(સાદર ઋણસ્વીકાર : ‘યોગ અને આરોગ્ય’માંથી)
યેગ શબ્દનો સાધારણ અર્થ ‘જોડવું’ એવો થાય. આ શબ્દની ઉત્પત્તિ ‘યુજ્’ ધાતુમાંથી થઈ છે. કોઈ ઊંધે માંથે લટકે તો આપણે કહીએ કે તે યોગી છે, પરંતુ ખરેખર તેવું નથી. ઊંધે માથે તો ચામચીડિયું પણ આખો દિવસ આખું જીવ લટકી રહે છે; પરંતુ તેને આપણે યોગી કહેતા નથી. આગ પર ચાલે કે પાણી ઉપર ચાલે તે યોગી કહેવાય તે સમજણ પણ ખોટી છે. શ્રીરામકૃષ્ણદેવ આ સંબંધી ખરો વિનોદ કરતા. તેમની પાસે આવો એક યોગી આવેલો. તેણે કહ્યું, ‘મેં બાર વર્ષ સાધના કરી છે; હું પાણી ઉપર ચાલીને આવ્યો છું.’ પરંતુ આ સાંભળી શ્રીરામકૃષ્ણદેવે કપાળ ઠોકેલું : ‘અરે અમે એક પૈસો આપીએ તો ગંગા પાર જઈને પાછા આવીએ છીએ; હોડીવાળાને બે પૈસા આપીએ તો ગંગામાં અડધો કલાક ફેરવી લાવે છે; જે કામ એક-બે પૈસામાં થાય તેને માટે તમે બાર વર્ષ બગાડ્યાં ?’
આમ યોગ એટલે ભૂખ્યા રહેવું કે બહુ ખાવું, ઊંઘવું જ નહીં કે બહુ ઊંઘવું બોલવું જ નહીં કે બસ બોલ્યા જ કરવું; આવી અસંતુલિતતાને યોગ ન કહેવાય. હીતા આને માટે ‘યુક્ત’ શબ્દનો પ્રયોગ કરે છે. યુક્તાહાર... વિહારશ્ચ... આહાર અને વિહારમાં સંતુલન હોવું જોઈએ. માટે જ કહેવામાં આવ્યું કે ‘સમત્વં યોગ ઉચ્ચતે’- જીવનવ્યવહારનું સંતુલન એટલે યોગ.
આ સિવાય શ્રીકૃષ્ણે યોગની બીજી ખૂબ જ સુંદર અને સચોટ વ્યાખ્યા કરી, ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ કર્મકુશળતાને યોગ કહેવામાં આવ્યો. આ કર્મકૌશલમ્ એટલે શું ? જે કંઈ પણ કાર્ય આપણે કરીએ તે ચોક્કસ હોવું જોઈએ. ઢીલુંપોચું નહીં. લબાચો ન ચાલે. જે કરો તે પાકું કરો. ખૂબ વ્યવસ્થિત. એટલે જ શ્રી રામકૃષ્ણદેવ કહેતા કે, ‘જે સ્ત્રી ખૂબ સારી રસોઈ કરી શકે; તે ખૂબ જ સારું ધ્યાન કરી શકે.’ કારણ એટલું જ કે બેધ્યાનપણે કરવામાં આવેલી રસોઈમાં કંઈ ભલીવાર ન હોય. આજે મીઠું ભુલાઈ ગયું; કાલે ભૂલથી બે વાર નંખાઈ ગયું. રસોડામાં અઠવાડિયે એકબે વાર દૂધ તો ઊભરાતું જ હોય છે. કારણ શું ? ધ્યાન ન રહ્યું. આ શરીર જ્યાં હોય, મન પણ ત્યાં જ રહે, તેનું નામ યોગ. પરંતુ દુર્ભાગ્યે આપણા શરીર શિકાગો અને મન માન્ચેસ્ટર રહેતાં હોય છે. સોયમાં દોરો પરોવાનો હોય અને એ દોરાનું એક પાંખડું ડાબે કે જમણે હોય તો તે દોરો સોયના છિદ્રમાં પરોવી શકાય નહીં. તેને એકાગ્ર કરવો પડે. આમ યોગનો અર્થ કર્મમાં કુશળતા અર્થાત્ કર્મ વ્યક્તિગત હોય કે પારિવારિક, સામાજિક હોય કે લૌકિક, નાનામાં નાના કામમાં સંપૂર્ણ જાગૃતિ કેળવી શકાય, તો યોગ શબ્દનો અર્થ સાર્થક થાય.
આ સર્વસાધરણ સમણ સિવાય જે ખૂબ જ મહત્વનું અને યોગનું ઉચ્ચતમ પાસું છે તે છે મહર્ષિ પતંજલિ કથિત વ્યખ્યા ‘યોગશ્ચિત્તવૃતિનિરોધઃ’-યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો તે. ચિત્ત ચંચળ છે. ‘મનવા ભટકત ચહુ દિશ રામ; કેમ કરીને ઠરે એક ઠામ’ આ મન જ્યાં સુધી ચંચળ હોય, વ્યગ્ર હોય, ઉત્પાત કરે ત્યાં સુધી જીવ સ્વસ્થતાનો અનુભવ કરી શકે નહીં.
યોગનો અર્થ છે, સુખ. વિયોગ એટલે દુઃખ યોગ એટલે શાંતિ, સમૃદ્ધિ, ઉન્નતિ, ઉત્કર્ષ, અભ્યુદય અને આત્મચેતનામાં શાશ્વત સ્થિતિ અને તેનાથી વિપરીત બધું દુઃખ, અશાંતિ, અવનતિ અને આત્મવિમુખતા.
ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ કહેતાં કે, ‘માનવનું જીવનલક્ષ્ય - ઈશ્વરપ્રાપ્તિ’... ‘ઈશ્વર પહેલાં, જગત પછી અને સ્વાર્થ છેલ્લે અથવા કદીયે નહીં.’ આ ઈશ્વરપ્રપ્તિના માર્ગનું નામ જ યોગ.
કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ પ્રમુખ યોગ છે. તે સિવાય નાદયોગ, લયયોગ, કુંડલિનીયોગ, સ્વરયોગ પ્રમુખ યોગ છે. તે સિવાય નાદયોગ, કુંડલિનીયોગ, સ્વરયોગ આદિ યોગ. માનવજીવનમાં કોઈ પણ કાર્યને સાર્થક કરવું હોય તો શરીરની સ્વસ્થતા હોવી જ જોઈએ, આ સ્વસ્થતા જે આપી શકે તે હઠયોગ અને પરમ લક્ષ્યની પરમોચ્ચ સ્થિતિમાં સ્થાપે તે રાજયોગ.
કવિ કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે; ‘શરીરમાદ્યં ખુલ ધર્મસાધનમ્’, એટલે ધર્મની પ્રાપ્તિ કે કર્તવ્યપરાયણતામાં સર્વપ્રથમ અને અગત્યનું સાધન શરીર છે. આ કથનની પૂર્તિ શ્રુતિમાં મળે છે; કહ્યું છે, ‘ધર્મ, અર્થ, કામ, મોક્ષણાં આરોગ્યં મૂલં ઉત્તમમ્.’ માનવજીવનના અંતિમ લક્ષ્ય અથવા તો પરમ તત્વની પ્રાપ્તિ માટે પણ આરોગ્યની આવશ્યકતા છે.
આ પરમતત્વની પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય હોય કે ન હોય પરંતુ જીવનનાં નાનાંમોટાં કોઈ પણ કામને સરળતા કે સહજતાથી પાર પાડવા માટે માત્ર શરીર નીરોગી, સ્વસ્થ, મન પ્રસન્ન, બુદ્ધિ સ્તિર અને ચિત્તમાં કાર પાર પાડવાની રુચિનું હોવું ખૂબ જ જરૂરી છે.
એક સારા વિદ્યાર્થી, ગૃહસ્થી, એન્જિનિયર, ડોક્ટર, વકીલ, કલાકાર કે સમાજસેવક, જીવનનાં વિવિધ સોપાનો અને દિશાઓની સુચારુતાપૂર્વકની ઉપસબ્ધિ, નીરોગી શરીર વડે અને સ્વસ્થા મન વડે જ સંભવી શકે. તન અને મનની દુરસ્તી માટે યોગની આવશ્યકતા છે.
માનવજીવનના સુખ અને દુઃખનું કારણ મન જ છે. બાહ્ય જગતને આંખ જોઈ શકે છે; પરંતુ મનને તો મન જ જોઈ શકે. આમ સ્થૂળ જીવનમાંથી સૂક્ષ્મ જીવનમાં પ્રવેશવા માટે યોગની આવશ્યકતા છે.
કોઈ પણ કામ કરવું હોય તો મનની શાંતિ અત્યંત આવશ્યક છે. એકાગ્રતા અને સ્વસ્થતા પણ ખરાં જ. આ બધું યોગથી સંભવી શકે. થોડાં યોગાસનો; પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાય નિશ્ચિત સમયે અને નિયમિતપણે કરવામાં આવે તો યમ અને નિયમ સાથે કરવામાં આવેલી સાધના, વ્યક્તિત્વનું અનુશાસન, સામાજિક અનુશાસન, શારીરિક અનુશાસન, પ્રાણનું અનુશાસન, ઇન્દ્રિયોનું અનુશાસન અર્પે છે અને ઇન્દ્રિયો અનુશાસિત થાય એટલે મન, બુદ્ધિ અને બુદ્ધિથી પર જે અગોચર તત્વ છે; તેનું અનુસંધાન પણ સાધી શકાય.
આપણે જે જીવન જીવીએ છીએ તે જીવન સુરેખ નથી. ઝંઝાવાત વગરનું જીવન વળી ક્યાંથી કલ્પી શકાય ? માટે જે લગ્નવેદીના મંત્રોમાં કહેવામાં આવ્યું છે.
જો જો રંગભર્યા ગુલાબ ગ્રહતાં વાગે નહીં કંટકો
પંથો છે અતિ આકરા જીવનના જ્યાં દીસે સંકટો;
આ સંસારરણે નથી પગથી કો ગેબી તરંગો ઊઠે
ઝંઝાવાત ફૂંકાય ત્યાં શિવ સ્વંય કુર્યાંત્ સદા મંગલમ્.
જીવનની બધી પળો એકસરખી હોતી નથી; અને બિનકેળવાયેલું શરીર કે મન ગમે ત્યારે કથળી જાય છે. સહનશક્તિ તથા સમજણશક્તિની અક્ષમતા માનવજીવનની સુગંધ ઉડાડી દે છે, જીવનસને સૂકવૂ નાખે છે. ‘સબ દિન હોત ન એક સમાન... કહાં રાજા હરિશ્ચંદ્ર ચઢત ફિરત વિમાન... વહી રાજા હરિશ્ચંદ્ર બીકત ગયે મસાન’... પરંતુ આવી સ્થિતિમાં જીવન સ્વસ્થતા અને સુઘડતાનું પાથેય યૌગિક જીવન આપી શકે છે.
પતિ-પત્ની, માતા-પિતા, બાળકો વચ્ચે જે એખમેકના અહં અને મમત્વની દીવાલો ઊભી થાય છે તેનું કારણ શું છે ? આપણામાં આપણાપણાની ખામી ! આજે સમગ્ર સમાજની, પૂર્વ કે પશ્ચિમની કોઈ પણ સળગતી સમસ્યા હોય તો તે છે, માનસિક તનાવ.યોગનો અભ્યાસ કરે છે. સર્વ સાધારણ દૈનિક જીવનની આવશ્યકતાઓ ભૂખ લાગવી; કબજિયાત ન હોવી, ઊંઘ સારી આવવી; ગુસ્સો ન આવવો; વધુ પડતાં લાગણીશીલ ન થવું; સંક્ષેપમાં આત્મનિયંત્રણની બધી જ પૂર્તિ આ યોગ કરી શકે છે. માણસને માણસ તરીકે જાળવવાનું પાયાનું કામ યોગ કરે છે; અને જો માનવ માનવીય સ્વભાવને છોડી પાશવી કે દાનશીલ સ્વભાવનો ભોગ બન્યો હોય તો તેનામાં રહેલી તામસિક વૃત્તિનું શમન યોગ દ્વારા થાય છે; અને રાજસિક વૃત્તિઓને યોગ સત્વમાં પરિણત કરે છે.
મોટા ભાગના લોકોની સમજણ કે માન્યતા એવી હોય છે કે અમે તો ઘરકામ બધું કરીએ છીએ. અમારે વળી પંચાત શી ? પરંતુ ખરેખર એવું નથી. આપણે વેક્યૂમ ક્લીનર ઊભાઊભા કરીએ; કપડાં વોશિંગમસીનમાં ધોવાય, ડિશ વોશરમાં ક્રોકરી ધોવાય, રસોડું ઊભું છે, શૌચાલ્ય પણ ઉભડક છે; આમાં ગોઠણ વાળીને બેસવાનો કોઈ અવસર જ નહીં હા ! કોઈકના બેસણામાં જઈએ ત્યાં... પરંતુ આજકાલ તેમાંય બધે ખુરશીઓ થઈ ગઈ છે, આમ આપણા ગોઠણના સાંધાઓની કસરત ભાગ્યો જ થાય છે. વળી દરિયાપારના દેશોનું પ્રમુખ ભોજન બ્રેડ (મેંદો) અને રાઈસ - ભાત જ છે. તે સિવાયની વાનગીમાં હીપાઈને પેસ્તા, પીઝ્ઝા અને કોકની ત્રિવિધ શૃંખલામાં બંધાયેલો જીવ હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ ટ્રાયગ્લિસરાઈડ, હાઈ બ્લડપ્રેશરના થ્રી-હાઈફ્રાઈની ફરિયાદ કરે, તો હાઈ સોસાયટી અને હાઈટેકના યુગમાં તમારી ફરિયાદ પણ ‘હાઈ’ હોય તો તેમાં નવું શં ?
આપણા શરીરમાં જે ક્રિયાઓ ચાલે છે; તેને છ ભાગમાં વહેંચવામાં આવેલ છે.
1. શ્વસનતંત્ર એટલે રેસ્પીરેટરી સિસ્ટમ.
2. રુધિરાભિસરણ તંત્ર અર્થાત્ રક્તસંચાર અથવા સરક્યુલેટરી સિસ્ટમ.
3. પાચનતંત્ર અર્થાત્ એલીમેન્ટરી સિસ્ટમ.
4. ઉત્સર્ગતંત્ર અર્થાત્ જનાઈટો-યુરીનરી સિસ્ટમ.
5. અસ્થિતંત્ર અર્થાત્ હાડકાંઓનું તંત્ર અથવા લોકોમોટર સિસ્ટમ.
6. સંવેદનતંત્ર અર્થાત્ નર્વસ સિસ્ટમ.
આ બધી સિસ્ટમ્સ કે તંત્રો ઉપર યોગાસનો અને પ્રાણાયામની પ્રક્રિયાઓનો સારો એવો પ્રભાવ પડે છે. લાગણીઓ ઉપર નિયંત્રણ, ક્રોધશમન, મનની એકાગ્રતા, ભાવુકતા પર અવરોધ, માનસિક સ્વસ્થતા, રોગપ્રતિકાર કરવાની ક્ષમતા વગેરે. વિષય પરિસ્થિતિમાં સંતુલન પ્રદાન કરવાની ક્ષમતા યોગાસનો અને પ્રાણાયામના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. પરંતુ જે કંઈ આવશ્યક છે તે એટલું જ કે તેનો અભ્યાસ નિરંતર કરતાં રહેવું જોઈએ.
આમ થોડો સમય પણ જો નિરંતર યોગાભ્યાસ સાધના, ધ્યાનનો દૈનિક મહાવરો રાખવામાં આવે તો જનસાધારણમાં જીવનની ઘણી વિટંબણાઓને નિવારી શકાય. શ્રીકૃષ્ણ ગીતામાં આ વાતની ખૂબ જ સ્પષ્ટતા કરતાં કહે છે કે આ જે વિષય છે; તેના અભ્યાસમાં લેશમાત્રેય દોષ નથી; જો થોડો પણ પ્રમાણિકપણે અભ્યાસ કરવામાં આવે તો મહાન ભયથી મુક્ત થઈ શકાય, અથવા તો આવનારી સમસ્યાઓ સામે સક્ષમ થઈ સંઘર્ષ કરવાની શક્તિ પ્રાપ્ત કરી શકાય.
યોગ એટલે શું ? અને યોગ શા માટે ? આટલું જાણ્યા પછી હવે યોગ કેવી રીતે ? એ વિષય પર હવે પછી ચર્ચા કરીશું ઓમ્ શાંતિઃ
0 comments:
Post a Comment