીડાદાયક છે, પણ વિચારના સહારે તે પાર કરી શકે છે. તે ભૂતકાળની ભૂલોને સમજી શકે છે; પોતાના પૂર્વગ્રહોની મર્યાદા જોઈ શકે છે; ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરી શકે છે. દરેક વિચાર, ખ્યાલ વગેરેને તેનાં સ્થાને ગોઠવી શકે છે. તે સ્વસ્થતા તરફ ગતિ કરી શકે છે. તેનું વ્યકિત્વ હવે સ્થિતિચુસ્ત ન રહેતાં લચીલું, ખુલ્લું નિર્ગ્રંથ બને છે. અને બધી વાતોને તે નવી જ દૃષ્ટિથી જોઈ શકે છે.
વિચારશક્તિના ઉદયથી વ્યક્તિ જાગૃત બને છે. ઉપરની ઘટનાઓ જાગૃતિના પ્રભાવથી બને છે. તે વ્યક્તિ હવે ભ્રમણામાં નથી અટવાતી પણ સ્પષ્ટ દર્શન કરી શકે છે. હવે તે નિર્ણયો લેવા સમયે ભૂતકાળવી ટેપ નથી વગાડતી અને તેમાંથી ઉકેલો નથી શોધતી; પણ શુદ્ધ વર્તમાનકાળમાં જીવી સહજ અને જાગૃત નિર્ણય લે છે. તેની સંવેદનશીલતા તીવ્ર બને છે. જાગૃતિ એક અદભુત ઘટના છે. જેમ જેમ વિચારશક્તિ ઊંડી બનતી જાય છે. તેમ તેમ જાગૃતિની માત્રા વધતી જાય છે. એક અકથ્ય, માત્ર અનુભવી શકાય તેવી, જાગૃતિ વ્યક્તિની ચેતનામાં પ્રવેશતી જાય છે, વૃદ્ધિ પામે છે. તેની ક્ષિતિજ અનંત છે. તે વિસ્તરતી જ જાય છે અને વ્યક્તિની સમગ્ર ગુણવત્તા જ બદલાઈ જાય છે ટી.વી.માં ચાની જાહેરાતમાં કહે છે ને કે ‘પીઓ તો જાનો’, તેમ આ જાગૃતિ વિષે પણ કહેવાય કે ‘જીયો ઔર જાનો !’
જાગૃતિનું પરિણામ છે ‘તટસ્થતા.’ વ્યક્તિ હવે લોલક જેમ ડોલતી નથી. કોઈ અંતિમ છેડે જીવતી નથી. મધ્યમાં રહી જીવે છે. તે કોઈ પણ બાબતની જરૂરિયાત કે બિનજરૂરિયાતને જુએ છે. કોઈ પણ ઘટનામાં આવેશને વશ ન થતાં સ્વસ્થતાથી જુએ છે. આવી વ્યક્તિને ઝડપથી ઉશ્કેરી ન શકાય - કોઈ પણ પ્રશ્ને ! ‘આગ ઝરતાં’ ભાષણો તેને અસર કરી ન શકે. તે તો દરેક વાત તથા વિચારને વિચારના યંત્રમાંથી પસાર કરી તેનું જાગૃત રીતે તટસ્થ મૂલ્યાંકન કરશે. પછી જો તે યોગ્ય લાગશે, સર્વજનહિતાય કે સર્વજનસુખાય હશે તો સ્વીકારશે, નહીં તો એક ઝાટકે તેનો અસ્વીકાર કરશે. આપણને મહાપુરુષોનાં ઘણાં વર્તન નથી સમજાતાં. તેનું કારણ આ જ છે કે તેઓ જાગૃત, તટસ્થ વિચારપ્રેરિત ચેતનામાંથી નિર્ણય લે છે. તેથી સ્વસ્થ નિર્ણય લે છે. પણ સાંભળનારા તો સામાન્ય, અજાગૃત ઊંઘમાં ફસાયેલ, અવિચારી ચેતનાથી તેને સાંભળે છે; તેનાથી જ તેનું અર્થઘટન કરે છે. અનંતનું મૂલ્યાંકન સાંત મન કેમ કરી શકે
આમ, વિચારશક્તિ દીવાદાંડી જેવી છે. દરેક પ્રશ્નને તે તેની રીતે, અખિલાઈથી જોઈ શકે છે. દરેક નિર્ણય લેતી વખતે વિચારના પ્રકાશમાં તેને જુએ છે. માટે સ્વસ્થ નિર્ણય લઈ શકે છે, તેથી પળભરમાં બધી સમસ્યાઓ ગાયબ થઈ જાય છે.
‘પણ તો પછી આ સમસ્યાઓ જતી કેમ નથી ?’
કારણ કે આપણે વિચારતા નથી વિચારનો આશ્રય લો, પ્રશ્નો ગાયબ.
‘એટલે કે આપણી વિચારશક્તિનો નાશ થયો છે ?’
ના, નાશ નથી થયો. પ્રચાર, આવશે વગેરેથી બહારથી ઢંકાઈ ગઈ છે તે. તે ઝનૂન અને નિષ્ક્રિયતા વચ્ચે ઝોલાં ખાય છે. તે વચ્ચે દબાઈ ગઈ છે, તેને જાગૃત કરવી પડશે.
તે કેમ થાય ?
જેઓ જાગૃત છે, સ્વસ્થ છે તેમણે આ કાર્ય કરવું પડશે. વિચારક્રાન્તિ સર્જવી પડશે. સાચા વિચારો પ્રસરાવવા પડશે; ફેલાવવા પડશે. પોતાનો તેવો આચાર પણ દેખાડવો પડશે. લોકોને તેના મય કરવા પડશે. પ્રચારનો પ્રભાવ મોટો છે. આજે બધી નકામી વસ્તુઓ માત્ર પ્રચારથી જ વેચાય છે ને ! ફિલ્મોનો પ્રચાર કેવો ખતરનાક પ્રભાવ દર્શાવે છે ?
આવી જ રીતે વિચારશક્તિના પ્રભાવનો પ્રચાર કરવો પડશે. લોકોને માની લેતાં નહીં, વિચારતાં શીખવવું પડશે. શંકા કરતાં શીખવવું પડશે. શંકાનું સમાધાન કરતાં શીખવવું પડશે. જાતે શોધતાં શીખવવું પડશે. નેતા-ધર્મ-શાસ્ત્રોને અતિક્રમતાં શીખવવું પડશે.
આ માટે સમાજના વિચારવંત લોકોએ તપશ્ચર્યા કરવી પડશે. આપણાં દેશનો ઇતિહાસ જોઈએ તો ઋષિઓથી વિનોબા સુધી કે...ટ...લી તપસ્યા થઈ છે ત્યારે આજે આપણો દેશ કંઈક પણ આગળ વધ્યો છે, સંસ્કારી થયો છે. છતાં આજની દશા જોઈએ છીએ ત્યારે લાગે છે કે હજી તપસ્યા ઓછી છે. હજી ગાઢ તપસ્યાની આવશ્યકતા છે. પરમ જાગૃત, પરમ વિચારશીલ, તટસ્થ, પવિત્ર લોકોની તાતી જરૂર છે; જે વિચાર પ્રચારનાં કાર્યમાં પોતાના હાડકાં ગાળી નાખે.
અને આ બધું શક્ય છે. વિચાર કરી શકાય છે. તે પ્રક્રિયાની શક્તિ બધામાં છે. આપણામાં પણ.
બસ ! આ જ સારા સમાચાર છે.
0 comments:
Post a Comment