લીલા લહેર


-         દિનકર જોષી

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

શ્રીમાન પંડ્યાજી અને શ્રીમતી પંડ્યા બંનેની ષષ્ટિપૂર્તિ ઉજવાઈ ચૂકી છે. ઉજવાઈ ચૂકી છે એનો અર્થ એવો નથી થતો કે, કોઈ જાહેર સમારંભમાં એમને હારતોરા થયા હોય અને એમના શતાયુ માટે શુભેચ્છા વ્યક્ત થઈ હોય. એનો અર્થ એટલો જ થાય છે કે, આ બંને જણ આઠ વરસની વય વળોટી ચૂક્યાં છે.

સગાં-સંબંધીઓમાં, આડોશીપાડોશીમાં, વાર-તહેવારે આ પંડ્યા દંપતી સુખી પતિ-પત્ની તરીકે ઓળખાય છે. એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાન છે. પુત્ર એન્જિનિયર થયો છે અને હવે વ્યાવસાયિક કારણોથી વિદેશ વસે છે. વરસે-બે વરસે મહિના-પંદર દિવસ માટે માતા-પિતાની ખબર લઈ જાય છે, એટલું જ નહિ, વિદેશી હૂંડિયામણમાં જરૂરી રકમ પણ અવારનવાર મોકલે છે. જો કે શ્રીયુત પંડ્યાને પુત્રની આ રકમની ઝાઝી જરૂર નથી, કેમ કે પાંત્રીસ વરસની સારા પગારની સરકારી નોકરી પછી હવે જે નિવૃત્તિ લાભો મળે છે, એમાં રૂપિયા નવ હજારનો માસિક દરમાયો પણ છે. થોડાંક રોકાણો અહીં-તહીં કર્યાં છે, એનું સારું વ્યાજ આવે છે. શરીરે જો કે હજુ કડેધડે છે અને ક્યાંક પાર્ટ ટાઇમ નોકરી શોધીને જીવ થોડોક બહાર રોકેલો રાખે તો સારું એવો શ્રીમતી પંડ્યાનો અત્યંત આગ્રહ હોવા છતાં શ્રયુત પંડ્યા ક્યાંય જતા નથી. કહે છે- મેં માથું ઢાળીને મૂંગા પશુની જેમ પૂરાં પાંત્રીસ વરસ સરકારી હાજરીપત્રકમાં સહી કરી છે, હવે એકેય વાર આ રીતે માથું ઢાળવા માગતો નથી.

પુત્રી એટલે તો પારકી થાપણ. આ થાપણને પંડ્યા દંપતીએ વળાવી દીધી છે. સાસરવાસી દીકરી સુખી છે. પહેલાં અવારનવાર માતા-પિતાની ખબર કાઢવા સાસરેથી આંટો આવતી, પણ હવે એનાં બચ્ચાં-કચ્ચાંમાં પડી ગઈ છે, એટલે ઝાઝું નીકળી શકતી નથી. જો કે અવારનવાર ટેલિફોન કરીને ખબર પૂછી લે છે.

સુખ માટે આથી વધુ શું જોઈએ ?
શ્રીયુત પંડ્યા બહારથી ઘરમાં દાખલ થયા ત્યારે શ્રીમતી પંડ્યા ટીવી ચાલુ કરીને કોઈક સિરિયલ જોઈ રહ્યાં હતાં. સિરિયલમાં ક્યાંક મૃત્યુ થયું હતું અને પડદા ઉપર બધાં પાત્રો મોં વાળીને રડતાં હોય એમ રોકકળ કરતાં હતાં.  શ્રીયુત પંડ્યાને આમેય ટેલિવિઝન જોવાનો મુદ્દલ શોખ નહોતો. શ્રીમતી પંડ્યા નવરાશના મોટા ભાગના કલાકો ટીવીના પડદા સામે જ ગાળતાં. આના પરિણામે, પતિ-પતિની બંને દીવાનખંડમાં સાથે બેઠાં હોય એવું ઓછું બનતું. શ્રીમતી પંડ્યા ટીવીના બટન ઉપર જેવી હાથ મૂકે કે તરત જ શ્રીયુત પંડ્યા ઊભા થઈને પોતાના અંદના ખંડમા જતા રહે. ટીવી સિરિયલોમાં આવતી પારિવારિક ખટપટો, રોકકળો, તકરારો અને પરસ્પરની છેતરપિંડીની વાતોથી પંડ્યાજીને ભારે નફરત હતી. શ્રીમતી પંડ્યા હિન્દી કે ગુજરાતી ફિલ્મો જોતાં હોય એય પંડ્યાજીને મુદ્દલ ન ગમે. હિંદી ફિલ્મનો હીરો દશ-વીસના ટોળાને ધબેડી નાખે અને પછી હીરોઈનને આખી ને આખી ઊંચકીને ગોળ ફૂદરડી ફરે એ જોઈ પંડ્યાજીને ચીડ ચડતી અને શ્રીમતી પંડ્યા રાજી-રાજી થઈ જતાં. ગુજરાતી ફિલ્મના પાઘડાંવાળાઓ જે રીતે ચીપી ચીપીને બોલતા હોય એ જોઈને પંડ્યાજીને સૂગ ચડતી અને શ્રીમતી પંડ્યા આવા સંવાદો ઉપર તાળી પાડી ઊઠતાં.

આજે પંડ્યાજીને ઘરમાં દાખલ થતાંવેંત ટીવીના પડદા ઉપરથી રોકકળનો અવાજ કાને પડ્યો. એમને ગુસ્સો આવ્યો. ઘરમાં શાંતિ હોવી જોઈએ, એને બદલે શ્રીમતી પંડ્યા આ પારકી રોકકળ ઉછીની ઘાલે છે, એનાથી એમનું મગજ ભમી ગયું.
તને કેટલી વાર કહ્યું છે કે, આ પારકી રોકકળ મારા ઘરમાં મને નથી ગમતી !’
પતિના મુખેથી ઉચ્ચારાયેલો મારા ઘરમાં શબ્દ સહધર્મચારિણીને ડંખ્યો. આ ઘર શું એમના એકલાનું છે ? એમને પણ ગુસ્સો આવ્યો. ક્રોધને પરાણે કાબૂમાં રાખતાં એમણે વળત છાસિયું કર્યું,

ઘરમાં ભૂતની જેમ એકલા બેસી રહ્યા હોય ત્યારે શું મારે ટીવી પણ ન જોવું ? આ તે કેવી દાદાગીરી ?’
સહધર્મચારિણીનો આ દાદાગીરી શબ્દ પતિદેવને પણ ડંખ્યો. એમનો પિત્તો ગયો.

હું જેમ જેમ મૂંગો મૂંગો વાત જતી કરું છું, એમ આ સ્ત્રી વધુ ગુસ્સે થાય છે. એમણે તાડૂકીને કહ્યું,

કોઈ દિવસ તેં મારી કોઈ વાત માની છે ખરી ? તને ફાવે એમ કરવું અને ઉપર જતાં મારો દોષ કાઢે છે ?’
દોષ કોનો છે એ સહુ જાણે છે શ્રીમતી પંડ્યાએ ઊંચા અવાજે કહી દીધું.

ટીવીના પડદા ઉપરથી જે દ્રશ્ય ભજવાતું હતું તે હવે ઘરમાં દાખલ થઈ ચક્યું હતું. શ્રીયુત પંડ્યા ધબધબ કરતા પોતાના ખંડમાં જતા રહ્યા. દરવાજો જોરથી બંધ કરી દીધો, પણ બોલ્યા વિના તો રહ્યા જ નહિ.

તારો આ લવારો બંધ કરીને હવે મૂંગી રહીશ ?’
સાચી વાત સંભળાતી નથી એમ કહોને ! સાચું હોય એ કહેવું તો પડે જ ને!’
પણ આ તો બંધ ઓરડાની ખાનગી વાત થઈ. બાકી પતિ-પત્ની સુખી છે. વાર-તહેવારે સત્યનારાયણની કથા કરે છે ત્યારે સજોડે પૂજા કરવા બેસે છે. વરસ-છ મહિને કોઈક તીર્થસ્થાને પણ યાત્રાએ ઉપડી જાય છે અને પાછાં ફરે છે ત્યારે સહુને પ્રસાદ વહેંચે છે.
બે દિવસ પહેલાંની જ વાત !
ડ્રોઈંગરૂમમાં ટેલિફોનની ઘંટડી વાગે ત્યારે સામાન્ય રીતે શ્રીયુત પંડ્યા ત્યાં હાજર હોય, એટલે તેઓ રિસિવર ઉપાડી લે. પંડ્યાજી જ્યારે ડ્રોઈંગરૂમમાં બેઠા હોય અને એ વખતે જો શ્રીમતી પંડ્યાની કોઈ પ્રિય ટીવી સિરિયલ ન હોય તો એ રસોડામાં કે પોતાના બીજા કોઈ કામે અંદરના ખંડમાં જ બેસી રહેતાં હોય. પતિ-પત્ની સાથે જ, સજોડે ડ્રોઈંગરૂમમાં બેઠાં હોય એવું ભાગ્યે જ બનતું. તે દિવસે રોજની જેમ પંડ્યાજી ડ્રોઈંગરૂમમાં બેઠાં હતા અને શ્રીમતી પંડ્યા રસોડામાં હતાં. અચાનક જ પંડ્યાજીને બાથરૂમ જવાનું થયું. ટેલિફોનની ઘંટડી વાગી ઊઠી. ક્યાંય સુધી વાગતી રહી. પંડ્યાજી બાથરૂમમાંથી સાંભળતા રહ્યા. શ્રીમતી પંડિયાએ, પતિ બહાર છે એટલે ટેલિફોન ઉપાડશે તેમ માનીને સતત વાગતી ઘંટડી તરફ પણ દુર્લક્ષ કર્યું. પરિણામે, પંડ્યાજીએ બાથરૂમમાં ઉતાવળ કરી. જેમતેમ આટોપીને બહાર આવ્યા અને ટેલિફોન તરફ ધસ્યા, ત્યાં સુધી ટેલિફોનની ઘંટડી વાગતી રહી, પણ પંડ્યાજી જેવા ટેલિફોનને સ્પશર્યા કે એ ટેલિફોનનો રણકાર શમી ગયો.  રિસિવર પછાડીને પંડ્યાજી ધૂંઆપૂંઆ થઈ ગયા.

છેક નાકા સુધી સંભળાય એવી આ ઘંટડી અર્ધો કલાકથી વાગે છે, પણ તને સંભળાતી નથી !’ એમણે જીવનસંગિની તરફ વાક્બાણ છોડ્યું.

મને શી ખબર કે તમે બાથરૂમાં ગયા હશો શ્રીમતી પંડ્યા શસ્ત્રસજ્જ જ ઊંભા હતાં. એમણે વળતો પ્રહાર કર્યો.

પંડ્યાજી સમસમી ઊઠ્યા. પત્નીએ જે કહ્યું એનો અર્થ સાફ હતો. પોતે બાથરૂમમાં ગયા છે એ વાતની એને ખબર જ હતી અને આમ છતાં ટેલિફોન ન ઉપાડ્યો તે ન જ ઉપાડ્યો. એમનાથી આ બેદરકારી સહન ન થઈ.

ઘંટડી એકધારી વાગે એનો અર્થ સમજવા જેટલી અક્કલ તો હોવી જોઈએ ને !’
હા, હા, હું અક્કલ વગરની છું અને તમે જ બધી અક્કલવાળા છો !’
હું  જો અક્કલવાળો હતો તો આજે મારો આ દિવસ જ ન આવ્યો હોત ! અક્કલ નહોતી ત્યારે તો---
તમારે ગમે એમ કરીને મને ઉતારી પાડવી છે, એટલે જ આ ટેલિફોનનું બહાનું કાઢ્યું છે !’ શ્રીમતી પંડ્યાનો કંઠ રુંધાઈ ગયો. આંખમાં આંસુ આવી ગયાં.

બરાબર એ જ વખતે દરવાજાનો કોલબેલ રણક્યો. કોલબેલ રણક્યો એટલે બેય ચમક્યાં. શ્રીમતી પંડ્યાએ સાડલાનો છેડો ચહેરા ઉપર ફેરવી લીધો. શ્રીયુત પંડ્યાએ ઊભા થઈને દરવાજો ખોલ્યો, ઉંબરામાં મહેમાન ઊભા હતા. હસતા ચહેરે, ઉમળકાભેર પંડ્યાજીએ એમને આવકાર્યા અને આ ઉંમળકામાં શ્રીમતી પંડ્યાએ પણ ઉત્સાહભેર સૂર પુરાવ્યો. ઘડીવાર પહેલાં ખેંચાયેલાં શસ્ત્રો મ્યાન થઈ ગયાં અને સુખી દંપતીની આતિથ્યભાવના સપાટી ઉપર આવી ગઈ. હસી-ખુશીથી ખબર અંતર પૂછાયા. ચા-પાણી થયાં. અવારનવાર પરસ્પર મળતા રહેવાના કોલ અપાયા અને પછી બધું ઠરીઠામ થઈ ગયું.

અગાઉ પણ એક વાર આવું બન્યું હતું. દીવાનખંડમાં બેઠેલા શ્રીયુત પંડ્યાએ કશુંક કહેવા માટે અર્ધાંગિનીને બૂમ પાડી. અર્ધાંગિનીએ આ બૂમનો કોઈ પ્રતિસાદ ન આપ્યો. પંડ્યાજીએ પત્ની સાંભળે જ છે એમ માનીને કહેવા જેવું એક વાક્યા કહી નાખ્યું, છતાં શ્રીમતી પંડ્યાએ હોકારો ન ભણ્યો, એટલે ભરથારે ઊંચા અવાજે કહ્યું,

સંભળાય છે ?’
બૂમો શું પાડો છો !’ સૌભાગ્યવતીએ બહારના ખંડમાં પગ મૂકીને શ્રીયુત પંડ્યાની વાત અધવચ્ચેથી તોડી પાડી. તમે જે એક વાર કહ્યું એ મેં સાંભળ્યું ! આમ મોટે મોટેથી, ઘડી ઘડી બોલવાનો શો અર્થ છે ?’
કઈ વાતનો શો અર્થ થાય છે, એની મને તારા કરતાં વધુ ખબર પડે છે !’ પંડ્યાજીએ મિજાજ ગુમાવતાં કહી દીધું.

ખબર પડતી હોત તો બૂમાબૂમ કરી જ ન હોત ! કારણ વગર ગુસ્સો કરીને લોહી ઉકાળો કરો છો !’
કારણ વગર ? અહીં હું ગળું ફાડી ફાડીને કહું છું અને તું મુદ્દલ સાંભળતી જ નથી !’
બધું સાંભળું છું. હું કંઈ બહેરી નથી. બહેરાશનો વારસો મને નથી મળ્યો !’
બસ થઈ રહ્યું ! વારસાની આ વાતથી પંડ્યાજી ઉકળી ઊઠ્યા. પંડ્યાજીના પિતાજીને કાને બહેરાશ હતી, એ વાતનો આ ઈશારો હતો. પંડ્યાજીને થયું, આનો અર્થ તો એ જ થયો કે-તારો બાપ બહેરો હતો !
મા-બાપનો વારસો તો દરેકને આવે. મારામાં જો મારા બાપની બહેરાશ આવી હોય તો તારામાં તારા બાપનું ગાંડપણ આવ્યું છે !’
કાંતના કોમળ અંગો સહી શકે એ કરતાં આ મોટો પ્રહાર હતો. શ્રીમતી પંડ્યાના સદગત પિતાશ્રી પાછલી ઉંમરે પાગલ અવસ્થામા મૃત્યુ પામ્યા હતા, એ વાતનો આ સંકેત હતો.

મારા મુએલા બાપની બદબોઈ કરતાં આ ઉંમરે તમે શરમાતા નથી ?’ શ્રીમતી પંડ્યાએ ઠુઠવો મૂક્યો.

શ્રીયુત પંડ્યા ઊઠીને બીજા ખંડમાં જતા રહ્યા. વચ્ચેનો દરવાજો જોરથી બંધ કર્યો અને અંદરથી સ્ટોપર વાસી દીધી.

બરાબર એ જ વખતે ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. ક્યાંય સુધી રણકતી રહી, પણ કોઈએ રિસિવર ઉપાડ્યું નહિ. શ્રીમતી પંડ્યા સદગત પિતાશ્રીને સંભારીને ટેલિફોનની ઘંટડીનો અવાજ દબાઈ જાય એટલા મોટે મોટેથી રડતાં રહ્યાં.

સાઠ વળોટી ગયાં છતાં બંનેની સ્મૃતિ બહુ સારી છે. કોઈ વાત ભૂલતાં નથી. બે વરસ પહેલાં પંડ્યાજીની વરસગાંઠ હતી ત્યારે એમણે સવારે જ પત્નીને કહ્યું,

આજે મગની દાળનો શીરો બનાવજે.
કેમ, આજે કોઈ મહેમાન જમવા આવવાનું છે ?’ શ્રીમતીજીએ ઊલટ તપાસ કરી.

પંડ્યાજીને માઠું લાગ્યું. આજે પોતાની વરસગાંઠ છે એ પોતાની પત્નીને સાંભરતું નથી. માઠાને મનમાં દબાવી રાખીને એમણે આજનો દિવસ જાળવી જવા પ્રયત્ન કર્યો.

કેમ, મહેમાન જમવાના હોય તો જ મગની દાળનો શીરો થાય ? આજે મારી વરસગાંઠ છે એ તને સાંભરતું નથી ?’
મગની દાળના શીરા માટે તો આગલી સાંજે કહેવું પડે. મગની દાળ પલાળવી પડે અને સવારે એ દાળને પીસીને શેકવી પડે. આપણે બે જ જણ જમવાનાં હોઈએ ત્યારે આવી કડાકૂટ કોણ કરે ? કહેતા હો તો રવાનો શીરો કરું !’ શ્રીમતીજીએ વિગતે શીરા પુરાણ સમજાવ્યું.

આ શીરાપુરાણમાં પોતાની વરસગાંઠની વાત ક્યાંય આવી નહિ, એટલે માંડ માંડ રોકી રાખેલું પેલું માઠું સપાટી ઉપર આવી ગયું. એમણે ચહેરો ઘૂમાવી લઈને ગુસ્સો પી જતા હોય એમ ઘૂંટડો ગળા હેઠળ ઉતારી દીધો. ભોજન કરવા બેઠા ત્યારે ભાણામાં પીરસાયેલ રવાનો શીરો એમણે મુદ્દલ ખાધો નહિ. શ્રીમતી પંડ્યાએ પતિદેવને ન તો આગ્રહ કર્યો, ન કારણ પૂછ્યું.

પતિને માઠું લાગી ગયું છે, એ પત્નીને બરાબર સમજાઈ ગયું હતું. બરાબર એક વરસ પછી જ્યારે બીજી વરસગાંઠ આવી ત્યારે એમણે આગલી રાત્રે જ મગની દાળ તેમણે પલાળી રાખી હતી. વળતી સવારે ઉઠતાવેંત તેમણે પંડ્યાજીને પૂછ્યું,

બોલો, આજે તમારી વરસગાંઠ છે ! શી રસોઈ બનાવવી છે ?’
શ્રીમાન પંડ્યાને ગયા વરસની ઘટના બરાબર યાદ હતી. પોતાને મગની દાળનો શીરો ભાવે છે અને આગલા વરસે પોતે જ સામે ચાલીને એ વાનગી બનાવવાનું ખાસ કહ્યું હતું, આમ છતાં પત્નીએ નનૈયો ભણ્યો હતો. હવે આ વરસે ફરી વાર જો પોતે કંઈ કહેશે અને પત્ની એના સ્વાભાવ મુજબ આનાકાની કરશે તો નાહકનો દિવસ બગડશે. એમણે ઠંડા કલેજે, ટૂંકામાં જવાબ વાળી દીધો,

તને જે ઠીક લાગે એ બનાવ !’
શ્રીમતી પંડ્યાને પતિની આ ઉપેક્ષાથી અણગમો થયો. પોતે સામે ચાલીને વરસગાંઠ માટે ખાસ વાનગીની યાદ કરે છે, ત્યારે આ સાહેરનો બરો વધતો જાય છે. પોતે જેટલું ઢીલું મૂકે છે, એટલું પતિદેવ તો ખેંચ્યા કરે છે. જવા દો ! ન બોલે તો કંઈ નહિ !
બસ, આટલીક અમથી નજીવી વાત સિવાય પતિ-પત્ની વચ્ચે ભારે મનમેળ છે. શરીર સ્વસ્થ છે, ખાય છે, પીએ છે, ઊંઘે છે અને જલસા કરે છે. વાર-તહેવારે ફરવા જાય છે. કોઈકના લગ્ન પ્રસંગે સજોડે જઈને ઊભાં રહે છે. ફોટો પડાવે છે, મોઢું મલકમલક કરે છે. બધી વાતે લીલાલહેર છે ! પડોશીઓ, ઓળખીતા-પાળખીતા, સગા-સંબંધીઓ સહુ કોઈ આ પંડ્યા દંપતીને વાતવાતમાં કહે છે,

તમે ભારે નસીબદાર છો ! બધી વાતે સુખ !’

0 comments: