મનને શાંત રાખો

(સાદર ઋણસ્વીકાર : કલ્પવૃક્ષની છાયામાંમાંથી)

હોટેલની રૂમમાં ત્રણ જણા નાસ્તો કરી રહ્યાં છે. અચાનક એક જણ પૂછે, ‘કાલે બધાને ઊંઘ  કેવી આવી હતી?

એક ભાઈએ જવાબ આપ્યો કે તેને કાલે જરા પણ ઊંઘ આવી ન હતી. અર્ધી રાત સુધી તેણે પથારીમાં પાસાં ફેરવેલાં. માંડ માંડ ઊંઘ આવેલી. ‘મને લાગે છે કે મારે રાત્રે સૂતા પહેલાં સમાચાર સાંભળવા જ જોઈએ. મારું મગજ તે સાંભળી સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.’

બીજી વ્યક્તિ બોલી, ‘મને તો, સાચું કહું, સરસ ઊંઘ આવી ગઈ. સાંજે છાંપુ વાંચ્યું; રાત્રે સમાચાર સાંભળ્યા અને સૂતાં પહેલાં તો ભૂલી પણ ગયો. અલબત્ત હું મારી ‘શ્રેષ્ઠ ઊંઘ’ની યોજનાનો અમલ કરું છું. તે કદી નિષ્ફળ જતી નથી.’

બધાએ તેને એ યોજના સમજાવવાનું દબાણ કર્યું ત્યારે તેણે તે સમજાવતાં કહ્યું, ‘હું નાનો હતો ત્યારે મારા દાદાએ કુટુંબમાં એક ટેવ પાડી હતી કે સૂવા જઈએ તે પહેલાં ઓસરીમાં બધાં એકઠાં થઈએ. દાદા ધર્મગ્રંથમાંથી બે-ચાર ફકરા વાંચે. પછી પાંચ મિનિટ મૌનમાં બેસીએ અને છૂટા પડીએ. તે પછી હું મારા ખંડમાં જતો અને ગાઢ ઊંઘમાં ચાલ્યો જતો.’ આજે મને તેમનો રણકતો અવાજ સંભળાય છે.

‘મોટો થતાં તે ટેવ છૂટી ગઈ. પણ એકવાર તકલીફમાં આવી પડ્યાં ત્યારે તે ટેવ યાદ આવી ગઈ. હું અને મારી પત્ની રાત્રે બેઠાં હતાં અને બાળપણમાં વાંચતો તે ફકરા વાંચ્યા પછી મૌનમાં બેઠાં, ચમત્કાર થયો હોય તેમ મનમાં શાંતિ છવાઈ ગઈ. દરરોજ એમ કરવા લાગ્યાં. એમ સ્વસ્થ થઈ ગયાં. મુશ્કેલીઓ પણ દૂર થઈ ગઈ. હવે તો તે દરરોજ કરીએ છીએ. દરરોજ મને શાંતિથી ઊંઘ આવે છે.

આપણી સામે બે પ્રયોગો આવ્યા. ‘મગજ સમસ્યાઓથી ઘેરાઈ જાય છે’ અને ‘મન શાંત છે.’ ક્યું પસંદ કરવા જેવું છે ?

શાંત મન જ ને ?
કેમ ? અને થાય કેમ ?

કારણ કે તેમાં ફાયદા જ છે. તેનું રહસ્ય છે માનસિક વલણનું પરિવર્તન કરું તે. જે વ્યક્તિ શાંતિથી જીવવા ઇચ્છે છે તેણે પોતાના વિચારોનો પાયો બદલવો પડશે. અલબત્ત, આ કાર્ય અસાધારણ પ્રયત્ન માગે છે પણ અત્યારે તે જે દુઃખી અને દયાજનક હાલતમાં જીવે છે તેના કરતાં તે સરળ છે. તાણયુક્ત જીવન મુશ્કેલ છે, જ્યારે આંતરિક શાંતિમય, સંવાદી, તાણમુક્ત જીવન જીવવું સરળ છે, જરૂરી છે. માનસિક શાંતિ મેળવવા જે કંઈ પ્રયત્ન કરવો પડે તે જરૂરી છે. તો સ્વસ્થતાથી જીવી શકાય. તેથી જ એક ડોક્ટરે કહ્યું છે કે, ‘મારા મોટા ભાગના દર્દીઓમાં કશી જ બિમારી નથી હોતી-સિવાય કે તેમના ખોટા વિચારો...’ એટલે સુખી થવા તેમણે મનને તાજું કરવાની જ જરૂર હોય છે, અને તે વિચારપદ્ધતિ બદલવાથી જ થઈ શકે છે.

પણ આવું કરવું કેમ ?
મનને શાંતિથી ભરી દેવું હોય તો તદ્દન પાયાનો ઉપાય છે ‘મનને ખાલી કરવાનો’ મહાવરો. મનોવિજ્ઞાનમાં તેને ‘કેથારસિસ’ કહે છે. દિવસમાં ઓછામાં ઓછું બે વાર તો મન ખાલી કરવું જ જોઈએ. મનને ભય, ધિક્કાર, અસલામતી, દુઃખો, પસ્તાવા, ગુનાહિત વિચારો, તથા ભાવનાઓ વગેરેથી ખાલી કરવું જ જોઈએ. આપણને એવો અનુભવ નથી કે જ્યારે આપણું મન ચિંતાઓથી ઘેરાઈ ગયું હોય અને કોઈ પાસે તે ચિંતાઓ ઠાલવી દઈએ ત્યારે આપણું મન હળવું ફૂલ થતું હોય છે ! આપણે હંમેશાં ઇચ્છીએ છીએ કે આપણી વેદનાઓ કે સુખો કોઈ સાંભળે; આપણે તેના પાસે ખુલ્લી વાત કરી શકીએ. આ મન ખાલી કરવાની જેમ જેમ ટેવ વિકસશે તેમ તેમ મનનો કચરો ઘટતો જશે. જો કોઈ સાંભળનાર જ ન મળે તો ડાયરી લખવી જોઈએ અને તેમાં આ વિચારો ઠાલવી દેવા જોઈએ. આસ્તિક હોઈએ તો ભગવાનની મૂર્તિ પાસે તે બોલી જવા જોઈએ. ગમે તેમ પણ મન ખાલી થાય તે જરૂરી છે. તો જ તેમાં શાંતિ પ્રવેશી શકશે.

અહીં એક વાત ખ્યાલમાં રાખવી જરૂરી છે. માત્ર મનને ખાલી કરવું તે પૂરતું નથી. જ્યારે મન ખાલી થાય છે ત્યારે કશુંક તો ગયેલા વિચારોની જગ્યા લેવાનું જ છે. મન ખાલી તો રહી ન શકે. ઘણા લોકો આ કાર્યસિદ્ધ કરી શકે છે, પણ જો પછીનું પગલું ન લે તો થોડા વખત પછી એ જ જૂના-નકામા વિચારો મનમાં પાછા પ્રવેશે છે.

આવું ન બને માટે બીજું પગલું જરૂરી છે. જેવું મન ખાલી થાય કે તરત તેને તંદુરસ્ત અને સર્જનાત્મક વિચારોથી ભરવાનું છે. આનો સતત મહાવરો કરવાનો છે. તો જૂના ધિક્કારો, ચિંતાઓ જ્યારે ફરી પાછાં મનને દરવાજે આવશે ત્યારે ત્યાં બોર્ડ વાંચશે ‘‘જગ્યા નથી.’’ તેઓ અંદર પ્રવેશ મેળવવા મથામણ ધમાલ કરશે, કારણ કે ઘણો સમય ત્યાં રહેવાથી તેમને ઘર જેવું લાગે છે. પણ વ્યક્તિએ જે નવા વિચારોથી હકારાત્મક ભાવનાઓથી, મન ભર્યું હશે તે મજબૂત અને બળવાન હોવાથી તેમને હટાવી શકશે. પરિણામે નિરાશ થઈ જૂના વિચારો પ્રવેશવાનો પ્રયત્ન માંડી વાળશે અને વ્યક્તિનું મન કાયમી શાંતિનો આનંદ અનુભવશે.

તેને પૂરક બીજો પ્રયત્નો કરવાનો છે તે દિવસ દરમ્યાન તક મળે ત્યારે-વારંવાર-શાંત વિચાર મમળાવવાનો પ્રયત્ન કરો. દા.ત. તમે જોયાં હોય તેવાં દૃશ્યોમાંથી જે પરમ શાંત દૃશ્ય જોયું હોય અને ગમ્યું હોય તેનું માનસિક ચિત્ર તમારા સામે ઊભું કરો. કોઈ સાંજના અંધકારથી ઘેરાતી ખીણ જોઈ હોય, આકાશમાં સૂર્ય ઢળતો હોય ત્યારનું દૃશ્ય હોય; સરોવરના પાણી પર ઝિલમિલ થતો ચંદ્રનો પ્રકાશ હોય; કે કિનારાની રેતીને ભીની કરતો દરિયો હોય - આવાં વિચારો, દૃશ્યો મન પર શાંતિ પાથરશે. ઔષધ તરીકે કામ કરશે. દિવસમાં વારંવાર આવાં દૃશ્યો ફલેશ કરો.

એવો જ બીજો સચોટ ઉપાય છે સૂચનનો. એટલે કે વારંવાર મોટેથી શાંતિસૂચક શબ્દો કે વાક્યો ઉચ્ચારવાં શબ્દોમાં અદભુત સૂચનશક્તિ છે. તેનાથી સ્વસ્થ થઈ શકાય છે. હિંસક કે ઉદાસીન કરે તેવા શબ્દોનો વારંવાર ઉચ્ચાર કરો ને ખ્યાલ આવશે. કે મન નર્વસ થઈ જશે. પેટમાં ગરબડ થશે અને આખું શરીર ઢીલું થવાનો અનુભવ થશે. તેને બદલે જો શાંત અને સ્વસ્થ શબ્દોનું ઉચ્ચારણ કરાય તો મન શાંત રીતે પ્રતિભાવ આપશે. દા.ત. ‘મૌન’ ધી...મે ધી...મે વાગોળતા હો તેમ, ચાવતા હો તેં, ‘મૌન’ શબ્દ વાગોળો. આપણી ભાષાનો તે શ્રેષ્ઠ, મધુર, સુંદર શબ્દ છે. માત્ર તેનો ઉચ્ચાર જ વ્યક્તિને મૌનમાં લઈ જશે. મૌનનો ઉચ્ચાર કરો ત્યારે ચારે બાજુ ગહન મૌનનું ચિત્ર દોરો. તમે તેનાથી ઘેરાતા જાવ છો. તે તમારા પર પથરાતું જાય છે, વીટળાતું જાય છે તેવું અનુભવો. મન મૌન થતું જશે.

તેવી જ રીતે આવા જ અર્થ ધરાવતાં વાક્યો, કાવ્યની પંક્તિઓ કે શાસ્ત્રોનાં વાક્યો ઉચ્ચારી શકાય. ગીતાનું ‘યોગક્ષેમ વહામ્યહમ્,’ કુરાનનું ‘રહેમાનુ રહીમ-નુલ્લા’કે ઉમાશંકરની પંક્તિઓ, વગેરેનો ઉચ્ચાટ કરવામાં આવે તો મન હળવું થઈ જશે. વાક્યો મનમાં પચતાં જશે. મન ગાઢ શાંતિમાં ગરકાવ થતું જશે. એટલે જ જપનું મહત્વ દર્શાવ્યું છે. સભાન જપથી મન તાલબદ્ધ અને સ્વસ્થ થાય છે.

આના સંદર્ભમાં બીજો એક સ્થૂળ ઉપાય છે ‘વાતચીત.’ આપણે વાતચીત દરમ્યાન ક્યા શબ્દો વાપરીએ છીએ, કેવા સ્વરમાં બોલીએ છીએ - તેના આધારે આપણા મનની સ્થિતિ નક્કી થશે. આપણે વાતચીતને પરિણામે નકારાત્મક કે હકારાત્મક મન બનાવી શકીએ છીએ. તેને કારણે જ શાંત રહી શકીએ છીએ. શાંત થવા શાંત વાત કરો. (Talk peaceful to be peaceful).

જે વ્યક્તિ સાથે કે વર્તુળ સાથે વાતો કરતા હોઈએ ત્યાં જો નિરાશાત્મક વાતો થતી હોય તો તેમાં હકારાત્મક, શાંતિસૂચક, ઉત્સાહજનક વિચારો મૂકવા. કારણ કે જે પ્રકારની વાતચીત થતી હશે તેવું વાતાવરણ સર્જાશે. સવારે નાસ્તો કરવા બેઠા હોઈએ ત્યારે જે વાતચીત થાય છે તે આખા દિવસનો ‘મૂડ’ ઘડશે. જો નકારાત્મક વાતચીત થશે તો સમગ્ર દિવસ અસ્વસ્થ જશે. પણ જો સંતોષપ્રદ, શાંતિ અને આનંદીવાતોથી દિવસ શરૂ થશે તો આખો દિવસ ઉલ્લાસમય અને સફળ જશે.

એટલે વાતચીતમાંથી નકારાત્મક વિચારો દૂર જ કરવા, કારણ કે તે વ્યક્તિની ચેતનમાં તાણ અને ક્રોધ ઉત્પન્ન કરે છે. મળો ત્યારે, ખાસ કરી ભોજન વખતે, વ્યર્થ ટીકા ટિપ્પણ ટાળો. તેની જગ્યાઓ હકારાત્મક, ઉત્સાહપ્રેરક, વાતો અને વલણો પ્રગટ કરો. એ યાદ રાખવાનું છે કે જે શબ્દો આપણે બોલીએ છીએ તેની આપણા વિચારો પર ચોક્કસ અને સીધી અસર થાય છે. વિચારો જ શબ્દો સર્જે છે અને શબ્દો વિચારોનું માધ્યમ છે. પણ એ જ શબ્દો ફરી વિચારોને પ્રભાવિત કરે છે અને વલણ ઘડવામાં સહાયભૂત થાય છે.

મનને શાંત અને સ્વસ્થ કરવાનો સર્વોત્તમ ઉપાય છે દરરોજ થોડો સમય મૌનનો મહાવરો. દરરોજ ઓછામાં ઓછો એક કલાક સંપૂર્ણ મૌનમાં રહેવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ શાંત સ્થળે જઈ ત્યાં કેવળ બેસી રહેવું. કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી. વાચન-રેડિયો કશું નહીં. કેવળ મૌનમાં રહેવું. કોઈ સાથે વાતો ન કરવી. ત્યારે કોઈ મળવા આવે તો ઘસીને ના પાડી દેવી. વિચારો પણ ઘટાડવા. મનને ‘ન્યુટ્રલ’માં નાખી દેવું. મનમાં શાંતિ પથરાય છે તેવી કલ્પના કરવી. શરૂમાં તો તકલીફ થશે, આપણે શાંતિથી બેસવા ટેવાયેલા ન હોવાથી પ્રવૃત્તિ કરવાનું મન થશે, મન વિચારોથી ઊભરાઈ જશે. ઊભા થઈ દોડી જવાનું મન થશે. પણ પછી મહાવરો પડશે તેમ તેમ શરીર અને મન સ્થિર થશે. વિચારો ઘટશે. મન શાંત થતું જશે. ધ્યાન કરવાની ટેવ પડી શકે તો ઉત્તમ વાત છે પણ ન પડે ત્યાં સુધી માત્ર શાંતિથી બેસી રહેવું (બુદ્ધ તેને ‘તથાતા’ કહે છે). તે પણ મનની શાંતિ થાટે ઉપાય છે. તેનો એક આડકતરો ફાયદો પણ થશે. મન શાંત થતાં તેની કાર્યજ્ઞમતા વધશે અને ઉત્તમ વિચારો તથા કલ્પનાઓનું સર્જન થશે. એટલે જ થોમસ કાર્લાઇલ કહે છે, ‘મૌન એક એવું તત્વ છે જેમાં મહાન ઘટનાઓ આપોઆપ આકાર લે છે.’

આજે શહેરીકરણને કારણે ઘોંઘાટનું પ્રદૂષણ વધતું જાય છે, જે મનને નુકસાન કરે છે ત્યારે મૌનની કેળવણી સ્વાસ્થ્યપ્રદ બને છે. જે વ્યક્તિ મૌનની કળા શીખી લે છે તે મોટે ભાગે માંદી નથી પડતી. મન જ્યારે આરામની પળોમાં હોય છે ત્યારે દુઃખો કે તાણ વિદાય લે છે. એક આધ્યાત્મિક શાંતિ ફરી વળે છે. આજના ભાગદોડના યુગમાં કદાચ લાંબો સમય બેસવાની તકલીફ પડે, સમય ન મળે તો કામમી વચ્ચે થોડી પળો તારવીને મનને શાંત કરી દેવાની તાલીમ પણ આપવામાં આવે તો પણ ફાયદો થશે. તેની ગાઢ પ્રેક્ટીસ થશે તો ગમે તેટલું કામ હશે તો પણ મન શાંત રહેશે, થઈ જશે. ઉપરાંત, વર્ષે એકાદ વાર શાંત સ્થળે જવાનું રહેશે તો પણ ત્યાં શાંતિથી રહેવાશે, મૌનની આદત પાડી શકાશે.

ગમે તેમ કરીને મનને શાંતિના અનુભવોથી છલકાવી દેવાની જરૂર છે. આજે હૃદયરોગના હુમલા, બ્લડપ્રેશર વધવું-ઘટવું, અકસ્માતો, ડ્રગ્ઝ, ઝનૂનો, કુટુંબના ઝગડા વગેરે ઘટનાઓ બને છે તે મનની અશાંતિને કારણે છે. પણ જો મનને શાંત, સ્વસ્થ, હકારાત્મક કરવામાં આવે તો મોટા ભાગના પ્રશ્નો ઘટી જાય. તે મનને કેળવવાથી થશે. ડો. પીલ કહે છે કે હળવું મન બનાવવાનો સૌથી સરળ ઉપાય છે મનને હળવું રાખવું.

મન જ મોક્ષ અને બંધનનું કારણ છે.

0 comments: