દ્વારકાધીશનું મંદિર


- મીનાક્ષી ઠાકર

(સાદર ઋણસ્વીકાર : ગુજરાતનાં તીર્થધામો માંથી)

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ ઘડતર એની ભોગોલિક રચનાને કારણે થયું છે. હજારો વર્ષ સુધી એ દ્વીપ તરીકે રહેલું. ત્યાર પછી કાળે કરીને એનું તળ ગુજરાતની ભૂમિ સાથે જોડાઈ જતાં એ દ્વીપકલ્પ બન્યો. યુગયુગોથીદેશ-વિદેશની પ્રજાઓ પોતાની કળા, સંસ્કૃતિ અને દેવસ્થાનોના વૈવિધ્ય સાથે આવી, વસી અને ગઈ. અમાંની ઘણી સ્થિર રહી અને ગુજરાત-પ્રદેશ સાથે એક થઈ ગઈ પરંતુ તેમાં પણ વિવિધતા અને વિશિષ્ટિતાનાં દર્શન થાય છે. ખાસ કરીને આ વિશિષ્ટતાઓ અને લક્ષણો તેમની કળા અને સ્થાપત્યમાં પરિપૂર્ણ થઈ.

સૌરાષ્ટ્રનું દ્વારકાધીસ મંદિર, ચાર ધામોમાંનું એક છે.

અયોધ્યા મથુરા, માયા, કાશી કાંચી અવન્તિકા

પુરી ઘારામતી ચૈવ સપ્તૈકા મોક્ષારયિકા:
અર્થાત્ અયોધ્યા, મથુરા, માયાનગરી, કાશી, પુરી, ધામતીએ સાત નગરીઓ મોક્ષ આપનારી છે. ભગવાન દ્વારકાધીશની દ્વારકાપુરી ગુજરાત-કાઠિયાવાડનું એક મહાન તીર્થ છે.

દ્વારકા તું સતયુગે પદ્મિની

દ્વરકા તું દ્વાપરમાં શ્રીતુંગા

દ્વારકા તું ત્રેતાયાં, વિજયાખ્યા

દ્વારા તું કલિયુગમાં શાંતિકા.

વિષ્ણુપુરાણ, મત્સ્યપુરાણ, ભાગવત, મહાભારાને અને હરિવંશમાં ધારાવતી નગરી અંગે ખાસ કરીને તેના માહાત્મ્ય અંગે ઘણાં વર્ણનો થાય છે. પુરાણોમાં દ્વારકાની ઉત્પત્તિ માટે કહેવાય છે કે-

ભગવાન મનુના પુત્ર યયાતિને એક પુત્રી (સુકન્યા) અને ઉતાનબર્હિ, આર્નતને ભૂરિષેણ ત્રણ પુત્રો  થયા. પતિવ્રતા સુકન્યાનું આખ્યાન જૂના કાળથી લોકપ્રિય છે. આસુકન્યાના ભાઈ આનર્તના પુત્ર રૈવતે સમુદ્રની વચ્ચે નગર સ્થાપીને તેમાં પોતાની રાજધાની કરીને આનર્ત દેશ ઉપર રાજ્ય કર્યું. આ રેવતે સ્થાલેપી નગરી કુશસ્થલી તેજ દ્વારકાપુરી.
દ્વારકા ભારતનું મહાન વૈષ્ણવતીર્થ તરીકે જાણીતું બન્યું છે. સોમેશ્વરનું ઉલ્લાસરાઘવ નાટક દ્વારકાધીશના મંદિરોમાં દેવ પ્રબોધિની એકાદશમીના દિવસે ઉજવવામાં આવે છે.

અમદાવાદથી રાજકોટ, જામનગર થઈ દ્વ્રારકા પહોંચવા માટે 475 કિ.મી.નો રસ્તો કાપવો પડે છે. જામનગરથી દ્વારકા 150 કિ.મી. દૂર છે, જ્યારે મુબઈથી જામનગર હવાઈદળની સેવાઓથી જોડાયેલું છે.

અત્યારે જે દ્વારકાધીશનું મંદિર છે તે ભારતના પશ્ચિમકાંઠે દરિયાકિનારે વસેલું તીર્થ છે. તેની પ્રાચીનતા વિશે વિવિધ મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે તે મંદિર મોગલ સમય કરતાં વધુ જૂનું નથી. ત્યાનાં થાંભલા ઉપરના લખાણોને આધારે તે પંદરમાં કે સોળમાં સૈકાથી વધુ જૂનું ન હોઈ શકે, બીજું એક મંદિર આનાથી વધુ જૂનું હોઈ શકે. કે જેનો ઈતિહાસની તવારીખ પ્રમાણે ઈ.સ. 1474માં મહમંદ બેગડાએ નાશ કર્યો. હાલનું મંદિર કદાચ બાદશાહ અકબરના સમયમાં અસ્તિત્વમાં આવ્યું હોય તેવું લાગે છે.

કૃષ્ણની દ્વારકાનગરી કે જે સુદામાએ જોઈ હતી.

ઋષિ કહે સાંભળ નરપતિ

સુદામે દીઠી દ્નારમતો

કનક કોઢ ચળકાટ કરે

મણિમવ રત્ન જડ્યાં કાંગરે

ત્યાં તો ગોમતી સંગમ થાય

ચારે વર્ણ ત્યાં આવી નહાય.
આવી દ્વારકાનાં વર્ણન પુરાણો અને શિલ્પશાસ્ત્રનાં જૂનાં પુસ્તકોમાં છે. પરંતુ કૃષ્ણની એ દ્વારકા હાલમાં મોજૂદ નથી. કહેવાય છે તે મુજબ કૃષ્ણે જ તેમના સારથિને કહેલું કે દ્વારકાનગરીનો નાશ સમુદ્ર દ્વારા થશે.
આમ જૂની દ્વારકાના બદલે નવી દ્વારકાની સ્થાપના થઈ છે. દ્વારકાની હવા ખુશનુમાં હોય છે. શિયાળામાં સાધારણ ઠંડી અને ઉનાળામાં સાધારણ ગરમી લાગે છે. રાત્રિના સુમારે સમુદ્ર ઉપરથી ઠંડો પવન વાય છે.

દ્વારકામાં દ્વારકાધીનું મંદિર જ ઘણું મહત્વ ધરાવે છે. રણછોડરાયનું આ ત્રિલોકસુંદર મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વજનાભે બંધાવ્યું હોવાનું કહેવાય છે. સ્થાપત્કળાની દ્રષ્ટિએ આપણાં ઘણાં જૂનાં મંદિરો જેવું જ આ મંદિર છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહ ઉપર લગભગ 56 મીટર ઊંચું છ માંળવાળું શિખર છે. અને સામે પાંચ માળનો વિશાળ મંડપ છે, જેનો ઘુમ્મટ 60 થાંભલા ઉપર ઊભો છે. આ મંડપની ઊંચાઈ લગભગ 30 મીટર છે અને છ માળના શિખરે ઉપર જવા માટે અંદર સીડી છે. બહારનું કોતરણીકામ ઘણું જૂનું છે. તે સોમનાથ પાટણ ને બીજાં મંદિરોને મળતું આવે છે. મંદિરમાં મુખ્યત્વે ચૂનાનો પથ્થર વપરાયો છે. કોતરકામ માટે આ પથ્થર સરસ છે પરંતુ કાળ સામે ટકી રહેવા માટે નકામો છે. મંદિરોને બેવડો કોટ છે અને ભીંતોની વચ્ચે પરિક્રમાં કરવાની જગ્યા છે. કોટની દક્ષિણ બાજુએ સ્વર્ગદ્વાર અને ઉત્તરે મોક્ષદ્વાર એમ બે દરવાજા છે.

દ્વારકાધીશના મંદિરનો ધ્વજ 30 મીટર લાંબા રેશમી કપડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે 50 જેટલી ચોરાસી થાય છે. આમ પચાસેક વખત આ ધ્વજ બદલાય છે. ધ્વજ બદલવાનો હક્ક ત્યાંના અમુક બ્રાહ્મણ કુટુંબોને જ છે.

મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ચાંદીના પતરામાંથી મઢેલા સિંહાસન ઉપર રણછોડરાય અથવા દ્વારકાધીશની 1 મીટર ઊંચી શ્યામ ચતુર્ભુજ મૂર્તિ છે. મંદિરના ઉપલા માળે અંબાજીની અને સભામંડપના એક ખૂણામાં બળદેવજીની મૂર્તિ છે. મંદિરના આંગણામાં ત્રિવિક્રમજી પ્રદ્યુમ્નજી બલિરાજા, બ્રહ્માના સમકાંદિપુત્રોની નાની મૂર્તિઓ અને મંદિરો છે.  વળી મંદિરના ઉત્તર તરફથી દક્ષિણ તરફ જતાં કુશેશ્વર મહાદેવ, અંબાજીમાતા, પુરુષોત્તમજી, ગુરુ દત્તાત્રેય દેવકીમાતા, લક્ષ્મીનારાયણ અને માધવજીનાં મંદિરો તો પૂર્વ તરફથી ભીંત પાસે એક બાજુ સત્યભામા, રુફિમણી, જાંબુવતી, રાધા અને લક્ષ્મીનારાયણનાં મંદિરો તથા શંકરાચાર્યની ગાદી છે.

શંકરાચાર્યજી જ્યારે દ્વારાકમાં હોય ત્યારે રણછોડજીની આરતી તેઓ જ ઉતારે છે.

દ્વારકામાં મુખ્ય તો રણછોડરાજીનું મંદિર જ છે. પરંતુ ગોમતીસ્થાન અને રણછોડજીના મંદિરમાં દર્શન ઉપરાંત યાત્રાળુઓનગરની પરિક્રમા કરે છે. તેમાં ગોમતીઘાટ ઉપરથી સંગમઘાટ, ચક્રતીર્થ, રત્નેશ્વર મહાદેવ દ્વારકાની બહાર સિદ્ધનાથ મહાદેવ, જ્ઞાનકુંડ વાવ, અક્ષયવડ અઘોરકુંડ, ભદ્રકાળી, આશાપુરી અને કૈલાસકુંડ આવે છે. ત્યાંથી આગળ જતાં સૂર્યનારાયણનાં દર્શન કરી, નિષ્પાપકુંડથી આગળ જતાં સૂર્યનારાયણનાં દર્શન કરી, નિષ્પાપકુંડથી આગળ વચ્ચે આવતાં દેવોનાં દર્શન કરી, રણછોડજીના મંદિરમાં પાછા આવીએ એટલે પ્રદક્ષિણા પૂરી થઈ મનાય છે.

દ્વારકાથી દોઢ ગાઉ દૂર રામલક્ષ્મણનું મંદિર છે. ત્યાંથી એક ગાઉ દૂર સીતાવાડી છે, જેમાં પાપ-પુણ્યની બારી છે.

દ્વારકાના મંદિરની આસાસ બગીચો બનાવવા માટે ભારત સરકારના પુરાતત્વ ખાતા તરફથી આજુબાજુનાં મકાનો તોડી પાડવામાં આવતાં અને ત્યાં ખોદકામ કરતાં બીજાં મંદિરો મળી આવ્યાં છે. આ મંદિરોમાંનાં બે આઠમા સૈકાનાં માનવામાં આવે છે. આ મંદિરોમાંથી એકમાં સુંદર કોતરકામવાળા થરો છે. તેમાં ગજધર, કીર્તિમુખધર તેમજ વિષ્ણુની સુંદર આકૃતિઓ છે. હાલની જમીનની નીચે 4 મીટર સુધી ખોદકામ કરતાં બીજાં મંદિરો મળી આવ્યાં છે, જે બીજા-ત્રીજા સૈકાનાં મનાય છે.

આ ખોદકામ દરમ્યાન આઠમી સદીનું કલાત્મક કોતરણીયુક્ત એક મંદિર મળી આવ્યું હતું. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે હાલનું મંદિર પુરાણા મંદિરનાં સ્થળ ઉપર પાંચમી વાર બંધાયેલું છે. આ પાંચ મંદિરોમાંનું એક મંદિર છે. રેતીના પથ્થરથી બાધવામાં આવેલું હતું. જ્યારે અન્ય મંદિરો પ્રાપ્ત થતા ચૂના-પથ્તર વડે બંધાયેલાં જણાય છે.

આ ખોદકામ જાણીતા પુરાતત્વવિદ્ એસ. ઓર. રાવની દેખરેખ નીચે ભારતના પુરાતત્વ ખાતા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. શ્રી રાવના મતે દ્વારકાનો સૌ પ્રથમ વસવાટ ઈ.સ. પૂર્વે એક હજાર વર્ષથી પણ જૂનો હશે. કારણ કે ખોદકામ દરમ્યાન 5.5 મીટરની ઊંડાઈએ રેતીનું સ્તર મળી આવ્યું છે. ખોદકામ દરમ્યાન ધ્યાન ખેંચે તેવાં શિલ્પોમાં વિષ્ણું અને શિવની ત્રિનેત્ર સાથેની સુંદર મુખાકૃતિ અને આલિંગનબદ્ધ યુગલની શિલ્પકૃતિઓનો સમાવેશ થાય છે. શ્રી રાવને કૃષ્ણની નગરી દ્વારકા જે દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી તેને શોધી કાઢી શકાશે તેવા પુરાવા પ્રાપ્ત થયા છે.

ભગવાન દ્વારકાધીશે અનેક સંતો-મહંતોને આ તીર્થ તરફ આકષ્યા છે અને પ્રેરણા આપી છે. સંવતના બારમા સૈકાથી આજ દિન સુધીમાં અનેક સંતો, મહંતો અને મહાપુરુષોએ આ તીર્થની મુલાકાત લીધી હોવાની ઐતિહાસીક માહિતી સાંપડે છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય કવિશ્રી, નરસિંહ મહેતા, કબીરજી, ગુરુ નાનક, કવિશ્રી તુલસીદાસજી, ચૈતન્ય મહાપ્રભુ, મીરાંબાઈ, સમર્થ ગુરુ રામદાસ, કોલવા ભગત, બોડાણા ભગત, જ્ઞાનદેવ વગેરે મહાસંતોએ આ તીર્થની મુલાકાત લીધી હતી. ચિતોડના પ્રસિદ્ધ મહારાણા ભોજનાં પત્ની મીરાંબાઈ અહીં આવી ભગવાન દ્વારકાધીશની પ્રતિમામાં સમાઈ ગયાં હતાં.

દ્વારકા આસપાસનાં ધાર્મિક સ્થળો

બેટ દ્વારકા :

દ્વારકાની જાત્રાએ જતાં યાત્રાળુઓ દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા પણ જાય છે. દ્વારકાથી માત્ર 25 કિ.મી. દૂર બેટ દ્વારકા જવા માટે બસમાં ખાડી સુધી જવાય. ખાડીના કાંઠે ઊતરીને વહાણમાં બેસવું પડે. બેટના ટાપુના ઉત્તર કિનારા પાસે બેટ ગામ છે. ત્યાં રણછોડસાગર, રત્નતળાવ વગેરે તળાવો છે અને મુરલી મનોહરનું મંદિર, નીલકંઠ મહાદેવ, પદ્મેશ્વર જેવાં મંદિરો છે. આ બેટમાં બે મુખ્ય સ્થાનકો છે. એક રણછોડજીનું મંદિર અને બીજું શંખોદ્વાર. અહીં રણછોડજીના મહેલમાં પદ્યુમનજી, રણછોડજી, ત્રિવિક્રમજી, પુરુષોત્તમજી, દેવકીજી અને માધવજીનાં મંદિરો છે અને દક્ષિણ બાજુએ અંબાજીનું મંદિર અને ગરુડજી બિરાજે છે. બાજુમાં સત્યભામા અને જાંબુવતીનો મહેલ, પૂર્વ તરફ સાક્ષી ગોપાલનું મંદિર અને રાધાના મહેલો છે. આ બધમાં કૃષ્ણભગવાનનો મહેલ સૌથી વિશાળ છે. અહીં રાતદિવસ થઈને 13 વખત ભોગ ધરાવાય છે. ને નવ આરતી ઊતરે છે. બેટમાં પણ પરિક્રમાં કરવામાં આવે છે. અને બેટ જતાં કે વળતાં જાત્રાળુઓ ગોપીતળાવ જાય છે. દ્વારકાથી ગોપીતળાવ 13 કિ.મી. દૂર છે. અહીં પોગીનાથનું મંદિર છે. મહાપ્રભુજીની બે બેઠકો અને રાધાકૃષ્ણનાં મંદિરો છે.

નાગેશ્વર મહાદેવ :

દ્વારકાથી 15 કિ.મી. દૂર આપણા બાર જ્યોતિર્લિંગો માનું એ નાગેશ્વર ભગવાનનું મંદિર છે. અહીં મહાદેવનું સરસ મોટું લિંગ છે. અને  અહીંની યાત્રાનું પણ એટલું જ મહત્વ છે.

રૂક્ષ્મણી મંદિર

આશરે 25 મીટર લાંબી અને એકતાલીસ ફૂટ પહોળી જગતી ઉપર ઊભેલું રૂક્ષ્મણીનું મંદિર સોલંકીયુગની સાક્ષી પૂરે છે. મંદિરોની જગતીનો પુનરુદ્ધાર થોડાં વર્ષો પહેલાં જ થયો છે. ઘુમ્મટને કારણે સોલંકીયુગની ઝાંખી કરાવી રહ્યો છે. સભામંડપના કક્ષાસનો ઉપરથી ચણતર કરીને સભામંડપને ગૂઢમંડપ જેવો બનાવી દેવાયો છે. આ ગૂઢમંડપની દીવાલો ઉપર ચિત્રકારે ચરણગંગા, વસિષ્ઠ આશ્રમ, દુર્વાસા મુનિનો આશ્રમ વગેરેનાં ચિત્રો દોર્યાં છે. ગર્ભગૃહમાં રૂક્ષ્મણીજીની સુંદર મૂર્તિ છે, ચાર સ્તંભ ઉપર રચાયેલુ તોરણ સભામંડપની બહાર છે. જે નવી ભાત પાડતું તોરણ છે. મંદિરના પીઠભાગ ઉપરના થરોમાં ગ્રાસમુખ થર,  હસ્તિર, અને નરથરમાં સુશોભનોથી શોભતો પીઠભાગ સોલંકી યુગની યાદ અપાવે છે. કુંભ ઉપરના કાળસૂત્રના બંધોનું શિલ્પ ઘસાઈ ગયું છે, છતાં શિલ્પની કાર્યપદ્ધતિની આછી રેખા આપે છે. દિગ્પાલો અને દિશા ગવાક્ષોમાંની વૈષ્ણવીની તથા બીજી મૂર્તિઓનું શિલ્પ રૂક્ષ્મણી મંદિર કોઈ વૈષ્ણવીનું મંદિર હોય તેવી સાક્ષી પૂરે છે.

આમ દ્વારકાનગરી પ્રાચીન છે. ચાર જાત્રાઓમાંની એક જાત્રા દ્વારકાધીશના મંદિરની છે. તે પૂર્ણ કરવા સૌ પ્રવાસીઓ લાખોની સંખ્યામાં અહીં આવે છે.

હવાઈ મુસાફરી : જામનગર એરપોર્ટથી 150 કિ.મી.

રેલ મુસાફરી : રેલવે દ્વારા અમદાવાદથી દ્વારકા 378 કિ.મી., રાજકોટથી 217 કિ.મી. અને જામનગરથી 137 કિ.મી.

રોડ મુસાફરી : ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર નિગમની બસો દ્વારકા સુધી જાય છે, જેમાં લગભગ 14 કલાક થાય છે. રોડ દ્વારા લગભગ 475 કિ.મી. થાય છે.

વાહનવ્યવહાર : ટેક્ષી, ટાંગાવાળા, રીક્ષાઓ વિવિધ જગ્યાએ જવા મળી રહે છે.

રહેઠાણ માટે : (1) ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તોરણ ટુરીસ્ટ બંગલો. (2) તાલુકા પંચાયત રેસ્ટ હાઉસ, (3) પી.ડબલ્યુ.ડી. રેસ્ટ હાઉસ, (4) રેલવે રીટાયરિંગ રૂમ્સ. (5) આધુનિક હોટલો તેમજ અનેક ધર્મશાળાઓ છે. આ ઉપરાંત તાલુકા પંચાયત અને નગરપંચાત દ્વારા ગોપી-તળાવ, નાગેશ્વર મંદિર, રૂક્ષ્મણી મંદિર વગેરે જેવાં સ્થળો જોવા માટે બસની ટૂર પણ ઉપાડવામાં આવે છે.

0 comments: