- ડો. અશોક નારાયણ
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાત દીપોત્સવી’માંથી)
શ્રી હનુમાન ભગવાન શંકરના અંશ હોવાના કારણે જ્ઞાન અને ભક્તિના અધિષ્ઠાતા છે. વાયુપુત્ર હોવાના કારણે તેઓ અતુલ્ય બળવાન છે. અને ઈચ્છા અનુસાર કોઈ પણ રૂપ ધારણ કરવાની શક્તિ ધરાવે છે. માતા અંજલીએ તેમને વાનર શરીર બક્ષ્યું છે. તેઓ સર્વગુણ સંપન્ન છે. તેમનામાં લેશમાત્ર પણ અહંકાર નથી. આ કારણથી જ ઘણું કરીને તેમને અન્ય જ્ઞાનીઓ અને ભક્તોના અહંકારનો નાશ કરવાનું કામ સોંપવામાં આવે છે.
પવનકુમારમાં જો કોઈ દોષ શોધવો જ હોય તો એમ કહી શકાય કે, તેઓ રૂપાળા નથી, કારણ કે તેમનું શરીર વાનરનું છે. આ વાનર રૂપનું મૂળ કારણ દેવર્ષિ નારદજીએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો તે છે. દેવર્ષિના મોહનો નાશ કરવા માટે ભગવાને તેમને વાનરરૂપ આપી તેમની હાંસી કરાવીને નારદજીને જેની સાથે વિવાહ કરવાની ઈચ્છા ધરાવતા હતા તે કન્યાને વિષ્ણુએ પોતે સ્વયંવરમાં જીતી લીધી હતી. આથી નારદજીએ કોપાયમાન થઈને ભગવાન વિષ્ણુને શાપ આપ્યો હતો કે, તે મનુષ્ય રૂપમાં રાજકુમાર તરીકે અવતાર ધારણ કરશે અને તેમને પત્ની-વિયોગ થશે. અને તે સમયે વાનર અને રીંછ તેમને સહાય કરશે. આ શાપને સાર્થક કરવા માટે ભગવાન શંકરની પ્રેરણાથી વાયુદેવે એક વાંદરીના ગર્ભમાં શ્રી હનુમાનને ઉત્પન્ન કર્યા, જેમના નેતૃત્વમાં ભગવાન રામને રાવણ સામેના યુધ્ધમાં વાનર અને રીંઠની સેનાએ મદદ કરી.
પરંતુ શ્રી હનુમાનની વાનરાકૃતિમાં એક આધ્યાત્મિક રહસ્ય પણ છે. વાનરને સ્વભાવ ચંચળ હોય છે. જ્યારે હનુમાનજી લંકામાં વિભીષણને મળ્યા ત્યારે વિભીષણે તેમનો પરિચય પ્રાપ્ત કર્યો અને કહ્યું :
તાત કબહુ - મોહિ જાનિ અનાથા
કરિહહિં કૃપા ભાનુકુલ નાથા
હે તાત ! મને અનાથ જાણીને સૂર્યવંશી ભગવાન શ્રી રામ મારા ઉપર ક્યારે કૃપા કરશે ?
તામસ તનુ કછુ સાધન નાહીં,
પ્રીત ન પદ સરોજ મન માહીં
મારું શરીર તો તામસિક છે, મારી પાસે કોઈ સાધના પણ પ્રાપ્ય નથી. અરે, ત્યાં સુધી કે મને તો ભાગવાનનાં ચરણ-કમલોમાં પ્રેમ પણ નથી.
ત્યારે શ્રી હનુમાનજીએ કહ્યું હતું કેઃ
કહહુ કવન મૈં પરમ કુલીના
કપિ ચંચલ સબહી વિધિ હીના,
પ્રાત લેઈ જે નામ હમારા
તેહિ દિન તાહિ ન મિલઈ અહારા.
હું પણ ક્યાં કોઈ મોટા કુળનો છું. હું તો સ્વભાવથી જ ચંચળ વાનર છું. સવાર-સવારમાં જો કોઈ અમારું નામ લઈ લે તો આખો દિવસ ભોજન પણ ન પામે.
અસ મૈં અધમ સખા સુન મોહૂ પૈ રઘુબીર
કીન્હીં કૃપા સુમિર ગુન ભરે બિલોચન નીર
હે મિત્ર ! સાંભળ, હું આવો અધમ છું, તો પણ ભગવાન રઘુવીરે મારા ઉપર કૃપા કરી છે. આ પ્રમાણે પોતાના સ્વામીના ગુણોનું સ્મરણ કરતાં જ શ્રી હનુમાનની આંખોમાં આંસુ આવી ગયાં.
હવે કોઈ એમ પૂછે કે, ભગવાન રામે તેના ઉપર કઈ કૃપા કરી? તેમને કયું વરદાન આપ્યું ? આમાં તો એ તે જ દૃષ્ટિગોચર થાય છે કે, શ્રી હનુમાનજીએ જ ભગવાન રામનાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યાં-ત્યાં સુધી કે નાગપાશથી બંધાઈ ગયા તો પણ તેમના પ્રાણનું રક્ષણ કર્યું. આનો ઉત્તર એ છે કે, ભગવાન શ્રી રામે શ્રી હનુમાનને અમૂલ્ય નિધિ પ્રદાન કરી જે અનન્ય ભક્તિના નામથી જાણીતી છે. ભગવાન રામ સાથેની પ્રથમ મુલાકાત સમયે જ તેમને આ ઉપદેશ મળ્યો હતોઃ
સો અનન્ય જાકે અસ મતિ ન ટરઈ હનુમન્ત
મૈં સેવક સચરાચર રૂપ સ્વામિ ભગવન્ત
ભગવાન શ્રી રામ કહે છે કે, હે હનુમાન ! અનન્ય ભક્ત તે છે કે, જેમની મતિ સદાય એવી રહે કે હું સેવક છું અને મારા સિવાય સંસારમાં જે કાંઈ પણ ચરાચર રૂપ છે તે બધું સ્વામી એટલે કે ભગવાન સ્વરૂપ જ છે.
હવે વિચારવા જેવી વાત એ છે કે, જ્યારે શ્રી હનુમાન વાનરનું ચંચળ શરીર ધારણ કરીને પણ આત્મ્ સંયમનું આચરણ અને બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે અને અનંત જ્ઞાન અને ભક્તિના ભંડાર બની શકે છે તો આપણે મનુષ્ય શરીર ધારણ કરવાવાળા એક ચંચળ મનનું નિયમન કેમ નથી કરી શકતા ? તેમના વાનર દેહનો આ જ આધ્યાત્મિક સંદેશ છે.
શ્રી હનુમાનમાં અહંકારનો સર્વથા અભાવ છે. એમ કહેવાય છે કે એમને એવો શાપ હતો કે, તેમાં બળ-બુધ્ધિ અને યોગ્યતાનું તેમને યાદ કરાવવામાં ન આવે ત્યાં સુધી તેમને તેનું સ્મરણ નહીં થાય. ભગવાન શ્રી રામને મળવાનું થયું તે પહેલાં શ્રી હનુમાન એક સામાન્ય વાનરની માફક સુગ્રીવના સંરક્ષણમાં જીવન વિતાવતા હતા. જો કે વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તેઓ અસાધારણ બળ, બુધ્ધિ, વિવિક અને વાક્ચાતુર્યના સ્વામી હતા; પરંતુ શ્રી રામ સાતેના મિલનની પહેલાં તેમનાં કોઈ અસાધારણ કાર્યનું વર્ણન પ્રાપ્ત થતું નથી. વાલીએ સુગ્રીવ ઉપર જે જે અત્યાચારો કર્યા, તેના તે એક મૂક દૃષ્ટા જ રહ્યા. આ પ્રકારે, જ્યારે સીતા માતાની ભાળ મેળવવા નીકળેલી વાનર સેના હતાશ થઈ ગઈ ત્યારે પણ જ્યાં સુધી જામ્બવાને તેમને તેમનાં બળ અને સામથર્યનું સ્મરણ કરાવીને ઉત્સાહિત ન કર્યા, ત્યાં સુધી તેઓ ચુપચાપ જ રહ્યા.
ખરેખર, હકીકતમાં જોઈએ તો આ શાપ શ્રી હનુમાન માટે વરદાન જ સિદ્ધ થયો. જ્યારે પોતાના સામાથર્ય વડે કામ ન લેવાનું હોય ત્યારે તેનું સ્મરણ હોવું તે પણ અહંકાર ઉત્પન્ન કરી શકે છે. વાસ્તવમાં પૂર્ણ જ્ઞાની હોવાના લીધે શ્રી હનુમાન એ જાણતા જ હતા કે, શરીર, મન, બુધ્ધિના તમામ ગુણો ભગવાન દ્વારા તેમનાં કાર્યો કરવા માટે આપ્યાં છે. વાસ્તવમાં તેમનામાં કાંઈ જ તેમનું પોતાનું ન હતું. એ સમજવું જોઈએ કે, આ બધા ગુણો આપણાં છે જ નહિ, આપણામાં છે જ નહિ. જ્યારે ભગવદ્ કાર્ય કરવાનો અવસર આવે છે ત્યારે જે ગુણોની આવશ્યકતા હોય છે તે ગુણો આપણામાં પ્રગટ થઈ જ જાય છે. નહીં તો તે ભગવાન પાસે જ રહે છે. જે વસ્તુ આપણી છે જ નહીં, તેનું વ્યર્થ સ્મરણ શા માટે ? અવસર આવે ત્યારે આપણે ભગવાનને આપેલા ગુણોની યથાયોગ્ય સદ્ઉપયોગ કરવો જોઈએ અને એક કરતી વખતે એ જ ભાવ રહેવો જોઈએ કે હું તો માત્ર ભગવાનનો સેવક છું. ભગવાનને આપેલા ગુણોથી ભગવાનની સેવા કરું છું. શ્રી હનુમાનજીના જીવનમાંથી આપણને આ જ ઉપદેશ મળે છે. શ્રી હનુમાન જેવા નિરઅહંકારી સેવકને તો ભગવાન તરફથી બધા અધિકારો મળી જાય છે. કારણ કે તે જાણે છે કે તેનો ઉપયોગ કરતી વખતે શ્રી હનુમાનને ક્યારેય એવો ભાવ નહીં ઉદભવે કે તેઓ પોતાની શક્તિ અને સામથર્યથી અમુક કાર્ય કરી રહ્યા છે. ફતેહગઢના એક મહાન સંત મહાત્મા રામચંદ્રજી મહારાજે શાહજહાંપુરના પોતાના મહાન શિષ્ય મહાત્મા રામચંદ્રજી મહારાજને લખેલા પત્રમાં લખ્યું છે :
‘‘શું હનુમાનજી મહારાજના વિનમ્રતાના ગુણને યાદ કરીને ખુશ ન થવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ તેમને તેમની તાકાતનો અંદાજ આપતા ત્યારે તેમને તેની યાદ આવતી. આપણે કેરી ખાવા સાથે કામ છે, નહીં કે પાદંડાં અને ઝાડ ગણવાથી. પોતાને સમર્થ માનનારા શેખીબાજોથી જે કામ ન થાય તે કામ આવા ભક્તજનો, પોતાની અસમર્થતા જાણવા છતાં, કરી જાય તે શું કમાલ નથી ?
જો કોઈ નોકર પોતાના માલિકની આગળ-પાછળ પોતાની તાકાત અને માલિકનો દાવો કરે તો માલિકના ગુસ્સાનું તો પૂછવું જ શું ? શક્ય છે કે તેને તેની આ હરકતને લીધે તેના પદ પર દૂર કરી દેવાય. અને બીજો નોકર સેવા, નિકટતા અને સમર્પણથી માલિકની ચાહના મેળવી લે. માલિક તરફથી તેને બધા અધિકાર મળી જાય અને તે નોકર આ અધિકારોને એવી રીતે વાપરે કે તેના અમલ સાથે માલિકનું નામ જોડાયેલું રહે તો, મારો ખ્યાલ મુજબ, માલિકને સંશયનો કે સંદેહનો કોઈ મોકો નહીં મળે કે તે એમ સમજવા લાગે કે પોતાની હકૂમતમાં સ્વામીત્વની ઉણપ આવી જશે અને તે તેના અધિકાર પાછા લઈને તેને અધિકારવિહીન કરી દે.’’
શ્રી હનુમાન જ્યારે સીતાજી પાસે પહોંચ્યા ત્યારે તેમની સામે પ્રશ્ન એ હતો કે એ તે વાનર-શરીર સાથે સીતા માતા સામે ઉપસ્થિત થશે તો સીતા માતા ચોંકી ઊઠશે. તેમને વિશ્વાસ કેમ આવશે કે તે રામદૂત છે ? આમ તો તે કોઈ પણ શરીર ધારણ કરી શકતા હતા. પહેલા જ્યારે કિષ્કિંધામાં ભગવાન રામ અને લક્ષ્મણનું અનુસંધાન કરવા ગયા ત્યારે તેમણે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો. અને વિભીષણને મળતી વખતે પણ તેમણે બ્રાહ્મણ વેશ ધર્યો હતો. પરંતુ ત્યારે તેઓ રામ-લક્ષ્મણ કે વિભીષણને ઓળખતા ન હતા. સીતા માતા સામે તે આ વેશ ધારણ કરીને કેવી રીતે જઈ શકે ? પહેલાં તેમણે ઝાડ પરથી ભગવાન રામની વીંટી નીચે નાખી, જ્યારે સીતા માતાને નવાઈ લાગી ત્યારે તેમણે રામ કથાનું ગાન કરનાનું શરૂ કર્યું. રામકથાથી આખા જગતને શાંતિ મળતી હોય તો પછી સીતા માતાને કેમ ન મળે ? સીતા માતાએ કહ્યું :
શ્રવણ મધુર હરિકથા સુહાઈ, કહી સો પ્રગ હોત કિન ભાઈ.
આટલી મધુર કથા સંભળાવનાર ભાઈ તમે પ્રગટ કેમ નથી થતા ? ત્યારે શ્રી હનુમાન એક અતિ સામાન્ય અને નાના વાનરના રૂપમાં તેમની સામે ગયા અને તેમને પ્રેમપૂર્વક વિશ્વાસ બેસાડ્યો કે તે રામદૂત છે. જ્યારે તેમણે કહ્યું કે. ભગવાન રામ વાનર સેનાની મદદથી રાક્ષસો સહિત રાવણને મારીને તમને લઈ જશે ત્યારે સીતા માતાને સંદેહ થયો કે
હૈં સુત કપિ સબ તુમ્હહિ સમાના નિશિચર જાતુધાન બલવાના
મોરે હૃદય પરમ સંદાહા તબ કપિ પ્રગટ કીન નિજ દેહા...
હે પુત્ર શું બધા જ વાનર તમારા જેવા નાના-નાના છે ! રાક્ષસોની સેના તો બળવાન છે. મને તો તમારું રૂપ જોઈને શંકા થઈ રહી છે. ત્યારે નિરૂપાય થઈને શ્રી હનુમાનને પોતાનું મૂળ સ્વરૂપ - સીતાજીને બતાવ્યું, અન્યથા તેમની અભિમાનશૂન્યતા તેમને આની અનુમતિ ન આપત.
ક્નક ભૂદરાકાર શરીરના સમર ભયંકર અતિ બલબીરા.
શ્રી હનુમાનજીનું આ શરીર સુવર્ણ પર્વત જેવું વિશાળ અને યુધ્ધ કરવામાં અતિ ભયંકર અને બળવાન હતું.
સીતા મન ભરોસ તબ ભયહુ પુનિ લઘુરૂપ પવનસુત લયઉ.
ત્યારે સીતા માતાને વિશ્વાસ આવ્યો કે ખરેખર આ મહા શક્તિશાળી છે. તરત જ શ્રી હનુમાનજીએ ફરીને લઘુ સ્વરૂપ ધારણ કરી લીધું. તેમને લાગ્યું કે, ક્યાંક સીતા માતા એમ ન સમજે કે આખું પરાક્રમ તેમનું જ છે તેથી તેમણે આગળ કહ્યું કે,...
સુનુ માતા શાખામૃગ નહીં બલ બુધ્ધિ વિશાલ...
પ્રભુ પ્રતાપ સે ગરુડહિં ખાય પરમ લધુ વ્યાસ.
હે માતા ! સાંભળો, અમે તો શાખામૃગ છીએ. અમારામાં બહુ બળ-બુધ્ધિ તો ક્યાંથી હોય ? પરંતુ ભગવાનની કૃપાથી અત્યંત નાના સાપ પણ ગરુડને ખાઈ શકે છે.
મન સંતોષ સુનત કપિ બાની જેત પ્રતાપ ભગતિ રસ સાની
શ્રી હનુમાનની અહંકાર રહિત ભક્તિ, તેજ, પ્રતાપથી ભરેલી વાણી સાંભળીને સીતા માતાને સંતોષ થયો.
આસિસ દીન્હ રામપ્રિય જાના, હોહુતાત બલ સીલ નિધાના.
સીતા માતાએ રામના પ્રિય માનીને તેમને આશીર્વાદ આપ્યા કે, હે તાત, બલ-શીલ નિધાન હો. પરંતુ આ શું ? શ્રી હનુમાન હજુ પણ માથું નમાવીને ઊભા છે. એમ લાગ્યું કે તમને હજુ સંતોષ થયો નથી. સીતા માતાએ બીજા આશીર્વાદ આપ્યા...
અજર અમર ગુનનિધિ સુત હોહુ.
હે પુત્ર ! તમે અજર-અમર થાઓ. પરંતુ હનુમાનજી તો હજુ પણ માથું નમાવીને જ ઊભા છે. શું જોઈતું હતું એમને ? હવે સીતા માતાએ એ આશીર્વાદ આપ્યા જે હનુમાનજી ખરેખર ઈચ્છતા હતા...
કરહું સદા રઘુનાયક છોહૂ
તમને રઘુનાયક રામ સદા પ્રેમ કરશે. તે પ્રેમ હું તમને આપું છું. જે રીતે કૃષ્ણપ્રેમની ચાવી રાધારાણી પાસે છે તે રીતે ભગવાન રામના પ્રેમની ચાવી સીતા માતાના હાથમાં છે.
કરહું કૃપા પ્રભુ અસ સુનિ કાના નિર્ભર પ્રેમ મગન હનુમાના.
બાર બાર પદ નાયસિ સીસ બોલ. બચન જોરિ કર કીસા.
પ્રભુ કૃપા કરશે એટલું સાંભળીને શ્રી હનુમાનજી પ્રેમમગ્ન થઈ ગયા. વારંવાર સીતા માતાનાં ચરણોમાં પ્રણામ કર્યા અને હાથ જોડીને બોલ્યા...
અબ કૃત્ય કૃત્ય ભયઉં મૈં માતા
આશિસ તવ અમોધ બિખ્યાતા...
હે માતા ! હવે હું ધન્ય ધન્ય થયો, કારણ કે આપના આશીર્વાદ અમોધ છે, તેથી હવે મને રામકૃપા અવશ્ય પ્રાપ્ત થશે જ.
શ્રી હનુમાન લંકા દહન જેવું મહાન કાર્ય કરીને જ્યારે સીતા માતા પાસે પહોંચ્યા તો એ જ નાનું સ્વરૂપ લઈને ગયા હતા, અને વિનયપૂર્વક એમની સામે હાથ જોડીને ઊભા રહી ગયા હતા.
પૂંછ બુઝાય ખોય સ્રમ, ધરિ લઘુ રૂપ બહોરિ,
જનક સુતા કે આગે ઠાડે ભયે કર જોરિ.
સમુદ્રમાં પૂંછડી બૂઝાવીને ફરીથી નાનું રૂપ લઈને જનક સુતાની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. સીતા માતાના ખબર લઈને શ્રી હનુમાન જ્યારે ભગવાન રામ પાસે પહોંચ્યા તો ભગવાને તેમની એટલી પ્રશંસા કરી કે, તે સાંભળીને કોઈને પણ અભિમાન થાય.
સુનુ કપિ તોહિ સમાન ઉપકારી, નહિ કોઉ સુરનર મુનિ તનુધારી,
પ્રત્યુત્તર કરૌ કા તોરા સન્મુખ હોઈ ન શક્ત મન મારો
હે કપિ, તારા જેવો ઉપકારી કોઈ મનુષ્ય, દેવતા, મનુ અથવા કોઈ પણ શરીર ધારી ન હોઈ શકે. હું તને તારા ઉપકારનો શો બદલો આપું ! મારું મન તને કાંઈ ન આપી શકવાને કારણે એટલું લજ્જિત છે કે, મારો જ સામનો જ નથી કરી શકતું.
કહું કપિ રાવનપાલિત લંકા કેહિ બિધિ ઢહઉ દુર્ગ અતિ બંકા.
હે કપિ ! કહો તો ખરા કે રાવન દ્વારા રચાયેલા લંકાના અભેદ્ય કિલ્લાને તમે કેવી રીતે પાડી દીધો ? હવે શ્રી હનુમાનનો ઉત્તર સાંભળો :
પ્રભુ પસન્ન જાના હનુમાન બોલાચન બિગત અભિમાના શાખામૃગ કૈ બડિ મનુસાઈ શાખા તે શાખા પર જાઈ. લાંઘ સિન્ધુ હાટકપુર જારા નિસિરચરબધ કર બિપિન ઉજારા સો સવ તવ પ્રતાપ રઘુરાઈ નાથ કછુ ન મોર પ્રભુતાઈ તા કહ પ્રભુ કછુ અગમ નહિં જાપર તુમ અનુકૂળ તવ પ્રતાપ બડવાનલહિં જારિ સકઈ ખલુ તૂલ.
ભગવાનને પ્રસન્ન થયેલા જોઈને શ્રી હનુમાન અભિમાન રહિત આ વાક્ય બોલ્યા, ‘અમે તો શાખામૃગ છીએ. શાખામૃગ કયાં મનુષ્યની જેમ પરાક્રમ કરી શકે ? તે તો બસ એક શાખા ઉપરથી બજી શાખા પર જઈ શકે. મેં સમદ્ર પાર કરીને લંકાદહન કર્યું, રાક્ષસોનો વધ કરીને અશોકવન ઉજાડ્યું, આ બધી તો આપની કૃપા છે. તેમાં મારી કોઈ મહત્તા નથી. હે પ્રભુ ! જેના પર આપની કૃપા હોય તેના માટે કશું અસંભવ કે અશક્ય નથી. આપની કૃપાથી નાનું રૂનું પૂમડું પણ વડવાનલને જલાવી શકે છે.
જ્યારે શ્રી રામે કહ્યું કે, સીતા ઉપર તો ઘણી મુશ્કેલી છે ત્યારે શ્રી હનુમાનજીએ જે વાત કરી તે સુવર્ણાક્ષરોમાં અંકિત કરવા જેવી છે.
કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન હોઈ.
જ્યારે ભગવાનનું સ્મરણ, ભજન અને ચિંતન હોય ત્યારે વિપત્તિ કયાં હોય ? ત્યારે તો ન સુખ વ્યાપે છે કે ન તો દુઃખ. જ્યારે વિસ્મરણ થાય છે ત્યારે જ સુખ અને દુઃખ વ્યાકુળ કરી શકે.
ત્યારે હનુમાને ભગવાન રામને અનન્ય ભક્તિની યાચના કરી. પ્રસન્ન થઈને ભગવાને ‘એવમસ્તુ’ કહીને આપી. માતા સીતાનો અધિકારપત્ર તો તેમની પાસે હતો જ.
સુનિ પ્રભુ પરમ સરલ કપિ બાની એવમસ્તુ તબ કહેઉ ભવાની.
શાહજહાંપુર નિવાસી મહાન સંત મહાત્મા રામચંદ્રજી મહારાજના કથન અનુસાર શ્રી હનુમાનની આટલી મોટી છલાંગ લગાવવાની શક્તિ તેમની અહંકાર સૂન્યતાના લીધે જ હતી. જે જેટલો અહંકાર શૂ્ન્ય થઈ શકે છે તે એટલી જ લાંબી છલાંગ લગાવી શકે છે.
શ્રી હનુમાનની સૂઝ-બૂઝ અને બળ-કૌશલ અંગે વાલ્મીકિ રામાણમાં એક પ્રસંગ ઉલ્લેખનીય છે.
જ્યારે મેઘનાદના નાગપાશથી સમગ્ર સેના પીડિતી થઈ ગઈ અને રામ-લક્ષ્મણ સહિત બધા યોદ્ધાઓ મર્માહત થયા હતા ત્યારે વિભીષણ અને શ્રી હનુમાન સેનાનું નિરક્ષણ કરતા કરતા જામ્બવાનપાસે પહોંચ્યા. વિભીષણે જ્યારે તેમના કુશળ સમાચાર પૂછ્યા તો જાંબવાને કહ્યું કે, મારા શરીરના બધાં મર્મસ્થળોમાં બાણ લાગેલાં છે. હું નેત્રો ખોલીને જોઈ પણ નથી શકતો. તમને માત્ર શબ્દ દ્વારા જ ઓળખી શકું છું. એ જણાવો કે બુધ્ધિશાળી, બળવાન અને જ્ઞાનિઓમાં શ્રેષ્ઠ હનુમાનજી જીવિત છે કે નહીં ? ત્યારે વિભીષણે કહ્યું કે, આશ્ચર્ય છે કે આપે રામ, લક્ષ્મણ, સુગ્રીવ અથવા અન્ય મહાવીરોની કુશળતા ન પૂછી અને માત્ર હનુમાનજીના કુશળ સમાચાર પૂછ્યા. તેનું કારણ શું છે ? જાંબવાને પ્રત્યુત્તર આપ્યો કે આનું કારણ એટલું છે કે જો શ્રી હનુમાનજી જીવિત છે તો સમજી લેવું કે શ્રી રામ, લક્ષ્મણ સહિત સમગ્ર સેના જીવિત છે. શ્રી હનુમાનમાં એટલું સામથર્ય છે કે, તેઓ જે મરી ગયા હોય તેમને પણ ઉપાય કરીને જીવતા કરી દે. અને જો શ્રી હનુમાન જીવતા નહીં હોય તો જે જીવે છે તેમને પણ મરેલ જ સમજવા. કેમ કે અન્ય કોઈમાં એટલું સામથર્ય નથી, જે મેઘનાદનાં બાણોથી આપણું રક્ષણ કરી શકે. ત્યારે શ્રી હનુમાને ચરણસ્પર્શ કરીને જાંબવાનને પ્રણામ કર્યા. જાંબવાનની સલાહ અને શ્રી હનુમાનના પરાક્રમથી સમસ્ત સેના નાગપાશથી મુક્ત થઈ શકી.
ભગવાન શંકર જે રીતે પ્રાણીમાત્ર માટે ગુરુરૂપ છે
વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરુપિણમ્
તે રીતે શિવ-અંશ શ્રી હનુમાન પણ ગુરુરૂપમાં બિરાજમાન છે. સુગ્રીવ જેવા સંસારી અને વિભીષણ જેવા ભક્તને ભગવાન શ્રી રામની પાસે પહોંચાડવામાં શ્રી હનુમાન જ સહાયક બન્યા. આપણા જેવા સાધારણ જીવો માટે રામચરણ સુલભ ક્યાંથી ? માત્ર શ્રી હનુમાનની કૃપાથી આ શક્ય થઈ શકે છે. મહાત્મા તુલસીદાસના જીવનમાં એક અભિલાષા હતી કે, તેમને ભગવાન રામનાં દર્શન થાય. શ્રી હનુમાનની કૃપાથી એમની મનોકામના પૂર્ણ થઈ.
કોનામાં એટલું સામથર્ય છે કે, જ્ઞાનિઓમાં અગ્રણી, ભક્ત શિરોમણી પવનપુત્રના ગુણોનું વર્ણન કરી શકે. કૃષ્ણાવતાર કાળમાં તેમણે પોતાના નાનાભાઈ ભીમસેનના ગર્વને હણ્યો, અર્જુનના રથની ધજા ઉપર આરૂઢ થઈને તેની રક્ષા કરી અને ભગવદ્ ગીતા જ્ઞાનનું સાક્ષાત શ્રવણ કર્યું. તેઓ અજર-અમર છે અને જ્યાં રામકથાનું ગાન, શ્રવણ, કીર્તન થાય છે ત્યાં તેઓ હાજર હોય છે.
0 comments:
Post a Comment