બંગલી


-ભગવતીકુમાર શર્મા

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

જે ઘરમાં વયોવૃદ્ધ જેકિશનદાસ તેમનાં પત્ની ચંચળબહેન સાથે જન્મથી જ રહેતા આવ્યા હતા તે ઘર બંધાવ્યું તો હેતું તેમના દાદા છગનલાલે પણ તેને ઈશ્વરેચ્છા જેવું અર્થગર્ભ નામ આપવાનો યજ્ઞ જેકિશનલાલનો હતો. પિતા ઈશ્વરલાલ અને માતા ઈચ્છાબાનાં નામો જોડીને મકાનનું નામાભિધાન ઈશ્વરેચ્છા કરવાનો તેમને અને તેમને જ વિચાર આવ્યો ત્યારે તેઓ પોતાની બુદ્ધિ અને સંસ્કારિતા પર આફ્રિન પોકારી ઊઠ્યા હતા, પણ શું કરવું. આ મહોલ્લાવાસીઓને અને ન્યાતીલાઓને ? તેઓએ કદી ઈશ્વરેચ્છા જેવું, જીભનો વીંટો વાળી દેતું, નામ કદી અપનાવ્યું જ નહિ ! તેઓ અને તેમના વડવાળો છેક છગનદાદાના વખતથી આ મકાનને બંગલી તરીકે ઓળખતા આવ્યા હતા અને તેને એ જ રીતે ઓળખવાનું તેઓએ ચાલુ રાખ્યું હતું.

આથી જેકિશનદાસને અવારનવાર ઓછું આવી જતું, પણ પછી વિચારતાં તેમને લાગતું કે લોકો સાચા હતા. બગલી નામ યોગ્ય હતું, ઘરને બંગલીની અનૌપચારિક ઓળખ આપવનું શ્રેય પૂરેપૂરું છગનદાદાને ફાળે જતું હતું.

એકવાર ન્યાતના મંડળની સભામાં અને એકવાર મહોલ્લાવાસીઓની ઓટલા પરિષદમાં તેમણે પોતાના મકાનનો બંગલી તરીકે ઉલ્લેખ કર્યો ત્યારથી લોકોની જીભે એજ નામ ચઢી ગયું અને એ વાતને યે હવે તો ત્રણેક પેઢીઓ થઈ હશે. છગનલાલે બંગલી શબ્દ કદાચ અનાયાસ અને સહજભાવે ઉચ્ચાર્યો હશે, પણ તેમાં ઔચિત્ય પૂરું હતું. એ મદ્દે, તો જેકિશનદાસ પણ ખુશ હતા. કેવું પડે ! ડોહાયે નામ તો બરાબરનું પાઈડું ! વારે વા, બંગલો નઈં, બંગલી’ !,
બંગલા’’ના આછા પાતળા ગુણો ખરા. મકાન અટૂલું. આજુબાજુ કોઈની દીવાલ ન એડે. આગળ-પાછળ છૂટી, ખુલ્લી જમીન. વરંડો, કમાન આકૃતિનો દરવાજો. પણ બહુ ઓછી કણકે બાંધ્યું હોય તેવું. કશું તોતિંગ નહિ, કશું આવું ભાકાળ એવું નહિ. બહુ નમણું, અને એટલે જ બંગલો નહિ બંગલી’ !
અને શો એનો પરિવેશ અને મિજાજ ! મહોલ્લામાં તોએ જાણે મહોલ્લાથી અલગ, કોક ઉંમરલાયક રાજકુંવરી સમાન ! અને તાપી નદી તો આ આખાયે વિસ્તારથી પધડે ધાજ ગણાય ? આ તમે મહોલ્લા વટાવો, એક દવાખાના પાસેથી પસાર થાઓ, જેનાં પાછલાં બારણાં જ રસ્તા પર પડે છે તેવાં મકાનોને તમારી પાછળ મૂકી દો, ધોબીની એક હાટડી અને દરજીઓની ત્રણેક આલિશાન દુકાનો અને એક છાપખાનાથી આગળ વધીને સામે પડી છે આ તાપી નદી, સૂર્યપુત્રી.

તાપી, છગનદાસ અને ઈશ્વરબાપુજીનાં કેટકેટલાં સ્મરણો પરસ્પરની સાથે ગૂંથાઈને આટલાં વર્ષો પછી પણ હજી મનમાં પૂર આવેલી નદીની જેમ બંને કાંઠા તોડીને છલકાઈ રહ્યાં હતાં ? સાવ કૂમળી વયે પોતે દર રવિવારે સાંજે એક હાથે છગનદાદાની આંગળી પકડીને અને બીજે હાથે દૂધની ટબૂડી ઝાલીને તાપી કિનારે જતા અને નદીના ડહોળા જળપ્રવાહમાં દૂધનો સફેદ રેલો વહેતો મૂકતા. દાદા ગયા પછી પણ એ ક્રમ ચાલુ રહ્યો હતો. આમ આંગળી બદલાઈ હતી-દાદને બદલે બાપુજીની આંગળી. અષાઢ સુદ સાતમે તાપી માતાનો જન્મદિવસ આવતો અને બાપુજી તથા કિશોરાવસ્થાએ પહોંચેલ પોતે વહેલી સવારથી જ એક પ્રકારની ઉત્તેજના અનુભવતા. આજે તાપીમાં નહાવા મળશે એ ખ્યાલે જાગેલો રોમાંચ ક્યારેક તો ઉન્માદની કક્ષાએ પહોંચતો અનુભવાતો. પણ પછી એ ક્રમ તૂટતો ગયો. બાપુજીના અવસાન પછી તો તે સાવ વિસરાઈ ગયો. પોતે પહેલાં મેટ્રિક સુધી ભણવામાં, પછી સંસાર-વ્યવહારમાં અને વેપાર-ધંધામાં પરોવાવા, છતાં મનમાં નદી પ્રત્યેનો અહોભાવ ટકી રહ્યો. લગ્ન પછી ચંચળને બે-ચાર વાર ડક્કાઓ વારે અને હોપ પુલ પર ચાર આનાના સીંગદાણાને સથવારે ફરવા લઈ જવાનું બન્યું, પણ આંણદથી પરણીને સુરત આવેલી ચંચળને તાપીની કશી ઘેલછા ન હતી, એટલે એ સિલસિલો એ વહેલો સમેટાઈ ગયો. ઊલટું તાપીમાં દર ચાર-પાંચ વર્ષે આવતાં નાનાં-મોટા પૂરને કારણે દૂધની અછત સર્જાતી. શાકભાજી મોંઘાં થઈ જતાં, ઘરના નળમાં દિવસો સુધી પાણી ન આવતું વગેરેથી કંટાળીને ચંચળ નદી પર ગુસ્સો ઠાલવતી અને એવો એ બડબડાટ સાંભળીને જેકિશનદાસ મનોમન સમસમી રહેતા અને ક્યારેક છાશિયું પણ કરી લેતા.

તાપીની પ્રત્યેક રેલ વખતે તેમના બે ક્રમ અચૂક રહેતાં. બંગલીની અગાશીયે ચઢી જઈને તાપી માતાનાં ઘેર બેઠાં દારશણ કરવા મથવું, પણ તેમાં નિષ્ફળતા મળતાં રેલનાં પાણી જ્યાં અટક્યાં હોય ત્યાં સુધી જવું અને જળમાં પણ ઝબોળવા, ક્યારેકમુસલમાનના ઘર સુધી, ક્યારેક દવાખાના સુધી તો કદીક આર્યસમાજ હોલ કુદવીને પણ તાપી માતાનાં ઘરબેઠાં દરશણ કરવાની તેમની અબળખા 1968ની મોટી રેલ વખતે પૂરી થઈ. પૂરના પાણી છેક વકીલના ઘર સુધી આગળ વધ્યાં અને ત્યાં જ અટકી ગયાં, જેકિશનદાસે બંગલીને ઓટલેથી પાણી ભણી હાથ જોડવા અને માથું નમાવ્યું. તે જોઈ ચંચળે મોં મચકોડ્યું.

જેકા કાકા, પાણી આગળ વધે છે, તમારી બંગલી હુધીએ આઈવાં જાણો. પડોશી મંછુએ જેકિશનદાસની જળતંદ્રામાં તિરાડ પાડી. સ્વસ્થ થઈને તેમણે કહ્યું : ‘બને જ ની.’ ‘બંહલીની આણ તાપી માતા કદી ની ઉથાપે. છગનદાદાની ભક્તિ પાણીમાં જાય એ વાતમાં હું માલ છે. ઈશ્વર બાપુજીએ બી કાંઈ વરસ પાણીમાં નાઈખાં નોતાં.

જેકિશનદાસની વાત સાચી ઠરી. પૂરનાં પાણી વકીલના ઘરથી માંડ એકાદ ફૂટ આગળ વધીને એટકી ગયાં. બંગલીથી તો ખાસ્સાં છેટાં. આગળ વધ્યાં હોત તો બંગલાને આંચ આવવાની નહોતી, નાનકડી ટેકરી પરનું તેનું સ્થાન તેને પાણીથી અસ્પૃશ્ય રાખવા માટે પૂરતું હતું. 1968થી 2006. આ લગભગ ચાર દાયકામાં તો આખી દુનિયા બદલાઈ ગઈ. મુઠ્ઠીમાં સમાઈ જાય એવડું સુરત હવે બાથમાં એ આવી શકતું ન હોતું. અહીં જ જન્મ્યા અને આજ લગી ઝીવ્યા હોવા છતાં જેકિશનદાસને હવે મોટા ભાગનું સુરત ખરાબા જેવું લાગતું હતું ! શહેર અજાણ્યું, લોકો અજાણ્યા જેવા, અસલ સુરતી બોલી એ ક્યાંક ક્યાંક જ ટકેલી. તાપી માતાનું રૂપ પણ કેટલું બધું બદલાઈ ગયું હતું ! પાણી ઓછું અને મગરમચ્છ જેવો બેટ વિસ્તારતો જ જાય ! નવા નવા પુલો અને નદીના પેટમાં ઝૂંપડપટ્ટીઓના રાફડા. પુલ પરથી પસાર થઈ એ તો નરક જેવી દુર્ગંધ ! આ તાપીમાં દૂધની ટબૂડી ઠલવ્યે અને પગ ઝબોળ્યે તો હવે દાયકાઓ વીત્યા હતા. મનમાં કેમ એવો ઉમળકો જાગતો નહોતો ? શહેરની સાથે નદીએ શું ખરાબા જેવી થઈ ગઈ હતી ? ‘ઈશ્વરેચ્છા જેકિશનદાસથી ક્યારેક નિ:શ્વાસ સાથે ઉદગાર નીકળી જતો.

પણ પોતેય ક્યાં નહોતા બદલાયા આ લાંબા સમયખંડમાં ? જુવાની અને પ્રૌઢાવસ્થા ક્યાંય પાછળ રહી ગઈ હતી અને શરીરમાં વૃદ્ધાવસ્થાએ પાકું ઘર કરી લીધું હતું. પગનાં ઘૂંટણમાં વા રહેતો હતો, આંખે ઝામરનો ઉપદ્રવ હતો, કમ્મરમાં ક્યારેક સણકા ઉઠતા હતા, વેપાર-ધંધામાંથી જીવ સંકોરી લીધો હતો, પણ મન અને સ્મૃતિ હજી પૂરાં સતેજ હતાં. શ્રાવણ મહિનામાં હજી તેમને પવિત્રા બારસ, બળેવ અને ગોકળ આઠમના મેળાઓ સાંભરતાં અને બાળક, કિશોર, યુવાન બની એ મેળાઓમાં ઘૂમવાની ઇચ્છા થઈ જતી. હજી તેમને સ્ટેશન રોડ પરનાં નવ સિનેમાગૃહો અને તેમાં જોયેલી ફિલ્મો સાંભરતાં અને નવાં મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં જવાનો કદી વિચાર પણ નહોતો આવતો. હજી આસો મહિનામાં ચદની પડવો આવતો અને તેમની જીભ ઘારીનો સ્વાદ માણવા માટે ટળવળી ઉઠતી. અષાઢ સુદ સાતમ હવે માત્ર સ્મૃતિશેષ રહી ગઈ હતી અને તાપી સ્મરણે...
મોટા મહેશે અડાજણ રોડ પર અને નાના નરેશ સિટીલાઈટ વિસ્તારમાં આલિશાન રો હાઉસીસ વસાવી લીધાં. હતાં; કતારગામ જી.આઈ.ડી.સી.માં બંનેનાં પાવર લૂમ્સનાં મોટાં કારખાનાં હતાં અને બંને મોંઘીદાટ ગાડીઓ ફેરવતા હતા અને બંનેનાં બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણતાં હતાં. મહેશની પત્ની શીલા માત્ર હાઉસ-વાઈફ હતી અને નરેશની પત્ની નીતા જોબ કરતી હતી. જેકિશનદાસ અને ચંચળને તો જૂનું શહેર, જૂનો મહોલ્લો અને જૂની બંગલી જ ભયોભયો હતો. પણ બંગલી નેય હવે જેકિશનદાસ અને ચંચળની જેમ ઉંમર વર્તાવા લાગી હતી. એમાં કશું આશ્ચર્ય ન હતું. એની વય જેકિશનદાસ કરતાં તો ક્યાંય વધારે હતી. બંગલી તો મારી મા જેવી છે. એવા જેકિશનદાસનાં શબ્દોમાં માતૃભક્તિ, ઘર-પ્રીતિ અને બંગલીની જૈફ ઉંમર બધું એકસાથે વ્યક્ત થતું હતું. મહેશ, નરેશ અને તેઓનાં કુટુંબોને તો બંગલી પ્રત્યે કશો ઉમળકો ન હતો. આ ખંડેર હવે તમે વેચી નાખો એવો તેઓનો કાયમી આગ્રહ રહેતો. હું આ બંગલી વેચું ? મારી માં વેચું ?’ જેકિશનદાસ મનોમન બબડતા. બાપુજીની તો સાઠે બુધ્ધિ નાઠી છે એવા કુંટુબીજનોના શબ્દો પ્રતિ તેઓ કશું ધ્યાન ન આપતાં.

પણ સાતમી ઓગસ્ટે તાપીમાં પાણી ચઢ્યાં ત્યારે જેકિશનદાસ અને ચંચળબા બંને બંગલીમાં નહોતા. ચંચળબા અચાનક બીમાર પડી જતાં મોટો મહેશ બંને ડોસા-ડોસીને ગાડીમાં નાખીને હઠપૂર્વક અડાજણના પોતાના રોહાઉસપર લઈ ગયો હતો અને હવે તમારે અહીં જ રહેવાનું છે, બંગલી ગઈ ભાડમાં. એમ કહી ઉમેર્યું હતું, રાત-મધરાત તમારા બંમાંથી કોઈને કાંઈ થઈ જાય તો અમારે માટે તો નીચાજોણું જ થાય ને ?’ જેકિશનદાસે કેવળ એક ઉદગારથી મનોમન પ્રતિભાવ આપ્યો હતો : ‘ઈશ્વરેચ્છા.
બધું સાવ અણધાર્યું અને પૂરઝપડે બની ગયું હતું પૂર ઝડપેસ્તો ! તાપીમાં ફરી એકવાર પૂર આવ્યું હતું. ઉકાઈ બંધમાંથી લાખો ક્યુસેકસ પાણી છોડાયે જતું હતું. સવારનાં અખબારોએ ચીસો પાડી હતી. લોકલ ટીવી ચેનલોનો બડબડાટ એક ધારો વહ્યે જતો હતો. બપોર સુધીમાં તો પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થઈ ચૂકી હતી. લોકોના હોઠ પર પાણી સિવાય અન્ય કોઈ શબ્દ પલોટાતો નહોતો. પૂરનાં પાણી હવે સોસાયટીના ગેઈટ સુધી આવી પહોંચ્યાં છે; પાણી સોસાયટીમાં પેઠાં છે; ‘, પાણી તો આપણાં રો હાઉસ સુધી આવ્યુંની ચિચયારીઓની સાથે તોતિંગ સામાનને મકાનને ઉપલે માળે ચઢાવી દેવાની દોડધામ... જેકિશનદાસ અને ચંચલબાને બીજા સરસામાનની સાથે ઉપલે માળે...

અંધારું ઘરમાં પેઠેલાં પાણીની કાળજગત પછડાટો, ભેંકાર સન્નાટો ! ક્યારેક છાને સાદે થતી વાતચીત, એક ધાવણા બાળકની કિકયારીઓ, ટ્રાન્ઝિસ્ટરનો બોલાશ... જેકિશનદાસ આ બધી વાસ્તવિકતાઓથી ઊંચકાઈ-છેદાઈને સ્થળ-સમયની પેલે પાર ક્યાંના ક્યાં ચાલ્યા ગયા હતા ? જિન્દગીમાં પહેલી જ વાર તેઓ પૂરનાં પાણીની અડોઅડ હતા. માળ પરથી માત્ર-ત્રણ-ચાર પગથિયાં તેઓ નીચે ઉતરે અથવા પૂરનાં પાણી વધું એકવાર ફાળ ભરે તો તેઓ અને પાણી એકાકાર બની જાય, પણ તેમનું અસ્તિત્વ આ ક્ષણે આ જળમાં ઝબોળાવાને આરે નહોતું. તે તો દાયકાઓથી જોયેલાં તાપીનાં અનેક પૂરની સ્મૃતિમાં રમમાણ હતું. પહેલી રેલમાં પાણીએ છાપખાનાને ઝપટમાં લીધું હતું. તે પછીનાં પૂર દવાખાના સુધી આવીને અટકી ગયાં હતાં. અડસઠની રેલનાં પાણી વકીલના ઘર સુધી આવીને પાછાં વળ્યાં હતાં. પેલી તરફ પાણીએ આર્ય સમાજ હોલની આણ પણ ક્યાં ઉથામી હતી ? આ વખતે ? આ અંધારું, આ સૂમસામ હવા, હેલિરોપ્ટરોના આકાશી ઘુઘવાટા, સેવ-ગાંઠિયા-પૂરી-બિસ્કિટનાં ફેંકાતાં પડીકાં, પાણી માટેનો ટળવળાટ-બધું સાવ નવું લાગે છે. અને અજાણ્યું-આ વખતે ? છાપાં આવતાં કે પહોંચતાં નથી. ટીવી નિશ્ચેતન છે. પાણીની સાથે વાતો અને અફવાઓ પણ વહેતી આવે છે. હવામાં કશીક અજાણી દુર્ગંધ છે, ભયભીત લોકોના બેબાકળા શ્વાસોની બદબૂ. આ વખતે ? ક્યાં સુધી આવ્યાં હશે તાપીનાં પાણી ? વકીલના ઘરથી એ આગળ ? ‘આર્ય સમાજ હોલના આંગણામાં ઠેલવાયાં હશે ! ના, ના ! મગદૂર નથી તાપી માતાની કે બંગલીના ઓટલાનાં પગથિયાંને પલાળી જાય. છગનદાદાએ લાંબે સુધી નજર દોડાવીને ટેકરી જેવી જમીન પર બંગલી બંધાવી હતી તે શું પાણીમાં જાય ? પણ કહે છે કે આ વખતે તો અડસઠ અને અઠ્ઠાણું કરતાંએ વધારે પાણી આવ્યું છે. મારી ધરડી ખખ્ખ બંગલી તેમાં ટકી...? તે ક્ષણથી જ જેકિશનદાસના મનમાં, પ્રાણમાં, કોશેકોશમાં બંગલીનું રટણ શરૂ થઈ ગયું. એકાદવાર તેમણે મહેશને બંગલી વિશે પૂછ્યું તો વડછકું મળ્યું: ‘આખં શહેર ડૂબવા બેઠું છે. મને મારી ફેક્ટરીની ફિકર થાય છે. ત્યારે તમને બંગલીસાંભરે છે ? હું તમે બી બાપુજી ? ફોન બી બંધ છે. તમારી બંગલીની ખબર કાં કાઢું ? ત્રણેય પુલો બંધ છે ! જૂનાશહેરમાં જવાય એવું બી કાં છે ? છોડો બંગલીનું રટણ !’
છોડવું છૂટે તે રટણ શેનું ? પૂરનાં પાણી ઓસર્યા કે જેકિશનદાસે નવી રઢ લીધી : ‘મારે મારા જૂના મહોલ્લામાં જવું છે, મારી બંગલીના દેદાર જોવા છે.

બાઈક, કાર, રિક્ષા કશું છે જ કાં ? જવાબ મળ્યો. વાત તો સાચી હતી.

પણ એક સૂમસામ બપોરે જેકિશનદાસ ઘરમાં કોઈને કહ્યા વિના, ચૂપચાપ રોહાઉસનાં પગથિયાં ઊતરી પડ્યાં. ઘૂંટણપૂર કાદવ, હાથમાં લાકડી છતાં ડગલે પગલે લપસી જવાનો ડર, ઝોતિયુંએ કેટલું ઊંચું ચઢાવવું ? એક-બે વાર તો લપસતાં માંડ બચ્યા. માથાંફાડ દુર્ગંધ. પોલીસના પહેરાં. એય ડોસા, ક્યાં નીકળ્યા છો ?’ ના હાકોટા. છેવટે તાપી નજરે પડી. તેનાં જ પાણી ઘરમાં આવ્યાં હતાં શું ? આંખે છાજલી કરીને તેઓ નદી ભણી જોઈ રહ્યા. કાકા, ક્યાં જવું છે ? બેસી જાઓ મારા સ્કૂટર પર. એક અવાજ સાવ પાસેથી સંભળાય. કોક અજાણ્યો જુવાન તેનું વાહન રોકીને ઊભો હતો. જેકિશનદાસ સ્કૂટરની પાછલી બેઠક પર બેસી ગયા. બહુ ફાવ્યું તો નહિ, પણ... જુવાને તેમને ગાંધીબાગ પાસે ઊતાર્યાં અને તે ચોકબજાર તરફ નીકળી ગયો. ગાંધીપ્રતિમા ભણી અછડતી દ્રષ્ટિ કરી લેવાઈ. તે પણ ડૂબી હશે શું ? તો પછી બાકી શું રહ્યું હશે ? રસ્તો અતિ પરિચિત પણ હવે શું ? તો પછી બાકી શું રહ્યું હશે ? રસ્તો અતિ પરિચિત પણ હવે ભારોભાર કપોર હતો. કદાવના ઢગલા અને તારાજીનાં દ્રશ્યોને વટાવતાં તેઓ આગળ વધ્યા. ધીમે ધીમે મહોલ્લાના અણસાર નર્તાવા માંડ્યા. આ પ્લેનેટોરિયમ, તેની પાછળ મ્યુઝિયમ, બાજુમાં છાપખાનું, ડાબે-જમણે દરજીની મોટી દુકાનો, દવાખાના, સ્ટોર, હોસ્પિટલ, બધું કાદવના ઢગ પાછળ ઢંકાયું હોય તેવું. આ આવ્યું વકીલનું મકાન અને આ મારી બંગલી’ ! ક્યાં છે ? કેમ દેખાતી નથી ? ત્યાં તો વર્તાય છે માત્ર કાટમાળનો ઢગ ! અને પેલી ટેકરી...? જેકિશનદાસે ચાર-પાંચ વાર ચશ્મા ઊંચા-નીચાં, આગળ-પાછળ કર્યાં : દ્રશ્ય લગીરેય બદલાયું નહિ. ઈશ્વરેચ્છા ઉદગાર તેમના હૃદયમાં સ્ફર્યો નહિ. તેમને હતા ત્યાં જ બેસી પડાશે એમ લાગ્યું.

0 comments: