ભારતીય છબીલકલાના ઐતિહાસિક સર્જકો


- શૈલેશ રાવલ


(સાદર ઋણસ્વીકાર : ગુજરાત દીપોત્સવીમાંથી)

ધસમસતા, કાળા ડિબંગા ધૂમાડાના ગોટેગોટ ઉડાડતા, રેલના પાટા પર દોડતા એન્જિનને સૈકાઓ પહેલાં જોવા માટે ટોળેટોળા ઉમટી પડતા, હાથમાં નાળિયેર, કંકુ-ચોખા લઈ રેલના વધામણા કરતા. કોઈક તેને દૈત્યનું બિરુદ આપતું કોઈક દૂર ડરતા લપાતા-છૂપાતા જોતા, ગાડીની વ્હીસલ સાંભળી મુટ્ઠીઓ વાળી કિલોમીટર દૂર ભાગી જતા... આવી અનેક દંતકથાઓ રેલવે સાથે જોડાયેલી છે. એવી જ રીતે ફોટોગ્રાફીની શરૂઆત સાથે આવી રોમાંચક વાતો જોડાયેલી છે.

દુનિયામાં ફોટોગ્રાફીને માત્ર દોઢસો વરસ જ થયા છે. એક કાગળ ઉપર કોઈકનો હૂબહૂ ચહેરો ઉપસાવવો એટલે જાણે જાદુ-ટોના. કેમેરાને ‘‘કાળી પેટી¦’ અને ફોટોગ્રોફરને ‘‘કાળો-જાદુગર’’ સમજી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા. દંડવત્ ફોટોકળાને આત્મા સાધવા માટેની ગૂઢ સાધના સમજી ફોટો પડાવવાનું ટાળતા. જગવિખ્યાત ફોટોગ્રાફર બૂર્ન અને શેફર્ડે નોંધ્યું છે કે, ‘‘ગ્રામીણોમાં એવી અંધશ્રદ્ધા ઘર કરી ગઈ છે કે ફોટો પડાવવાથી જીવન ટુંકાઈ જાય છે.’’

છબીકલા એ વિજ્ઞાન, ગણિત અને કળાનો ત્રિવેણી સંગમ છે. આ વિષયની શોધ કોઈ એક વ્યક્તિની શોધ નથી. લાંબી અને સતત ચાલતી પ્રક્રિયાને અંતે વિવિધ શોધનો સમન્વય એટલે ફોટોકળા. ૧૮૩૬માં ફોટોગ્રાફિક વ્યાવસાયિક સાધનો રોલ-કેમેરા વગેરેનું બજાર નોંધાયું છે.

ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો સૂર્ય મધ્યાહને હતો ત્યારે વિશ્વમાં ફોટોગ્રાફીની શોધ થઈ તે અરસામાં જ અંગ્રેજો ફોટોકલાને ભારતમાં લઈ આવ્યા હતા. આ કલાની શોધમાં ભલે કોઈ ભારતીયોનું યોગદાન ન હોય, પણ ફોટોકલાના વિકાસમાં ભારતીયોનો મોટો ફાળો છે, ભારતની ભૂમિનું મોટું યોગદાન છે. ભારતમાં અંગ્રેજો દ્વારા રાજા-મહારાજાઓના મહેલોની છતો પરથી અવતરેલી આ કલા ખૂબ જ મોંઘી, છતાં ટૂકાંગાળામાં વધારે ખ્યાતિ મેળવતિ કલા બની. ચિત્રકારોને ફડક પેઠી કે આ કળા ચિત્રકળાને ‘‘સ્વાહા’’ કરી જશે.

૧૮૪૦ના અરસામાં કલકત્તામાં સેમ્યુઅલ બૂર્ને ચાલર્સે શેફડે, એ.જી.રૂસેક અને શાર્નોફરે ધંધાકીય સ્ટૂડિયો સ્થાપ્યાની નોંધ છે. ૧૮૬૦ સુધીમાં ફોટોકલા ભારતના મોટા શહેરોમાં અને લશ્કરી છાવણીઓમાં પહોંચી ગઈ હતી. જૂનાગઢ, વાંકાનેર, વડોદરા ઉપરાંત લખનૌ, બેંગલોર, જયપુર, આગ્રા જેવા અનેક રજવાડા, પાટનગરો, હિલસ્ટેશનો ઉપર લગભગ બસ્સો જેટલા ધંધાકીય ફોટોગ્રાફરોએ ભારતીય કહી શકાય તેવી ફોટોકલાનો ઝંડો ગાડી દીધો હતો. કલકત્તાના બૂર્નેએ ૧૮૬૩માં નોંધ્યું છે કે, ‘‘હિમાલયના થીજેલા બરફથી મદ્રાસના સળગતા દરિયા કિનારા સુધી કેમેરા જાણીતો બની ગયો છે. બર્ને પાડેલા ફોટોગ્રાફ્સને ૧૮૭૧માં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફોટોપ્રદર્શનમાં ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. તેણે કિશનગઢના મહારાજાના સુંદર નયનરમ્ય ‘‘પોઈટ્રેડ’’ કર્યા હતા.

ગુજરાતના પહેલા ફોટોગ્રાફર તરીકેની સિદ્ધિ મેળવનાર ‘‘મહતો સ્ટુડિયો’’ મુંબઈમાં શરૂ થયો (અંગ્રેજો મહેતાનો ઉચ્ચાર મહતો કરતા.) સૌરાષ્ટ્રના રાજકારભારમાં નાગરબ્રાહ્મણોનું વર્ચસ્વ વધારે હતુ. આજે ય સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં રજવાડી ફોટોગ્રાફર તરીકે મહેતા કે જોષી અવશ્ય મળશે. તેમણે કરેલું ફોટોકલાનું આ તર્પણ ફોટોગ્રાફીમાં ઉજળું પાનું. ૧૮૬૦થી ૧૯૦૦ના સમયગાળા દરમ્યાન સમગ્ર ભારતમાં સૌથી વધારે સ્ટુડિયો કાર્યરત થઈ ચૂક્યા હતા. જેમાં ઈન્દોરના દિનદયાલ, આગ્રાના પ્રિયાલાલ અને શિનલાલ, બેંગ્લોરના જી.કે.વાલે, લખનૌના અલીખાન, જયપુરના રામસિંહ ભારતીય ફોટોગ્રાફર તરીકે વિશેષ નામના મેળવી ચૂક્યા હતા.

સવાઈ રામસિંહે તો પોતાના રાજમહેલમાં જ સ્ટુડિયો ઊભો કર્યો હતો. તેને ‘‘જનાનખાના’’ની જેમ ‘‘ફોટોખાન’’ કહેતા, જ્યારે અન્ય દરબારીઓ તેને ‘‘ફોટો કા કારખાના’’થી ઓળખતા હતા.

રૂઢિચુસ્તતાના એ દિવસોમાં રામસિંહએ મહિલાઓ માટે વિશેષ ‘‘જનાના ફોટો સ્ટુડિયો’’ ઊભો કર્યો હતો. ભારતીય મહિલાઓના ફોટોગ્રાફર તરીકેની તેમની એ નોંધનીય બાબત હતી. બ્રિટિશ ફોટોગ્રાફરો મહિલાઓના ફોટોગ્રાફસ માટે ખાસ મહિલા ફોટોગ્રાફરો રાખતા હતા.

૧૮૭૦ના સમયગાળામાં મુંબઈ ફોટોગ્રાફિક સોસાયટીની સ્થાપના થઈ ચૂકી હતી. ગુજરાતમાં વસવાટ કરી સંપૂર્ણ ગુજરાતી થઈ ચૂકેલા પારસીઓએ ફોટોકલામાં મોટું પ્રદાન કર્યું છે. આંતરરાષ્ટ્રીય નામના મેળવનાર શાહુરજી એન. ભીડવર, નસેરબાનજી, ડો. એનઈ, કલકત્તાના પ્રધ્યોત કુમાર ટાગોરે ભારતીય ફોટોગ્રાફીમાં વિશેષ ચીલો ચાતર્યો છે.

૧૮૭૫માં ભારતની મુલાકાતે આવનાર પ્રિન્સ ઓફ વેલ્સની અદભુત-બેનમૂન ફોટોગ્રાફી કરનાર દિનદયાલજીનું નામ ફોટોકલામાં પાયાનું નામ કહેવાય. તે જમાનામાં દિનદયાલજી હૈદરાબાદના નિઝામના ખાસ ફોટોગ્રાફર બનવાનું બહુમાન મેળવી શક્યા હતા. ચિત્રકલામાં ‘‘રાજા રવિ વર્મા’’ની જેમ તેમને ફોટો ક્ષેત્રે ‘‘રાજા’’નું બિરુદ પ્રાપ્ત થયું હતું. આજે ફોટોકલામાં તેમનું નામ ખૂબ જ આદર સાથે રાજા દીનદયાલ તરીકે ઉલ્લેખાય છે. ચિત્રકલાનો પર્યાય એટલે રાજા રવિ વર્મા તો ફોટોકલાનો પર્યાય એટલે રાજા દિનદયાલ.

આ બન્નેમાંથી કોઈ રાજા ન હોવા છતાં ઈતિહાસને પાને ‘‘રાજા’’નું બિરુદ મેળવી કલા’’ની સફળતાનો નવો આંક પ્રસ્થાપિત કર્યો છે.

સાચા રાજવી પરિવારમાંથી ફોટોકલા પ્રત્યે ઊંડો રસ દાખવનાર ‘‘સવાઈ રામસિંહ-૨’’ જયપુરના રાજવી હતા. તેમની ફોટોકલાની જ્ઞાનપિપાસા સંતોષવા બેંગાલ ફોટોગ્રાફિક સોસાયટીના સભ્ય બન્યા હતા. જયપુરનું સીટીપેલેસ મ્યુઝિયમ તેમની ફોટોસૂઝનું સાક્ષી છે. તેમણે વિકસાવેલા ફોટોકલાના તમામ સાધનો ફોટોગ્રાફિ પ્રત્યેનો પ્રેમ છતો કરે છે.

૧૮૯૧માં જોધપુરના મહારાજાઓએ ફોટોકલા એક વ્યવહારું વહીવટકર્તાની નજરથી પારખી તેમની દર્ઘદૃષ્ટિનો પરિચય આપ્યો છે. રાજ્યના લોકવ્યવસાય અને અન્ય ધંધા-રોજગારીનું ફોટોગ્રાફી દ્વારા ડોક્યુમેન્ટેશનના થાય તેવા પ્રયાસો શરૂ કર્યા હતા...! પણ આઝાદીનો પવન ફૂંકાતા આ પ્રોજેક્ટ અધૂરો રહ્યો. ૧૮૫૭ના મેરઠના બળવાનું દસ્તાવેજીકરણ ફોટોગ્રાફસ સ્વરૂપે ઈંગ્લેન્ડના મ્યુઝિયમોમાં હયાત છે. યુદ્ધનું દસ્તાવેજીકરણ કરવાની દીર્ધદૃષ્ટિ ધરાવનાર ક્રિમીન મેરઠના ભારતીય સિપાહીઓના બળવા વખતે હાજર હતાં તે ક્ષણોની ફોટોગ્રાફી ઈંગ્લેન્ડમાં સચવાઈ છે. ૧૮૫૮માં ભારત આવેલા ફોટોગ્રાફરો જેમ્સ રોબર્ટસન અને ફેલિસ બીટોના પોર્ટફોલિયોમાં ભારતના અનેક ફોટોકલા વિષયોમાં લખનૌના બળવાની ક્ષણો કંડારાયેલી છે. સિકંદરાબાદની કત્લેઆમ, અંગ્રેજ રેસિડેન્સીની તબાહીને ફોટોમાં ઝડપ્યા છે. લખનૌના કમિશનર સર જ્યોર્જ કેમ્પબેલે ટાંક્યું છે કે, ‘‘તબાહીના દૃશ્યોમાં લાશોના ઢલગાને બીટો ફોટોમાં ઝડપે તે પહેલાં લાશોને ઢાંકી દેવામાં આવી હતી, ત્યારે બીટોએ ફોટો માટે ખૂબ જ આગ્રહ કર્યો હતો.’’ તે વિનાશક પળોનો ફોટો લેનાર એક માત્ર ફોટોગ્રાફર બીટો હતો. જો કે લખનૌમાં હિન્દુસ્તાનની ફોટોગ્રાફર તરીકે ખ્યાતિ મેળવનાર અહેમદઅલીખાન ફોટોકલામાં એવા માહિર હતા કે તેમને ખાસ આમંત્રણ પાઠવી છે કે ઈંગ્લેન્ડ બોલાવીને ફોટોગ્રાફીની સેવા લેવાતી. અંગ્રેજો પણ તેમની પાસે ફોટોકલાની તાલીમ લેતા હતા.

એ અરસામાં જ દેશમાં આઝાદીનું રણસિંગું ફૂંકાયું. આઝાદી એ દરેક ભારતીયનું પ્રથમ અને એક માત્ર ધ્યેય બની રહ્યું. આ તબક્કે ઈંગ્લેન્ડની સમાન્તર વિકાસ પામતી ફોટોકલા અનાયાસે પડદા પાછળ ધકેલાઈ ગઈ. હિન્દુસ્તાની પાસે રહેલો કેમેરો માત્ર આઝાદી પર જ મંડાયો. અંગ્રેજ ફોટોગ્રાફરો અંગ્રેજ હૂકૂમતના ગુલામ બની રહ્યા. રાજા રજવાડાંઓના કેમેરા મહેલોના અંધારા ભંડકિયામાં દબાઈ ગયા.

અચાનક જ એક વિકાસ પામતી ફોટોકલામાંથી ‘‘કલા’’ શબ્દ બાજુ પર રહી ગયો. આઝાદીના અનેક પ્રસંગોનું દસ્તાવેજીકરણ થયું પણ તેમાં ‘‘કલા’’ નહિ માત્ર ધ્યેય પ્રાપ્તિ સિદ્ધ કરવાની પ્રથામિકતા હતી. મીઠાનો સત્યાગ્રહ, દાંડીયાત્રા, ભારતછોડો આંદોલન, સવિનય કાનૂન ભંગ, સ્વતંત્ર ઉત્સવ, આઝાદીનો આનંદ, ગાંધીજી, જવાહરલાલ નેહેરુ, સરદાર વલ્લભભાઈ, આવા નેતાઓ પૂરતાં જ ફોટોગ્રાફી મર્યાદિત બની રહી.

અંતે ફોટોગ્રાફીમાંથી કલા તત્ત્વની બાદબાકી થતા જગન મહેતા જેવા પાકટ ફોટોગ્રાફરે ભારતીય સંસ્કૃતિ, ગુજરાતના અંતરિયાળ ગામડાં, આદિવાસી લોકકલા, તહેવારો જેવા વિષયો પર કામ કર્યું હોવા છતાં તે ગાંધીજીના ફોટો પાડનાર ગાંધીયુગના ફોટોગ્રાફર તરીકે જ પ્રસિદ્ધિ મેળવી શક્યા, તે એક કરૂણાંતિકા.

જગપ્રસિદ્ધ ફોટોગ્રાફર ‘હેનરી કાર્ટિયર - બ્રેસન’’ ૧૯૪૫થી છેત હમણા ૧૯૮૫ સુધી છ છ વખત ભારત આવ્યા, બે વાર અમદાવાદ આવી વિક્રમ સારાભાઈ અને અમદાવાદની પોળોને કેમેરે કંડારી ગયા. નહેરુ, ગાંધીજી, સરદાર, ઈન્ડિરા ગાંધીની તેમણે કરેલી ફોટોગ્રાફીથી આ પાત્રો અમર બન્યો. ભારતીય સંસ્કૃતિને એક ઉમદા કલાકાર તરીકે અનુભવી દુનિયામાં ભારતની છબી સુધારી. વિવિધ દેશોમાં ભ્રમણ કરી હેનરીએ ફોટોકલાને કલા ક્ષેત્રે આગવી જગ્યાએ મૂકી. દરેક દેશનો કલાવારસો આખા જગતને કલાવારસામાં ભેટ ધર્યો. ‘‘મેગ્નમ’’ નામની ફોટો સંસ્થાના સ્થાપક, પંચાણું વર્ષના હેનરીને આ વર્ષે દુનિયા આખી પેરિસમાં સન્માનવા થનગની રહી છે.

ફોટોગ્રાફી કલાની આ ઉત્તમ ક્ષણે ભારતમાં ફોટોગ્રાફી પ્રત્યે ઘણી ઉદાસીનતા છવાઈ છે. આજે આખા દેશમાં આ કલાને વારસામાં પદ્ધતિસર શિક્ષણ આપવા માટે એકેય સંસ્થા ઉત્સાહિત નથી. ફોટોકલામાં દબાયેલો ભવ્ય ઈતિહાસ ક્યાંક અંધકારમાં ગરક થઈ ગયો છે. એ દબાયેલો-ધરબાયેલો ફોટોકલા વારસો ફરીથી ખણખોદ કરી ઉજળો કરવાની તાતી જરૂર છે. ક્યાંક ઈતિહાસના કેટલાય વણલખાયેલાં પાનાં ભારતીય ફોટો પૂર્વજોએ કેમેરે મઢ્યા હશે !! ક્યાંય સંદુકમાં કે રાજવીરોના ભંડકિયામાં દબાઈ ચુક્યા હશે, કે મહાજનોના આલ્બમોમાં વારસાના ભાગરૂપે ટુકડેટુકડા થઈ વેરણછેરણ બની ગયા હશે. આ ઈતિહાસના ખોવાયેલા, ફાટેલા, તૂટેલા, વેરખિરે થઈ છૂટાછવાયા થયેલા ફોટોગ્રાફી કલાના વારસાને ભેગો કરવા કોઈકે પહેલ કરવી પડશે. જૂનાગઢના જોષી ફોટોગ્રાફરનો ફોટોવારસો થોડા વર્ષો પહેલા જૂનાગઢની ફૂટપાથ પર ભંગારના ભાવે વેચાતો હતો તેવું બૂઝુર્ગ ફોટોગ્રાફરો પાસે સાંભળ્યું તે વેદના કલમથી વર્ણવી શકાતી નથી. સૌરાષ્ટ્રના બહારવટિયાઓ ખાપરા-કોડિયાનો ફોટોઈતિહાસ એક અધિકારીએ મુંબઈ-ગુજરાતના ભાગલામાં ચીનવાઈ ન જાય તે બીકે બાળી દીધો... (??) તે ક્યાંક માત્ર રેકોર્ડ પર જ બાળ્યો હોય, કે તેની નેગેટીવ ક્યાંકથી મળી આવે...!! આવી ખણખોદ ના થાય...

પુરાતત્ત્વ વિભાગમાં જેમ અવશેષો માટે ખોદકામ જરૂરી છે તેમ ઐતિહાસિક ક્ષણોની આલબેલ પોકારતા ફોટોગ્રાફ્સ મેળવવા ચોક્કસ પ્રયાસ કેમ ન થઈ શકે...!! અનેક જગ્યાએ ટુકડે ટુકડે પથરાયેલા ભૂતકાળની ભવ્ય ક્ષણોને ભેગી કરવા માટે સરકારે અને ફોટોગ્રાફરોએ સંયુક્ત સાહસ કરવું જોઈએ. જેથી ભૂતકાળનો ઈતિહાસ ફોટારૂપે મળી આવે.

ફોટોકલા એ એક એવી અદભુત કલા છે જે વર્તમાન સમયને ઈતિહાસ બનતા પહેલા થીજવી દે છે. વર્તમાનને તમારી આંખ સામે જ રોકી રાખે છે. એક જીવંત ક્ષણને આવનાર વરસો માટે જકડી રાખે છે. ભારતના ભૂતકાળની એવી કેટલીયે ક્ષણો આજે આ કલાના સથવારે જ કાગળ પર આંખ સામે વર્તમાન તરીકે જીવંત છે.

0 comments: