- મીનાક્ષી ઠાકર
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાતનાં તીર્થધામો માંથી)
પશ્ચિમ ભારતના શક્તિપીઠોમાં અંબાજી માતાજીનું તીર્થ અતિ મહત્વનું ગણાય છે. ગુજરાત રાજ્યમાં શક્તિ સંપ્રદાયના ત્રણ પ્રમુખ શક્તિપીઠો આવેલા છે. પાવાગઢ, બહુચરજી અને અંબાજી. આ ઉપરાંત ઘણાં સુપ્રસિદ્ધ દેવાલયો છે. પરંતુ અંબાજી શક્તિપીઠ પ્રાચીન કાળથી ભક્તજનોને આકર્ષતું રહ્યું છે. ‘કબૌ ચંડૌ નિવાયકૌ’ અર્થાત્ કળિયુગમાં દેવી જગદંબા અને ગણપતિના વધુ ઉપાસકો જોવા મળશે. પુરાણની આ કથાનુસાર અંબાજીની યાત્રાએ પ્રતિવર્ષ લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે.
અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે 500 મીટરની સમુદ્રસપાટીની ઊંચાઈએ આવેલા આ તીર્થધામનું વાતાવરણ હંમેશા પ્રફુલ્લિત, રમણીય અને ખુશનુમાં રહે છે. આ મંદિર આરાસુર પર્વત ઉપર સ્થપાયેલું હોવાથી અંબાજી માતાને આરાસુરવાળી માતા પણ કહેવાય છે. ગુજરાત રાજસ્થાનની સરહદે અમદાવાદથી 198 કિ.મી. દૂર આવેલ અંબાજીનું મહત્વ માત્ર હિંદુઓમાં જ નહીં પરંતુ જૈન, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી જેવા અન્ય ધર્મના લોકોમાં પણ એટલું જ છે. પતિતપાવન બ્રહતનયા કુમારિકા સસ્વતીનું ઉદગમ સ્થાન અને પુરાણ પ્રસિદ્ધ અંબિકા વનના કારણે આ સ્થળ અતિ દિવ્ય અને પવિત્ર ગણાય છે.
અંબાજી તીર્થનું સમઘાત વાતાવરણ, નયનરમ્ય ગિરિમાળાઓ, અવરજવરની સુંદર સગવડ અને રહેણાંક તથા ભોજન માટે વિશિષ્ટ સગવડને કારણે આ સ્થળે પ્રવાસીઓ માટે ઉત્તરોત્તર આકર્ષક બની રહ્યું છે. આ સ્થળની આહ્-લાદક અને પરમ શાંતિ ત્યાગ પ્રેરે છે.
ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ :
આરાસુરનું અંબાજી મંદિર ઘણું જ મહત્વનું અને સિદ્ધ ક્ષેત્ર ગણાય છે. દેવી માર્કેન્ડય પુરાણમાં જણાવ્યા પ્રમાણે પાર્વતીદેવીના પિતા દક્ષ પ્રજાપતિએ મોટો યજ્ઞ કર્યો હતો. તેમાં તેમણે સગાંવહાલા, પુત્ર, પુત્રી, પુત્રવધૂઓ અને અન્ય સંબંધીઓને નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પાર્વતીના પતિના ગળે નાગ છે, તેઓના સાથી ભૂતડાં છે, તે લાંબી જટા રાખે છે એવા શિવશંકરજીને અપમાનિત કરવા તેમને યજ્ઞમાં આવવાનું નિમંત્રણ દક્ષે આપ્યું ન હતું. આથી ક્રોધે ભરા પાર્વતીજી યજ્ઞસ્થળે ધસી જઈને અપમાન અને ક્રોધમાં યજ્ઞવેદીમાં જ પોતાની આહુતિ આપી બેઠાં. શિવજીને આ સમાચાર મળતાં જ તેઓ યજ્ઞસ્થળે આવી પહોંચ્યા. દક્ષ પ્રજાપતિનો વધ કરી સતીના દેહને ખભે ઉપાડીને બ્રહ્માંડમાં તાંડવનૃત્ય કરવા લાગ્યા. શંકરના આ તાંડવનૃત્યથી વિચલિત થઈ ઊઠેલા દેવોએ વિષ્ણુને વિનંતી કરી અને વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે દેવીના અંગોનું વિભાજન કર્યું. આમ કરતાં જ્યાં જ્યાં દેવીના અંગો પડ્યાં ત્યાં ત્યાં દેવીસ્થાનકો થયાં. આવી બાવન શક્તિપીઠો પ્રચલિત છે. કહેવાય છે કે છાતીના બે ટુકડા થતાં સતીની છાતીનો ડાબો ભાગ જલંદરમાં પડ્યો અને બીજો આરાસુરમાં આમ આરાસુરવાળી માતાનું અંબાજી તીર્થ સિદ્ધ ક્ષેત્ર ગણાઈ ગયું.
અંબાજીમાં માત્ર માતાજીના પ્રતીક હાથની પૂજા થાય છે. અહીં મૂર્તિ નથી. તો અન્ય એક દંતકથા પ્રમાણે શ્રીકૃષ્ણના પોતાના બાળમોવાળા આ સ્થળે ઉતારવામાં આવ્યા હતા. અને રુકમણીએ અંબાજી માતાની પૂજા પણ કરી હતી. આ દંતકથાઓ છોડી દઈને ઐતિહાસીક પુરાવાઓ તપાસીએ, તો માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સં. 1415 (ઈ.સ. 1359)નો લેખ જોવા મળે છે. અંબાજીના અંદરના મંડપના દ્વારમાં સં. 1601નો એક લેખ છે. જેમાં રાવ ભારમલ્લની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની નોંધ છે. મંદિરના અંદરના સ્તંભ ઉપર બીજા ઘણા લેખો છે. જે 16માં શતકના છે. સં. 1779ના એક બીજા લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે ઈ.સ.ના 14મા શતકથી તો આરાસુરીના અંબાજીની માનતા સતત ચાલી આવી છે. પણ જોવા જઈએ તો તે પહેલાંનાં બસો-ત્રસો વર્ષથી આ સ્થાનનો મહિમા હશે એમ જણાય છે. કારણ કે અંબાજી નજીક કુંભારિયામાં વિમળ શાહે બંધાવેલા આરસપહાણનાં જૈન દેરાસરો છે.
આ વિષે એક દંતકથા એવી છે કે અંબાજીએ આપેલા ધનથી અહીં વિમળ શાહે 360 દહેરાં બંધાવેલાં. પણ જ્યારે માતાજીએ પૂછ્યું કે આ દહેરા કોના પ્રતાપથી બંધાયા ?’ ત્યારે વિમળ શાહે જવાબ આપ્યો કે ગુરુના પ્રતાપથી. આથી ગુસ્સે થઈ ને માતાજીએ દહેરાં બાળી નાખ્યાં અને માત્ર પાંચ જ દહેરા રહેવાં દીધાં. આ વાતની સાક્ષીરૂપ દેલવાડામાં વિમળ શાહે બંધાવેલા મંદિરમાં કોતરાવેલા લેખમાં અંબિકાની સ્તુતિ છે. (જુઓ શ્લોક 9)એ જોતાં વિમળ શાહના વખતમાં માતાજીની પૂજા પ્રચલિત હોય એવું બને. આરાસુર ગામ ઈ.સ. 1200 પહેલાંનું હોય તેવું લાગે છે. વળી આરાસુરના અંબાજી દાંતાના પરમાર રાણાઓનાં કુળદેવી છે. આમ એક માન્યતા પ્રમાણે અંબાજીના પ્રાચીન મંદિરની સ્થાપના સતામી સદીમાં થઈ હતી. જ્યારે અન્ય એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિર 13મી કે 14મી સદીની શરૂઆતમાં બંધાયું હશે. કેટલાંક થાંભલાઓ ઉપર 15મી સદીની નિશાનીઓ છે.
મંદિરની બહાર ચોકના ચાર ખૂણામાં ચાર મંદિરો છે. પ્રથમ મંદિર ગણપિનું, બીજું, વરાહ ભગવાનનું, ત્રીજુ ભોળાનાથ શિવનું અને ચોથું મંદિર ભગવાન દત્તાત્રેયનું છે. આ બધાં બહુ નાના મંદિરો છે. પણ તેમાં હંમેશાં પૂજા થાય છે.
અંબાજી માતાનું મૂળ મંદિર :
અંબાજીનું મૂળ મંદિર બેઠા ઘાટનું નાનું છે પણ આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે જેમાં માન્યતા પ્રમાણે માતાજીની મૂર્તિ નથી. પણ ગોખમાં વાસ્ત્રલંકારો અને મુખવટો એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી દર્શન કરનારને માતાજી પોતાના વાહન ઉપર બેઠાં હોય તેવો ભાસ થાય છે. પાસે અખંડ ઘીના બે દીવા બળે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબું છે જેના ઉપર ત્રણ ત્રિશૂળ છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી કહેવામાં આવે છે આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. હવન વખતે પુષ્કળ ઘી હોમાય છે. કારણ કે અંબાજીના મંદિરમાં તેલનો વપરાશ બિલકુલ જ નથી થતો. આ વિશાળ ચાચર ચોકમાં મંદિરના વહીવટદારોની ઓફિસો અને કાર્યલય છે. આ ચોકમાં મેળા વખતે અને નવરાત્રિમાં માતાજીના ગરબા-રાસ આખી રાત થાય છે,
મંદિરમાં માતાજીનાં દર્શન માટે સુવર્ણજડિત વીસોયંત્ર છે. જે શક્તિની આરાધના માટે મહત્વનું છે. આકાર ઉપાસના માટે ભક્તોને મૂર્તિરૂપી અવલંબનની આવશ્યકતા હોય છે આથી પૂજારીઓ વસ્ત્રો, અને આભૂષણો દ્વારા માતાજીની મૂર્તિ સાક્ષાત્ હોય તેવી રચના કરે છે અને દિવ્ય વાતાવરણ સર્જે છે. મહાશક્તિના દરરોજ અલગ અલગ વાહનથી સવારી સાથે દર્શન કરાવાય છે.
શ્રી અંબાજી મંદિર એ તંત્ર સંપ્રદાયનું સિદ્ધિ શક્તિપીઠ છે. માતાજીના નિજ મંદિરની સાથે ચાંદીના ચલયંત્રની પ્રતિષ્ઠા મેરૂ પૃષ્ઠની આકૃતિથી કરવામાં આવી છે. તેમાં લાંબા સમય સુધી તાંત્રિક પૂજારી પૂજા-અર્ચા કરી શકે તે માટે ચલયંત્રની સ્થાપના કરવામાં આવી છે. તેમાં દીક્ષા પામેલા પૂજારીને જ પૂજા કરવાનો અધિકાર રહે છે.
અંબાજી અવલ્લીની ગિરિમાળામાં આવેલું હોવાથી જે પર્વત ઉપર દામોજીના કુંવર જશરાજે ઠઠ્ઠાથી આવી રાજધાની કરી હતી. અને માતાજીની સ્થાપના કરી હતી તે પર્વતને ગબ્બરગઢ કહેવાય છે. આ ગબ્બરગઢ અંબાજીની પશ્ચિમે ચાર કિલોમીટર ઉપર જ છે. ગબ્બરગઢમાં સૌથી ઉપર ટોચે માતાજીનું સ્થાનક છે. અહીં જવા અને પ્રદક્ષિણા કરી ઊતરવા માટે પગથિયાંની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગબ્બરની અંદર અંબાજીનું ગુફાનું દ્વાર હોવાનું મનાય છે. ઉપર પીપળા પાસેની તિરાડમાંથી ભાવિક ભક્તોને હજી પણ હિંડોળાનો અવાજ સંભળાય છે. એક કહેવત છે કે ‘જે ચઢે ગબ્બર તે બને જબ્બર.’ અહીં દીવો પ્રગટાવવામાં આવે તે અંબાજી મંદિરમાંથી પણ દેખાય છે. અંબાજી અને ગબ્બરગઢમાં આરતી એક જ સમયે થાય છે. ગબ્બરગઢની પહેલી ટૂંકે માતાજી હિંચકે હીંચતાં હોય તેવું લાગે છે. લોકવાયકા છે કે અહીં હિંચકાનો કીચૂડ... કીચૂડ અવાજ પણ સંભળાતો હોય છે. આમ ગબ્બરગોખ પણ યાત્રાધામ બની રહે છે. અંબાજીમાં તેલનો વપરાશ થતો નથી.
જીર્ણોદ્વાર:
પ્રાચીન સમયમાં યાત્રાળુઓની અલ્પ સંખ્યાના કારણે મંદિર નાના સ્વરૂપમાં બાંધવામાં આવેલું. આજે તો યાત્રાળુઓની સંખ્યા ઘણી જ વધી ગઈ છે. આથી દર્શન અને આરતી વખતે થતી ભીડને જોઈને શ્રી અંબાજી માતા મંદિર વ્યવસ્થાપક સમિતિની ભલામણથી અંબાજીનો જીર્ણોદ્ધાર કરાવવા માટે સરકારે 1974-75થી જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું છે. આ માટે સ્થાપત્ય શિલ્પશાસ્ત્રના લબ્ધપ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને સુપ્રસિદ્ધ શિલ્પી શ્રી પ્રભાશંકર સોમપુરાના માર્ગદર્શન હેઠળ કામ શરૂ થયું છે. માતાજીના નિજમંદિરના કોઈ પણ જાતના વધારા કે ફેરફાર કાર્યા સિવાય પરંપરાગત પ્રાચીન મૂળ સ્થિતિ મુજબ મંદિરના કલેવરને રૂપાંતરિત કરી ધર્મશાસ્ત્રના વિદ્ધાનો અને શિલ્પશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ શાસ્ત્રોક્ત અને ધાર્મિક નીતિનિયમને સંપૂર્ણ લક્ષમાં રાખી કામ શરૂ થયું છે. જીર્ણોદ્ધારનું આ કામ ચાર બક્કામાં પરિપૂર્ણ થશે. પૂર્ણ થતાં જ આ મંદિર ગુજરાતની પ્રસિદ્ધ શક્તિપીઠ બની રહેશે અને શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને ભારતીય પ્રાચીન સંસ્કૃતિના ઉપાસકો માટે ગૌરવરૂપ બની રહેશે.
અંબાજીની આસપાસમાં મંદિર :
અંબાજી મંદિરની તદ્દન બાજુમાં શ્રી ગણપતિ મંદિર આવેલું છે. માન્ય મંદિરની અંદરનું શ્રી અંબિકેશ્વર મહાદેવનું સ્વયંભૂલિંગ અને પંચદેવોની મૂર્તિ સાથેનું મંદિર તથા વરાહી મતાનું મંદિર આવેલું છે. પશ્ચિમ દિશાએ ભૈરવનાથનું મંદિર છે કાળભૈરવ, બટુકભૈરવ એ માતાજીના દ્વારપાળ ગણાય છે. શક્તિ સંપ્રદાયમાં શિવશક્તિ અને અષ્ટભૈરવની આરાધના મહાન છે.
કોટેશ્વર :
અંબાજીથી 9 કિ.મી. દૂર પૂર્વમાં મેણાગર પર્વતની તળેટીમાં સરસ્વતીના મુખ આગળ ભગવાન કોટેશ્વરનું પ્રાચીન શિવાલય છે. મેણાગર પર્વત સિદ્ધપુરુષોના નિવાસ તરીકે જાણીતો છે. એવું કહેવાય છે કે 1857ના બળવા વખતે નાનાસાહેબ પેશ્વાએ પોતાના છેલ્લા દિવસો મેણાગર પર્વતની ગુફામાં પસાર કર્યા હતા. મેણાગરના બે પહાડો વચ્ચેની તિરાડમાંથી એક ઊમરાના ઝાડ નીચેથી એક નદી નીકળે છે. છપ્પનિયા કાળમાં પણ સરસ્વતીનો પ્રવાહ સુકાયો નહોતો. આ પુનિત પ્રવાહને પથ્થરમાંથી ગોમુખની આકૃતિ વડે એક કુંડમાં પ્રવાહિત કરવામાં આવ્યો છે.
સોમેશ્વર મહાદેવ અને ચામુંડાજી :
કુંભેશ્વરથી અંબાજીના રસ્તે સોમેશ્વર મહાદેવ અને ચામુંડાજીનાં અતિ પ્રાચીન મંદિરો આવેલાં છે અને ઝરણાનેકાંઠે આવેલાં હોવાથી ખૂબ જ રમણીય છે.
અંબાજી આવતાં યાત્રાળુઓને રહેવા માટે યાંત્રિકબ્લોક્સ, વિશ્રામગૃહ, ધર્મશાળાઓ, ખાનગી હોટલો વગેરે ઘણી સગવડ છે. તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબિકા ભોજનાલય પણ ચાલે છે.
શ્રી અંબિકા સંસ્કૃત વિદ્યાલય :
ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સંપત્તિ સમા વેદશાસ્ત્રની અવિચ્છનીય પરંપરાની સુરક્ષા માટે તેમજ તંત્ર આગમ શાસ્ત્ર સહિત દેવવાણી સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસારના હેતુથી શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય ચલાવવામાં આવે છે. જેમાં વેદ, વ્યાકરણ, કાવ્ય, પૌરાણિક અને તંત્ર આગમ શાસ્ત્રનો વિધિસર અભ્યાસ કરાવવામાં આવે છે.
આમ અંબાજી સ્થાનમાં શક્તિની આરાધના, યોગસાધના અને ભક્તિપૂર્ણ શ્રદ્ધા માટે અનેરો અવસર મળે છે અને ગીત, પ્રાર્થના, પર્યટનનો શોખ અને આનંદનો લાભ પણ મળે છે.
અંબાજી પહોંચવા માટીને વ્યવસ્થા :
(1) હવાઈ ઉડ્ડયન – નજીકનું એરપોર્ટ અમદાવાદ. અમદાવાદથી અંબાજી 198 કિ.મી. દૂર છે.
(2) રેલ દ્વારા અંબાજી જવા માટે દિલ્હી જતી ટ્રેનમાં મીટરગેજ ટ્રેનમાં જવું પડે. આબુ રોડ નામના સ્ટેશને ઊતરવું પડે. ત્યાંથી બસ દ્વારા અંબાજી જવાય. આબુ રોડ નામના સ્ટેશને ઊતરવું પડે. ત્યાંથી બસ દ્વારા અંબાજી જવાય. આબુ રોડથી અંબાજી 23. કિ.મી. દૂર છે.
(3) બસ દ્વારા – અમદાવાદથી અંબાજી જવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની ઘણી બસો મળે છે. અમદાવાદથી હિંમતનગરના રસ્તે ચાર કલાકમાં અંબાજી પહોંચી જવાય છે.
વાહનવ્યવહાર :
બસ સ્ડેન્ડથી આંબાજીનું મંદિર સાવ નજીક છે. પરંતુ અંબાજી મંદિરની આસપાસમાં મંદિરો જોવા માટે ઘોડાગાડી અથવા તો જીપો મળી રહે છે, તો ગામમાં ફરવા રીક્ષાઓ પણ ઉપલબ્ધ છે.
(1) સરકારી આરામગૃહ, (2) અંબિકા ટ્રાસ્ટ તરફથી ચાલતું ગેસ્ટ હાઉસ, (3) રેવાપ્રભુ ધર્મશાળા, (4) શ્રી શક્તિ ધર્મશાળા, (5) પંચાલની ધર્મશાળા, (6) અન્ય ઘણીબધી ધર્મશાળાઓ અને હોટલો છે.
0 comments:
Post a Comment