મિત્રને નહીં કરેલ વાત


- ભૂપત વડોદરિયા

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

શ્રદ્ધા નર્સિંગ હોમના સ્પેશિઅલ વોર્ડના એક ખંડમાં નંદલાલ પલંગમાં બે લાંબા લંબગોળ ઓશીકાનો ટેકકો લઈને બેઠા છે.

પથારીમાં પગ લંબાવ્યા છે. ઉંમર તો 76 વર્ષની છે, પણ માથાના વાળ હજુ કાળાભમ્મર છે. ઘણા બધા એમને પૂછતા કે, કલપ કરો છો ? નંદલાલ કહેતા-ના ! માનવામાં આવતું ના હોય તો ખાતરી કરી લ્યો ! એમના પગ પાસે એમના વર્ષો જૂના મિત્ર શશીકાંત બેઠા છે.

કારતક મહિનાના બીજા પખવાડિયાનો એક દિવસ છે. સવારનો સમય છે. નંદલાલના ચહેરા પર એક તાણ છે ! શશીકાંત નંદલાલ શેઠના પગ પંપાળી રહ્યો છે.

નંદલાલે સહેજ ફિક્કું હસીને કહ્યું : ‘બસ હવે યાર ! ઝાઝી પગચંપી કરવાની જરૂર નથી !’
શશીકાંતે હસીને કહ્યું : ‘તને તો ખબર છે કે કોઈની પગચંપી કરે એ શશીકાંત નહીં ! તારાથી ઉંમરમાં હું એક વર્ષ મોટો છું. આપણે બંને હાઈસ્કૂલમાં અને કોલેજમાં સાથે જ હતા અને પછી હું તારા પડછાયાની જેમ તારી સાથે જ રહ્યો છું. ખોટું ના લગાડીશ, પણ મેં તને થોડું ઘણું પણ આપ્યું હશે-મેં ખાસ કાંઈ તારી પાસેથી લીઘું નથી
નંદલાલ, આજે તું કાંઈક ઊંડી ચિંતામાં હો એવું લાગે છે. મેં મારી જિદગીનું કોઈ પાનું તારાથી છાનું રાખ્યું નથી અને તેં પણ તારી જિંદગીનું કોઈ પ્રકરણ મારાથી છાનું રાખ્યું નથી. તને હૃદયરોગનો જે હુમલો થોડા દહાડા પહેલા આવ્યો તેમાંથી તું લગભગ બહાર નીકળી ગયો છે અને તારા ખાસ ડોક્ટરોએ જ મને કહ્યું છે કે, હવે મુદ્દલ ચિંતા કરવા જેવું નથી. ઈશ્વરની કૃપાથી તારી  તબિયત એકંદર ખૂબ સારી છે. તને બીજી પણ કોઈ પરેશાની હોવાનું માની શકતો નથી. શેર બજારની તેજીમાં તું ખૂબ કમાયો છે. અમદાવાદ શહેરના જે વિસ્તારો માત્ર ખેતર હતા તે વખતની તેં ખરીદેલી જમીનોમાંથી સોના મહોર જ વરસી છે ! હજુ પણ તારી પાસે ઘણી બધી જમીનો છે.

પ્રભુએ તને એક દીકરો આપ્યો છે અને એક દીકરી આપી છે. હા, મારાં ભાભી તને છોડીને ચાલ્યાં ગયાં તેનું દુ:ખ તને હોય જ, પણ તું એને પરણ્યો ત્યારે તે તારાથી અડધી ઉંમરનાં હતાં. એમણે તારું ઘર છોડ્યું ત્યારે બે બાળકની માતા બની ચૂકી હતી. ત્યારે તો તું પૈસા પાછલ પાગલ હતો. એ પ્રેમ શોધતી હતી. છેવટે તારું ઘર છોડીને ચાલી ગઈ. તેણે ધાર્યું હોત તો બંને નાનાં બાળકોને સાથે લઈ જઈ શકી હોત ! પણ તેણે એવું ના કર્યું. પ્રેમના નામે બિચારી એ પણ શું પામી ? તેણે માંડેલા બીજા સંસારમાં પૂરાં પાંચ વર્ષ પણ ના રહી અને ચાલી ગઈ.

નંદલાલ, તને શેની ચિંતા છે ? આજે હમણાં કલાક પહેલાં એક જુવાન તને મળવા આવ્યો હતો. તેને જોઈને તેં કાંઈક આઘાત સાથે કહ્યું: ‘અરે, અમર તું?’
પછી તેં મારી સામે જોઈને કહ્યું: ‘શશીકાંત, તું જરા નીચે જા. પગ છૂટો કરી આવ, આખી રાત તું અહીં ને અહીં બેસી રહ્યો છે !’
નંદલાલ, તારી પાસે હું હોઉ અને ગમે તેવો ચમરબંધી આવે તોય તારે મને બહાર જવાનું કહેવું પડ્યું નથી. ખેર, મને તેનું કાંઈ ખોટું લાગ્યું નથી. પણ એ જુવાન તને મળીને પંદર જ મિનિટમાં ચાલ્યો જતો મેં જોયો હતો. મેં તેને સગી આંખે જતો જોયો. હું નીચે રાહ જોતો જ ઊભો હતો. તે તેને મળવા આવ્યો તે પછી જ તારા ચહેરા પર ચિંતાનું એક મોટું વાદળ ફેલાયું હોય તેમ મને લાગે છે.

વાંધો ના હોય તો મને કહે- આ અમર કોણ છે ? તારી પાસે કેમ આવ્યો હતો ? એણે તને એવું શું કહ્યું કે, તારો મિજાજ આટલો બધો બદલાઈ ગયો ?”
નંદલાલ શેઠે કંઈક સંકોચ અને કંઈક ચીડ સાથે કહ્યું: “છોડ ને હવે ! તને જરૂર કહીશ. તને નહીં કહું તો હું કોને કહીશ ? તને જરૂર કહીશ-હમણાં ને હમણાં મારી ચિંતાના બહાને તું કશું જાણવા અધીરો ના થઈશ.
શશીકાંત : “તને ઈચ્છા થાય તો કહેજે ! ના કહેવું હોય તો ના કહેતો. મને ખોટું નહીં લાગે. તું સુખી અને સાજોનરવો હોય એટલું જ મારે માટે બસ છે.
નંદલાલે વાત બદલતાં કહ્યું : “શશીકાંત, થોડી વારમાં અંજના આવવાની છે. દિવસમાં બે વાર મારી ખબર કાઢવા આવે જ છે તે તને ખબર છે જ. એ તો અહીં મારી પાસે રહેવાનો આગ્રહ પણ રાખે છે, પણ હું જ ના પાડું છું. શશીકાંત, તું મારી પાસે જ છે પછી બીજા કોઈની મારે શુ જરૂર ? સાચું જ કહું તો મને હવે અંજનાની ચિંતા થાય છે. આટલી રૂપાળી છોકરી, આટલી હોશિયાર અને આટલી સુશીલ પણ તેના લગ્નનું કંઈ ગોઠવાતું નથી. મૂરતિયાનો તો કાંઈ તોટો નથી, પણ તે દરેકને નાપસંદર કરે છે ! મને એ જ સમજાતું નથી કે, તે દરેક મુરિતયાને ના જ પાદી દે છે તેનું કારણ શું હશે ? શ્રીમંત, ઊંચામાં ઊંચી ડિગ્રી ધરાવતા અને અત્યંત દેખાવડા મૂરતિયા પણ તેની આંખમાં વસતા નથી !” શશીકાંતે આશ્વાસનના સૂરે કહ્યું : “નંદલાલ, તેનો પણ યોગ હોય છે ! એ યોગ થશે એટલે કાચી ઘડીમાં પતી જશે અને એ પોતાના પતિને ઘરે પહોંચી જશે.
નંદલાલે નિસાસો નાખતાં કહ્યું : “એ બધું તો બરોબર છે, પણ તેની ઉંમરનો પણ ખ્યાલ કરવો પડે ને ! તેના દેખાવ પરથી કોઈ તેને ચોવીસ-પચીસ વર્ષની ધારે, પણ હકીકતે તને તેત્રીસમું વર્ષ ચાલે છે.

શશીકાંત : “આજ-કાલ છોકરીઓ મોડી જ પરણે છે. આપણો જમાનો ગયો. અઢાર-વીસ વર્ષે તો એક બાળક હોય એ જમાનો ગયો.
ત્યાં જ અંજના આવી પહોંચી.

અંજના : “કેમ છે પપ્પા ? શશીકાકા, તમારા દિલોજાન દોસ્ત શેઠ શ્રી નંદલાલનું હેલ્થ બુલેટિન સંભળાવો !”
અંજનાએ શશીકાંતને ઈશારો કરીને પલંગ પરથી ઉઠાડ્યા અને પિતાના પગ પાસે પોતે બેસી ગઈ. શશીકાંત પલંગ પાસેથી ખુરશીમાં બેસી ગયો.

અંજનાની પૂછપરછના જવાબમાં શશીકાંતે હસીને કહ્યું : “તબિયતના મોરચે બધું જ બરાબર છે. હા, મિજાજના મોરચે થોડી તંગદિલી છે ! દીકરી, તારી જ કાંઈ ક ચિંતા નંદલાલ કરતો હોય એવું લાગે છે. કોઈક નમણો, નાજુક, માલદાર મૂરિતયો તું પસંદ કરી લે એટલે તારાં પિતા રાજી-રાજી થઈ જશે.
અંજના : “બસ, આજ તો પપ્પાને એ જ વાત કહેવા આવી છું. પપ્પા, શશીકાંત કાકાની હાજરીમાં જ વાત કરું તો વાંધો નથી ને ?”
નંદલાલે કહ્યું : “શશીકાંતની હાજરીનો શું વાંધો હોય ? એ તો મારો પડછાયો છે. મારે એનાથી કશું જ ખાનગી નથી. બેટા, મને આજ તો ખુશખબર આપી દે. તને કોઈ છોકરો ગમ્યો હોય તો તેનું નામ-સરનામું આપી દે. આપણે નક્કી કરી જ નાખીએ.
અંજનાએ પિતાની સામે સીધી નજર-કરી અને પછી કહ્યું : ‘પપ્પા, હું આજે આવી તો છું આ જ વાત કરવા પણ, મને રસ્તામાં પણ એ જ દ્વિધા હતી કે, અત્યારે આજે તમને કહું કે ના કહું ! તમારી તબિયત અત્યારે તો સારી લાગે છે, પણ મને ડર છે કે મારી વાત તમને પસંદ ના પડે અને તેની અસર તમારી તબિયત પર થાય ! પપ્પા, તમને દુ:ખી કરીને હું સુખી થવા માંગતી નથી. હું એ રીતે જ વિચારતી રહી છું. પણ આ બાબતમાં તો મને એવું લાગે છે કે, કદાચ તમને દુ:ખી કરીને પણ હું સુખ મેળવવાની જીદ કરીશ.
નંદલાલ શેટનાં ચહેરા પરથી જાણે એકદમ લોહી ઊડી ગયું હોય તેમ નિસ્તેજી ફેલાઈ ગઈ. કદાચ રુદન ખાળવા તેમણે હાથથી હોઠ ઢાંક્યાં, પણ આંગળીઓમાં સહેજ ધ્રુજારી શશીકાંત જોઈ શક્યો. શશીકાંતે હસવાની કોશિશ કરતાં કહ્યું : “અંજના, આ રીતે તારા પપ્પાને પરેશાન ના કર ! તું જલદી કહી દે કે, તું મજાક જ કરી રહી છે. અંજના, તું મજાક જ કરી રહી છે ને ? મજાક જ, બીજું તો શું હોય ! નંદલાલ, આટલા બધા દુ:ખી દુ:ખી થઈ જવાની જરૂર નથી. આજકાલ જુવાન દીરકા-દીકરીઓને આ રીતે મા-બાપને પજવવાનું ગમતું હોય છે. અંજના, સસ્પેન્સ ઊભો કર્યા વિના જે હોય તે કહી દે.
અંજના : “વાત કંઈ એટલી બધી તાકીદની નથી. પછી કહીશ.
નંદલાલે કહ્યું : ‘બેટા, તારા પિતાએ જિંદગીમાં ઘણા કડવા ઘૂટડા પીધા છે ! શશીકાંત અમસ્તો અમસ્તો મારા માટે અકળાઈ જાય છે. જ્યારે ને ત્યારે આ રીતે શશીકાંત એનો મિત્ર-પ્રેમ જાહેર કર્યા વગર રહી શકતો નથી.

શશીકાંત, તું કેમ મારી આટલી બધી દયા ખાય છે ? પચીસ વર્ષ પહેલાં તારી પૂજ્ય ભાભી, મારી વહાલી પત્ની મંદાકિની મને છોડીને ચાલી ગઈ ત્યારે મને શું થયું હતું ! કંઈ જ નહીં. ત્યારે મને થયું હતું કે, આ જ મારું મોત છે. મારી મંદાકિની, મને છોડીને જાય ? બે નાનાં બાળકો મને સોંપ્યા વગર પાચળ મૂકીને જ ચાલી જાય ? શશીકાંત, તારો દોસ્ત નંદલાલ તને એટલો બધો નરમ-ઢીલો-ગભરું લાગે છે ? પણ હું એવો ક્યાં છું ? હૃદય તો ક્યાં ફાટી પડ્યું ? મારા જેવું કઠોર કાળજું ભગવાને બહુ થોડા માણસોને આપ્યું હશે.
નંદલાલ શેઠનો અવાજ રુંધાઈ ગયો અને પછી અંતરનું રૂદન એમના અંકુશમાં ના રહ્યું. એક બાળકની જેમ એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા માંડ્યા.

અંજના એકદમ ઢીલી પડી ગઈ, એ પિતાને વળગી પડી. પપ્પા !પપ્પા ! પ્લીઝ ! તમે રડો નહીં. એવું કાંઈ જ નથી. શશીકાંત કાકાની વાત સાચી છે. હું મજાક જ કરતી હતી. પપ્પા, ખરેખર એક જોક જ હતી. બાય ગોડ ! તમને કેમ આટલું બધું લાગી આવ્યું ? પપ્પા ! પ્લીઝ. કશું જ નથી. તમે ખોટી ચિંતા ના કરશો. મારી વાતને મજાક જ સમજીને ભૂલી જાવ. શશીકાકા, મારા પપ્પાને સમજાવો ને !”
નંદલાલે સ્વસ્થ થતાં કહ્યું : “અંજુ, એ એક મજાક હતી એવું હું માનવા તૈયાર નથી. બેટા, મને તારે એવાં આશ્વાસનો આપવાની કોઈ જ જરૂર નથી. બેટા, તને જ્યાં સુખ દેખાતું હોય ત્યાં તું તારું સુખ શોધી લે. જુવાન દીકરા-દીકરીઓને  મા-બાપે આપવા ઈચ્છેલાં સુખો કિંમત વગરનાં લાગે છે. બેટાં, તમારી જિંદગીની આ વસંત છે તમને ફૂલોથી લચી પડેલો બગીચો ચોપાસ દેખાય-અમારી આંખમાં એ જોવાનું તેજ બચ્યું નથી.”
અંજનાએ પિતાનાં બંને હાથ પોતાના હાથમાં લઈને કહ્યું : “તમે મને હંમેશાં ડાહી દીકરી, ડાહી દીકરી કહેતા જ આવ્યા છોને ? પપ્પા, હું તમારી ડાહી દીકરી જ હજુ છું. ચિંતા ના કરશો. એટલી ખાતરી રાખજો કે, તમને દુ:ખ થાય તેવું કશું જ નહીં કરું. તમારી ખુશીપૂર્વકની સંમતિ વિના એક પણ ડગલું નહી ભરું. ઓ કે.? પપ્પા, ટેઈક કેર !”
અંજના ચાલી ગઈ.

અંજના ગઈ તે પછી શશીકાંત મિત્રના પગ પાસે નહીં, મસ્તાક પાસે પલંગની ધાર પર બેઠો. નંદલાલના કપાળે હાથ કૂકીને કહ્યું : “નંદલાલ, આ રીતે મગજને ગરમ ના કરીશ. એમનું સુખ એ જ આપણું સુખ. ડોક્ટરે તને આરામ લેવાનું કહ્યું છે, પણ પથારીમાં જ પડ્યા રહેવાનું નથી કહ્યું. વોશબેસિન પર જઈને મોં ધોઈ નાખ. પછી આપણા નાનકડા ડાઈનિંગ ટેબલ પર બેસીને આપણે બંને પેટપૂજા કરી લઈએ.
નંદલાલે વોશબેસિન પર જઈને મોં ધોયું. બંને મિત્રો બે જ જણને ખપમાં આવે એવા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા. ટીફિન લઈને આવેલો નોકર કાળુ ટીફિન ખોલીને થાળીમાં પીરસવાનું શરૂ કરે તે પહેલાં જ બારણે ટકોરો મારીને નર્સિંગ હોમનો ચોકીદાર અંદર આવ્યો અને સલામ કરીને બોલ્યો : “કોઈ અમરભાઈ આપને મળવા આવ્યા છે. મેં રોક્યા છે...
નંદલાલ શેઠ કંઈ બોલે તે પહેલાં જ શશીકાંતે ચોકીદારને કહ્યું : “તમે તેમને કહો કે સાંજે પાંચ વાગ્યે અને આજે તેમને અનુકૂળ ના હોય તો આવતી કાલે આવે.

ચોકીદાર, આ સમયે તમારે પણ શેઠ સાહેબને પૂછવા આવવાનું હોય જ નહીં. તમારે જ ના કહી દેવી જોઈએ અને કહી દેવું જોઈએ કે, આ સમય દર્દીઓની મુલાકાતનો સમય નથી.
ચોકીદાર વિદાય થયો.

નંદલાલે કહ્યું : “શશીકાંત, મને તો ભૂખ જ નથી. તું જમી લે.
શશીકાંત : “ખુરશી પર બેસી રહે. હમણાં જ અને અત્યારે જ જમવું છે. ભાણે બેસીએ એટલે સંતાઈ ગયેલી ભૂખ તરત હાજર થઈ જાય.

મારી વાત માન તો હવે તું કોઈને પણ મુલાકાત આપવાનું બંધ જ કરી દે. તમે મળવા આવેલા દરેકને હું જ મળીશ અને તે આ ખંડમાં નહીં.
નંદલાલે ગળગળા અવાજે હસવાની કોશિશ કરતાં કહ્યું : “દોસ્ત, મારા વતી, મારું બાકીનું તું જ જીવી નાખ ! દોસ્ત, હું હવે ખરેખર થાક્યો છું !”
શશીકાંતે નંદલાલના ખભા પર હાથ મૂકીને કહ્યું : “ના ભાઈ ના. કોઈના વતી કોઈ બીજાથી ના જીવાય. અરે નંદલાલ, મારા શેઠ, તમે ભૂલી જ ગયા ? તમે તો મને વચન આપેલું છે કે, હું જાઉં ત્યારે તમારે તમારા ખભા ઉપર મને સ્મશાન પહોંચાડવાનો છે. ઉંમરમાં હું તમારાથી એક વર્ષ મોટો છું દોસ્ત, વચન પાળવાનું જ છે તમારે.
તે જ દિવસે પાંચ વાગ્યે અમર ફરી મળવા આવ્યો. શશીકાંત નંદલાલને અમર સાથે એકાંત પૂરું પાડવા નીચે ચાલ્યો ગયો.

અમરે કશી લાંબી પ્રસ્તાવના કર્યા વગર કહ્યું : “શેઠ સાહેબ, મારે આપનું બીજું કંઈ કામ નથી. તમારી પુત્રી અંજનાની સાથે હું લગ્ન કરવા માગું છું. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. અંજના તમારી સંમતિ લેવા આવી હતી ને ? તમારા મિત્રની હાજરીને લીધે તે વાત કરી ના શકી તે માને છે કે, તેં ઉંમરમાં મારાથી મોટી છે તેથી તમે સંમતિ નહીં આપો- તેને ડર છે કે તમારી તબિયતને કારણે તેની આ વાતથી તમને આઘાત લાગશે.

પણ આમાં આઘાત લાગવા જેવું મને કંઈ દેખાતું નથી. અત્યારે હું મારા વતી અને અંજના વતી-બંને વતી તમારી સંમતિ માગવા આવ્યો છું.
નંદલાલને એકદમ છાતીમાં દુ:ખાવો ઉપડ્યો. એક ચીસ છેક બહાર સંભળાઈ. શશીકાંત દોડી આવ્યો. ફરજ પરના ડોક્ટર પણ આવી ગયા. શશીકાંતે તીખી નજરે અમર સામે જોયું. અમર ચાલ્યો ગયો.

શશીકાંતે ગળગળા સાદે કહ્યું : “દોસ્ત, તું હવે આ બધી દુનિયાદારીથી અળગો કેમ થઈ જતો નથી ?”
નંદલાલે ક્ષીણ અવાજે કહ્યું : “તારાથી મેં છુપાવેલી એક વાત એ છે કે, અમર મારો દીકરો છે. તેની માતા અને અંજનાની માતા એક જ મને છોડી ગયેલી મારી પત્નીના બીજા સંસારનું એક માત્ર સંતાન. એટલું કહીને નંદલાલે આંખો મીંચી દીધી હંમેશાને માટે.

0 comments: