-દિનકર જોશી
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાત ભાગ-2’માંથી)
રાઘુભાઈ ગુજરી ગયા.
બિચારા બહુ ભલા માણસ હતા. મરતાને મર ન કહે એવા. પણ જયશ્રીબહેનની વાત જુદી હતી. જયશ્રીબહેન મરતાને મર કહે જ પણ ન મરતા હોય એને ય મર કહે. લોકો કહેતા, એટલે જ રાઘુભાઈનું ઘર સમેસૂતરે ચાલ્યું હતું. નહિ તો કેટલાય લોકો રાઘુભાઈના માથા ઉપર ચડી બેઠા હોત. એ તો જયશ્રીબહેન હાથમાં સાંબેલુ લીધા વિના પણ એવાં અડીખમ ઊભાં હતાં કે-
રાઘુભાઈ છેલ્લા ઘણા વખતની માંદાસાજા તો રહેતા જ હતા. એમાંય જ્યારે એમની આંખે ઝાંખપ આવી ગઈ અને વાંચવા લખવા માટે ય જયશ્રીબહેન ઉપર આધાર રાખવો પડે એવી સ્થિતિ પેદા થઈ ત્યારે તો રઘુભાઈને ય થયેલું-આ તો જીવતે મુઆ બરાબર જ કહેવાય. પણ રઘુભાઈ ખરેખર આમ અચાક જતા રહેશે એવું તો કોઈનેય નહોતું લાગતું. જયશ્રીબહેનને પણ નહિ અને એટલે તો વિદેશમાં સાસરવાસી સંસારમાં ઓતપ્રોત થઈ ગયેલી બંને પુત્રીઓને જયશ્રીબહેને બે દિવસ પહેલાં જ ટેલિફોન ઉપર કહેલું કે તારા પપ્પાની તબિયત સાવ સારી છે. ચિંતા કરવા જેવું કંઈ નથી અને પછી ખુદ રાઘુભાઈએ પણ ટેલિફોન ઉપર શાંતિથી વાત કરતાં કરતાં કહ્યું હતું, “બેટા, મારો કંઈ વલોપાત કરતી નહિ. એક આ આંખની મજબૂરી સિવાય હું તો હજુ એવો ને એવો જ છે.”
પણ બન્યું એથી સાવ ઊલટું જ. ત્રીજે દિવસે જ રાઘુભાઈ જતા રહ્યા. રાત્રો જયશ્રીબહેન પાસે એકાદ મનગમતા પુ્તકમાંથી બે-ચાર પૃષ્ઠ વંચાવીને શાંતિથી સૂઈ ગયા. બસ, પછી સવારે ઊઠ્યા નહિ. રોજની જેમ સવારે છ વાગ્યે ઊઠ્યા નહિ એટલે જયશ્રીબહેને માન્યું કે રાત્રે ઊંઘ નહિ આવી હોય એટલે વહેલી સવારની ઠંડક વચ્ચે આંખ મળી ગઈ હશે. સાત વાગ્યા, જયશ્રીબહેન નાહીધોઈને પરવારી ગયાં અને પછી રાઘુભાઈને ઢંઢોળ્યા ત્યારે ખબર પડી કે હવે રાઘુભાઈ ત્યાં નહોતા- માત્ર એમનો નિશ્ચેત દેહ પડ્યો હતો. ડોક્ટરે આવીને બધી તપાસ કરી અને પછી કહ્યું કે વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે દેહ છૂટી ગયો હશે એવું લાગે છે. જયશ્રીબહેનને ત્યારે અંતરમાં ચિત્કાર ઉઠેલો- “અરે રે ! હું ય મૂઈ કેવી નઠારી ! કે સવારે એમનો જીવ જતો રહ્યો હતો, છતાં ચા-પાણીય પીધા અને પૂજાપાઠેય કર્યા.”
પણ પછી તો આડોશીપાડોશી, સંગાસંબંધી, સ્નેહી-સ્વજનો સહુ ટોળે વળ્યાં. સહુએ જયશ્રીબહેનને સાંભળી લીઘાં અને રાઘુભાઈનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યાં. પરદેશમાં વસતી પુત્રીઓને સમાચાર તો આપ્યા પણ પિતાના મુખનું અંતિમ દર્શન કરવા એ કંઈ અહીં પહોંચી શકે એમ નહોતી.
બત્રીસ વરસની ઉંમરે રાઘુભાઈનાં લગ્ન થયેલાં. લગ્ન માટે આ ઉંમર જોકે થોડીક મોડી કહેવાય ખરી પણ એમના લગ્ન માટે ઉતાવળ કરે એવું કોઈ નિકટનું સ્વજન એમના પરિવારમાં નહોતું. માતાપિતા વિદાય થઈ ચૂકેલા અને મોટીબહેન પરણીને સાસરવાસી થઈ ગયેલી. પછી તો લગ્ન વયની કન્યાઓના પિતા માટે રાઘુભાઈ મોટી ઉંમરનો મુરતિયો થઈ ગયા હતા. એમાં ઓગણત્રીસ ત્રીસ વરસની ઉંમર સુધી અપરિણિત રહી ગયેલં જયશ્રીબહેન રાઘુભાઈના જીવનમાં પ્રવેશ્યા. રાઘુભાઈ ત્યારે એક સરકારી ગ્રંથાલયમાં ગ્રંથપાલ તરીકે નોકરી કરતા હતા. એમને ઝાઝી કોઈ લપ્પનછપ્પન નહિ. એકલપંડે હોવાથી સગાંસંબંધીઓ કે વહેવારની કડાકૂટ પણ ઝાઝી રાખી નહોતી. પુસ્તકો જ એમને સ્વજન જેવાં લાગતાં. ગ્રંથાલયનાં હજારો પુસ્તકોમાંથી ક્યું પુસ્તક ક્યાં હશે એ ટકોરાબંધ સરનામા સાથે રાઘુભાઈ પોતાની ખુરશી ઉપર બેઠા બંઠા કહી શકતા. વાચકોને એણે ક્યું પુસ્તક વાંચવું જોઈએ એન માહિતી પણ રઘુભાઈ રસપૂર્વક આપતા. કોઈ વાચક ક્યારેક કોઈક ખાસ પુસ્તકની માંગણી કરતો ત્યારે રાધુભાઈ રાજી રાજી થઈ જતાં. કેટલીકવાર તો નવાં નવાં આવેલાં પુસ્તકોમાંથી થોડાંક એ ઘરે પણ લઈ આવતા અને મોડી રાત સુધી પાનાં ઉથલાવતા. બસ, આ જ એકમાત્ર એમનો શોખ હતો.
પણ જયશ્રીબહેન માટે એમ નહોતું. એમને ઘણા શોખ હતા. સારા સારા વસ્ત્રોલંકારો, નવા નવા કોસ્મેટીક્સ, જુદી જુદી હેરસ્ટાઈલ, સાડી સાથેનું મેચીંગ, બ્લાઉઝ તો ઠીક પણ મેચીંગ ચંપલ અને ઘડિયાળનો પટ્ટો સુદ્ધાં એમને ગમતાં. આવાં રૂડાંરૂપાળાં જયશ્રીબહેન રાઘુભાઈને પણ ગમતાં પણ આમ છતાં, જયશ્રીબહેન રૂડાંરૂપાળાં હોય ત્યારે અને જ્યારે લઘરવઘર હો ત્યારે આ બેમાં રાઘુભાઈને કંઈ ફેર લાગતો નહિ. એમને મન તો જયશ્રીબહેન એમનાં પત્ની હતાં, એમની સારસંભાળ લેતાં હતાં, ઘર સુઘડ અને સ્વચ્છ રાખતાં હતાં, સગાંસંબંધીઓમાં જરૂર પૂરતો વહેવાર નિભાવતાં હતાં અને... અને પ્રેમાલાપ પણ કરતાં હતાં. બસ, આથી વધારે શું જોઈએ ? રાઘુભાઈ સુખી હતા.
પણ થોડા વરસ પછી જયશ્રીબહેનને લાગ્યું કે પોતે ખાસ સુખી ન કહેવાય ! સુખેથી રહેવા માટે જરૂરી એવું ખાસ્સું સોઈસગવડભર્યું ઘર હતું. રાઘુભાઈનો પગાર પણ પૂરતો હતો. વરસે બે વરસે એકાદ જણસ ખરીદવી હોય કે ક્યાંક હરવા ફરવા જવું હોય તો ચિંતા કરવી પડે એવું કશું નહોતું અને છતાં જયશ્રીબહેનને ઊડે ઊડે એવું લાગવા માંડ્યું હતું કે ક્યાંક કશોક ખાલીપો છે. રાઘુભાઈ પત્નની સંભાળ નહોતા લેતા એવું નહોતું. આ વરસો દરમિયાન જયશ્રીબહેનને બે સૂવાવડો આવી અને રાઘુભાઈ બંને સૂવાવડો વખતે નોકરીમાંથી રજા લઈને ખડે પગે રહ્યા હતા. જયશ્રીબહેનની એકેય વાતમાં એમણે ક્યાંય કશો અવરોધ પેદા કર્યો નહોતો અને એટલે જ ક્યારેક તો જયશ્રીબહેન ને પણ એમ લાગતું કે પોતાના અંતરમાં આવા આભાગિયા ખાલીપાનું કારણ શું હશે ? એ પોતે જવાબ શોધી શકતાં નહિ અને પછી એક પ્રકારના ગૂનાહિત ભાવથી ઘેરાઈ જતાં.
જયશ્રીબહેન પરણીને આવ્યાં ત્યારે ત્રણ ઓરડાના ઘરમાં પુસ્તકોનું માત્ર એક જ કબાટ હતું. પછી બે કબાટ થયાં, થોડાક સમય પછી ત્રણ થઈ ગયાં. રાઘુભાઈ ઘરમાં હોય ત્યારે પુત્રીઓ સાથે થોડીક ગેલગમ્મત કરી લે અને પછી પુસ્તકો વચ્ચે ખોવાઈ જાય. વાંચતાં વાંચતાં ક્યારેક મન પ્રસન્ન થઈ જાય, અંતરમાં ખુશાલીનો ધોધ વછૂટે એટલે રહેવાય નહિ, પત્નીને બોલાવે અને પોતાના આનંદમાં એને સદભાગી કરે, પોતે વાંચેલું એને વંચાવે અને પછી જે વાંચ્યું હોય એનાં વિવિધ અર્થઘટનો કરે.
બસ, જયશ્રીબહેનને પતિનો આનંદ સમજાતો નહિ. એમને પુસ્તકો વાંચવાં નહોતાં ગમતાં એવું નહોતું પણ એમના માટે પુસ્તકોનું સ્થાન ભર્યા ભાણામાં ચટણી કે અથાણા જેવું હતું. ચટણી કે અથાણાથી ભાણાની મુખ્યવાનગીઓ સ્વાદિષ્ટ લાગે ખરી પણ એથી કંઈ ચટણી કે અથાણાને મુખ્ય વાનગીની જેમ ઓછાં ખવાય છે ? પતિને આ પ્રમાણભાન નથી એવું જયશ્રીબહેન ખાતરીપૂર્વક માનતાં.
અને એમની આ માન્યતા સાવ ખોટી પણ નહોતી. કોઈવાર જયશ્રીબહેનના આગ્રહથી રાઘુભાઈ ટીવી જોવા બેસી જાય તો આ કાર્યક્રમ ક્યારે પૂરો થશે. એની ઉત્સુકતા જ એમના ચહેરા ઉપર હોય. કાર્યક્રમને અંતે જયશ્રીબહેન એમનો પ્રતિભાવ જાણવા પ્રશ્ન પૂછે ત્યારે રાઘુભાઈ એક જવાબ આપે “આ તારા હીરો અને હીરોઈન, આપણે આંખ માંડીને જોઈએ એટલીવાર પણ સીધા ઊભા રહેતા નથી. એને જોવા શી રીતે ?”
પણ પછી રાધુભાઈએ ગ્રંથપાલની નોકરી છોડી દીધી અને પોતે જ પુસ્તકોના વેચાણ માટેની પોતાની દુકાન શરૂ કરી. બે પાંચ વરસમાં જ રાઘુભાઈની પુસ્તકની આ દુકાનની વિશિષ્ટ પ્રતિભા જામી ગઈ. ગામમાં ક્યાંય ન મળે એવાં જાતજાતનાં અને ભાતભાતનાં પુસ્તકો રાઘુભાઈની દુકાનમાં મળે. કોઈને અમુક ખાસ પુસ્તકની જરૂર હોય, એને આ પુસ્તક ક્યાંયથી મળતું ન હોય પણ રાઘુભાઈને એ આ કામ સોંપે કે પછી એ થયું જ સમજો. ચાર દિવસ વહેલું મોડું થાય પણ એ પુસ્તક રાધુભાઈ ગમે ત્યાંથી મેળવી લાવે. આવું અલભ્ય પુસ્તક જ્યારે એ પેલા ગ્રાહકને આપે ત્યારે સમજદાર ગ્રાહક રાજી રાજી થઈ જાય અને એના ચહેરા ઉપરના આ રાજીપાને જોઈને રાઘુભાઈ બમણા રાજી થઈ જાય.
ત્રણ ઓરડાનું ઘર પછી તો ચાર ઓરડાનું થયું અને છેલ્લે છેલ્લે તો પાંચ ઓરડાનું પણ થયું. પણ જયશ્રીબહેનને લાગતું કે આનાથી કંઈ ઘરમાં મોકળાશ વધી નથી. એમની વાત સાચી પણ હતી. હવે આ પાંચ પૈકા બે ઓરડામાં સંખ્યાબંધ પુસ્તકોનાં કબાટો ઠસોઠસ ગોઠવાયાં હતાં. દુકાને આવતાં પુસ્તકો પૈકી જે પુસ્તકો રાઘુભાઈને જોંતાવેંત ગમી જતાં એની એકેક નકલ એ ઘરમાં પણ વસાવી લેતા. જોકે વાંચવાનો સમય ઓછો મળતો એટલે બધાં જ પુસ્તકો એમણે વાંચ્યાં હોય એવું તો નહોતું બનવું પણ તોય નવાં નવાં પુસ્તકો ઘરમાં વસાવ્યા વિના એમનાથી રહેવાતું નહિ. બે પુત્રીઓ હવે ઉંમરલાયક થઈ ચૂકી હતી એટલે એમનાં લગ્ન પછી પોતે જ્યારે ધંધામાંથી નિવૃત્ત થશે ત્યારે આ બધાં પુસ્તકો શાંતિથી બેસીને વાંચશે એવો એમનો મનોરથ હતો.
જયશ્રીબહેનની કોલેજ કાળની એક મિત્ર હવે બહુ મોટા ઘરાનાની ગૃહિણી હતી. લાખે લેખાં થાય એવો એના પિતનો કારોબાર હતો. વિદેશથી આયાત કરેલી પોતાની અદ્યતન કારમાં એ એકવાર જૂની બહેનપણીને મળવા આવી ત્યારે રાઘુભાઈ ઘરે જ હતા. બે ઓરડામાં ચારેય કોર ગોઠવેલાં થોકબંધ પુસ્તકોને જોઈને એ આભી થઈ ગઈ હતી. કોલેજની લાયબ્રેરી સિવાય આટલાં બધાં પુસ્તકો એણે એકીસાથે ક્યાંય જોયાં પણ નહોતાં. કોઈના ઘરે પણ આટલાં બધાં પુસ્તકો હોઈ શકે એ દ્રશ્ય જ એને ભારે બેહુદુ લાગ્યું. ઘરમાં આટલાં બધાં પુસ્તકો શું કરવા હોય એવો જટિલ પ્રશ્ન એના મનમાં પેદા થયો. એનાથી રહેવાયું નહિ. એ પૂછી બેઠી.
“આટલા બધાં પુસ્તકો તમે શા માટે એકઠા કર્યાં છે ?”
“વાંચવા માટે.” રાઘુભાઈએ શાંતિથી જવાબ આપ્યો.
“બાપ રે !” પેલી હેબતાઈ ગઈ. “આ બધાં પુસ્તકો તમે વાંચ્યા છે ?”
“ના. વાંચ્યાં તો નથી.” રાઘુભાઈએ કબુલાત કરી.
“તો પછી ભેગાં શા માટે કર્યા છે ?” પેલીએ સહજ પ્રશ્ન કર્યો.
“બહેન, રાઘુભાઈએ પહેલીજ વાર આ સન્નારીના ચહેરા સામે આંખ માંડતા કહ્યું, “તમને હું એક પ્રશ્ન પૂછું ?”
“પૂછો ને !” પેલીએ સાવ હશવાશથી કહ્યું,
“તમારા ડ્રેસિંગ રુમના વોર્ડરોબમાં તમારી પાસે કેટલીક સાડીઓ હશે ?”
“ગણી તો નથી.” પેલીએ કહ્યું “પણ પાંચસો હજાર તો હશે જ !”
“ એ બધી તમે પહેરી છે ?” રાઘુભાઈએ આંખ ઝીણી કરીને પૂછ્યું.
“બધી તો કદાચ પહેરી નથી.” પેલીએ કબુલાત કરી.
“પણ કઈ સાડી કયા પ્રસંગે ખપમાં આવશે એ કંઈ કહેવાય નહિ એટલે લઈ રાખું છું.”
“બસ એવું જ આ પુસ્તકોનું છે.” રાઘુભાઈએ હસીને કહ્યું, “ક્યું પુસ્તક ક્યારે ખપમાં આવશે એનું ભવિષ્ય ભાખી શકાતું નથી, એટલે હું પણ આ બધાં પુસ્તકો લઈ રાખું છું.”
પેલીને આ જવાબથી સંતોષ થયો હશે કે નહિ એ તો કોણ જાણે પણ જયશ્રીબહેનને પતિનો આ તર્ક મુદ્દલ ગમ્યો નહોતો. ખરેખર તો એમને ય હવે પુસ્તકોના ઢગલાનો કંટાળો આવતો હતો. પુસ્તક સંસ્કારિતાનું પ્રતીક છે એવું વાક્ય એણે ઘણીવાર સાંભળ્યું હતું અને શરૂઆતના વર્ષોમાં આ વાક્ય સામે એમને કશું વાંધાજનક પણ નહોતું લાગતું. પણ હવે એમને પુસ્તકો સામે અણગમો થઈ ગયો હતો. ક્યારેક તો પતિની આ ગ્રંથ ઘેલછા જોઈને એમને ચીતરી પણ ચડી જતી. કોઈવાર તો એવુંય બનતું કે જયશ્રીબહેન બોલ્યે રાખે પણ રાઘુભાઈએ કંઈ ધ્યાનપૂર્વક સાંભળ્યું જ ન હોય !એમનું ધ્યાન પુસ્તકમાં જ હોય.
ખરી ગમ્મત તો એમનાં લગ્નની પચ્ચીસમી વસગાંઠે થયેલી. બંને પુત્રીઓ પુખ્ત ઉંમરની હતી. એમનાં લગ્ન માટેની પૂર્વતૈયારીઓ પણ થઈ ચૂકી હતી. માતાપિતાની પચ્ચીસમી લગ્નતિથિને સારી પેઠે ઉજવવાનો આ પુત્રીઓને જ ભારે ઉત્સાહ હતો. તે દિવસે રાઘુભાઈ ખાસ સંભાળની જયશ્રીબહેન માટે એક ફૂટ બહુમૂલ્ય ભેટ લઈ આવ્યા હતા. એક ફૂટ પહોળું અને બે ફૂટ લાંબુ સરસ કાગળમાં વીંટળાયેલું પેકેટ જોઈને જયશ્રીબહેનને ધન્યતાનો અનુભવ કરેલો. પોતાને અવનવાં વસ્ત્રોનો ભારે શોખ છે, એટલું જ નહિ પુત્રીઓની જેમ જ પોતાનેય ફેશન પરસ્તી ગમે છે. એનાથી પતિ માહિતગાર છે એટલે આજે આ પેકેટમાં નક્કી કોઈ બહુમૂલ્ય સાડી હશે એવું એમણે માની લીઘું. અત્યંત રોમાંચિત થઈને એમણે પેકેટ ખોલ્યું ત્યારે એમાં આવા અસાધારણ કદનું એક બહૂમૂલ્ય પુસ્તક હતું. પુસ્તકને જોતાંવેંત જ જયશ્રીબહેન હતાશ થઈ ગયેલાં પણ રાઘુભાઈએ એ હતાશાની મુદ્દત નોંધ લીધા વિના એ પુસ્તકનાં પૃષ્ઠો સંભાળપૂર્વક ઉથલાવતાં અત્યંત ઉત્સાહથી કહ્યું.
“જો, તને વસ્ત્રોલંકારો અને અવનવા પરિધાનો ગમે છે ને ? એટલે આ અત્યંત મોંઘું પુસ્તક હું તારા માટે ખૂબ શ્રમપૂર્વક શોધીને લઈ આવ્યો છે. આમાં પ્રાચીન કાળની ઋષિ કન્યાઓ કેવાં કેવાં પરિધાનો કરતી એનાં સુંદર ચિત્રો છે. એ યુગમાં રાજરાણીઓ જે શૃંગાર કરતી એનાં ચિત્રો પણ પૂરી વિગતો સાથે આપ્યાં છે. આ જો, એમનાં વસ્ત્રો... એમનાં અલંકારો... અળતો લગાડેલી એમની પગનાં પાનીઓ... કેસર અને ચંદન મિશ્રિત એમનાં પ્રસાધનો... જો કેવાં સુંદર લાગે છે આ ચિત્રો...”
કેટલામાં ખરીદ્યું આ પુસ્તક ? જયશ્રીબહેને પૂછવા ખાતર પૂછ્યું. એમને થયું તો ખરું કે કહી દઉં. આવી કંચૂકી પહેરીને હું હવે ક્યાં જવાની અને કેસર ચંદન મિશ્રિત પ્રસાધન દેહ ઉપર લગાડીને ઊભી રહું તોય તમે જુઓ એવા છો ખરા ? એનો અર્થ શું થાય એય તમને ખબર પડે છે ?” પણ એમણે પરાણે હોઠ સીવી લીધા.
“પુસ્તકની કિંમત તો ત્રણ હજાર રૂપિયા છે.’’ રાઘુભાઈ બોલ્યા. “પણ આપણને એના પ્રકાશકે વીસ ટકા વળતરથી આપ્યું છે એટલે કે આપણા માટે ચોવીસસો રૂપિયાની પડતર કિંમત થઈ. કેમ કેવું સુંદર છે ? આ બધી ડિઝાઈનો જોતાં તો ચોવીસસો રૂપિયા વસુલ કહેવાય !”
શું ધૂળ અને રાખ ! જયશ્રીબહેનના મોઢામાં તો આ જ શબ્દો આવ્યા હતા પણ એમણે બળપૂર્વક હોઠ સીવી રાખ્યા. ચોવીસસો રૂપિયા જેવી રકમમાંથી તો કેવી સરસ સાડી આવી હોત !
આ વાત તત્પૂરતી તો સંકેલાઈ ગઈ પણ એ ક્ષણથી જ જયશ્રીબહેનને લાગ્યું કે એમના જીવનમાં વરસોથી જે ખાલીપો લાગે છે એનું કારણ પતિની આ પુસ્તકપ્રીતિ જ છે. હવે આ બધાં પુસ્તકો જયશ્રીબહેનને ઘરની જણસ જેવાં લાગતાં બંધ થઈ ગયાં. પુસ્તકોના ઢગલે ઢગલાં જ જાણે એમને પતિ પત્ની વચ્ચેના દુર્ગમ દુર્ગ જેવા લાગવા માંડ્યા. આ પુસ્તકોએ જાણે રાઘુભાઈને કેદ પુસ્તક એમને જોઈ રહ્યું હોય એમ લાગવા માંડ્યું. પહેલાં અવારનવાર પુસ્તકોના કબાટની એ ઝાપટઝૂપટ કરતા. હવે એમણે એ બંધ કરી દાધું. પુસ્તકોમાં ક્યાંય ઊંધઈ ન લાગે એ માટે વખતોવખત દવા પણ છાંટતા પણ એય એમણે બંધ કરી દીધું. એટલું જ નહિ, ઊધઈ વહેલાસર થાય એવી ઊંડે ઊંડે ઇચ્છા પણ સેવવા માંડી.
પણ પુત્રીઓ જેવી સાસરવાસી થઈ કે તરત જ રાઘુભાઈનું સ્વાસ્થ્ય કથળવા માંડ્યું. શરૂઆતમાં સામાન્ય બીમારી માનીને ખાસ કાળજી લીધી નહિ પણ પછીથી ઊંટનાં અઢાર વાંકાંની જેમ એક પછી એક કનડગત શરી થઈ ગઈ. ક્યારેક તાવ, ક્યારેક ખાંસી, કોઈવાર શરદી તો કોઈવાર ચક્કર આવવા માંડે. ધીમે ધીમે અશક્તિ પણ વધવા માંડી. ડોક્ટરોએ દવાઓનો ખડકલો તો કર્યો અને જયશ્રીબહેને આ દવાઓમાંથી વખતોવખત સંભારીને પતિને દવાઓ આપવા પણ માંડી પણ કંઈ ઝાઝો સુધારો થયો નહિ. આટલું અધૂરું હોય એમ આંખની ઉપાધિ આવી પડી. હજાર ઉપાય કરવા છતાં દ્રષ્ટિ ઓઝપાતી ગઈ. ચશ્માના નંબરો બદલ્યા, ઓપરેશનો ક્યાં અને છતાં અંતે તો એવી જ પળ આવી ગઈ કે વાંચવા લખવાનું ભારણ આંખ ઝીરવી શકે નહિ. સાવ અંધાપો આવ્યો હતો એમ તો ન કહી શકાય, કેમ કે રોજીંદા કામમાં એમને કોઈ ખાસ કષ્ટ થતું નહોતું પણ હવે ધંધો સંભાળી શકાશે નહિ એ નિશ્ચિત થયું એટલે એમણે સમજપૂર્વક ધંધો આટોપી લીધો. આમેય શેષ વરસોમાં બે માણસ શાંતિથી સુખપૂર્વક રહી શકે એવી આર્થિક વ્યવસ્થા તો હતી જ. પણ બન્યું એવું કે એક બાજુ ધંધો આટોપી લેવાને કારણે ફરજીયાત નિવૃત્તિ આવી અને બીજી બાજુ પુસ્તકપ્રીતિ હવે જીવનભર જેમને વહાલ કર્યું હતું એવા કોઈ ગ્રંથને આંખ ભરીને પી શકાય એમ નહોતું.
નિવૃત્તિ કાળનાં આવાં ચાર વરસ વીત્યાં ત્યાં તો રાઘુભાઈ જાણે ચૌદ વરસ મોટા થઈ ગયા. ચોસઠ વરસની ઉંમરે એ ચુમ્મોતેરના દેખાવા માંડ્યા હતા. સામા પક્ષે, સાઠ, બાસાઠની વયે જયશ્રીબહેન હજુ માંડ પચાસ કે બહુ બહુ તો પંચાવનનાં દેખાતાં હતાં. આ બધા વચ્ચે રાઘુભાઈનો ઘણોખરો સમય પુસ્તકોના ઢગલા વચ્ચે જ વ્યતીત થતો હતો. જાતજાતનાં અને ભાતભાતનાં પુસ્તકો ઉપર હાથ ફેરવતાં એમને અનહદ આનંદ થતો. કેટલાંક પુસ્તકો તો હજી સાવ નવાંનક્કોર જ પડ્યાં હતાં. આ નવા નક્કોર પુસ્તકોમાંથી આવતી એક વિશેષ પ્રકારની ગંધને એ ઊંડો શ્વાસ લઈને ફેફસામાં ભરી દેતા. જયશ્રીબહેન એમની આ અવસ્થા જોઈને આંખ મીંચી દેતા અને એય પતિની જેમ ઊંડો શ્વાસ ભરી લેતા પણ બંનેના શ્વાસમાં આભ જમીનનું અંતર હતું. જયશ્રીબહેન પતિની દ્રષ્ટિહીન અવસ્થાનો લાભ કહો તો લાભ અને ગેરલાભ કહો તો ગેરલાભ લઈને પુસ્તકોના આ ઢગલા સામે દાંત કચકચાવીને લાલ આંખે જોઈ રહેતા. એમને થતું, આ પુસ્તકોએ જ એમના પતિની આંખ આંચકી લીધી છે અને આ પુસ્તકોએ એમના જીવનમાં કદી ન પુરાય એવો ખાલીપો પણ સજર્યો છે.
આખરે થવા કાળ હતો એ જ થયું. રાઘુભાઈ ગુજરી ગયા. ધાર્યું નહોતું એમ એક રાત્રે એમણે આંખ મીંચી અને બીજા દિવસે એ મીંચાયેલી આંખ ખોલી જ નહિ.
રાઘુભાના અંતિમ સંસ્કાર માટે આવેલાં સહુ આપ્તજનો સાંજ સુધીમાં વીખેરાઈ ગયાં. બે-ત્રણ નજીકની સગી સ્ત્રીઓએ જયશ્રીબહેન પાસે આજની રાત રોકાઈ જવાનો વિવેક તો કર્યો પણ જયશ્રીબહેને જ એમને ના પાડી. જયશ્રીબહેન અસ્વસ્થ તો થયા હતા પણ એમણે પોતાની જાતને સંભાળી લીધી હતી.
એ રાત્રે જયશ્રીબહેન ઊંઘી શક્યાં નહિ. એમના ચિત્તમાં અપાર વિષાદ ઊભરાતો હતો. પુસ્તકોના ઢગલે ઢગલા પોતાની જેમ જ આજે એકલા પડ્યા હતા, એવું એમને લાગ્યું. એમને થયું જો આ પુસ્તકો ન હોત તો-
સવારે ઊઠતાંવેંત આવશ્યક નિત્યકર્મમાંથી પરવારીને એમણે પહેલું જ કામ શેરીના નાકે આવેલા એક રદ્દીવાળાની દુકાને જવાનું કર્યું. આ રદ્દીવાળો વખતોવખત પોતાના ઘરે આવીને ઢગલાબંધ છાપાઓની પસ્તી લઈ જતો હતો. જયશ્રીબહેને એને આજે ઘરે બોલાવ્યો. રાઘુભાઈ ગુજરી ગયા છે એ હકીકત આ રદ્દીવાળો પણ જાણતો હતો. એણે કહ્યું પણ ખરું- “બહેન, એવી શી ઉતાવળ છે ? રદ્દી હું પછી લઈ જઈશ !”
“ના”. જયશ્રીબહેને દ્રઢતાપૂર્વક કહ્યું, “આજે જ અને અત્યારે જ આ બધી રદ્દી તું લઈ જા.” એક-બે દિવસમાં જ સાસરવાસી દીકરી જમાઈ આવી પહોંચશે અને ઘરમાં બીજાં મહેમાનોની પણ અવરજવર થશે એટલે ઘરમાં જગાની મોકળાશ તો જોઈએ જ ને ભાઈ ! જનાર માણસ તો જતું રહ્યું પણ આપણે તો વહેવાર નિભાવવો જ જોઈએ ને !
રદ્દીવાળો જયશ્રીબહેનની આ બધી વાત ઝાઝી સમજ્યો તો નહિ પણ એમના આગ્રહથી તોલમાપનાં જરૂરી કાટલાં લઈને ઘરે આવી પહોંચ્યો ત્યારે પેલાં પુસ્તકોના ઢગલા વચ્ચે એને ઊભો રાખીને જયશ્રીબહેને કહ્યું,
“આ બધી જ રદ્દી, એક એક વીણી વીણીને તારે અહીંથી લઈ જવાની છે.”
રદ્દીવાળોએ ઢગલાઓ ગોઠવ્યા, વારાફરતી બધાયનું વજન કર્યું. આ બધુ કરતાં ખાસ્સા બે કલાક ગયા અને છેલ્લે એક મોટા કદનું પુસ્તક વધ્યું, એ જયશ્રીબહેન સામે ધરીને પૂછ્યું-
“બહેન, આ ચોપડી કાંટામાં રહે એવડી નથી. એનું માપ મોટું છે. કહેતા હો તો ઉચ્ચક ગણતરી કરી લઉં.”
જયશ્રીબહેને એ વધારાની ચોપડી સામે જોયું, પોતાની પચ્ચીસમી લગ્નતિથિએ રાઘુભાઈએ રૂપિયા ચોવીસસો ખર્ચીને ખરીદેલી એ ભેટ હતી. એક ક્ષણ એ જોઈ રહ્યાં અને પછી હોઠ કચડીને બોલ્યાં,
“એનું કંઈ વજન કરવાની જરૂર નથી, તું તારે લઈ જા એ એમને એમ. શું સમજ્યો ?”
રદ્દીવાળો માત્ર એટલું જ સમજ્યો હતો કે રદ્દીનો બહુ મોટો જથ્થો હાથવગો થયો છે અને એ પણ પાણીના મૂલે !
0 comments:
Post a Comment