ગઢડાનું સ્મૃતિ મંદિર


- મીનાક્ષી ઠાકર

(સાદર ઋણસ્વીકાર : ગુજરાતનાં તીર્થધામો માંથી)

ધર્મ એટલે કે જે ધારણ કરવાથી કોઈનું અમંગળ ન થાય, જે અણુ અણુને ધારણ કરે છે તે ધર્મ. એટલે ગુણ, લક્ષણ કે સ્વભાવ. ધર્મ માનવીના અંત:કરણના વિકાસનું ફળ છે. ધર્મ એટલે મનને સંપૂર્ણ વશમાં કરી, ગુલામીમાંથી મુક્ત થઈ માલિક બવનાવું સામથર્ય. સાચો ધર્મ હૃદયની કવિતા છે. આ કવિતાને સાક્ષાત્કાર કરતું મંદિર એટલે ગઢડાનું સ્મૃતિ મંદિર.

ભાવનગર જિલ્લાના ગઢડા ગામે આવેલા પ્રસિદ્ધ સ્વામીનારાયણના મંદિરનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. આ મહોત્સવમાં સ્વામીનારાયણ સંપ્રદાયની દરેક શાખાપ્રશાખાના લાખો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. સ્માવીનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ સમાજના તમામ વર્ગના લોકોના આધ્યાત્મિક, સામાજિક અને નૈતિક ઉત્કર્ષના કામમાં જ સમય સમર્પિત કર્યો હતો. તેમણે આ કામને આગળ ધપાવવા ચાર કલ્યાણકેન્દ્રો સ્થાપ્યા હતાં.

ભગવાન સ્વામીનારાયણનો દેહ વિલય થતાં તેમની સ્મૃતિમાં આ સ્મૃતિ મંદિરની રચના કરવામાં આવી હતી. શરૂમાં મંદિર-મૂર્તિઓ ન હતી. પરંતુ શ્રીજી મહારાજના ચિત્રની સ્થાપના થયેલી હતી. પાછળથી આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ દ્વારા સંવત 1949માં ફાગણ વદી એકમને દિવસે શ્રી સહજાનંદ સ્વામી, શ્રી ઇચ્છારામજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજની મૂર્તિઓની અહીં સ્થાપના કરવામાં આવી હતી.

શ્રી સહજાનંદ સ્વામીએ કરેલી સમાજસેવાને ધ્યાનમાં લઈ તેમના જીવનકાળનાં ચિરસ્મરણીય સ્મૃતિસ્થાનો જેવાં કે, માણકી ઘોડીને ઓટો, મોટીબાનો ઓટો, ભગવાન સ્વામીનારાયણ જ્યાં ઝૂલ્યા હતા તે આંબલી, વગેરે દર્શનીય અને શ્રદ્ધેય સ્થાનોને રોશનીથી પ્રજ્વલિત કર્યાં હતા.

શ્રીજી મહારાજના સમયમાં ગઢડાના જીવનમાં ઉનાળો એ બહુ મહિમાવાળી ઋતુ ગણાતી. ખાસ તો સાધક મૂળજી બ્રહ્મચારી માટે આ ઋતુ શ્રીજી મહારાજની સેવા કરવાનો લહાવો બની જતી. આ મૂળજી બ્રહ્મચારી ઉનાળાના બળબળતા તાપમાં માથે કેરીનો ટોપલો મૂકીને ડભાણથી ગઢડા ચાલતાં જાય અને સહજાનંદ સ્વામીના દર્શન કરી ભગવાન મળ્યાનો બ્રહ્માનંદ અનુભવે.

સંવત 1886 જેઠ સુદ દશમ, મંગળવાર, દાદા ખાચરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયા.
દાદા ખારચથી આ વિયોગ ન ખમાયો. મૂર્છિત થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીએ તેમને લક્ષ્મીવાડીની બેઠકે મોકલ્યા. દાદા ખાચર ત્યાં ગયા, શ્રી હરિ ત્યાં હાજર હતા. તેમણે દાદા ખાચરને કહ્યું : ‘હું તો ક્યાંય ગયો નથી ! અને જવાનો પણ નથી. સત્સંગમાં અને ગોપીનાથજી દેવમાં હું અખંડ રહ્યો જ છું, મૂંઝવણ થાય ત્યારે ગોપીનાથજી મહારાજ પાસે જવું. આમ બોલીને શ્રી હરિએ દાદા ખાચરને તાજા ગુલાબનો હાર આપ્યો. ગુલાબની તાજગીએ તેમને શ્રી હરિના દિવ્ય સ્મરણમાં લીન કર્યા.

