- મીનાક્ષી ઠાકર
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાતનાં તીર્થધામો માંથી)
‘મા પાવા તે ગઢથી ઊતર્યા રે મહાકાળી રે,
વસાવ્યું ચાંપાનેર પાવાગઢવાળી રે.’
ગુજરાતનાં ઇતિહાસમાં અને લોકકથાઓમાં પાવાગઢ ઉપરની માતા કાળકા એટલાં બધાં વણાઈ ગયાં છે કે, ગુજરાતની પ્રજામાંની ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાવાગઢ તથા પાવાગઢના મહાકાળીના નામથી અજાણ હશે. માતાઓના ગરબાઓમાં ‘પાવાગઢના મા’ પ્રસિદ્ધ છે. ગુજરાતના શક્તિપીઠોમાંનું એક મહત્વનું પીઠ છે.
પાવાગઢ પર્વત એ પ્રાચીન ધાર્મિક સ્થાન છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતો આ પર્વત અને એની તળેટીમાં સૂતેલી ઇસ્લામી નગરી ચાંપાનેર વડોદરાથી 48 કિ.મી. દૂર આવેલાં છે.
વનરાજ ચાવડાના સેનાપતિ ચાંપા વણિકની યાદમાં તેણે આ નગર આઠમી સદીમાં બંધાવ્યું હતું. પતાઈ વંશના રાવળ રાજાઓ અહીં. સત્તાધીશ હતા. રાવળ રાજા પતાઈ જયસિંહના હાથમાં ચાંપાનેર હતું. મહંમદ બેગડાએ વિક્રમ સંવત 1541 (ઈ.સ. 1484માં) પાવાગઢ લીધું. આગલા વરસે ગુજરાતના કેટલાક ભાગમાં દુષ્કાળ હતો. પરંતુ ચાંપાનેરના મુલકમાં પાક સારો હોવાથી મહંમદ બેગડાનો સરદાર ચાંપાનેર મુલકને લૂંટવા લાગ્યો. આ સામે ચાંપાનેરના રાવળે સરદારને હરાવી મારી નાંખ્યો, પરંતુ આ ખબર મળતા મહંમદ બેગડો પોતે રાવળ પર લશ્કર લઈને ચડ્યો. શૂરવીરતાથી લડવા છતાં એક દરવાજો સૌ પ્રથમ કબજે થયો અને બધી રાણીઓ, બાળકો, અને ધનમાલને અગ્નિમાં હોમી દઈને કેસરિયાં કર્યાં.
પાવાગઢના આ વિનાશના કારણ તરીકે લોકો એક દંતકથા આપે છે કે એક વખત નવરાત્રીમાં મહાકાળી મા, ગઢ ઉપરથી ઊતરી સામાન્ય સ્ત્રીવેશે શહેરમાં ગરબે રમવા ગયાં. માતાજીનું રૂપ જોઈને પતાઈ જયસિંહ રાવળે કામવિકારવાળી માંગણી કરી. માતાજીએ એને સમજાવ્યો. પરંતુ રાજા ન માન્યો અને માતાજીએ શ્રાપ આપ્યો કે જા, તારો અને તારા નગરનો નાશ થશે.’
‘ફટ ફટ પાવાના રાજન, કે એ શું માગિયું રે લોલ?
આજથી છઠે ને છ માસે કે મૂળ તારું જશે રે લોલ.’
આ રીતે મહંમદ બેગડાના હાથે એ સ્થાનનો અને એ રાજ્યનો નાશ થયો, પરંતુ મહાકાળીના પ્રતાપે અને તેના સતથી હજી પણ આ સ્થાનનું મહત્વ દેવી તીર્થ તરીકે જળવાઈ રહ્યું છે.
આર્યો જ્યારે ગુજરાતમાં આવ્યાં હશે ત્યારે આબુ ઉપર વિશિષ્ઠ ઋષિનું સ્થાન, પાવાગઢ ઉપર વિશ્વામિત્રનું સ્થાન ગિરનાર ઉપર ગુરુ દત્તનું સ્થાન અને ખેડબ્રહ્માના ભૃગુ ક્ષેત્રમાં ભૃગુઋષિનું સ્થાન વગેરે સ્થાનોને આર્યોવર્તોનું નામ આપીને ગુજરાતમાં નવું આર્યવર્ત ખડું કરનાર પૂરા પ્રત્યત્નો કર્યા હશે. પાવાગઢ ડુંગર ઉપર આવેલું મહાકાળીનું મંદિર 2720 ફૂટની ઊંચાઈ ઉપર છે, ચાંપાનેરથી પાવાગઢ જતાં ચારે બાજુના પ્રદેશ તરફ નજર નાંખતાં આંખ ઠરે તેવું રમણીય દ્રશ્ય લાગે છે. આજુબાજુનું દ્રશ્ય જોઈને પહાડ ઉપરના ચઢાણનો થાક પણ ઊતરી જાય છે ઊપર ચઢતાં શરૂઆતમાં જ વિશ્વામિત્રી નદી આવે છે. આ નદીના કિનારા ઉપર જ ખોડિયાર માતાનું મંદિર છે. ત્યાં મજબૂત કિલ્લેબંધીનો નીચલો કોટ આવે છે. આ કોટની દીવાલ મોટા મોટા પથ્થરોની બાંધેલી છે. પર્વત ઉપર આગળ ચઢવા માટે ‘અટક દરવાજા’માં પ્રવેશ કરવો પડે છે. આ દરવાજામાં થઈ ને આગળ જતાં ‘બુઢિયા’ દરવાજો આવે છે, જ્યાં હિના નામનું તળાવ છે અને ત્યાં કોઈ પુરાતન કાળની ઇમારત દેખાય છે અને ત્યાંથી આગળ જતાં ચાર દરવાજામાંથી પસાર થવું પડે છે. આ સ્થળે રસ્તો વાંકોચુંકો, સર્પાકાર છે અને દરવાજાઓની બાંધણી એવી છે કે ઉપરના દરવાજાથી નીચેનો દરવાજો બરાબર દેખાય અને તેનું રક્ષણ થઈ શકે. ગુજરાતના ગિરિદુર્ગોમાં પાવાગઢના દુર્ગની બાંધણી ઘણી કુનેહપૂર્વક કરવામાં આવી હોય તેવું ચોખ્ખું દેખાય છે. કિલ્લાનો નીચલો ભાગ દુશ્મનોના હાથમાં આવી જાય તો પણ ઉપરનો ભાગ સુરક્ષિત રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થા પાવાગઢની કિલ્લેબંધીમાં નજર પડે છે. દક્ષિણના ડુંગરી કિલ્લાઓને મળતો ગુજરાતમાં પાવાગઢનો આ એક જ કિલ્લો છે. અહીંથી થોડે દૂર આગળ જતાં મકાઈ કોઠારનો દરવાજો આવે છે. હજીયે જીર્ણ થયેલ મકાઈ કોઠારો દરવાજાની બાજુમાં ઊભા છે. અહીંથી આગળ વધતાં ડાબી બાજુએ ભદ્રકાળી જવાનો માર્ગ આવે છે અને જમણી બાજુએ એક મોટી ખાઈ ઉપરના પુલ ઉપર થઈ ને પાટિયા પુલના દરવાજામાં જવાય છે. અહીંથી આગળ વધતાં તારા દરવાજો આવે છે. આ દરવાજા આગળથી બે રસ્તા ફંટાય છે. એક રસ્તો માચી ગામ તરફ જાય છે અને બીજો રસ્તો ખાપરા ઝવેરીના મહેલ તરફ જાય છે. તેનાથી આગળ સૂરજ દરવાજો અને ટકોરખાનનો દરવાજો આવે છે. ટકોરખાનના દરવાજામાં પ્રવેશ કરીને આપણે પાવાગઢના સૌથી ઉંચા શિખર પર પહોંચી જઈએ છીએ. ટકોરખાનના દરવાજાથી આગળ વધતાં દેખાય છે કે એક જૂના દિગંબર જૈન મંદિરનો પુનરુદ્ધાર કરીને નવા જેવું બનાવવામાં આવેલું જૈન તીર્થ છે. અહીંથી આગળ વધતાં તેલિયા તળાવને કાંઠેથી મહાકાળીના મંદિર તરફ જવાય છે. રસ્તામાં જૈનોનાં જૂનાં મંદિરો ભાંગી તૂટી હાલતમાં દેખાય છે. આગળ વધતા અન્ય એક તળાવ આવે છે જેને છાસિયું તળાવ કહેવામાં આવે છે. એની બાજુમાં ઝર્ણોદ્ધાર પામેલ બીજું દિગંબર જૈન મંદિર આવેલું છે. આ મંદિરનાં શિલ્પો ઉપરથી એ કદાચ વાઘેલા કાળનું હોય અને 16મા સૈકા પહેલાનું હોય તેવું લાગે છે. મંદિરની દ્વારશાખા ઘણી જૂની છે. અને તેજપાળના દેરાની અસરવાળું લાગે છે. દિગંબર મંદિરની બાજુમાંથી આગળ વધતાં મહાકાળીના ઊંચા શિખરો ઉપર જવાનાં પગથિયાં નજરે પડે છે. ત્યાં જ દૂધિયું તળાવ આવેલું છે. 210 પગિથયાં મહાકાળીના ઊંચા શિખર ઉપર જવા માટે ચડવા પડે છે. પગથિયાં ચડ્યા પછી મહાકાળીના મંદિરમાં દાખલ થવાય છે. ઊભા ખડકની અંદરથી કાપી કાઢેલાં આ પગથિયાં પ્રખ્યાત મહાદેવજી સિંધીયાએ બંધાવેલાં છે.
કાળકા માતાના મંદિરની બાંધણી નાની અને સાદી છે. રંગમંડપ ઉપર ઘુમ્મટ છે અને મંદિરના ગર્ભગૃહમાં 3 મૂર્તિઓ બિરાજે છે. ડાબી બાજુએ મહાકાળીની મૂર્તિ, જમણી બાજુએ બહુચર માતાનું યંત્ર અને વચમાં આ સ્થાનની અધિષ્ઠાત્રી કાળકા માતાની મૂર્તિનો મુખભાગ. એવું કહેવાય છે કે, આ મૂર્તિની સ્થાપના વિશ્વામિત્ર ઋષિએ કરી હતી. આને કારણે જ પર્વતમાંથી નીકળતી નદીનું નામ વિશ્વામિત્રી એવું આપવામાં આવ્યું છે. કાળકા માતાના શિખર ભાગ ઉપર એક છેડે માતાનું મંદિર અને સામે છેડે મંદિરની દીપિકા આવેલી છે. કાળકા માતાના મંદિરની અગાસી ઉપરથી જોઈએ તો આસપાસનો માઈલો સુધી પથરાયેલો વિસ્તાર અદભુત લાગે છે. હાલોલના ખજાનામાંથી અને દેવગઢબારિયા તરફથી માતાના વંશપરંપરાના પૂજારીને વર્ષાસન મળે છે. એમાંથી જ માતાજીનો થાળ, ચોઘડિયાં, શતચંડી અને પૂજારીનો પગાર વગેરે ખર્ચ નીકળે છે.
કાળકાના શિખર ઉપરથી ઊતરી મુખ્ય શિખર ઉપર આવી પગથિયાં આગળથી પશ્ચિમ બાજુમાંથી ઉપર જતી. પગથારને રસ્તે શિખરને એક છેડે આવેલા નવલખા કોઠાર પાસે જવાય છે. જ્યાં પતાઈ રાવળના સમયમાં અનાજ ભરવામાં આવતું હતું. એ કોઠારમાંના ચાર કોટડાઓ અને ચાર ઘુમ્મટો હજી સારી હાલતમાં છે. પાછા ફરતા ટકોરખાનાને દરવાજેથી ઊતરી મકાઈ કોઠાર આગળથી એક જુદો-રસ્તો ફંટાય છે. તે જતાં રસ્તે દક્ષિણ તરફના છેડા ઉપર ભદ્રકાળીનું નાનું મંદિર આવેલ છે. ભદ્રકાળીની મૂર્તિ કાળકાની મૂર્તિ જેવી છે, પરંતુ કાળકાની મૂર્તિ ઉત્તરાભિમુખ છે અને ભદ્રકાળીની મૂર્તિ દક્ષિણાભિમુખ છે. ગરબે રમવા જતી વખતે ભદ્રકાળીએ ના પાડેલી છતાં કાળકા માતા રમવા ગયાં એટલે બંને દેવીઓ રિસાઈને મોઢું ફેરવી બેઠાં છે એવી લોકવાયકા છે.
સમગ્ર રીતે જોતાં પાવાગઢ પહાડ ઉપર ચાવડા, માળવી, મુસ્લિમ, અને મરાઠા શૈલીનું શિલ્પ ધન જોવા મળે છે. આ પહાડ શિલ્પ અને સ્થાપત્યના રસિકો માટે સંગ્રહસ્થાન સમો છે. પાવાગઢ ઉપર આ ઉપરાંત ભોંયરાં, કૂંડો, મહેલોનાં ખંડેરો વગેરે ઘણું જોવાનું છે. આસપાસ વનસ્પતિ પણ વિવિધ અને પુષ્કળ થાય છે. આથી વનસ્પતિશોખીનોને આનંદ આવે તેવો આ પર્વત છે. ચાંપાનેરથી એક કિ.મી. દૂર દેવગઢબારિયાના માર્ગે મઢતળાવ છે. જ્યાં મહંમદ બેગડાના મહેલના અવશેષો પથરાયેલ છે. યાત્રાળુઓ માટે આ સ્થળ પર્યટન સ્થાન બની રહે તેવું છે. આ ઈસ્લામી નગરીનું અસ્તિત્વ વડોદરાની વિશ્વવિદ્યાલયે કરેલા ઉત્ખનનથી પ્રાપ્ત થયેલ છે. આસાપાસનાં જોવાલાયક સ્થળોમાં ચાંપાનેરમાં જામા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, મજૂરી મસ્જિદ વડતાલ, વગેરે છે.
હાલમાં માંચી સુધી એસ.ટી. બસો જાય છે અને માંચીથી તેલિયા તળાવ સુધી રોપવેની વ્યવસ્થા ગુજરાત સરકારે કરેલી છે. જેને કાચા પગરસ્તે ઉપર જવું હોય તે પણ જઈ છે. માંચી પર ગુજરાત સરકારનું વિહારધામ, ગુજરાત પ્રવાસ નિગમનું વિહારધામ, ધર્મશાળાઓ, અને ખાનગી રહેઠાણો છે, જ્યાં આવાસ-સુવિધા મળી રહે છે. માંચી પાસે, રેસ્ટોરન્ટ પણ છે, કે જ્યાં ચા-પાણી અને નાસ્તો તેમજ જમવાનું મળી રહે છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ડિસેમ્બર અને માર્ચથી જૂન દરમિયાન પર્વત પર જવાથી લીલી વનરાજી આંખનું સ્વાગત કરતી હોય તેવો ભાસ થાય છે. અને સતનાં પારખાં કરાવતી મા કાળકા માટે શ્રી વલ્લભ ભટ્ટે પણ ગાયું છે.’
‘મા, તું પાવાની પટરાણી, ભવાની મા કાળકા રે લોલ,
મા, તારે ડુંગરડે ચડવું લાગે અતિ દોહ્યલું રે લોલ.’
0 comments:
Post a Comment