દુખાવો


મોહમ્મદ માંકડ

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

નાના કે મોટા દરેક સરકારી નોકરને રજા બાબતમાં ક્યારેક તો કડવો અનુભવ થયો જ હશે. નંદલાલ રજાના એવા જ ચક્કરમાં ફસાયો હતો.

નંદલાલા એક સામાન્ય કારકુન હતો. સ્કૂલમાં ભણતો હતો. ત્યારે તો બહું જ આગળ વધવાની તમન્નાઓ હતી, પણ આગળ વધીને કારકુનની નોકરીને જ આંબી શકાયું હતું. કરકસરથી પોતાના કુટુંબનું એ પૂરું કરતો હતો. થોડી બચત કરતો ક્યારેક થોડા ઉધાર ઉછીના કરતો. જિંદગીનું ગાડું ધપાવ્યા કરતો. હમણાં જરાં ચિંતામાં આવી ગયો હતો. એની દીકરી રેખાં ઉંમર લાયક થઈ હતી. જ્ઞાતિમાં છોકરાઓની તંગી હતી. છોકરાઓ બહુ મોંઘા થઈ ગયા હતા. નંદલાલ પાસે મૂડી તો ખાસ હતી જ નહિ. પણ મહેમાન આવે તો એમનું સ્વાગત કરી શકાય એવું ઘર પણ નહોતું. અને છોકરીના સગપણની વાત હોય એટલે મહેમાનનો તો આવે જ. બાપદાદાના વખતનું કાચું મકાન હતું. નંદલાલની પત્ની સવિતા એને બને એટલું ઠીકઠાક રાખ્યા કરતી. પણ હવે એમાં સમારકામ કરાવવાની જરૂર હતી. મકાનનું કામ પતી જાય ચાર પાંચ કુટુંબોમાં મુરતિયા માટે ફરવાનું હતં. આ વર્ષે રેખાનું કામ પતાવ્યા વિના છૂટકો નહોતો.

પણ નંદલાલાને મૂંઝવણ થતી હતી. આ બધાં કામ કરવા માટે રજાની જરૂર હતી અને એનો સાહેબ રજા મંજૂર કરે તેવો નહોતો. કારકુનો અંદરોઅંદર વાતો કરતા: આ વારા સાહેબ, રજા બાબતમાં કેમ આટલા બધા ચીકણા છે ? જાણે પોતાના ખિસ્સામાંથ કાઢીને રજા આપવાની હોય એટલી બધી ચીકાશ કરે છે !
રજા બાબતમાં વારો સાહેબનું વલણ એવું જ હતું. ઓફિસનો કોઈ પણ માણસ રજા માંગે એટલે તરત જ એ માથું ધુણાવી દેતા.

કોઈ ડરતાં ડરતાં કહે, પણ સાહેબ, મારી રજા ચડેલી છે.
તો તરત જ મિ. વોરા બી.સી.એસ.આર. ટાંકીને જવાબ આપતાં, રજા એ કોઈ નોકરીઆતનો હક્ક નથી. અને પછી ઉમેરતા, ખાસ જરૂર હોય તો વગર પગારે રજા લો.
પેલાનો ચહેરો સહેજ પડી જતો.

બીજી જ પળે વોરા સાહેબ હસીને ટકોર કરતા, પગાર કપાઈ જવાની વાત આવી ત્યાં કેમ વિચારમાં પડી ગયા ? એનો અર્થ એ કે તમારે રજાની ખાસ જરૂર નથી અને ખાસ જરૂર ન હોય એની રજા હું મંજૂર કરતો નથી.

કારકુનો પાછળથી ગુસપુસ કરતા, આ વારા સાહેબને સાલાને... (બે ચાર ચોપડી દેતા) સરકાર શું ટોકરો બંધાવી દેવાની છે ?
પણ વોરા સાહેબનું વલણ અફર હતું. ઓફિસનો કોઈ માણસ ઘેર આરામ કરે અને સરકારનો પગાર ખાય એ મંજૂર નહોતું

અને એટલે જ નંદલાલ મૂંઝવણમાં હતો. રજાની એને જરૂર હતી. અને પૈસાની પણ એને જરૂર હતી. એની રજા કાયદેસર ચડેલી હતી. રજા લેવાનો એને હક્ક હતો. પણ વોરા સાહેબ... કાયદાનો એવો પોઈન્ટ કાઢતા કે નોકરિયાતને રજા મળી શકે નહીં.

નંદલાલને ચિંતામાં જોઈને દલસુખે પૂછ્યું: ‘કેમ,આજ-કાલ કાંઈ મોટી મુશ્કેલીમાં છો ?’
મુશ્કેલી તો યાર... નંદલાલે દલસુખ સામે જોવું અને પછી પોતાની મુશ્કેલીની વાત કરી દીધી. દલસુખ વોરા સાહેબના અંગત માણસ જેવો હતો. (જોકે, મિ. વોરા દલસુખ ઉપર બહુ વિશ્વાસ મૂકતા નહોતા, પણ દલસુખ ઉપર એમને જરા લાગણી હતી.) નંદલાલને થયું કે દલસુખ કદાચ એને મદદ કરી શકે.

નંદલાલની વાત સાંભળીને દલસુખને એના તરફ સહાનુભૂતિ થઈ. થોડીવાર એણે વિચાર કર્યો.

કેટલી રજા જોઈએ છે ?’ એણે પૂછ્યું.

બે મહિનાની મળે તો મકાનનું અને બીજું બધું કામ પતી જાય.નંદલાલે આશાથી કહ્યું. એને એમ થયું કે, દલસુખ ચોક્કસ મદદ કરશે.

પણ દલસુખ લાચાર હતો. વોરા સાહેબ પાસે કોઈની લાગવગ ચાલતી નહોતી. થોડીવાર વિચાર કરીને એણે જવાબ આપ્યો. સીક સર્ટિફિકેટ રજૂ કરને !’
નંદલાલા સહેજ નિરાશ થઈ ગયો. એ તો છે જ ને. પણ આપણે સાજા-સારા હોઈએ એટલે જરા તકલીફ પડે તું સાહેબને મારા માટે કાંઈ ભલામણ કરે તો-’
સાહેબ ક્યાં કોઈનું માને છે ?’ દલસુખે વચ્ચે જ કહ્યું પણ નંદલાલને રજા મળે એ માટે એ પોતે જ ઝડપથી વિચારવા લાગ્યો હતો. રેલવે ફાટક પાસે ડો. પરીખ છે. એ મારા ઓળખીતા છે. તેને સીક સર્ટિફિકેટ એમની પાસેથી અપાવી દઉં. અને... તક મળશે તો વોરા સાહેબને પણ બે સારા વેણ કહી દઈશ.
નંદલાલ ખુશ થયો. એના ગ્રહો સવળા હતા. બધું સીધું ઉતરી જાય એવી વ્યવસ્થા થઈ ગઈ હતી. સીક સર્ટિફિકેટ મળી જાય અને દલસુખ જો વોરા સાહેબને કહી શકે તો સાહેબ ખાસ ચોળાચોળ ન કરે... હાશ નિરાંત વળી ગઈ.

એક દિવસ કોઈને કશું કહ્યા વિના દલસુખને લઈને એ ડો. પરીખ પાસે પહોંચી ગયો અને ચાર અઠવાડિયાનું સીક સ્ટિફિકેટ લઈને રજા માટે અરજી કરી દીધી.

તે દિવસે સાંજે જ દલસુખને એણે પૂછ્યું, સાહેબે કાંઈ કહ્યું ?’ દલસુખ હસ્યો, આજે તો સાહેબ ખૂબ જ કામમાં હતા. સીક સર્ટિફિકેટ છે એટલે તારી રજા મંજૂર થઈ જશે. ચિંતા શા માટે કરે છે. ?’
નંદલાલે હસીને માથું હલાવ્યું, પણ ચિંતા તો એને થતી હતી. વોરા સાહેબનો સ્વભાવ એવો હતો. જો કે ડોક્ટરનું સર્ટિફિકેટ હોય એટલે...

બે દિવસ એમ વીતી ગયા. મકાનનો જૂનો કાટમાળ બદલવાનો હતો. મકાન ઉખાળવાનું એણે શરૂ કર્યું. એની પત્ની સવિતા ખુશ થઈ. ઘણાં વરસ પછી એનું ઘર કાંઈક ઘર જેવું લાગશે. નંદલાલ દરરોજ મકાનના ખર્ચનો હસાબ માંડતો, પોતાના પગારનો અને બચતનો સરવાળો કરતો અને પછી ચાલુ પગારે બે મહિનાની રજા મળી જાય તો કેટલો ફાયદો થાય એના વિચારો કર્યા કરતો. રજા બાબતમાં હજી એનો જીવ ઊંચો હતો. દલસુખને એ અવારનવાર મળતો અને પૂછતો, સાહેબ સાથે કંઈ વાતચીત થઈ ?’
દલસુખ ના પાડતો, એવી તક જ મળતી નથી. પછી નંદલાલને હિંમત આપવા માટે કહેતો, તારી રજા મંજૂર થઈ જશે.
પણ આજ સુધી સાહેબ તરફથી કાંઈ ખબર નથી ?’
સાહેબ ને ફક્ત તારી રજા મંજૂર કરવાનું જ કામ થોડું હોય છે ? એ તો બધું રૂટિનમાં થયા કરશે. તું નકામી ચિંતા ન કર.
પણ દિવસો વીતતા હતા એમ ચિંતા પણ એના મનમાં વધતી જતી હતી. સાહેબનું મૌન એને બિહામણું લાગતું હતું. મકાન રિપેર કરાવવાનું કામ એણે શરૂ કરાવી દીધું.

જૂનો કાટમાળ કાઢી નાખ્યો.

ભીંતડાં ઉઘાડાં થઈ ગયાં. રસોડું એક ઓરડામાં ફરી ગયું ક્યારેક કૂતરાંઓ અંદર આંટા મારી જવા લાગ્યા. પણ સવિતાનો ઉત્સાહ સારો હતો. નંદલાલને એથી સંતોષ થતો હતો.

એક-દિવસ નંદલાલ ગામમાં જતો હતો ત્યારે ઓચિંતા વોરા સાહેબ ભટકાઈ ગયા. સામેથી આવતા હતા. નંદલાલ ઘડીક શિયાવિયા થઈ ગયો. સલામ ભરું કે આડું જોઈને છટકી જાઉં ? આખરે, સલામ ભરવાનું એણે નક્કી કરી લીધું. વોરા સાહેબ નજીક આવ્યા એટલે સલામ ભરી. પણ વોરા સાહેબનું ધ્યાન નહોતું, એ બીજી તરફ જોતા જોતા પસાર થઈ ગયા.

નંદલાલ ખુશ થયો, હાશ, માંડ બચ્યો ! બજારમાં જોઈને પૂછત કે બીમાર છો અને બજારમાં કેમ રખડો છો ? તો બહાનું કાઢવું પડત કે સાહેબ હું તો ડોક્ટર પાસે જાઉં છું... પણ આફત પસાર થઈ ગઈ.

તે દિવસે સાંજે દલસુખના ઘેર જઈને એણે સાહેબ સાથે ભેટભટા થઈ ગયાની વાત કરી. દલસુખ હસ્યો, તું બહુ ડરે છે, નંદલાલ !’
પણ નંદલાલનો ડર સાચો હતો. દલસુખ એને હિંમત આપતો હતો. એની રજા પૂરી થવા આવી હતી, છતાં તે મંજૂર થયાના ખબર ઓફિસ તરફથી એને મળ્યા નહોતા. મકાનનું રિપેર કામ શરૂ થયું હતું. દલસુખ સાથે ફરીવાર ડો. પરીખ પાસે ગયો અને વધારે એક મહિના માટે સીક સર્ટિફિકેટ લઈને રજા બંલાવવાની અરજી એણે ઓફિસને કરી દીધી. આજ સુધી ચિંતામાં ને ચિંતામાં મકાનનું કામ પણ બરાબર થયું નહોતું. હવે જલદી જલદી બધું આટોળીને રેખા માટે થોડાં સારાં ઠેકાણાં જોઈ લેવાનાં હતાં. પણ ફફડાટ નંદલાલને છોડતો નહોતો અને વોરા સાહેબે એવું જ કર્યું. પૂંછડે જઈને ફેણ માંડી નંદલાલની બીજી અરજી મળી એના વળતા દિવસે જ એમના તરફથી નંદલાલને સૂચના મળી કે જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસરનું સર્ટિફિકેટ એણે રજૂ કરવું, નહિ તો એને રજા મળી શકશે નહીં.

નંદલાલ કાગળ જોઈને ધ્રૂજી ગયો-તે દિવસે નક્કી સાહેબે એને જોયો હશે પણ ઈરાદાપૂર્વક જ મોઢું ફેરવી ગયા હશે. નંદલાલ બરાબર સપડાયો હતો. ચીફ મેડિકલ ઓફિસરનું સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું ? એ માટે ભાવનગર જવું પડે અને પહેલી રજાનો સમય તો પૂરો થવા આવ્યો હતો. એનું સર્ટિફિકેટ હવે પાછળથી કઈ રીતે મળી શકે ?
પેટમાં એને ચૂંથારો થવા લાગ્યો. છાતીમાં બળવા લાગ્યું. એ બેચેન થઈ ગયો. આ કરતાં સાહેબને મનાવીને પહેલેથી વગર પગારે રજા લીધી હોત તો સારું હતું, રાત્રે લપાતો છુપાતો દલસુખના ઘેર ગયો. દલસુખ એમ જલદી હિંમત હારી જાય એવો નહોતો. એણે કહ્યું, કાલે આપણે અહીંના સરકારી દવાખાનાંના ડોક્ટર પાસે જઈશું અને એમને બધી વાત કરીશું બનતાં સુધી એ ના નહિ પાડે. જરૂર પડશે તો વીસ-પચીસ રૂપિયા આપશું એનું સર્ટિફિટેક મળી જાય તો પછી સાહેબ કાંઈ ગરબડ નહિ કરી શકે.
ભારે કરી !’ નંદલાલે કહ્યું.

હા, આજકાલ સાહેબ પોતે જ બીમાર જેવા રહે છે. બહુ ચીડિયા થઈ ગયા છે. એમની પાસે વાત કરવાની મારી હિંમત ન ચાલી. પણ તું મૂંઝાઈશ નહિ. આપણે રસ્તો કાઢીશું આમાં બહું તો શું થાય ? કપાતા પગારે રજા આપે.
એ વાત સાચી, પણ... નંદલાલને થયું કે એની બરાબર કઠણાઈ શરૂ થઈ હતી. તે દિવસે સાહેબ એને જોઈ ગયેલા !
બીજે દિવસે નંદલાલ અને દલસુખ બન્ને સરકારી દવાખાને પહોંચ્યા. સરકારી ડોક્ટરે આખી વાત સાંભળીને માથું ધુણાવી દીધું હું સર્ટિફિકેટ આપી ન શકું. આ તો સરકારી દવાખાનું છે. જૂનો કેસ જોઈને તમારા સાહેબને હું ઓળખું છું બહુ અવળચંડો માણસ છે. મારે નકામી તકરારમાં ઉતરવું પડે.
નંદલાલ રડવા જેવો થઈ ગયો. દલસુખે ડોક્ટર સાહેબને પૈસાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ પ્રયત્ન સફળ ન થયો. પણ નંદલાલ ઉપર ડોક્ટરને થોડી દયા આવી ગઈ. એણે કહ્યું, તમે એક કામ કરો. સીધા ભાવનગર પહોંચી જાઓ ડો. પરીખના સર્ટિફિકેટ ઉપર સી.એમ.ઓ. સાહેબની કાઉન્ટર સાઈન કરાવી આવો. આ એક જ રસ્તો છે.
દલસુખે હિંમત કરીને પૂછ્યું, એમાં આપ અમને કાંઈ મદદ કરી શકો ?’ સી.એમ.ઓ. સાહેબ ઉપર અથવા ત્યાંના કોઈ ભાઈને લખી આપી શકો ?’
અમારો સી.એમ.ઓ. પણ ઊંઘી ખોપરીનો છે !’ ડોક્ટરે નારાજ થઈને કહ્યું, એની પાસે કોઈની લાગવગ ચાલે એમ નથી.
 એ સાંભળીને નંદલાલના તો મોતિયા જ મરી ગયા. ઘેર જવા માટે ઊભો થયો તો પણ જાણે ગળી પડયા. રસ્તામાં દલસુખને એણે પૂછ્યું, હવે?’
ભાવનગર જઈ આવ હવે તો પૂરું કર્યે જ પાર; સી.એમ.ઓ.ને સીધો જ મળજે. અને બધી વાત કરજે.અને પછી ધીમેથી દલસુખે ઉમેર્યું: ‘કહેજે ને કે, સાહેબ, પેટમાં સખત દુખાવો થાય છે. ઓફિસમાં બેસીને કામ કરી શકું તેમ નથી. બધું પતી જશે.
નંદલાલે સંકોચથી પૂછ્યું, તું સાથે આવીશ ?’
દલસુખ થોડીવાર વિચારમાં પડી ગયો, આવીશ, બસ ? પણ શનિવારે આવું, એ પહેલાં મને રજા ન મળી શકે
બહુ મોડું થશે.
કાંઈ મોડું નથી થતું, ચાર-પાંચ દિવસમાં શું મોડું થઈ જવાનું એને વધુ યોગ્ય લાગતું હતું.

ત્રીજે દિવસે રાત્રે એ દલસુખના ઘેર ગયો. ભાવનગર જવાનો સમય નક્કી કરવા માટે. દલસુખે પહેલાં તો વાત રોળી ટોળી નાખી, નંદલાલને હિંમત આપી અને એકલા જઈ આવવાનું કહ્યું: પણ નંદલાલે જ્યારે બહુ જ જીદ કરી ત્યારે પેટછૂટી વાત કરી દીધી, સાહેબ મારી ઉપર ગરમ થયા છે. આપણે સાથે સરકારી દવાખાને ગયા હતા તે એમને ખબર પડી ગઈ છે. મને તો તતડાવી નાખ્યો... તારી સાથે હું ભાવનગર આવું તો સાહેબનો સ્વભાવ તો તું જાણે છે છે ને યાર ?’
નંદલાલના અઢારે વહાણ પાણીમાં ડૂબી ગયાં. દલસુખ એની સાથે સરકારી દવાખાને આવ્યો એમાં તો સાહેબે એને લેફેં કરાવી નાખી. તો પછી ખુદ નંદલાલ માટે સાહેબના મનમાં શું હશે ? નક્કી, હવે સાહેબ એને છોડશે નહિ... નંદલાલને પેટમાં ચૂંથાવા લાગ્યું. બેચેની આવી ગઈ. અને ઘેર પહોંચતાં જ ઊલટી થઈ ગઈ. પેટ દલાવીને એ સૂઈ ગયો. પણ પેટ દબાવવાથી અવળા વિચારોને થોડા દબાવી શકાય છે ?
મકાનનું કામ મકાનને ઠેકાણે રહ્યું. રેખાના સગપણની વાત તો વિસરાઈ જ ગઈ. રજા બાબતમાં હવે શું કરવું એની ચિંતા નંદલાલને ઘેરી વળી. હિંમત કરીને એ ભાવનગર સી.એમ.ઓ. સાહેબની કાઉન્ટર સાઈન કરાવવા ગયો. પણ સાહેબ બે દિવસની રજા ઉપર હતા. બહારગામ ગયા હતા. નંદલાલ ઘેર પછો ફર્યો. ફરીથી ભાવનગર જવાની એની હિંમત જ ન ચાલી. માંદલું કૂતરું પડ્યું રહે એમ ઘરમાં સૂનમૂન પડ્યો રહ્યો. વોરા સાહેબ હવે કેવો હુકમ છોડે છે એની રાહ જોવા લાગ્યો.

એક દિવસ વળી હિંમત કરીને દલસુખને ત્યાં એ ગયો. દલસુખે એને સલાહ આપી, સાહેબ પાસે તું રૂબરૂં જઈ આવ ને.
મને લાગે છે કે એ મને સાંભળશે જ નહિ-બહાર કાઢી મૂકશે.
તું જા તો ખરો.
મારી હિંમત નથી ચાલતી. પછી પોતે જે કામ માટે આવ્યો હતો એ એણે દલસુખને કહ્યું. મારા બદલે તું સાહેબને વિનંતી કરી જો ને. હું વગર પગારે રજા લેવા સંમત છું. સાહેબ જો માની જાય તો કોઈ જાતના લફરામાં ઊતરવાની મારી ઈચ્છા નથી.
અરે યાર મારાથી જો થઈ શકે તેમ હોત તો ક્યારનું મેં સીધું કરી દીધું ન હોત ? સાહેબનો સ્વભાવ ખરેખર બદલી ગયો છે. વાત વાતમાં ચિડાઈ જાય છે. મને તો લાગે છે કે, એમને કાંઈક બીમારી છે.
પણ સાહેબ બીમાર હોય એથી નંદલાલને કશો ફાયદો થાય તેમ નહોતો. હા, એ મરી જાય તો કદાચ...

નંદલાલ ગમગીન ચહેરે દલસુખ સામે તાકી રહ્યો. દલસુખે એની પીઠે હાથ મૂકીને કહ્યું, તું ખોટી ફિકર કરીને જીવ બાળમાં. આ પ્રકરણમાં વધુમાં વધુ શું થાય ? ઢેફું ભાંગીને ધૂળ  - કાંઈ થવાનું નથી.
પણ નંદલાલ ઘરે જવા ઊઠ્યો ત્યારે હળવેથી દલસુખે એને કહી દીધું: ‘તું હવે અહીં ન આવીશ. સાહેબને ખબર પડે તો... નકામું તારું ને મારું બેયનું બગડે. કામ હશે તો હું જ તારે ત્યાં આવી જઈશ.
મનના એકાંતમાં અથડાતો નંદલાલ ઘેર પહોંચ્યો. દલસુખે પણ દોરી કાપી નાખી...! તે દિવસે એણે ખાધું નહિ. હમણાં ખાવાનું ભાવતું જ નહોતું. કોઈ વાર ખાતો તો ઊલટી થઈ જતી. પેટમાં બળતરા થતી. આજે તો મુદલ રુચિ જ ન થઈ. મૂંગો મૂંગો એ સૂઈ ગયો. સવિતાએ ચિંતાથી પૂછ્યું. તમને થાય છે શું, એ તો કહો ? હમણાં નથી બોલતા ચાલતાં-નથી વાતચીત કરતાં.
તું નકામી લોહી પીધા કરે છે. નંદલાલ ખિજાઈ ગયો અને પડખું ફરી ગયો.

દલસુખે એને આશ્વાસન આપ્યું હતું કે, આ પ્રકરણમાં વધુમાં વધું શું થાય?... ઢેફું ભાંગીને ધૂળ...

પણ નંદલાલને ખબર હતી. એની રજા મંજૂર થઈ નહોતી. છતાં એ ગેરહાજર રહ્યો હતો અને વગર રજાએ ગેરહાર રહેવા બદલ સાહેબ ધારે તો એને નોટિસ આપી શકે-નોકરીમાંથી છૂટા... અને વોરા જેવી સાહેબ શું ન ધારે ? નંદલાલ બરાબર ફસાઈ ગયો હતો.

બીજે દિવસે ફરી સવિતાએ એને કહ્યું. તમે આમ નૂનર જેમ પડ્યા રહેશો તો માંદા પડી જશો. ક્યાંય બહાર જાવ. આ ઘર, અડઘું ઉઘાડું પડ્યું છે, એનું કાંઈક કરો.
નંદલાલ ગુસ્સે થઈ ગયો, મારે તારી સલાહ લેવાની જરૂર નથી.
સવિતા રોઈ પડી અને રસોડામાં ચાલી ગઈ. મકાનના ઉઘાડાં ભીંતડાં સામે એણે જોયું ત્યારે ફરીવાર એની આંખમાં આસું આવી ગયાં.

ત્રીજે દિવસે અચાનક દલસુખ એના ઘરે આવ્યો. (દલસુખ માણસ સાચો ખરો !) એણે કહ્યું, એક ખાનગી વાત કહેવા આવ્યો છું. નંદલાલ એની નજીક જઈને બેઠો.

દલસુખ બોલ્યો, સાહેબે સી.એમ.ઓ.ને આજે લખ્યું છે કે, અમારી ઓફિસના કારકુન નંદલાલને આપની પાસે મોકલે છે, તો તપાસીને કઈ જાતની બીમારી છે તેનો રિપોર્ટ કરવા મહેરબાની કરશે.
નંદલાલ એ સાંભળીને ધ્રૂજવા લાગ્યો, હવે ?’
અરે યાર, આ તો તારા લાભમાં છે. સી.એમ.ઓ. સાહેબને બે-ત્રણ દિવસ પછી આ કાગળ પહોંચશે. પછી સાહેબ તને લખશે કે, તબિયતની તપાસ કરવા માટે સી.એમ.ઓ. પાસે જવું.
એમાં મને શું લાભ ?’
હું એજ કહું છું. તું આજે ને આજે જ ભાવનગર પહોંચી જા. મેં બધી તપાસ કરી લીધી છે. સી.એમ.ઓ. પટેલ સાહેબ એમના ઘેર દરદીઓને તપાસે છે. પચાસ રૂપિયા આપીને તું એના ઘેર તારી તબિયત તપાસાવજે. આપણા સાહેબનો કાગળ તો એમને બે-ત્રણ દિવસ પછી મળશે. એ પહેલાં તું એમનો રીતસરનો દરદી બની જા. તને ઓફિસના કાગળની કાંઈ ખબર જ ન હોય એ રીતે એમની પાસે પહોંચીજા !’
મારી તબિયત તપાસીને એ કહે કે-
શું કહે ? કોઈ ડોક્ટર દરદીને એમ કહે કે, તમને કાંઈ બીમારી જ નથી ? એવા ખોટા વિચાર ન કર. આજે ને આજે ભાવનગર પહોંચી જા. સરસ તક મળી છે એનો ઉપયોગ કરી લે. અને સી.એમ.ઓ.ને કહેવું કે, પેટમાં સખત દુ:ખાવો થાય છે. દુખાવો એવી વસ્તુ છે કે, ભલભલા ડોક્ટરો ગોથું ખાઈ જાય. આપણે આપણી વાતને વળગી રહેવું કે દુખાવો થાય છે, અને ઓફિસમાં ખુરશી ઉપર બેસી રહેવાતું નથી.
નંદલાલને કહેવાનું મન થયું કે, દુખાવો તો મને ખરેખર થાય છે. ગમે તેમ, હવે આશાનું કિરણ દેખાયું હતું. દલસુખનો એણે આભાર માન્યો અને તરત જ ભાવનગર જવા રવાના થયો.

સવિતાએ ડરતાં ડરતાં પૂછ્યું, હું સાથે આવું ?’
નારે, મને એકલાને શો વાંધો છે ?’
પણ મુસાફરીમાં એકલા નંદલાલને ઘણી તકલીફ પડી. આટલા દિવસમાં એ સાવ નંખાઈ ગયો હતો. ભાવનગર સી.એમ.ઓ. પટેલ સાહેબના બંગલા પાસે પહોંચ્યો ત્યારે એકાએક પેટમાં વઢાઈ જવા લાગ્યું આટલો દુ:ખાવો તો ક્યારેય થયો નહોતો. નંદલાલ ગોટો વળી ગયો. એને ઊલટી થઈ. દરવાજા પાસે ટેકો લઈને એ બેસી ગયો. ઘણી વારે જાણે ભાનમાં આવ્યો.

પટેલ સાહેબ બપોરે પછી પોતાના બંગલે દરદીઓને તપાસતા હતા. પચાસ રૂપિયા ફી હતી. નંદલાલ બંગલામાં ગયો.

નંદલાલનો વારો આવ્યો. પટેલ સાહેબે એને પૂછ્યું, શી તકલીફ છે ?’ પટેલ જરા આખાબોલા ડોક્ટર હતા.

નંદલાલે કહ્યું, પેટમાં દુ:ખે છે. બહુ જ દુ:ખે છે. અને ક્યારેક ઊલટી... વાત કરતાં કરતાં એ હાંફી ગયો.

પટેલ સાહેબ એને સુવડાવ્યો અને પેટ ઉપર હાથ મૂકીને સહેજ દબાલ્યું. નંદલાલ ચીસ પાડી ગયો.

પટેલ સાહેબ નંદલાલ સામે તાકી રહ્યા, શું ધંધો કરો છો ?’

કારકુન છું. નંદલાલને બોલવામાં શ્રમ પડતો હતો.

આજ સુધી ક્યાં ઊંધી ગયા હતા ?’
નંદલાલ ગરીબડી આંખે જોઈ રહ્યો. કશું બોલ્યો નહિ.

તમને હોજરી પર સોજો છે. અલ્સર પણ હોઈ શકે, સમજ્યા ?’
નંદલાલની આંખો વધુ પહોળી થઈ.

એક્સ-રે લેવો પડશે. બેરિયમ પીવું પડશે. કાલે સવારે હોસ્પિટલ આવી શકશો ?’
સાહેબ હું બહારગામ રહું છું. માંડ માંડ નંદલાલ બોલ્યો.

વારુ, થોડા દિવસ પછી આવશો તો ચાલશે. સાથે કોઈને લઈને આવજો. સવારના હોસ્પિટલ પહોંચી જવાનું ત્યાં સુધી હું લખી આપું એ દવા લેજો અને ચિંતા ઓછી કરજો, સમજ્યા ?’
હા, જી
હા, જી નહિ. ચિંતા કરશો તો વહેલા મરશો. આ અલ્સર-ચાંદું કોઈ મટાડી નહિ શકે. ઓપરેશન કરાવવું પડશે અને જિંદગી આખી રિબાશો. કારકુનની નોકરી કરો છો ને આટલી બધી ચિંતા શા માટે કરો છો ?’ તમારા લીધે જ ઓફિસ ચાલે છે કેશું ? મરી જશો તો બૈરાં છોકરાંના જશો. ઓફિસવાળા તો બીજા કારકુન શોધી લેશે. અને ઘેર પણ બધાને કહેવું કે, મારે જીવવું છે... ખોટો લોહી-ઉકાળો ન કરશો. સારી રીતે જીવશો તો બધાંને ઉપયોગી થઈ શકશો. ચીંતા કરીને માંદા રહેસો તો કુટુંબને પણ માથે પડશો.
પછી ડોક્ટર પટેલે દવાઓ લખી દીધી અને છેલ્લી શિખામણ આપી, આપ હમણાં મરી-મસાલા ન ખાશો. દૂધ વધુ લેજો અને આરામ કરજો સંપૂર્ણ આરામ-બેડ રેસ્ટ. નોકરીમાંથી રજા મળશે ને ?’
કોણ જાણે કેમ નંદલાલે ડોકું હલાવીને હા પાડી દીધી. પણ પછી હિંમત કરીને પૂછી લીધું, આપ સાહેબ મને સર્ટિફિકેટ આપશો ને?’
કેમ નહિ ?’ તમે બીમાર છોને હું સર્ટિફિકેટ નહિ આપું ? કેવી વાત કરો છો ? નિરાંતે આરામ કરો-પૂરા બે મહિના. સમજ્યાને ?’ અને પછી બીજી તરફ ફરીને એમણે બીજા દરદી માટે બૂમ મારી, મોંઘીબહેન ઠાકરશી.
નંદલાલ થોથવાતો થોડીવાર ઊભો રહ્યો. અત્યારે સર્ટિફિકેટ લખી આપો તો એમ કહું કે ન કહું ? પછી એને થયું વોરા સાહેબનો કાગળ આવશે એટલે બધું થઈ રહેશે. અથવા તો બીજી વાર એક્સ-રે માટે એને આવવાનું જ છે ને ? ચાલો બધું સીધું ઊતરી ગયું.

પણ બંગલાના પગથિયાં ઉતરતી વખતે ફરી સખત દુખાવો પેટમાં ઊપડ્યો. અલ્સર જ હતું-હોજરીનું ચાંદી !
માંડ માંડ એ ઘેર પહોંચ્યો. સવિતા પતિ સામે તાકી જ રહી. જાણે કોઈ ભૂતને જોતી હોય એમ એ છળી પડી હતી... હાય, હાય, તમે કેમ સાવા આવા થઈ ગયા?’ કશુંય બોલ્યા વિના એણે નંદલાલની પથારી સરખી કરી દીધી. નંદલાલ પથારીમાં પડ્યો.

રાત્રે નંદલાલે સવિતાને હોજરીના ચાંદાની વાત કરી. ડોક્ટર પટેલે જે સલાહ આપી હતી એ બધું કહ્યું. સવિતા રડવા લાગી, બળ્યું અત્યારે મકાનનું ને બીજા કાંઈ કામ ન થાય તો કાંઈ નહિ, તમારી તબિયત સારી થાય તો બસ નકામી ચિંતા કરીને તમે માંદા ન પડશો.
બીજે દિવસે નંદલાલે રેખાને દલસુખને બોલાવવા મોકલી, પણ દલસુખ ઘેર નહોતો. સવિતા અવારનવાર રડી પડતી હતી અને કહેતી, તમે ખોટી ફિકર ન કરો તમારું શરીર સારું હશે તો બધું જ થઈ રહેશે.
પણ નંદલાલના મનમાંથી ફિકર ખસતી ન હોતી. ફિકરનો તંતુ હવે લાંબો થયો હતો. આટલી રજા વપરાઈ ગઈ, પણ ઘરનું કામ કશું થયું ન હતું. હવે રજા તો મંજૂર થઈ જશે. સી.એમ.ઓ. તરફથી સર્ટિફિકેટ મળી જશે. પણ વધારે બે-ત્રણ મહિના પથારીમાં રહેવું પડશે... ઘર ઉઘાડું પડ્યું હતું. રેખાની વાત હજી બાકી જ હતી. ચાલુ પગારની રજા વધારે લેણી નહોતી, એટલે કપાત પગારે રજા મળે તો પણ... નંદલાલ પેટ ઉપર હાથ દબાવી દેતો. સાલું, બધું ડહોળાઈ ગયું.

બે દિવસ પછી દલસુખ ઓચિંતો આવી પહોંચ્યો એણે હરખથી કહ્યું, તારી રજા મંજૂર થઈ ગઈ છે !’
થઈ જ જાય ને. નંદલાલ કડવાશથી બોલ્યો.

હવે બીજા સીક સર્ટિફિકેટની જરૂર નહિ પડે. અને વોરા સાહેબ પોતે રજા ઉપર ઉતરી ગયા છે. હું કહે તો નહોતો, હમણાં એમનું કશું ઠેકાણું નહોતું ડોક્ટરે એમને જ રજા લઈને આરામ કરવાનું કહ્યું છે. એમના પેટમાં કાંઈક અલ્સર... કે એવું કાંઈક છે. બે દિવસમાં તો એટલા ફરી ગયા, હાથ જોડીને બધાની માફી માગી તારી રજા મંજૂર કરી દીધી...
નંદલાલે ધિક્કારથી કહ્યું: ‘શેતાન સાલો, મારી રજા હવે મંજૂર કરી, પણ હવે... પરંતુ એ વધુ કાંઈ બોલે એ પહેલાં એને પેટમાં દુખાવો થઈ આવ્યો.

0 comments: