રાજેન્દ્ર જ. જોશી
(સાદર ઋણસ્વીકાર : ‘અખંડ આનંદ’માંથી)
અમને બચપણથી ‘શેર અને શાયરી’નો શોખ હતો. એટલે ‘શેરબજાર’ એ શબ્દ માટે અમને નાનપણથી આદર હતો. નાનપણમાં અમે એવા વહેમમાં હતા કે ‘શેરબજાર’માં કવિત વેચાતી મળતી હશે. અમે સમજણા થયા ત્યારથી જોતા હતા કે બજારમાં ગ્રામ ને કિલોગ્રામનાં તોલમાપ ચલણમાં આવી ગયાં છે. ‘શેર’ (એક શેર, બશેર, ત્રણ શેર વગેરે) ભૂતકાળની વાત બની ગયેલી. જોકે, શેરની માથે સવાશેર, સૂંઠ ખાવી, શેર લોહી ચડવું અને શેર માટીની ખોટ જેવા ભાષાપ્રયોગ બચી ગયા છે. એમને એથી વિચાર આવેલો કે ભૂતકાળની આપણી ભવ્યતાને સાચવવા માટે જ ‘શેરબજાર’ ચલાવવામાં આવતું હશે ને ત્યાં કોઈ પણ ચીજનું વજન શેરના હિસાબે જ થતું હશે. આમ, ‘શેરબજાર’ માટે અમને ખૂબ આદર હતો. પહેલાંથી જ અમને શેર (વાઘ, સિંહ)-આપણા રાષ્ટ્રીય પ્રાણી માટે સન્માનની લાગણી હતી. તેથી પણ ‘શેરબજાર’ વિશે ઘસાતું વાક્ય તો ઠીક, ઘસાતો શબ્દ પણ અમારાથી સહન ન થતો.
પણ હવે સ્થિતિ બદલાઈ છે - શેરબજારની સ્થિતિ તા ઠીક, અમારા મનની સ્થિતિયે બદલાઈ છે. શેરબજાર વિશે પૂરતો અભ્યાસ કર્યા બાદ અમે એવા તારણ પર આવ્યા છીએ કે આ બજારની કોઈ જ જરૂર નથી. અરે, અમે તો છડેચોક માંગણી કરવા માંગીએ છીએ કે શેરબજાર બંધ કરી દેવું જોઈએ.
કોઈને પ્રશ્ન થશે કે શેરબજાર બંધ કરી દેવાની આવી ઉગ્ર માંગણી શા માટે ? જો બંધ જ કરવા હોય તો લોકસભા અને વિધાનસભાગૃહ બંધ કરવા જોઈએ. ત્યાં કામ ઓછાં થાય છે ને શોરબકોર વધારે થાય છે. પણ અત્યારે તો અમે શેરબજારનો જ વિરોધ કરવા માંગીએ છીએ. શેરબજારનો વિરોધ અમે શા માટે કરીએ છીએ તેનાં જડબેસલાક કારણો પણ છે. અમે કંઈ રાજકારણી નથી તે માત્ર આંખ મીંચીને વિરોધ કરીએ. અમારો વિરોધ પદ્ધતિસરનો છે. તો વિરોધ માટેનાં અમારાં કારણો આ રહ્યાં.
પહેલી વાત. શેરબજાર એ ખરા અર્થમાં બજાર જ નથી. એને બજાર કઈ રીતે કહેવાય ? ત્યાં નથી કોઈ ચોક્કસ ખરીદનાર વર્ગ કે નથી વેચનારો વર્ગ. આ એવું વિચિત્ર બજાર છે જ્યાં વેચનાર એ જ ખરીદનાર છે અને ખરીદનાર એ જ વેચનાર છે. જરા ફેરવીને કહીએ તો આજનો ખરીદનાર કાલનો વેચનાર બને છે અને આજનો વેચનાર કાલનો ખરીદનાર ! આ કેવી વાહિયાત વ્યવસ્થા કહેવાય ? આ પ્રાથમિક કારણસર જ શેરબજારને બજાર તરીકે અમે અયોગ્ય જાહેર કરીએ છીએ.
બીજું, શેરબજારમાં ગમે એટેલા રૂપિયાની ખરીદી કરો, બદલામાં ‘કાગળ’ જ મળશે. બેપાંચ હજાર રૂપિયાની ખરીદી કરે તેનેય કાગળ અને લાખો રૂપિયાની ખરીદી કરે તેનેય કાગળ ! આના કરતાં ખારી સિંગ ખરીદવી શું ખોટી ? એમાં કેવું સરસ ધોરણ છે કે ચારપાંચ રૂપિયાની સિંગ ખરીદો તો ખીસામાં સમાય, ચાળીશ-પચાસ રૂપિયાની સિંગ ખરીદો તો કોથળીમાં સમાય. ચારસોપાચસો રૂપિયાની સિંગ ખરીદો તો થેલી ભારાય, ચારપાંચ હજારની રૂપિયાની સિંગ ખરીદો તો કોથળો ભરાય અને ચારપાંચ લાખ રૂપિયાની સિંગ ખરીદો તો ગોડાઉન ભરાય. આમ ‘વધારે પૈસાની સામે વધારે સિંગ’ એવું વ્યાવહારિક ધોરણ છે. આ ધોરણ દુનિયાની લગભગ બધી ચીજોને લાગુ પડે છે, માત્ર ‘શેર’ને જ લાગુ પડતું નથી. શેરજારમાં તો હજારો રૂપિયા ખરચો કે લાખો... બદલામાં થોડા કાગળ જ મળે. અને એ કાગળના ભાવની બાબતમાં કેવું અંધેર છે ? બેત્રણ હજારમાં ખરીદેલો કાગળ 50-60 હજારની કિંમતનોય થઈ જાય ને 50-60 હજાર રૂપિયાનો ખરીદેલો કાગળ કોડીની કિંમતનોય થઈ જાય. આમાં ક્યારે શું થાય એ કંઈ કહેવાય નહીં. જે બજાર આવું ધડા વગરનું હોય તેને ચાલુ રાખવાનો કોઈ અર્થ છે ?
પાછા ‘શેરબજાર’ના નિયમોય કેવા ? તમારે શેરની ખરીદી કે વેચાણ કરવા હોય તો તમારી જાતે ન થઈ શકે - શેરદલાલા પાસે જ જવું પડે. જવું પડે એટલું જ નહીં., તેને દલાલી પણ (વ્યવહારે) આપવી પડે. ને આપવી જ પડે, એમાં કોઈ બાંધછોડ નહીં. સો રૂપિયાના ભાવે ખરીદેલો શેર, બાર રૂપિયાના ભાવે વેચો તોય વેચતી વખતે દલાલી આપવાની. શેરદલાલ એમ ન વિચારે કે આણે ‘સોના બાર’ કર્યા છે તો એ બાપડા કે બાપડીની દલાલી માફ કરું !’ અમને એ નથી સમજાતું કે શેરદલાલની આ દુનિયામાં જરૂર શી છે ? (જોયું ? માત્ર શેરબજારની વાતમાં અમે દુનિયા સુધી પહોંચી ગયા ? અમારાં ‘દર્શન’માં કેવો વિસ્તાર થયો !) આપણે લાખો રૂપિયાની ચીજવસ્તુઓ ખરીદવી હોય, સોનાચાંદી કે ઝવેરાત ખરીદવાં હોય તો એ દલાલ વગર ખરીદી શકાય. પણ શેર ખરીદવામાં દલાલા જોઈએ એટલે જોઈએ. આ તો ચોખ્ખું કાવતરું છે ! આપણા પ્રદેશમાં કંડક્ટર વગરની બસો દોડતી થઈ કે પાછી બંધ થઈ ? પણ દલાલ વગર શેરબજાર ચાલતાં નથી. આ બજાર કેટલું પછાત... કેટલું દંભી છે, જુઓ ! અમે તો ઈચ્છીએ છીએ કે આ દલાલપદ્ધતિનો વિરોધ કરવા માટે રાજકારણીઓએ સવારથી સાંજ સુધીનો ઉપવાસ દેખાડો કરવો જોઈએ.
આ બજાર સામે અમને બીજો મોટો વાંધો એ છે કે ત્યાં ઉધારી નથી ચાલતી. શેર ખરીદવા હોય તો રોકડા ચૂકવવાના ! આ પદ્ધતિમાં ગ્રાહક પર ચોખ્ખો અવિશ્વાસ છે. આપણે અનાજ-કરિયાણું, કાપડ, મોજશોખનો સામાન... અરે ફ્રિજ, ટી.વી., મોટર કે મકાન બધું આજકાલ તો ઉધાર ખરીદી શકીએ છીએ. તો શેર શા માટે ઉધાર નથી મળતા ? ગ્રાહકો પર અવિશ્વાસ છે માટે જ ને ? જેમને આપણા પર અવિશ્વાસ હોય એના પર ચોકડી કેમ ના મૂકવી ? --- બધું કરો આ શેરબજાર !
આ બજારની એક નંગધડંગ કે વિચિત્રતા તો જુઓ. બીજા કોઈ પણ બજારમાં ભાવ ઘટે તો લોકો ખુશ થાય. અનાજ, કપડા, દવા કે મોજશોખની ચીજો.. તેના ભાવ ઘટે તો ગ્રાહક ખુશ થાય, ઉપરાંત વેપારીય ખુશ થાય કે હવે ઘરાકી વધશે. આ શેરબજાર એટલું નંગ છે કે અહીં તો ભાવ વધે તો બધાં ખુશ થાય છે. શેરના ભાવ ઘટે તો સરકાર અને સેબી પણ હાંફળાફાંફળાં થઈને દોડે છે કે ભાવ કેમ ઘટ્યા ? – હસવું આવે એવી વાત છે.
શેરબજારની એક મહાવિચિત્ર અને મહાહાસ્યાસ્પદ વાત કરીએ. શેરના ભાવમાં થતી ચડઊતરને માપવા માટે એક આંકડો છે જેને ‘સેન્સેક્સ’ કહેવાય છે. ભાવ વધે ત્યારે સેન્સેક્સ વધે છે ને ભાવ ઘટે ત્યારે સેન્સેક્સ ઘટે. શેરબજાર સાથે સંકળાયેલાં પ્રાણીઓમાં બે વર્ગ છે એક વર્ગ એવો છે જે સેન્સેક્સ વધે તો ખુશ થાય છે. – બીજો વર્ગ સેન્સેક્સ ઘટે તો ખુશ થાય છે. બેઉ વર્ગો સેન્સેક્સને ચાહે છે છતાં એકને ઘટાડો ગમે છે, બીજાને વધારો ! શેરબજારની ટેક્નિકલ ભાષામાં આ બેઉ વર્ગોને ‘મંદીવાળો’ અને ‘તેજીવાળો’ એમ કહેવાય છે. આ વાત કેવી વિચિત્ર કે બેઉને સેન્સેક્સ ગમે છતાં મંદીવાળાને સેન્સેક્સ ઘટે તે ગમે, તેજીવાળાને સેન્સેક્સ વધે એ ગમે ! આપણે ત્યાં માયા-મિલક્તને ચાહનારા અને ન ચાહનારા એવા બે વર્ગ છે. પણ ઓછી મિલકત ચાહનારા અને વધારે મિલકત ચાહનારા એવા વર્ગો નથી. આવું બુદ્ધિહીન ગણિત તો શેરબજારમાં જ શોભે !
સેન્સેક્સ બાબત અમારે થોડી વિગતે વાત કરવી છે. કારણ કે હમણાંથી આખા દેશમાં આની ચર્ચા થઈ રહી છે. આજની સ્થિતિ જોતાં અમને તો દેશની બે મોટી સમસ્યાઓ આ જ લાગે છે – ફિલ્મોમાં વધતી સેક્સ અને શેરબજારમાં ઘટતો સેન્સેક્સ ! આમ તો ‘સેક્સ’ અને ‘સેન્સેક્સ’ બેઉના પ્રાસ એટલા સરસ મળે કે કોઈ નવોદિત કવિને સુંદર ગીત લખવાની ઈચ્છા થાય. કોઈ પ્રેમઘેલો કવિ તો આ પ્રાસનો ઉપયોગ કરી એક ગરબો ફટકારી દે તેવો અમને ભય છે. પણ આવું નહીં બને. કારણ કે ગરવી ગુજરાતનો કવિ સેન્સેક્સ તો ઠીક, હજુ સેક્સ સુધીય પહોંચ્યો છે કે કેમ તે (વિવેચકોની ભાષામાં કહીએ તો) ‘ચિંત્ય’ છે.
અમારા એક કવિ મિત્ર માને છે કે સેન્સેક્સ એ સેક્સનો જ એક પ્રકાર છે. મિત્ર કારણ આપતાં કહે છે કે જેમ સેક્સથી માનવજાતને સંતોષ નથી, તેમ સેન્સેકસથીય રોકાણકારોને કે સેરદલાલોને સંતોષ નથી. તેમની વાતમાં પૂર્તિ કરતાં અમે એમ કહેવા માંગીએ છીએ કે સેન્સેક્સ એ સેક્સનો નિમ્ન પ્રકાર છે. કારણ કે ઉંમર વધે ને સમજણ વધે તેમ સેક્સમાં ઘટાડો થાય એવી માન્યતા છે. પણ દલાલ કે રોકાણકારની ઉંમર ભલે ગમે એટલી હોય, ને એમનામાં ડહાપણ પણ ભલે આખી દુનિયાનું હોય, એ બેઉને સેન્સેક્સથી કદી સંતોષ થતો નથી.
સેક્સ અને સેન્સેક્સ બેઉ મોટી સમસ્યા છે. સેક્સ એ આખા સમાજ સાથે જોડાયેલી સમસ્યા છે જ્યારે સેન્સેક્સ એ મર્યાદિત લોકો સાથે જોડાયેલી સમસ્યા છે. ફિલ્મોમાં સેક્સ વધતાં કેટલાક નીતિપ્રેમી લોકો ક્રોધ ભરાઈને બળાપા કાઢતા ભાસે છે. આવા બળાપા કાઢનારાઓમાં સમાજસેવકો કે શિક્ષણકારો તો ઠીક (પ.પૂ.ધ.ધુ.) ધર્મોચાર્યો પણ સામેલ છે !
ફિલ્મોમાં આવતી સેક્સ અને શેરબજારનો સેન્સેક્સ આ બેઉનાં સર્જનમાં કાળાં નાણાં અગત્યનો ભાગ ભજવે છે એ વાત જાહેર કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આમાં આનંદ અનુભવવા જેવું શું છે તે અમે સમજી શકતા નથી, છતાં આનંદ અનુભવીએ છીએ. કાળાં નાણાંથી બનતી ફિલ્મો કે કાળાં નાણાંથી ચાલતું શેરબજાર અચાનક તૂટે છે. એ તૂટે ત્યારે બીજા અનેક લોકોની હાલત બગડી જાય છે, પણ કાળાં નાણાંવાળાઓની હાલત જરાય બગડતી નથી.
અંતમાં શેરબજાર એ વિચિત્રમાં વિચિત્ર બજાર છે. ત્યાં ગ્રાહકની કોઈ કિંમત નથી, પૈસાની જ કિંમત છે. કરોડોનો કારોબાર છતાં આ બજાર આખા દિવસમાં ચારપાંચ કલાક જ ચાલે છે. વરસ દરમિયાન વધારેમાં વધારે રજા ભોગવે છે. આમ, આળસનું તે રાષ્ટ્રીય પ્રતીક છે. દેશના બીજા કોઈ પણ બજાર કરતાં એહીં વધારે કૌભાંડો થાય છે. આ બજાર છે છતાં અહીં ગ્રાહકસુરક્ષાના કાયદાનો અમલ થતો નથી. અહીં ઝડપથી ને વિનાપરિશ્રમે લક્ષ્મીપતિ થવા માગનાર મોટા ભાગના ગ્રાહકો વારંવાર છેતરાય છે, ક્યારેક જ ફાવે છે.
આવા બજારની કોઈ જરૂર ખરી ? શેરબજાર બંધ કરવાની અમારી માંગણી શું ખોટી છે ? –વાચકબંધુઓ !
0 comments:
Post a Comment