દાદા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બેસીને સબજાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો હતો, તે દાદા ખાચર તથા તેમના વારસોએ આપેલી જમીન ઉપર ગઢડાનું મંદિર બંધાયું છે. ગઢડાનું મંદિર વિશાળ જગ્યા રોક છે અને મંદિર બહાર પણ ઘણી જગ્યા મંદિરના તાબામાં છે. ગઢડાનું મંદિર સ્વામીનારાયણનાં બીજાં મંદિરોના ઘાટનું જ, પણ મોટું છે. અને મુખ્ય મંદિરની આસપાસ બ્રહ્મચારી સાધુઓને રહેવા માટે તથા મંદિરની સ્મૃતિને આવશ્યક મોટાં મકાનો છે. વળી સહજાનંદ સ્વામીએ જાતે વાપરેલી અનેક ચીજો પણ આ મંદિરોમાં સાચવીને રાખેલી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તક સહજાનંદ સ્વામીએ જાતે જ જે જે સ્થળમાં દેવની સ્થાપના કરેલી અને જે જે સ્થળોમાં પોતે વધારે વખત રહીને ધર્મોપદેશ કરેલો તે તે સ્થળની યાત્રા કરવા તે સંપ્રદાયના અનુયાયીઓ ઇચ્છે તે સ્વાભાવિક છે. આમ વડતાલ અને ગઢડા સ્વામીનારાયણ સંપ્રદાયનાં પવિત્ર ધામ ગણાય છે અને બંને સ્થળે મોટાં સુંદર મંદિરો છે. ગઢડામાં સ્મૃતિ મંદિરથી ત્રણેક કિલોમીટર દૂર ગઢડામાં પ્રવેશવાના માર્ગે બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સંપ્રદાય તરફથી પણ, અન્ય એક આરસનું ભવ્ય મંદિર ઊંચી ટેકરી પર બંધાયું છે. આ મંદિરને સ્પર્શતો, મૃદુ, શીતળ પવન માનવીના મનને શાંતિ અર્પે છે. આ નવું મંદિર ગઢડામાં નદીના કિનારે આવેલું છે.

આમ ગઢડાનું સ્વામીનારાયણ મંદિર યાત્રાધામ હોવાની સાથે સાથે પવિત્ર તીર્થસ્થાન પણ છે. ગઢડાના સ્મૃતિ મંદિરમાં રહેવા માટે તેમજ નવા મંદિરમાં રહેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની આજુબાજુ રહેવા માટેની રૂમ આપવામાં આવે છે, જે અદ્યતન સુવિધાઓથી સંપૂર્ણ છે.

આ ઉપરાંત મંદિર તરફથી ભોજનાલય ચલાવવામાં આવે છે, જેમાં દરેક યાત્રીઓએ ઇચ્છાનુસાર રકમ ભેટ મૂકીને પ્રસાદ ગ્રહણ કરવાનો હોય છે, ગઢડા જવા માટે ભાવગનર તરફ જવાના રસ્તે જવાય છે અને ધંધુકાથી ગઢડાનો ફાંટો ફંટાય છે. અમદાવાદથી લગભગ 180 કિ.ની. જેટલું ગઢડાનું અંતર છે. ગઢડા જવું હોય તો ટ્રોઈનમાં પણ જવાય અને અમદાવાદથી બસમાં પણ જવાય. ગઢડા મંદિર તરફથી ઘણાં સામાજિક કાર્યો કરવામાં આવે છે, જેમાં, વનવિચરણ, સામૂહિક યજ્ઞોપવીત, વિભિન્ન રોગના નિદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, રક્તદાન શિબિર, અકસ્માત નિવારણ ઝુંબેશ, વ્યસનમુક્તિ ઝુંબેશ, કથા-કીર્તન, વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિ કાર્યક્રમો તેમજ ભૂંલકાઓના આનંદપ્રમોદ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન મુખ્ય છે.

0 comments: