આતમ વીંઝે પાંખ
શહીદ ભગવતસિંહ
- મોહનલાલ મહેતા ‘સોપાન’
(સાદર ઋણસ્વીકાર : ‘અખંડ આનંદ’માંથી)
ભારત પર વિદેશી રાજસત્તાની જમાવટ થઈ ત્યારથી માંડીને આપણે સંપૂર્ણ સ્વાધીનતા પ્રાપ્ત કરી ત્યાં સુધીના લાંબા કાળમાં એક અથવા બીજી પદ્ધતિએ નાના કે મોટા પાયા પર ભારતીય પ્રજાએ વિદેશી શાસકો સામે પડકાર તો ફેંક્યા જ કર્યો છે અને કોઈ કાળે ગુલામી અવસ્થાનો સ્વેચ્છાએ સ્વીકાર કર્યો નથી. 1857નો વિદ્રોહ વિવિધ કારણોસર નિષ્ફળ ગયા પછી પણ સ્વાતંત્ર્યયુદ્ધનો આતશ બુઝાયો નહોતો. એ પછી એક બાજુ વિનીત વર્ગ પોતાની રીતે સ્વાતંત્ર્ય માટે મથતો રહ્યો અને બીજી બાજુ જેમને આઝાદીના આશકો કે દીવાના કહી શકાય એવા સશસ્ત્ર ક્રાન્તિકારીઓ હસતે મુખે ફાંસીને માચડે ચડતા રહ્યા તે જાલિમની ગોળીઓના નિશાન બનતા ગયા.
સ્વાતંત્ર્યની યાત્રાનું અંતિમ ચરણ, કુરબાનીની કવિતાની છેલ્લી કડી, શહીદોમાં શ્રેષ્ઠ એવા અવતારી પુરુષ ગાંધીજીના હાથે લખાઈ. ભારતનો જનવિરાટ એમનાં ત્યાગ-બલિદાનના દિવ્ય અને ભવ્ય સંદેશથી જાગ્યો. આબાલવૃદ્ધ સૌનાં હૈયામાં પડેલી રાષ્ટ્રભક્તિને ચરિતાર્થ કરવાને રાષ્ટ્રવ્યાપી માર્ગ પણ એમણે જ સુઝાડ્યો. સૂક્ષ્મ રીતે જોઈએ તો વિદેશી સત્તા સામે પણ વિવિધ રીતે જે પડકારો ફેંકાયા હતા અને જે પદ્ધતિઓ અજમાઈ હતી તે બધાંને એકત્ર કરી અહિંસાના પવિત્ર જળથી વિશુદ્ધ બનાવી એમણે અદભુત કહી શકાય એવો સમન્વય સાધ્યો. ભારતીય પરંપરા અને તે કાળની પરિસ્થિ-એ બન્નેને લક્ષમાં રાખી એમણે જે માર્ગ અપનાવ્યો તેમાં ક્રાન્તિકારીઓનું સાહસ હતું. એમની શહીદીની ભાવના હતી, વ્યાપક વિદ્રાહ જગાડવા માગનારાઓના સંગઠનની યોજના હતી અને વિદેશી સત્તા દ્વારા ભારતીય પ્રજાના થયેલા શોષણનો, દેશ-દુનિયાને ખ્યાલ આપતા વિનીતોની પ્રચાર પ્રવૃત્તિ અને બંધારણીય લડત આપવાની મનોવૃત્તિનો પણ ગાંધીજીની અભિનવ પ્રવૃત્તિમાં સમાવેશ થતો હતો. આથી કન્યાકુમારીથી કાશ્મીર અને સિંધથી આસામ સુધી સ્વાર્પણની ભાવનાનું મોજું ફરી વળ્યું અને અંતે વિદેશી સત્તાના છેલ્લામાં છેલ્લા અવશેષો પણ એમાં ધોવાઈ ગયા, ભૂંસાઈ ગયા.
પરંતુ અંતિમ પરિણામની કસોટીએ પણ સ્વાતંત્ર્ય માટે અજમાવાયેલી પ્રત્યેક પ્રવૃત્તિનું મૂલ્ય છે અને તેનો હિંસ્સો પણ છે. મુક્તિમંદિરે પહોંચવાની યાત્રાના કોઈ પણ પગલાને આપણે ભૂલી શકીએ તેમ નથી. વર્ષો વીતી ગયાં છે છતાં આજે પણ મહાન ક્રાન્તિકારીઓ-રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, સરદાર ભગતસિંહ, વગેરેનું સ્મરણ થતાં આપણે રોમાંચ અનુભવીએ છીએ ! મુક્તિયાત્રાનાં સીમાચિહનો જોઈએ અથવા તો વિચારના વિકાસનો ઇતિહાસ તપાસીએ તોપણ આમાં ક્રાન્તિકારી પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર આપણે કેવી પ્રગતિ સાધી તેનો ખ્યાલ મળી રહે છે. શહીદ ભગતસિંહનું સ્મરણ તકરતાં એમના જીવન પર દ્રષ્ટિ જાય તે તદ્દન સ્વાભાવિક છે. સરદાર ભગતસિંહ ક્રાન્તિકારી પ્રવૃત્તિમાં જે કાળે દાખલ થયા તે કાળે ચંદ્રશેખર આઝાદ એ પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર કે સેનાની હતા. આઝાદી પહેલાં ઘણા શહીદોએ સ્વાતંત્ર્ય દેવીના મસ્તક પર પોતાના પવિત્ર રક્તનો અભિષેક કર્યો હતો. એ વખતે ધર્મભાવના પ્રબળ હતી, દેશની મુક્તિ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરી પ્રાણની આહુતિ આપવાની પ્રેરણામાં દેહની નશ્વરતા અને આત્માની અમરતા વર્ણવતા ગીતાના મંત્રો ઉપયોગી થતા હતા. રામપ્રસાદ બિસ્મિલ વેદમંત્રો ઉચ્ચારતા ફાંસીએ ચડ્યા હતા, અને અશફાકુલ્લાખાંએ પોતાના હાથમાં પવિત્ર કુરાન રાખ્યું હતું. ચંદ્રશેખર આઝાદ ‘ધી હિન્દુસાતન રિપબ્લિક એસોસિયેશન’ નામના સંગઠન દ્વારા ક્રાન્તિકારી પ્રવૃત્તિ કરતા હતા. સરદાર ભગતસિંહ જ્યારે આગળ આવ્યા ત્યારે ક્રાન્તિકારી દળના સભ્યોમાં જે વિચારપરિવર્તન થયું તેને પરિણામે સંગઠનનું નામ રાખવામાં આવ્યું : ‘ધી હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિક આર્મી.’ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં આવેલા આ વિચારવિકાસને જો લક્ષમાં લેવામાં ન આવે તો સરદાર ભગતસિંહે દિલ્હીની વડી ધારાસભામાં બોમ્બ ફેંકી કોઈને માર્યા વિના જીવતાં પકડાઈ જવાનું શા માટે પસંદ કર્યું તેનો મર્મ સમજાય નહીં. તેઓ આખા જગતને સમજાવવા માગતા હતા કે ભારતના ક્રાન્તિકારીઓ આતંકવાદીઓ કે ટેરરિસ્ટો નથી, પરંતુ ભારતની મુક્તિની માટે, ચોક્કસ સમાજરચનાના ખ્યાલથી લડનારા રાજકીય યોદ્ધાઓ છે.
આ ઉપરથી એમ ફલિત થાય છે કે પહેલેથી છેલ્લે સુધી સમગ્ર ક્રાન્તિકારી પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિચારવિકાસ સાધતી રહી હતી. સ્વરાજ્યપ્રાપ્તિમાં ક્રાન્તિકારીઓનો હિસ્સો કેટલો તેનો વિચાર પણ આઝાદ ભારતના નાગરિકોએ કરવો ઘટે છે. આ વિશેનું અવલોકન દર્શાવે છે કે જનસામાન્યમાં પ્રસરેલા અસંતોષના અગ્નિના તેઓ પ્રતીક હતા- તણખા હતા. એમના બલિદાનથી ભારતની ગુલામી તરફ આખી દુનિયાનું ધ્યાન ખેંચાતું હતું. એથી પ્રજાના દિલમાં સ્વરાજ્યની ભાવના જાગ્રત રહેતી હતી. દેશભક્તોની સરફરોશીની તમન્ના જરા પણ મંદ પડતી નહોતી. ક્રાન્તિકારી પ્રવૃત્તિની અસર ‘સૂખ જાય ન કહીં પૌધા... યહ આઝાદી કા, ઇસ લિયે અપને ખૂન સે તર કરતે હૈં’ એ ભાવનામાં વ્યક્ત થતી હતી. રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ કે સરદાર ભગતસિંહ કેવળ ભાવનાનાં પૂતળાં નહોતા. પોતાના સ્વાર્પણનું તેઓ મૂલ્ય સમજતા હતા અને તેનાં પરિણામોનો પણ એમને ખ્યાલ હતો. સાચેસાચા તેઓ માનતા હતા કે આઝાદીની ભાવનાનો જે સુકુમાર છોડ ઊગ્યો છે તેના ક્યારામાં જો કુરબાનીનું રક્ત સીંચવામાં નહીં આવે તો સુકાઈ જશે. આ શહીદોએ એમનાં બલિદાનથી આઝાદીની ભાવનાને જીવંત ન રાખી હોત, તો તે પછીના રાષ્ટ્રીય સૂત્રધારોનાં કામ અત્યંત કઠિન બની ગયાં હોત એમાં શંકા નથી.
આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સરદાર ભગતસિંહને એક સીમાચિહન રૂપ ગણવામાં આવે છે. 1930-32માં સરદાર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના એક સાથી ક્રાન્તિકાર ભગવાનદાસ માહૌર સાબરમતી જેલમાં અમારી સાથે હતા. એમણે ક્રાન્તિકારી પ્રવૃત્તિનો અને સરદાર ભગતસિંહના વ્યક્તિત્વનો જે ખ્યાલ આપ્યો હતો તે આજે પણ ભુલાયો નથી, ભૂંસાયો નથી. સરદાર ભગતસિંહનું વ્યક્તિત્વ આકર્ષક હતું. ક્રાન્તિકાર આઝાદની સેનામાં નવા વિચારો અને નવી યોજનાઓ લઈને તેઓ આવ્યા હતા. ક્રાન્તિકારીઓએ દેશ દુનિયાના ઇતિહાસનું વાંચન કરવું જોઈએ અને તેઓ કેવું આઝાદ હિંદુસ્તાન માગે છે તેનું ચિત્ર પણ તેમના હૃદયમાં સ્પષ્ટ હોવું જોઈએ એવો ખ્યાલ કદાચ તેમણે જ પ્રસરાવ્યો હતો.
સરદાર ભગતસિંહ એક સુખી કુટુંબના સુશિક્ષિત નબીરા હતા. ક્રાન્તિકારીઓનું કઠિન જીવન સ્વીકારવા માટે એમને સારી એવી સાધના કરવી પડી હતી, પરંતુ આ સાધનાકાળા ઘણી ઝડપથી પૂરો થયો હતો. તે સમયની અનેક ક્રાન્તિકારી પ્રવૃત્તિ સાથે તેમનું નામ અને કામ જોડાયેલાં હતા. પરંતુ એમની યશકલગીરૂપ બે કાર્યોને ગણી શકાય : ભારતીય પ્રજાની આઝાદીની ભાવના પર બંધારણીય સુધારાનું ઠંડું પાણી રેડવા માટે સાઈમન કમિશન આવ્યું ત્યારે આખા દેશમાં તેનો વિરોધ થયો હતો. સદગત જવાહરલાલજીના જીનવ સાથે પણ આ પ્રસંગ જડાયેલો છે. લાહોરમાં કમિશનનો વિરોધ કરવા માટે સરઘસનું નેતૃત્વ લાલા લજપતરાયે લીધું હતું. લાલાજીની ગણના ભારતના સર્વોચ્ચ નેતાઓમાંથી થતી હતી. ખાસ કરીને ઉત્તર ભારતના ક્રાંન્તિકારીઓના હૃદયમાં તેમનું અતિ ઊંચું સ્થાન હતું. આ વિરોધસરઘસ ઉપર પોલીસે લાઠીઓ ચલાવી અને ઘોડાઓ દોડાવ્યા. લાલાજી ઉપર ગંભીર લાઠીપ્રહાર થયો અને તે થોડા સમયમાં જીવલેણ નીવડ્યો. સરદાર ભગતસિંહના દિલમાં આગની જ્વાલા પ્રગટી ઊઠી. લાલાજીના હત્યારાની હત્યા કરી વિદેશી સત્તાને અને જગતને ભારતની લાગણીનો ખ્યાલ આપવાનો વિચાર એમના દિલમાં ઝબકી આવ્યો. આ કામ પાર પાડવામાં એમના સાથીઓ હતો રાજગુરુ અને સુખદેવ. ક્રાન્તિકારીઓ વચ્ચે કુરબાનીની ગંભીર સ્પર્ધા થતી. અમારા જેલના સાથી ભગવાનદાસ કહેતા કે રાજગુરુ તો ભગતસિંહના પ્રતિસ્પર્ધી હતા ! રાજગુરુના મુખેથી ઘણી વાર એવા ઉર્દૂ શેરો છૂટતા કે પ્રતિસ્પર્ધી વિના ઇશ્કની મઝા શી ? લાલાજીના હત્યારા સેન્ડર્સના ખૂનની વાત જ્યાં નક્કી થઈ ત્યારે રાજગુરુએ આગ્રહ રાખ્યો હતો કે તે જ પહેલી ગોળી ચલાવશે. ભગતસિંહ સામે એણે એક શેર રજૂ કર્યો હતો :
‘અબ તક નહીં માલૂમ થા ઇશ્ક ક્યા ચીજ હૈ,
રોજે કો દેખકર મેરે ભી ઇશ્કને બલવા કિયા.’
અને કમાલ તો એ છે કે લાહોરની જેલમાં જ્યારે ત્રણે દોસ્તોને ફાંસીએ ચડવાનો ચમય આવ્યો ત્યારે પણ રાજગુરુએ આગ્રહ રાખ્યો હતો કે પહેલી ફાંસી એને જ મળવી જોઈએ. ભગતસિંહ એની કુરબાનીને આંખ ફાડી જોઈ રહે એવી એની ઇચ્છા હતી ! સેન્ડર્સના ખૂનનું કામ આ દોસ્તોએ ઘણી કુશળતાથી પતાવ્યું હતું, પરંતુ વિજય પ્રાપ્ત કરીને જ્યારે તેઓ પોતાના મથક પર આવ્યા ત્યારે તેઓ ગંભીર રીતે ઉદાસ બની ગયા હતા ! આ ભગવાનદાસે જ એમને પૂછેલું કે હૃદય આનંદથી નાચી ઊઠે એવી સફળતા પ્રાપ્ત કરીને આવ્યા પછી આવી ઉદાસી કેમ ? એમને જવાબ મળ્યો હતો કે ‘સેન્ડર્સ કેવો સુંદર ફૂટડો જુવાન હતો ! એની હત્યાથી એના સ્વજનોને કેવો તીવ્ર આઘાત લાગ્યો હશે !’ કોઈ ત્યારે બોલ્યું હતું કે ‘ઝેરી સાપ પણ સુંદર હોય છે. એની હત્યાનો અફસોસ ન હોવો જોઈએ.’ તે વખતે જવાબ મળ્યો હતો કે, ‘ઠીક હૈ, મૈંને ભી સાંપ કો મારા તો હે, લેકિન... લેકિન કુછ નહીં,’ એમ કહીને નિશ્વાસ મૂકવામાં આવ્યો હતો ! ક્રાંતિકારીઓનાં હૃદયની આવી કોમળ સ્થિતિ હતી. તેઓ ખૂનીઓ તો નહોતા જ નહોતો.
સરદાર ભગતસિંહ આ બધી પ્રવૃત્તિને જુદી દ્રષ્ટિથી નિહાળતા હતા. એ વખતે ગાંધીયુગ શરૂ થયો હતો એટલે જ નહીં, તેનો પ્રભાવ દેશમાં અને દુનિયામાં પથરાઈ ગયો હતો. ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે ચારે બાજુ ગેરસમજ પણ ફેલાતી હતી. આવી સ્થિતિમાં સરદાર ભગતસિંહને વિચાર આવ્યો કે ક્રાંતિકારીઓ કઈ ભાવનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે તેનો આખા જગતને ખ્યાલ આપવો જોઈએ. અત્યાર સુધીની પરંપરાની દ્રષ્ટિએ કંઈક વિચિત્ર કહી શકાય એવી દરખાસ્ત ક્રાંતિદળ સભામાં એમણે રજૂ કરી ત્યારે પ્રથમ તો તેનો સખત વિરોધ થયો. સરદાર ભગતસિંહે કહ્યું કે તે દિલ્હીની વડી ધારાસભામાં બોમ્બ ફેંકી પકડાઈ જવાનો ઇરાદો રાખે છે; ત્યારે સાથીઓ ચોંકી ઊઠ્યા. સૌને થયું કે ભગતસિંહ ભાવનાવશ બની નિષ્ફળ બલિદાન આપવા તત્પર થયો છે. ચંદ્રશેખર આઝાદ તો આવી કોઈ દરખાસ્તને સ્વીકારે જ નહીં અને તેમની આજ્ઞાની વિરુદ્ધ કોઈ જાય પણ નહીં તે ભગતસિંહ જાણતા હતા; તેથી એમણે એમની ગેરહાજરીનો લાભ લઈ આ દરખાસ્ત મંજૂર કરાવી હતી ! અહીં પણ રાજગુરુની પેલી સ્પર્ધા ઝબકી ઊઠી હતી. ભગતસિંહ જેવું શિક્ષણ એણે મળવ્યું નહોતું. એ હતો સંસ્કૃતનો પંડિત અને અદાલતમાં નિવેદન કરવાનું હતું અંગ્રેજીમાં. રાજગુરુએ કહ્યું કે ‘સિદ્ધાંતકૌમુદી’ કંઠે કરનાર બેચાર પાનાનું અંગ્રેજી વિનેદન પણ કંઠે કરી જશે, પરંતુ ભગતસિંહ તો એ નિવેદનને પોતાની યોજનાનો એક ભાગ સમજતા હતા, તેથી તેમણે એ આગ્રાહ રાખ્યો હતો અને ક્રાંતિદળે પણ તેને મંજૂરી આપી હતી. એ વખતે ક્રાંતિકારીઓની મનોદશાનો ખ્યાલ આપતી એક પત્રિકા પણ છપાવીને તૈયાર રાખવામાં આવી હતી. બોમ્બ ફેંકવાની સાથે પત્રિકાઓ પણ ફેંકવાની હતી. સરદાર ભગતસિંહે પોતાના સાથી તરીકે પ્રથમ બટુકેશ્વર દત્તને પસંદ કરેલા, ત્યારે રાજગુરુના દિલમાં આગ લાગી ગઈ હતી. એણે ભારે પ્રયત્નો કરી બીજા સાથીઓને સમજાવી ફાંસીએ ચડવામાં પહેલા થવામાં જીત મેળવી હતી. બીજા સાથી સુખદેવનો પણ ભગતસિંહ પર અપાર પ્રેમ હતો. મૃત્યુંનો ડર તો કોઈને હતો જ નહીં, એટલે વધુમાં વધુ અને પહેલામાં પહેલી સજા પોતાને થાય એવી સૌની ઇચ્છા હતી ! પરંતુ ભગતસિંહનો વિચાર હતો કે વડી અદાલતમાં બોમ્બ ફેંકવો, પત્રિકાઓ વહેંચવી અને અદાલતમાં નિવેદન કરવું, તે કલ્પના અને યોજના તેની છે તેથી પ્રથમ બલિ થવાનો યશ તો એને જ મળવો જોઈએ.
આ યશ અંતે સરદાર ભગતસિંહને મળ્યો ! એ વખતે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. એમને ફાંસીની સજા આપવાનું જ્યારે જાહેર થયું ત્યારે રાષ્ટ્રના નેતાઓ ચોંકી ઊઠ્યા હતા. મને બરાબર યાદ છે કે કરાંચીની કોંગ્રેસમાં રાષ્ટ્રપિતા ગાંધીજી, સદગત જવાહરલાલજી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ, આ અંગે કેટલી તીવ્ર વેદના પ્રગટ કીર હતી. પરંતુ બીજી બાજુ ક્રાંતિકારીઓના મનોભાવ પણ જાણવા જેવા હતા. એ દિવસોમાં ભગતસિંહના સાથી સુખદેવે ગાંધીજીને ઉદ્દેશીને એક જાહેર પત્ર લખ્યો હતો. એમાં કહ્યું હતું કે ‘ક્રાંતિકારીઓનું ધ્યેય આ દેશમાં સમાજવાદી પ્રજાતંત્ર પ્રાણાલી સ્થાપવાનું છે.’ કેવી નિર્મળ અને દૂરગામી પરિવર્તન જોઈ શકનારી આ દ્રષ્ટિ હતી ! આ પત્રમાં એમ પણ કહેવાયું હતું કે જે ત્રણ રાજકેદીઓને ફાંસીની સજા આપવાનો હુકમ થયો છે તેમને સંયોગવશ બહુ મોટી ખ્યાતિ મળી ગઈ છે, પરંતુ ક્રાંતિકારીઓને મૃત્યુના મુખમાંથી છોડાવવામાં રાષ્ટ્રનું જે કલ્યાણ થશે તે કરતાં અધિક કલ્યાણ એમને ફાંસીએ ચડવા દેવામાં થશે એમ અમે માનીએ છીએ.
સરદાર ભગતસિંહ અને તેમના સાથીઓની આ મનોભાવના હતી. આ બધા શહીદોએ સ્વાતંત્ર્યના ફૂલછોડને પોતાનું રક્ત સીચી સાચે જ મહેકતો રાખ્યો. આજે આપણે જે સ્વાતંત્ર્ય ભોગવીએ છીએ તેમાં એમનાં બલિદાનની સુગંધ ભળેલી છે. સરદાર ભગતસિંહના કોઈ સાથીને જ્યારે ફાંસીની સજા થતી ત્યારે તેઓ એક શેર બોલતા. આજે એ જ શેર આપણા હૃદયમાં ગુંજી ઊઠે તે સ્વાભાવિક છે. તેઓ લલકારતા :
‘વે સૂરતેં ઇલાહી કિસ દેશ બસતિયાં હૈં,
અબ જિનકે દેખનેકો આંખે તરસતિયાં હૈ.’
(વિભૂતિ વંદના’માંથી સાભાર)
0 comments:
Post a Comment