- શાહબુદ્દીન રાઠોડ
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાત ભાગ-2’માંથી)
ભાવનગર રાજાબાબુને ત્યાં મારો કાયમી ઉતારો છે. હું જાઉં એટલે રાજાબાબુ, મીરાંબહેન, ઢોલું-કિરણબહેન, નાનો યશ અને સૂરજ બધાં ખુશ થઈ જાય.
અમુક મહેમાનો આવે ત્યારે ઘરધણ ખુશ થાય છે. જ્યારે અમુક જાય ત્યારે સૌને નિરાંત થાય છે.
રમૂજી સ્વભાવના માણસો જ્યાં જાય ત્યાં આદરને પાત્ર બને છે, કારણ એ આનંદ વહેંચે છે. મારા બત્રીસ વર્ષથી ચાલતા હાસ્યરસના કાર્યક્રમો, પારકા ઘરે આરોગેલાં ઉત્તમ પ્રકારનાં ભોજન, સુપાત્ર પરિવારોના સંસ્કારી ઘરોમાં ઉતારો અને સુવિધાપૂર્ણ પ્રવાસોને આભારી છે, મારે વાહન નથી, પણ વાહનયોગ છે.
રાજાબાબુએ પોતે ખૂબ વાંચ્યું છે, વિચાર્યું છે. દેશ-વિદેશના પ્રવાસો તેમણે અને મીરાંબહેને પરિવાર સહિત કર્યા છે.
સૌથી ઉમદા ગુણ આ પરિવાર ભોજન પ્રિય છે, પોતે સ્વાદિષ્ટ વાગીઓ બનાવી આરોગે છે, મહેમાનોને પણ આગ્રહ કરી ખવરાવે છે એ છે.
મારો 8/8/2002ના રોજ ભાવનગર કાર્યક્રમ હતો. હું 7મીએ બપોરના પહોંચી ગયો. માત્ર આ પરિવારના સાંનિધ્યમાં રહી શકાય અને મહેમાનગતિ માણી શકાય એટલા માટે જ.
ભાવગનર બપોરના બે વાગ્યે હું પહોંચ્યો હતો. સરસામાન મૂકી, હાથ ધોઈ, સીધો ડિનર ટેબલ સામે ખુરશી પર ગોઠવાઈ ગયો. મીરાંબહેને ઊંધિયું પીરસ્યું, લાડુ થાળીમાં મૂક્યા, દાળ પીરસી અને ગરમાગરમ રોટલીઓ ઉતરતી જાય તેમ પીરસતાં ગયાં. એક તો એમનો આગ્રહ, હું મોઢાનો મોળો, ઉપરથી ખરેખરી લાગેલી ભૂખ અને સ્વાદિષ્ટ ભોજન. રાબેતા મુજબ મારાથી વધુ ખવાઈ ગયું.
મેં સામે બેઠેલા રાજાબાબુને કહ્યું, “અમારા ગામમાં નવલભાઈ શેઠે રાવરાણીથી પધારેલા સામતુભા બાપુને જવાનો આગ્રહ કર્યો.”
બાપુ કહે, “મારી હારે મારો સાથી રઘો પણ છે.” શેઠ કહે, “કાંઈ વાંધો નહીં, એમાં શું ? એક માણસ વધે એમાં શું ફેર પડવાનો હતો ?” શેઠને ખબર નહિ, એક માણસ વધે અને રઘો વધે એમાં ઘણો ફેર પડી જતો હશે.
અન્ય મહેમાનો સાથે બાપુ અને રઘો જમવા બેઠા. રઘો ચાલીસ રોટલીઓ ખાઈ ગયો, શાક જેટલો સંભારો ખાઈ ગયો, પાંચ વાટકા દાળ પી ગયો અને ડોબું ધરાય એટલી છાશ પી ગયો. બાપુએ કીધું, “રઘા, જાળવ્યો જા, ફરી આવાય એવું રહેવા દે. ઘરધણી તો આગ્રહ કરે, પણ તું મીઠા ઝાડનાં મૂળ કાઢ્ય માં. હું તને ઘેર ધરવીશ, પણ અત્યારે ખમૈયા કર્ય.” રઘો કહે, “મારું મોઢું નથી વળતું.” બાપું ખિજાઈને કહે, “હવે મોં તું ઘરે જઈને વાળજે.” મોં વાળવાનો બીજો અર્થ પણ બરાબર સમજ્યા હોવાથી રાજાબાબુ ખુશ થયા. મેં કહ્યું, “મારું પણ આજ મોં નથી વળતું.” બપોરના ભારે ભોજન કર્યા પછી હું ઘસઘસાટ ઊંઘી ગયો.
ગધેડું ગમે તેટલું થાક્યું હોય, ઉકરડામાં આળોટે ત્યારે પાછું સરખું થઈ જાય. હાસ્ય કલાકારો ગમે તેટલા થાક્યા હોય, એમને નવરાવી નાખો અને જમાડી દયો એટલે પાછા કોકને હસાવી શકે તેવા થઈ જાય.
સાંજે અમે મને મળવા આવેલા મિત્રો-સ્નેહીઓ સાથે બેઠા. ફરી સાંજે જમ્યા. મેં રાજાબાબુની લાયબ્રેરીમાંથી માઈકલ એંજલો અને વિન્સેન્ટ વાન ગોગનાં જીવનચરિત્રનાં પુ્સ્તકો કાઢ્યાં. માઈકલ એંજલો અદભુત કલાકાર હતો. એ શિલ્પી હતો અને ચિત્રકાર પણ હતો. તેના “પાએટા” અને “ડેવિડ” જેવાં શિલ્પો ખ્યાતનામ છે. લાસ્ટ જજમેન્ટ અને સિસ્ટાઈન ચેપલ (રોમ)ની સિલિંગ પર 5,800 ચોરસ ફૂટમાં 300 માનવ આકૃતિઓને આવરી લેતાં ચિત્રો સમગ્ર માનવજાતિની અણમોલ અમાનત છે. જીવનભર કારમાં દુ:ખો સહી, ભૂખ્યા પેટે સર્જન કર્યા કરનાર અને છેવટે પાગલ બની આત્મહત્યા કરનાર વિન્સેન્ટ વાન ગોગનું જીવન કરુણતાની ચરમસીમાં સમું લાગે છે. પોટેટો ઈટર્સ, સૂરજમુખી, કિનારે પડેલી હોડીઓ વગેરે ચિત્રો જ્યારે રાજાબાબુને ત્યાં હું જાઉં ત્યારે ફરી ફરી જોયા કરું છું.
મને ચિત્રો દોરવાનો, જોવાનો, ચિત્રકારોનાં જીવન જાણવાનો શોખ છે. વિદેશ પ્રવાસની વાત કરતા એક સજ્જને પેરિસનો ઉલ્લેખ કર્યો ત્યારે મેં પૂછ્યું, ‘તમે “મોનાલિસા” જોયું ?’ એમણે કહ્યું, “એવાં નાનાં નાનાં ગામડાં જોવાનો સમય જ નહોતો.’ પછી મે આગળ કંઈ જ ના પૂછ્યું.
તા. 8 ઓગસ્ટનું સવાર પડ્યું નિત્યકર્મથી પરવારી, હું બહાર નીળ્યો ત્યાં બંગલામાં બનેલ એક દુર્ઘટનાના સમાચાર મને મીરાંબહેને સંભળાવ્યા.
રાજાબાબુની શેરીમાં વસતા કોઈ જાણભેદુઓએ ગેરકાયદે મંડળ રચી, એમના બંગલામાં ગૃહપ્રવેશ કરી, અહીંની મિલકતને ભયંકર નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
જાણભેદુ એટલે રાજાબાબુની શેરીનાં કૂતરાં અને મિલકત એટલે મારા થાનગઢના જયંતિલાલે સીવેલા લાલ ચેનવાળા બૂટ. મારા બૂટને કૂતરાઓ ચૂંથી નાખ્યાં, ફાડી નાખ્યા, કરડી ખાધા.
રેલવે દુર્ઘટના પછી ઘાયલ યાત્રીઓને મંત્રીઓ જુએ એમ હું મારા બૂટને જોઈ રહ્યો. પગનું રક્ષણ કરવાની પગરખાંની ક્ષમતા નષ્ટ થઈ છે એ હું જોઈ શક્યો.
મારા જોડાનો બધાએ ખરખરો કર્યો, “હશે, પનોતી ગઈ” એવું આશ્વાસન આપ્યું. મેં કહ્યું, “અરે, ભાગ્યમાં હશે તો ઘણા મળી રહેશે.” અને સૌ ખડખડાટ હસી પડ્યા. પછી તો શ્વાન-પુરાણની વાતો આખો દિવસ ચાલી. મેં એક પ્રસંગ વર્ણવ્યો....
“હું રાજકોટ નવીનકાકાને ત્યાં લગ્નમાં ગયેલો. જયુનાં લગ્ન હતાં. સૌ મિત્રો, સ્નેહીઓ, સગાંઓ આનંદ કરતાં હતાં. અમે સાથે જમ્યાં, રાત્રે દાંડિયા-રાસનો કાર્યક્રમ જોયો, મોડી રાત્રે સૌ સૂતાં.”
સવાર પડ્યું. મેં મારા પલંગ નીચેથી બૂટ ગોતવા પ્રયાસ કર્યો, પણ એક જ મળ્યું. મને થયું, એક મળ્યું એટલે બીજું હશે જ, પરંતુ બીજું બૂટ ન મળ્યું તે ન જ મળ્યું.
મેં એક બૂટનો ઘા કરી બહાર ફેંકી દીધું. લલિતભાઈ કહે, “અરે ફેંકી કેમ દીધું ? અમારી શેરીનો જાદવજી મોચી ઉસ્તાદ કારીગર છે. એક બૂટ સીવી દેશે.” હું બહાર ફેંકેલું બૂટ પાછું હાથ કરી આવ્યો અને પહોંચ્યો જાદવજીની દુકાને. મેં માંડીને વાત કરી અને એક જ બૂટ સીવી આપવા જણાવ્યું. જાદવજી કહે “હું બૂટના 120-00 રૂપિયા લઉં છું. એક બૂટના 60-00 રૂપિયા લઈશ અને એમાં પણ 30-00 બાનાના પહેલાં આપવા પડશે. તમે ન લ્યો, તો તમારી આ રકમ જશે.”
મેં જાદવજીની બધી શરત માન્ય રાખી અને બીજે દિવસે ચાર વાગ્યે બૂટ તૈયાર રાખવા જણાવ્યું. જાદવજી કહે, “ભલે, કાલ ચાર વાગ્યે તમારું બૂટ તૈયાર જ હશે.”
બીજે દિવસે હું ચાર વાગ્યે જાદવજીની દુકાને પહોંચ્યો અને બૂટ માંગ્યું. પ્રથમ તો જાદવજી મારા સામે કાંઈ પણ બોલ્યા વગર ટગર ટગર જોઈ રહ્યો.
મેં કહ્યું, “જોઈ શું રહ્યા છો હું ? બૂટ લેવા આવ્યો છું.” જાદવજી કહે, “સાહેબ તમને બૂટ નથી મળ્યું ? તમે ગયા પછી એક કલાકે તમારો માણસ આવ્યો. એણે મને કીધું કે, સાહેબનું ખોવાયેલું બીજું બૂટ જડી ગયું છે. એમ કહી એણે મને બીજું બૂટ બતાવ્યું, એટલે મેં તેને તમે આપેલું બૂટ અને ત્રીસ રૂપિયા પણ સાથે આપી દીધા.”
જાદવજીની વાત સાંભળી, ભારે હૈયે હું ત્યાંથી ચાલતો થયો. મને અરવિંદ આશ્રમ, પોંડિચેરીના શ્રી માતાજીની વાત યાદ આવી: “જીવનમાં બધું આપણું ધાર્યું નથી થતું, આટલું જ સમજવા હજી કેટલી ઠોકરો ખાવાની બાકી છે ?”
રહિમનો દોહો યાદ આવ્યો,
जो रहिम भावि कहुं होता अपने हाथ राम न जाते हरिन संग सीय न रावन साथसाथ
મને એફસોસ એ વાતનો હતો બૂટ તો ગયા, ઉપરથી ત્રીસ રૂપિયા પણ ગયા. બૂટને બદલે સ્લીપર પહેરી હું જયુના લગ્નમાં ગયો.
લગ્નવિધિ પૂરી થઈ. મિત્રો, સંબંધીઓ નવદંપતીને શુભાશિષ આપવા આવતાં હતાં, તેમાં મે જયંતિભાઈના પગમાં મારા બૂટ જોયા. મેં જયંતિભાઈને પૂછ્યું, “આ બૂટ તમે ક્યાંતી લીધા?” જયંતિભાઈ કહે, “આજે મને એક જણ મળ્યો. તેણે મને કહ્યું, “મારી પત્ની દવાખાનામાં છે. મારા બૂટ લઈ લ્યો અને સો રૂપિયા આપો” મેં કહ્યું, “એમ ને એમ લઈ જા” તેણે કહ્યું, “ના, તો નથી જોઈતા. આ બૂટ રાખો તો જ લઉં.” મેં તેને 100-00 રૂપિયા આપ્યા, તેણે મને આ બૂટ આપ્યા. અહીં આ મંડપ સર્વિસમાં જ કામ કરે છે.”
મેં કહ્યું, “એમ ? મારે એ ભાઈને મળવું છે.” હું અને જયંતિભાઈ તેને શોધવા નીકળી પડ્યાં અને મંડપનું કામ કરતા પ્રેમજીને પકડી પાડ્યો.
મેં પ્રેમજીને કહ્યું, “તમે આ બૂટ જયંતિભાઈને આપ્યા છે?” પ્રેમજી કહે, “હા” મેં કહ્યું, “તમે ક્યાંથી ખરીદ્યા?” પ્રેમજી કહે, “બાટાના સ્ટોરમાંથી.” મેં કહ્યું, “બાટાના સ્ટોરમાંથી કે જાદવજી મોચીની દુકાનેથી?” મારી આટલી વાત સાંભળતાં પ્રેમજી મોળો પડી ગયો.
જયંતિભાઈએ કરડી આંખ કરી, બે ત્રણ-પ્રશ્ન પૂછ્યા. એમાં પ્રેમજી સાવ પડી ભાંગ્યો અને રોવા માંડ્યો. પ્રેમજીએ કહ્યું, “મારી પત્ની દવાખાનામાં સંજવારી-પોતાં કરે છે, હું છૂટક મજૂરી મળે તે કરું છું. ગરીબ માણસ છું. મેઘાણી રંગ ભવન પાસે આજે સવારે એક કૂતરાને મોઢમાં જોડું લઈને ભાગતું જોયું. મેં પાછળ દોડી પાણો માર્યો એટલે એ બૂટ મૂકીને ભાગી ગયું. એક બૂટ મળ્યું એટલે આ કમત સૂઝી, ત્યાં મેં તમને એક જ બૂટ દઈને જાદવજીને દુકાને જતા જોયા. હું સમજી ગયો. તમારા ગયા પછી તરત હું ગયો. બીજું બૂટ બતાવ્યું. જાદવજીને બૂટ જડી ગયાની વાત કરી, એટલે એણે મને બીજું બૂટ આપી દીધું. ત્રીસ રૂપિયા તો તેણે સામેથી આપ્યા. મેં માગ્યા નહોતા. ભાઈસા’બ ફરિયાદ-બરિયાદ કરશો નહિ. આ લ્યો, તમારા પૈસા”. પ્રેમજીએ સો રૂપિયા જયંતિભાઈને આપ્યા. મને ત્રીસ રૂપિયા આપ્યા. મેં મારા બૂટ પાછા પહેરી લીધા. મારાં સ્લીપર જયંતિભાઈએ પહેર્યાં. જયંતિભાઈને તેમની રકમ પરત મળી, મને બૂટ અને પૈસા મળ્યા, પ્રેમજીને છૂટકારો મળ્યો.
જોડાની વાત પૂરી કરી હું તૈયાર થવા મારા રૂમમાં ગયો. ભાગ્યમાં હોય તો જોડા મળી રહે.
0 comments:
Post a Comment