ગીરનારનું અંબાજી માતાનું મંદિર

- મીનાક્ષી ઠાકર

(સાદર ઋણસ્વીકાર : ગુજરાતનાં તીર્થધામો માંથી)

(સોલંકી યુગનું અંબાજી માતાનું મંદિર)

ગિરનારના પહાડ ઉપરનાં હિન્દુ તીર્થોમાં કે દેવસ્થાનોમાં અંબામાનું મંદિર વારે પુરાણું અને વધુ માન્યતા ધરાવતું મંદિર છે. ગિરનારનાં ઊંચામાં ઊંચા શિખરોમાંના એક શિખર ઉપરના સપાટ ભાગ ઉપર અંબામાનું વિશાળ મંદિર આવેલું છે. જૈનમંદિરોવાળા સ્થાનથી લગભગ ત્રણસો ફૂટ ઊંચે કંઈક પહોળો શિખર ઉપર આ મંદિર છે. ત્યાં જવી માટે પગથિયાં છે. નવરાત્રિની અષ્ટમીએ ત્યાં મોટો હવન થાય છે. જૂનાગઢથી હજારો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શને જાય છે. જોકે શહેરથી દૂર અને ત્રણ હજાર ફૂટ ચડ્યા પછી જ અંબામાતાનું મંદિર આવેલ છે.

અંબાજી માતાના આ મંદિરનું સ્થાન અને સ્થાપત્ય, આ મંદિર ઘણું જ જૂનું છે એવું પ્રતિપાદિત કરે છે. વસ્તુપાળે ગિરનાર પર બંધાવેલાં જૈનમંદિરોના સમય પ્રમાણે આ મંદિર બંધાયું હશે તેમ માનીએ તો અંબાજી માતાનું મંદિર લગભગ વિક્રમ સંવત 1288ના ગાળામાં બંધાયું હશે તેમ માની શકાય છે. જો કે વસ્તુપાળે આ મંદિર બંધાવ્યું હોય કે ન હોય પણ અન્ય પુસ્તકોના પ્રમાણ તપાસતાં તો આ મંદિર બારમા-તેરમા શતકનું છે એ નિશંક સાબિત થાય છે.

ગિરનાર ઉપરનાં મંદિરોમાં ત્રણ ઝરૂખાઓ જોવા મળે છે. પહેલો ઝરૂખો નેમિનાથના દેરાસરની પશ્ચિમે આવેલો છે. બીજો ઝરૂખો સંપ્રતિરાજના દેરાસરના સભામંડપના આગલે ભાગે આવેલ છે, અને ત્રીજો ઝરૂખો અંબા માતાના મંદિરના સભામંડપમાં આગલા ભાગમાં આવેલ છે. આ ત્રણે ઝરૂખા સોલંકી કાળના હોય તેવી તેની બાંધણી જણાય છે, મંદિરની ડાબી બાજુએ આવેલ પગથિયાં ચડીને સભામંડપમાંથી ગૂઢમંડપમાં જવાય છે. મંડપમાં અંબા માતાનું વાહન સિંહની ધાતુની પ્રતિમા છે. આ મંદિરના ઘુમ્મટ ભાગના સન્મુખના શિખર ભાગના ગવાક્ષ ઉપર બેસાડેલ સિંહની પ્રતિમા જોવા મળે છે.

ગિરનાર ઉપરના અંબા માતાના મંદિરને જૈનો પોતાની રીતે અને હિંદુઓ પોતાની રીતે મહત્વ આપે છે. ધર્મસહિષ્ણુતા અને એકતાના પ્રતીકરૂપ બંને ધર્મીઓ આ મંદિરના દર્શન જરૂર કરે છે.

આમ આ મંદિર સૈકાઓથી હિન્દુ મંદિર તરીકે જાણીતું થયું છે. અને દેવીતીર્થ તરીકેની નામના મેળવેલ છે.

0 comments: