મારું સન્માન થયું !


-હરેશ ધોળકિયા

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

સવારે ખુરશી પર બેસી છાપું વાંચતો હતો. 2001નાં નોબેલ ઈનામોની જાહેરાતો વાંચતો હતો. તેઓ લાખો રૂપિયાનાં ઈનામો આપે છે. જેમને મળવું હશે તેમની જિંદગી ન્યાલ થઈ જતી હશે. હું તો કમનસીબ છું. લોટરી લઉં છું, પણ દર અઠવાડિયે એક  રૂપિયો ગુમાવું છું, પરંતું કરોળિયાની જેમ ચડયો જાઉં છું. એવો વિચાર છે કે, છેવટે બધી ટિકિટોની પસ્તી કરીશ તો તેનું ખર્ચ તો નીકળશે.

ત્યાં ડેલી ખૂલી. મારું ધ્યાન વિચલિત થયું. બે-ચાર યુવાન છોકરા-છોકરીઓ અંદર પ્રવેશ્યાં. મને બધાં અપરિચિત લાગ્યાં. હું જરા ગભરાયો. વળી કોઈ ફાળો લેવા આવ્યાં લાગે છે. છેલ્લી તારીખોમાં શું આપવું ? મારે પોતાને ફાળાની જરૂર હતી, ત્યાં...!
તેઓ અંદર પ્રવેશ્યાં, મને નમસ્કાર કર્યા. મેં પણ સામા નમસ્કાર કર્યા. બધાં બેઠાં. ખુરશી બે હતી અને જણાં ત્રણ હતાં.  મેં ઊભા થઈ, મારી ખુરશી આપી. હું ટેબલ પર બેઠો. મૂંગો થઈ રાહ જોવા લાગ્યો કે શું માગે છે, અંદરથી ધ્રૂજતો હતો.
આપ ચંદુભાઈ ?’ એક યુવતીએ ટહૂકો કરતાં પૂછ્યું.

હા, મેં જવાબ આપ્યો. યુવતી મારું નામ શા માટે પૂછે છે ? હું જરા ચમકયો.

જોયું ? મેં તો કહ્યું જ હતું ને કે, આ ચંદુભાઈનો જ બંગલો છે, યુવતીએ પોતાની સાથેના બે યુવકોને કહ્યું.

બંગલો ! મને ધ્રૂજારી વચ્ચે પણ હસવું આવી ગયું. 12X10ના બે રૂમને બંગલો કહેનારી યુવતી પર હું-આ ઉંમરે પણ-વારી ગયો. મને તેની વિશાળ દ્રષ્ટિ પર માન થયું.

આપની પ્રસંશા અમે ખૂબ સાંભળી છે. એક યુવક બોલ્યો.

મારી પ્રસંશા?! હું ચમક્યો. ટેબલની ધાર પરથી જરા ખસી ગયો. પડતો પડતો બચ્યો. મેં એવું કશું કામ નથી કર્યું કે, મારી પ્રસંશા થઈ શકે... ભણવામાં, ફોર્થ કલાસ ન હતો તેથી થર્ડ કલાસ પાસ થતો. લગ્ન કોઈ શ્રીદેવી કે માધુરી સાથે નહોતાં કર્યાં કે વટ પડી જાય.. હા, બાળકો...! પણ તે કંઈ પ્રશંસનીય કાર્ય ન હતું, સરકાર કડક થાય તો ઈન્ક્રિમેન્ટ ઘટી જાય તેમ હતું ! નથી કંઈ ગાયું કે લખ્યું કે સમાજ સેવા કરી... કે... તો પછી... શેની પ્રસંશા ? હું આપણાં પૂર્વજો જેવું મોં કરી, ત્રણે સામે જોઈ રહ્યો.

તમ ભૂલાં પડ્યાં લાગો છો, મેં કહ્યું, હું ભારતનો તદ્દન સામાન્ય નાગરિક છું. આજ સુધી મેં કોઈ પ્રશંસનીય કાર્ય નથી કર્યું.

તમે નમ્ર છો, યુવતી ફરી ટહૂકી.

તે તો રાખવી પડે, ગૌરવ લેવા જેવું કશું નથી કર્યું.

તમે આપણી શેરીનું ગૌરવ વધાર્યું છે !
શેરીનું ? ગૌરવ ? મેં વધાર્યું છે ?’
અરે હા, બધા મુસ્તાક છે તમારા પર.
પણ શેમાં ?’ મેં છાપાં પર નજર નાખી. નોબેલવાળા ભૂલથી મને કોઈ ઈનામ આપી ગયા છે ?
તમારા કારણે આપણું ગામ ભારતમાં વારંવાર પ્રસિદ્ધ થાય છે.
મારા કારણે ?’
મને નવાઈ લાગી. નથી કોઈ રેસમાં હું રહ્યો, નથી કપીલદેવ જેવો ચેમ્પિયન; નથી સારેગામપમાં ભાગ લીધે; નથી કોઈ સાથે લફરું, નથી છોટા શકીલનો મિત્ર કે નથી દાણચોર કે નેતા ! મારું નામ શા માટે પ્રસિદ્ધ હોય ?
હું ગૂંચવાયો.

હા..., યુવતી બોલી. શ્રીલંકા રેડિયો સ્ટેશન પર આપકી પસંદમાં દર અઠવાડિયે આપનું નામ આવે છે.
ઓહ ! હવે મને સમજાયું. રેડિયો સાંભળવાનો મને ભયંકર શોખ છે. વહેલી સવારે સ્ટેશનની સિસોટી શરૂ થાય ત્યારથી સાંભળું છું. ગીતો સાંભળવાનો શોખ ગાંડપણની લેવલે છે. આપની પસંદ રોજ સાંભળું. એક વાર મારે મારું પ્રિય ગીત સાંભળવું હતું, તેથી તેમને મારી પસંદ લખી ને ગીત આવ્યું. પછી તો વારંવાર મારી ફરમાઈસ લખું છું. રેડિયો પર મારું નામ આવે તે પણ મને ગમે છે. અઠવાડિયે એકદા વાર તો મારું નામ આવે જ છે.

મને આનંદ થયો કે, મારા જેવા શોખીનો ઘણાં છે. મેં પત્નીને બૂમ મારી, પાણી લાવવા કહ્યું.

પણ એ તો મારી પસંદગીનાં ગીતો સાંભળવા માટે કરું છું, મેં કહ્યું,

તેને કારણે આપણા ગામનો પરિચય દેશને થાય છે ને. આ ઓછી સેવા છે ?’
હું મૂંગો રહ્યો. પત્ની પાણી લાવી.

એટલે.... ગામનું નામ દેશ પ્રસિદ્ધ કરવા બદલ, આપની કદર થવી જઈએ. તેથી અમે તમારું સન્માન કરવા માગીએ છીએ.
હું હવે ટેબલ પરથી સરકી જ ગયો. મારું, સન્માન ? આવી નાની બાબત માટે ?
પણ.... મેં થોથવાતાં કહ્યું.

ચંદુભાઈ સાહેબ, આપ માત્ર હા પાડો. બસ, બાકી બધું અમે સંભાળી લેશું, યુવતી બોલી.

મેં પત્નીને ચા લાવવા કહ્યું.

તમારું તથા તમારાં શ્રીમતીનું અમે ભવ્ય સન્માન કરશું.

પણ...?’
પણ ને બણ ! અમારી વિનંતીને ઠુકરાવો નહીં, પ્લીઝ ! તમે ના પાડશો તો અમારો કાર્યક્રમ નહીં થઈ શકે. તો પછી અમે કરશું શું ?’ યુવકે ગળગળા અવાજે કહ્યું.

યુવતીની કોમળ આંખની વિનંતી જોઈ, મને સ્વાભાવિક કરુણા ઉત્પન્ન થઈ.

પણ તમે બધાં કોણ છો ?’ મેં પુછ્યું.

અમે ભગત યુવક મંડળ ચલાવીએ છીએ. સમાજના પાયાના લોકોનું સન્માન કરીએ છીએ.

હું પાયાનો છું ? મારા જીવનનો પાયો પણ અસ્થિર છે. ત્યાં... તમારી અજોડે સેવાની કદર થવી જ જોઈએ, બીજો યુવક બોલ્યો. ચા આવી. તેમણે પીધી. પછી રવિવારનો સમય નક્કી કરી છૂટાં પડ્યાં.

ડેલી બંધ થઈ અને હું તો નૃત્ય કરી ઊઠ્યો. રસોડામાં દોડયો અને શ્રીમતીજીને હચમચાવી નાખ્યાં. નયના, નયના, આપણું સન્માન થશે.
હા, હું , સાંભળતી હતી. પણ...
અરે, સેવા વ્યર્થ નથી જતી, સાધનાનું પરિણામ છે આ. જાણે-અજાણે ગામની સેવા કરી ને... હવે તૈયાર છે ને ? સાડી છે ને નવી ?’
તેણે ના પાડી, આતુર દ્રષ્ટિએ !
તો ખરીદી લે. હું પણ એક જોડ નવાં શર્ટ-પેન્ટ ખરીદી લઉં.  બૂટ પણ ખરીદવા પડશે. હજામત પણ વધી ગઈ છે. દિવસ બે જ છે અને કરવાનું ઘણું છે. મેં કહ્યું

અમે તો આનંદમાં આવી ગયાં. મેં ઓફિસમાં બધાને કહી દીધું. બધાએ આનંદ વ્યક્ત કર્યો. શ્રીમતીજીએ ફળિયયામાં બધાને કહ્યું. બધા તો તેની ઈર્ષા જ કરવા લાગ્યા.

રવિવાર આવ્યો. મેં તે દિવસે ઘસી-ઘસીને દાઢી કરી. શ્રીમતીજી પણ સુગંધિત સાબુથી નાહ્યાં. બધાં બાળકોને પણ તેમણે આજે નવડાવ્યાં. હું પણ શેરીમાં વિના કારણે બે-ત્રણ આંટા મારી આવ્યો. બધા અભિનંદન આપતા હતા.

ચાર વાગ્યે અમને લેવા યુવતી આવી. હું પરમ સમાધિમાં હતો.

એમ ત્યાં પહોંચ્યા. લગભગ પચાસ જેટલા શ્રોતા હતા. અમને ગાદી પર બેસાડયા. બધાએ અમને તાળીથી વધાલી લીધા. શ્રીમતી નવી સાડીમાં પારો જેવાં શોભતાં હતાં. સ્ત્રીઓમાં તે વિષે ગણગણાટ શરૂ થઈ ગયો. હું પણ ઠીક ઠીક શોભતો હતો. બે દિવસમાં પુષ્કળ ખર્ચ કરી નાખ્યું હતું.

કાર્યક્રમ શરૂ થયો.

શરૂમાં બે-ત્રણ જણાએ સ્વાગત ગીત મંગળ મંદિર ખોલો ગાયું,

પછી મારી ચંદ્રમુખી... સોરી, પેલી યુવતી, ઊભી થઈ. તેણે મારી પ્રશંસા કરતાં કહ્યું. ઝુમરી તલૈયા પછી આપણા ગામનું નામ સતત રેડિયોમાં આવે છે. તે આ મુરબ્બી વડીલ શ્રી ચંદુભાઈ કાકાને કારણે.
કાકા સાંભળી મારું મોં પડી ગયું. આવી યુવતી કાકા કહે તે યોગ્ય નહીં. બસ, ચંદ્રમુખીનો કાકો ?
તે આગળ બોલી,... તેને પરિણામે આપણને ગૌરવ મળે છે. જેમ ટાગોરે, ગાંધીજીએ દેશનું નામ રોશન કર્યું, તેમ આ ચંદુભાઈ કાકાએ પણ આપણાં ગામનું નામ પ્રસિદ્ધ કર્યું છે... માટે જ આપણે તેમનું સન્માન કરવા ભેગા થયા છીએ.
બધાએ ફરી તાળી પાડી.

યુવકે ઊભા થઈ કહ્યું, ભગત યુવક મંડળ એક વીસ સંસ્થા છે, જે પાયાનાં કામો કરે છે. શરૂઆતમાં ગરીબોને રોટલો આપતા, પછી અનાથાશ્રમનાં બાળકોને કપડાં આપ્યાં હતાં, ત્યાર પછી  ગાંડાની હોસ્પિટલના દર્દીઓને મળ્યા હતા... અને આ પરંપરામાં, આજે ચંદુભાઈ સાહેબનું સન્માન કરી રહ્યાં છીએ. નોબેલ ઈનામ જેવું તો સન્માન આપવાની અમારી તાકાત નથી, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી સન્માન કરીશું.
મારી છાતી ધડકધડક થવા લાગી. નોબેલ ઈનામી પાંખડી ! અઠવાડિયે એક પોસ્ટકાર્ડ લખવા માટે આ...ટ...લી મોટી કદર ! આડી આંખે શ્રમતીજી સામે જોયું, તેં ઊંડા ચિંતામાં ડૂબી ગયાં હતાં.

બીજા યુવકે અભિનંદન સંદેશાઓનું વાંચન કર્યું. ગુજરાતના મુખ્ય પ્રધાને સન્માન બદલ અભિનંદન મોકલ્યા હતા. ઝુમરી તલૈયા શ્રોતા મંડળે પોતાના સભ્યો જેવા જ ઉત્સાહી આ ગામમાં વસે છે તેથી આનંદ અનુભવ્યો હતો. તેમણે મને અભિનંદન આપી શ્રોતા મંડળ સ્થાપવા સૂચવ્યુ હતું. સ્થાનિક નેતાએ પોતાની ગેરહાજરીની ક્ષમા માંગતાં મારી ભરપેટ પ્રશંસા કરી હતી અને રાષ્ટ્રમાં આવી રીતે નામ ગજવતા રહો એવા આશીર્વાદ આપ્યા હતા.

પછી તે યુવકે ફળિયાના વૃદ્ધ વડીલ કાકુભાઈને વિનંતી કરી કે, તે અમારું સન્માન કરે.

પેલી ચંદ્રમુખીએ પ્રથમ સન્માનપત્ર વાંચ્યું. તેમાંના મારાં વખાણ સાંભળીને ખાસ કરીને તેના મોંએ મને તો ગલગલીયાં થતાં હતાં.

પછી કાકુભાઈ માંડ માંડ ઊભા થયા. તેમણે જાહેર કર્યું કે, તેઓ આ ઈનામ મારા વતી શ્રીમતીજી ને જ આપશે. તેમને એક મોટું બોક્સ આપવામાં આવ્યું. જે તેમણે નયનાને  અર્પણ કરી તેના માથા-ખભા પર ચાર-પાંચ વાર આશીર્વાદ આપ્યા !
આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો.

હું તો બોક્સ સામે નશીલી આંખે જોયા કરતો હતો. તેમાં કેટલાનો ચેક હશે ? કે ચાંદીની કિંમતી વસ્તુ હશે ? જલ્દી ઘેર પહોંચવાની ઉતાવળ હતી.

કાકુભાઈએ પ્રસંગિક પ્રવચનમાં મારી પ્રશંસા કરી અને હું ચડ્ડી પહેરતો (?) ત્યારથી તેમણે મને રમડ્યો હતો તે સંભારી ગૌરવ લીધું. (આમ તો મેં તેમનો ખૂબ માર ખાધો હતો.!) મારા મિત્રે મારાં આદર્શ લગ્ન-જીવનની પ્રશંસા કરી. મારી ઓફિસના મિત્ર કનુએ મારી કર્મનિષ્ઠાનાં ખૂબ વખાણ કર્યાં.

કાર્યક્રમ જામ્યો.

હું અને શ્રીમતીજી તો ગળગળાં હોવાથી બોલી જ ન શક્યાં.

છેલ્લે યુવતીએ આભાર માનતાં કહ્યું કે, અમે તમને આ તક પૂરી પાડી તે બદલ યુવક મંડળ તેમનું આભારી છે. ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરવાની તક મળશે તો તે ઋણી રહેશે.

કાર્યક્રમ પૂર્ણ થયો. બધાએ અમને ઘેરી લાધા. આખી શેરી ખુશ થઈ હતી. માંડ છૂંટાં પડી શક્યાં અમે. ઝડપથી પગ ઉપાડતાં ચાલવા લાગ્યાં.

રસ્તામાં નયનાએ કહ્યું, સાંભળ્યું ? ફૂલની પાંખડી !’
હા, મારો ઉત્સાહ દબાવતાં બોલ્યો, તું શું ધારે છે ?’
અરે, પૈસા નથી, ચાંદીનું કશુંક લાગે છે  ?’

જે હોય તે.
ઘરે પહોચ્યાં. બાળકો પણ ઘેરી વળ્યાં. નયના વચ્ચે બેઠી. આસપાસ અમે પાંચ બેઠાં.

ધડકતે હૈયે તેણે બોકસ ખોલવા માંડ્યું. બોક્સમાંથી બીજું બોક્સ નીકળ્યું. તેને ખોલ્યું તેમાં એક નાનું બોક્સ હતું. તેને નયનાએ ધી...મેથી ખોલ્યું.

અંદરથી બે બોલપેન, એક ઈન્ડિપેન અને એક રબ્બર નીકળ્યાં.

હું લથડયો.

ચારે બાળકોએ મને પકડી લીધો.

શ્રીમતીજીએ તો વિલાપ જ શરૂ કર્યો.

ઘરમાં કકળાટ મચી ગયો !

0 comments: