બાલસખી


(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

-         માય ડિયર જયુ

પહેલી વાર ગુરુજીએ મને આ વાતનો સંકેત કર્યો ત્યારે હું માની શકેલો નહીં, બલ્કે થોડો છંછેડાઈ પણ ગયેલો અને ભાઈ માટે આવી કલ્પના કરવી એ પણ પાપ છે એમ કહીને વાત ટાળી દીધેલી, પણ ગઈ કાલે-રવિવારે ખરા બપોરે ગુરુજીએ મને બોલાવ્યો. રજાનો દિવસ એટલે સમગ્ર વિદ્યાશ્રમનો પરિસર જંપી ગયેલો હોય. મને લાંબુ ડિલ કરવાની ટેવ નહીં. હું આખો બપોર મારી સિતાર રમાડયા કરું. રોજ એકદમ સાફસુથરીને ચકચકિત હોય, તોય ઝીણી નજરે ખોતર્યા કરું. વગાડું નહીં; હું ગણગણતો રહું ને એ સાંભળતી હોય; ક્યારેક નાના બાળકની જેમ સામું જોઈને ઘૂઘવાટ કરી બેસે, પણ એનાથી મારા નિવાસની શાંતિમાં કાંઈ ખલેલ ન પડે, પણ ગુરુજીએ અત્યારે બોલાવ્યો એટલે હું થોડો અકળાઈ ઊઠેલો.

ઉપર બેસીએ કહીને ગુરુજી દાદર ચડવા માંડ્યા. સમગ્ર પરિસરમાં ગુરુજીનું નિવાસસ્થાન જ બે માળનું. બીજે માળે ચડો એટલે આખો આશ્રમ, આશ્રમનાં નાના-મોટાં મકાનો, ફરતાં સીમ-ખેરત ને રસ્તા ને વૃક્ષો બધું જ ચોખ્ખું દેખાય. મને થયું, આશ્રમનાં વાડી-ખેતરમાં કે ગૌશાળામાં કાંઈ અઘટિત ઘટતું હશે એટલે મને બોલાવ્યો હશે.

આ બારીમાં બેસો ને સામેની કેડી પર નજર રાખો. હવે એના આવવાનો સમય થઈ ગયો છે એમ કહીને ગુરુજી તો એક પુસ્તક હાથમાં લઈને સામેની ખુરશીમાં ગોઠવાયા. હું મૂંગો હતો, પણ બેચેન થઈ ગયો. ગુરુજી કહે છે એવું હોય તો આશ્રમ માટે બહુ ખરાબ કહેવાય અને ભાઈ માટે તો અત્યંત ખરાબ. કારણ કે સમગ્ર આશ્રમ પર વિદ્યા, અભ્યાસ ને સંગીત ઉપરાંત ભાઈના સંસ્કાર અને શિસ્તનો પ્રભાવ કાંઈ ઓર હતો. આશ્રમ જ નહિ, આખા પંથકમાં ભાઈની છાપ અહોભાવ જન્માવતી, એટલે તો એ નિવૃત્ત થાય અને એમણે આશ્રમ છોડીને દીકરા સાથે વડોદરે રહેવાની ઇચ્છા જણાવી ત્યારે આશ્રમના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ જ નહિ, પણ વાલી-સંમેલનમાં એકઠાં થયેલાં સહુએ હઠાગ્રહ કરીને એ ઇચ્છાને ઢબૂરી દીધી. એમનાં પત્ની તો યુવાનીમાં જ અવસાન પામેલાં, પણ ભાઈનું નિવાસસ્થાન કોઈ દિવસ માણસ વગરનું ન હોય. સંગીત વિષય રાખનારા વિદ્યાર્થીઓ ઓછા હોય, પણ એમાંના બે-ત્રણ, બે-ત્રણ આખો દિવસ ભાઈની આસપાસ મંડરાતા રહે. સવાર-સાંજ કંઈ રિયાજ ચાલે, બપોરે-રાતે, ભાઈ પાસે તો સંગીતનો ખજાનો, મનગમતી કેસેટ વાગતી હોય, તે ભાઈ કોઈ દિવસ એકલા છે એવું ન લાગે. રવિવારે કે રજાના દિવસે ય એકાદ વિદ્યાર્થીની ભાઈની સેવામાં હોય; ભાઈ સાથે વાતો કરતી જાય અને નિવાસને સમુંસુથરુ કરતી જાય. હમણાં હમણાં એ ફરજ સુનિતા બજાવે છે એની મને ખબર.

એવું એવું વિચારું છું ત્યાં દૂરની કેડી પર એક સાઈકલ-સવાર દેખાયો. એ આ તરફ  જ આવતો હતો. મેં ગુરુજી સામે જોયું. એમની નજર કેડી પર હતી તે ફરીને મારી આંખોમાં ઘોંચાઈ; એમાં રહેલી તીખાશને હું સહન કરી શક્યો.

હવે મૂંગા મૂંગા આ લીલા જુઓ અને પછી મને કહો, શું કરવું ?’ કહીને ગુરુજીએ ખુરશી મારી લગોલગ કરી અને મારા શ્વાસોચ્છવાસ સંભળાય એમ બેઠા, પણ મારા શ્વાસ તો થંભી ગયા હતા ! હું કોઈ પરીકથાના વાતાવરણમાં આવી ચડ્યો હોઉં એવો ભાવ અનુભવી રહ્યો.

પળવારમાં પૂરઝડપે પેલો સાઈકલ-સવાર આશ્રમના પરિસર સુધી આવી લાગ્યો. મેં જોયું, એ ફૂટડો યુવાન હતો. ભાઈના નિવાસસ્થાને પહોંચતાં એણે સાઈકલ ધીમી પાડી, અમારા નિવાસ પરિસરના છેવાડે. એમાં ભાઈના નિવાસ પછી તો સીમ શરૂ થાય. નિવાસના પાછળના ભાગે વૃક્ષો-વેલીઓ ઉછેરીને ભાઈએ રળિયામણો બગીચો બનાવ્યો હતો. એમાં બેસીને ભાઈને મેં પંખીઓનાં કલરવ સાંભળતા ઊંડા ઊતરી જતા જોયા છે.

પેલા યુવાને બગીચાના ઝાંપા પાસે સાઈકલ સ્ટેન્ડ કરી અને આસપાસ નજર કરતો કરતો દબાતે પગલે અંદર પ્રવેશ્યો. મેં જોયું, સુનિતા બગીચામાં ઊભી હતી. સીમ અને આશ્રમનો પરિસર સાવ નિર્જન અને નીરવ તો. આખી સૃષ્ટિ પર એ બે જ, આદમ અને ઈવ જેવાં જીવતાં હતાં. તરત એ નિવાસમાં ચાલ્યાં ગયાં. મારી આંખો નિશ્ચલ.

એકાદ કલાક એ રહેશે. પછી દબાતે પગે બહાર નીકળીને આવ્યો છે એમ જ ચાલ્યો જશે. ગુરુજી બોલ્યા.

હું શું બોલું ?
ઘણી વાર અમે મૂંગા બેસી રહ્યા, ગુરુજી એકદમ અસ્વસ્થ અને હું બહુ મૂંઝાયેલો. પછી ગુરુજી બોલ્યા, આ બેનો જ પ્રશ્ન નથી; ત્રણસો વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, વર્ષોથી ચાલી આવતી આ વિદ્યાશ્રમની પરંપરાનો પ્રશ્ન છે, આશ્રમનાં શિસ્ત અને સંસ્કારનો પ્રશ્ન છે, આસપાસનાં લોકોને આપણામાં વિશ્વાસ છે એનો પ્રશ્ન છે.
હું ય મનોમન ડહોળાયો. મને ય ભાઈમાં વિશ્વાસ છે એનું શું ? મારા જીવનની પ્રથમ પહેલી પરમ આદરણીય મૂર્તિ ભાઈ છે. હું જે કાંઈ છું તે ભાઈ થકી જ છું. અહીં આશ્રમમાં ભણવા આવ્યો ત્યારથી માંડીને આજ સંગીત શિક્ષક તરીકે અને ગૃહપતિ તરીકે મારી પ્રતિષ્ઠા છે એ ભાઈ થકી જ છે. મારી એ શ્રદ્ધા-ભક્તિનું શું ?
ગુરુજીને ય ભાઈ પ્રત્યે આદર ન હોય એમ ન હોય, પણ ગુરુજીને મન સંસ્થા પહેલી. સંસ્થાની પ્રતિષ્ઠાના ભોગે એ કાંઈ પણ ન ચાલવા દે એની મને ખાતરી.

મારી જાણ પ્રમાણે , બે-ત્રણ રવિવારથી એ આમ આવે છે. પહેલી વાર મને પણ એ નગણ્ય લાગેલું, પણ બીજી-ત્રીજી વારે મને ખાતરી થઈ ગઈ કે, એ આમ આવે છે તે આશ્રમ માટે સારું નથી.
એ આમ આવે છે એ કાચ અજુગતું છે; પણ એ કાંઈ અઘટિત કામે જ આવતો હશે એવું એકદમ કેમ માની લેવું ?’
એના આચાર ઉપરથી. આપણે આ લબરમૂંછિયા છોકરા અને ઊછળકૂદ કરતી છોકરીઓ વચ્ચે રાત-દી રહીએ છીએ; વર્ગમાં કોઈ છોકરાની આંખ ચકળવકળ થતી હોય કે કોઈ છોકરીનો ગાલ ફરકી જતો હોય એની આપણે નોંધ લઈએ છીએ; તો આ તો દીવા જેવી વાત છે.
હું અનુત્તર રહ્યો.

ગુરુજી આગળ બોલ્યા, હું ચોક્કસ કહું છું કે એ સુનિતાને મળવા આવે છે. સુનિતાને અને એને પ્રેમ હોય એનો મને વાંધો છે. આશ્રમનું વાતાવરણ ડહોળાય એ વાંધો છે. હજી કોઈને ખબર નથી; પણ આમ ચોરીછૂપી કેટલા દિવસ ? કાલ ઊઠીને એકને શંકા પડશે તે બીજાને અને બીજો ત્રીજા-ચોથા-પાંચમાને, એમ આ વાત આગની જેમ આખા આશ્રમમાં ફેલાઈ જશે. હું એ ઇચ્છતો નથી. નાનું સરખું ગાબડું જોત-જોતામાં બંધના બંધ તોડી નાંખતું હોય છે. તકેદારી રાખ્યા વગર કોઈ સંસ્થા સમેસુતર ન ચાલે. માટે...
હું વચ્ચે જ બોલી ઊઠ્યો,તમે વધું પડતું વિચારી બેસો છો. પહેલાં પૂરી તપાસ કરીએ, પછી ઉકેલ શોધીએ.
મને તો તપાસની જરૂરત લાગતી નથી, ઉકેલ માટે પગલું ભરવાની તાતી જરૂરિયાત છે અને એ એટલી જ કે, હવે પછી આમ ન થવું જોઈએ. ગુરુજીના છેલ્લા શબ્દોમાં સત્તાવાહી હુકમનો રણકો હતો. મારી અંદર ઊભા થયેલા અવકાશમાં એ વધુ પડઘાયો.; પડઘાતો રહ્યો. તે કલાકેક પછી પેલો યુવાન ભાઈના નિવાસમાંથી નીકળ્યો અને સુનિતા બગીચાના ઝાંપે ઊભી ઊભી એને વિદાય આપી રહી, એ દ્રષ્ય ભજવાયું ત્યારે અમારા બંનેના ચિત્તમાં જ નહિ, આખા પરિસરમાં પડઘા પડઘા થઈ રહ્યા !
હું ઊઠ્યો અને આટલું જ બોલી શક્યો, આવતા રવિવારે ફેંસલો થઈ જશે.
મેં કહ્યું તો ખરું, પણ મારા નિવાસ સુધી પહોંચતાં પહોંચતાં બહુ લાંબુ અંતર કાપ્યું હોય એવું લાગ્યું. મને વળી વળીને એક જ પ્રશ્ન થતો હતો : શું ફેંસલો ? શાનો ફેંસલો ? કોનો ફેંસલો ? કેવો ફેંસલો ? આવા મુદ્દે ભાઈ સામે ઊભા રહેવાની ય મારી કોઈ તાકાત નહીં, ત્યાં વાત કરી તો કેમ કરી શકું ? અને ગૃહપતિને નાતે, ભાઈના અંતરંગ પટ્ટશિષ્યને નાતે મારા સિવાય બીજું કોઈ આ વાત કરી પણ કેમ શકે ? આશ્રમમાં બીજા અધ્યાપકો ય ધીર-ગંભીર પ્રકૃતિના છે એની ના નહિ, પણ ત્રીજા કાને નાંખેલી વાત કેવું સ્વરૂપ પકડે એ કેમ કહી શકાય ?
હું અકળાયો. મારી દૈનંદિન પ્રક્રિયાઓ યાંત્રિક બની ગઈ. આ એક બાબત સતત ઘૂમરાતી રહી. રોજે સવારમાં ભાઈના નિવાસે આંટો મારવાનો મારો ક્રમ. વળતે દિવસે જ ગયો. મને એમ કે, ગઈ કાલની ઘટના વિશે ભાઈ કંઈક કહેશે, કારણ કે, ભાઈની હું એટલો નજીક રહ્યો છું કે ભાઈએ એમના જીવનની નાની-મોટી બધી વાતો મને કહી છે. ક્યારેક તો એમના પોતાના કે સામેની વ્યક્તિના અણછાજતા વર્તનની ખુલ્લી વાતે મને શરમથી મૂંગા પણ કરી દીધો છે. અત્યારે મને થયું કે, ભાઈ કંઈક કહેશે, પણ એ તો વૃક્ષ જેવા મૂંગા જ રહ્યા. સંગીતની રોજિંદી વાતચીત મને અડ્યા વગર ઊડાઊડ કરતી રહી. એનાથી મારી અકળામણ વધી. રવિવાર એક પછી એક પગથિયું ચડતો ગયો એમ એમાં વધારો થતો ગયો. રવિવારની સવારે તો મારી મનોદશા ધરતીપંકની આગાહી જેવી હતી. મને એક જ વિચાર આવતો હતો; એવું કાંઈ ન થાય તો કેવું સારું !
ભાઈનું નિવાસસ્થાન મારા નિવાસસ્થાનની બાજુમાં જ. બપોર થતાં હું પાછલા ઓરડામાં જઈ બેઠો. કાયમ બંધ રહેતી બારી સહેજ અધખૂલી કરી. ભાઈનો બગીચો અને સીમ મને સ્પષ્ટ દેખાતાં હતાં. ત્યાં તડકાનો સમુદ્ર લહેરાતો હતો. મને એના મૃગજળમાં ગયા રવિવારે ભજવાયેલું દ્રશ્ય ઝિલમિલાતું લાગ્યું. હું એ તડકાનાં ,સંગીતમાં ઓગળતો રહ્યો. મને થતું, આખું જગત આમ ઓગળી જાય !
પણ આપણી ઈચ્છા પ્રમામે આ જગત ક્યાં ચાલે છે ? મારી આંખોમાં પેલો યુવાન પ્રગટ્યો. પૂરવેગે આવી લાગ્યો. નજીક આવ્યો ત્યારે સાઈકલની ગતિ ધીમી પડી. એ ઊતર્યો અને બગીચામાં ઊભેલી સુનિતા મ્હોરેલી વેલી સમી ઝૂમી ઊઠી. મારા ચિત્તમાં પણ પ્રસન્નતાની એક લહર ઊઠી ગઈ, એનું મને ભાન ન રહ્યું. ગુરુજીએ આ દ્રશ્ય બતાવ્યું ત્યારે મને આ બાબતે પૂરો વિશ્વસા બેઠો નહોતો; ત્યારે મારી સ્વાનુભૂતિ રોકડા રૂપિયા જેમ રણકી ઊઠી કે, નક્કી, આ આમ જ છે... નક્કી, આ આમ જ છે... અને મારું ચિત્ત એ વાતાવરણમાં એવું રમમાણ થઈ રહ્યું કે, મને જે વિચારો આવવા જોઈતા હતા તે પણ ન આવ્યા, કેવું વિચિત્ર ! મારે જે આ મુદ્દે નિર્ણય લેવાનો છે અને મને જ કાંઈ વિચારો આવતાં નથી ! તે ત્યાં સુધી કે, ઘણી વાર પછી પેલો યુવાન બહાર આવ્યો, સુનિતા ઝાંપા સુધી આવી, પેલો યુવાન સાઈકલ પર ચડીને દૂર દૂર સરવા લાગ્યો-એ મારી આંખો જોતી હતી, પણ મગજમાં કોઈ પ્રતિભાવ ઊઠતો નહોતો !
ઘણી વારે ભાનમાં આવ્યો ત્યારે મગજમાં ચમકારો થયો કે, હું ગૃહપતિ છું. સાંજની પ્રાર્થનામાં ગુરુજીની આંખોમાં પહેલો પ્રશ્ન એ હશે કે શું થયું ? ભાઈને મળ્યા વગર આ બાબતે કાંઈ જ નિર્ણય થઈ શકે નહિ. માંડ માંડ ઊભો થયો. મોં ધોયું. થોડી હળવાશ આવી, પણ પગ ભારે હતા. પહેલી વાર મળવા જતો હોઉં એમ ભારે હૈયે ભાઈના નિવાસસ્થાને પહોંચ્યો.

પહેલી વાર ભાઈના ચહેરા પર મને આવકારતું સ્મિત ન ફરક્યું, બલ્કે એમની આંખો  મને વધું ગંભીર લાગી. મને કંઈ કહેવાને બદલે એ સહેજ ઊંચા અવાજે બોલ્યા, સુનિતા !’ સુનિતા આવી.તું છાત્રાલયમાં જા. બાકીનું કામ કાલે કરજે.
સુનિતા ક્ષણવાર થંભી. કદાચ, ભાઈએ એને પહેલી વાર આમ જવાનું કહ્યું હશે, પણ જી કહીને એ ચાલી ગઈ.

ભાઈ આરામખુરશીમાં લંબાવીને કંઈક વાંચતા હતા તે સહેજ ઊંચા થયા. ચશ્મા ઉતારીને પુસ્તક સાથે ટેબલ પર મૂક્યા. હું ધીમેથી બાજુની ખુરશીમાં ગોઠવાયો. શું બોલવું ?
કેમ, સુનિતાને જવાનું કહ્યું ?’ મારે કંઈક બોલવાનું તો હતું જ.

હવે ભાઈના આંખોમાં સ્મિતનો ચમકાર થયો. મારી આંખોમાં આંખો મિલાવીને એક એક શબ્દ ભારપૂર્વક બોલ્યા, કવિતા હૃદયની ધડકન સુધી પહોંચે છે, સંગીતનો સંબંધ તો નાની-નાની નાડીઓમાં વહેતા લોહીના લય સાથે છે. તમારા આવવાના કારણમાં સુનિતા છે એ પામી જતાં મને વાર લાગે તો મારી જીવનભરની સંગીત-સાધના એળે ગઈ કહેવાય.
અને ભાઈના હોઠ પર પણ સ્મિત રમી રહ્યું. હું શું બોલું ? મારાં નમેલાં પોપચાં પર એ વાતનો હકાર આવી બેઠો.

થોડી વાર મૌન.

તમારા જીવનમાં કોઈ બાલસખી આવેલી ?’ ધીમેથી ઉચ્ચારાયેલા વાક્યથી હું ચોંકી ઊઠ્યો. શા માટે ભાઈ મને આવો પ્રશ્ન કરે છે ? મારે શું કહેવું ?
મુગ્ધ અવસ્થામાં એક બાલસખી આવતી હોય છે, આકાશમાંથી પરી ઊતરી આવે તેમ. કોઈને એ વાસ્તવિક દુનિયામાં રૂબરૂ મળતી હોય છે; કોઈને એ કલ્પનામાં ઊડાઊડ કર્યા કરતી હોય છે; એ અવસ્થા ચાલી જાય કે એ પણ દૂર દૂર આકાશમાં વિલીન થઈ જતી હોય છે !’
હું અકળાયો: હું ધરાતલની વાત કરવા આવ્યો છું અને -ભાઈ તો આકાશમાં ઊડવા માંડ્યા ! હું આશ્રમના નીતિ-નિયમ ને શિસ્તની વાત કરવા આવ્યો છું અને ભાઈ તો પ્રેમની કવિતા કરવા માંડ્યા ! મારે કહેવું શું ?
પણ એ સમયગાળામાં તમે એની સાથે રમ્યા-ભમ્યા હો, હળ્યા-ભળ્યા હો, તો એ મધુર સ્મૃતિ રૂપે આજીવન તમારી સાથે રહેતી હોય છે, પણ એને એક વાર પણ મળી શકાતું ન હોય તો એ કસક મરણાન્તે તમને પીડતી રહે છે.

હું વિદ્યાશ્રમના વાતાવરણની વાત કહેવા આવ્યો છું અને ભાઈ કોઈ જુદા જ ગ્રહમાં બેઠા બેઠા જુદી વાતે ચઢ્યા છે. શું કહેવું ?
પુરા એક વરસના તલસાટ પછી મેં એમને મળવા દીધા છે. પહેલાં એ આવતો અને દૂરના વૃક્ષ નીચે ઘણી વાર ઊભો રહેતો. અહીં સુનિતા ગાતી-ગણગણતી કે વાતો કરતી બંધ થઈ જતી.હું હોઉં તે રૂમમાં રહેતી નહીં. વારંવાર પાછલા રૂમની બારીએ કે પાછળ બગીચામં જઈ આવતી. મને એમના પ્રેમની ખાતરી થઈ, પછી જ મેં એક દિવસ એ યુવાનને બોલાવ્યો. એમની વાતો કહીશ તો વાર્તા થઈ જશે. ટૂંકમાં, સુનિતા અહીં વિદ્યાશ્રમમાં દાખલ થઈ તે પહેલાં બંનેને પ્રેમ હતો. શુદ્ધ પ્રેમ આકાર પામતાં સમય લે છે. ગામડાગામમાં મળી શકેલાં નહીં. અહીં મળ્યાં પછી સુનિતા ખીલ ખીલ રહે છે. સુનિતાનું આ છેલ્લું વરસ છે. પરીક્ષા આવી રહી છે, એટલે હવે પછી નહિ આવવાની મેં એ યુવાનને સલાહ આપી છે અને પરીક્ષા પછી બંનેના લગ્ન કરાવી આપવાની ખાતરી પણ આપી છે.

આજે સાંજની પ્રાર્થના પછી ગુરુજીને આ વાત કહેવાનો છું. ગુરુજી ખુશ થશે.
હું... હું... દિગ્મૂઢ થઈને સાંભળતો હતો. ભાઈએ મને ચૂપ કરી દીધો હતો. વાત કરીને ભાઈ પ્રસન્ન ચહેરે મારી સામે એકધારું જોઈ રહ્યા. મારા મગજમાં ઘેરાયેલાં વાદળો ધીરે ધીરે વિખરાયાં, એટલે મારા ચહેરા પર પણ પ્રસન્નતા ડોકાવા માંડી. એક જ પ્રશ્નથી મારી અને ભાઈ વચ્ચે કેવી તિરડ પડી જાત, એ વાતથી હું ભયભીત હતો. એ ભય ઊડી ગયો એનો આનંદ છવાઈ ગયો. કંઈક મધુરેણ સમાપન કરું એવા ભાવ સાથે મેં કહ્યું,

સંગીત આવું આવું શીખવે?’
માત્ર સંગીત નહિ, સ્વાનુંભવ પણ જોઈએ. ભાઈ ક્ષણવાર અટક્યા. કહેવું-ન કહેવું કરતાં એમના હોઠ ફરફરી રહ્યા,. પણ આખરે એમાંથી શબ્દો સર્યા: ‘મુગ્ધાવસ્થામાં મારે પણ એક બાલસખી હતી. અમે કોઈ દિવસ મળી શક્યાં નહોતા, પણ જીવનભર સમયે સમયે એ મારા ચિદાકાશમાં લહેરાતી રહી છે. હજીયે કોઈ ધૂનમાં એક તાન થાઉં છું ત્યારે એને મારી સન્મુખ જોઉં છું, સ્મિતવતી..ચમકતી...
છેલ્લા શબ્દોમાં ભાઈ ઊંડા ઉતરી ગયા. એમની આંખો છત તરફ સ્થિર થઈ. હું જોઈ રહ્યો અને કેસેટપ્લેયરમાં વાગતી મિશ્ર પડાહીની ધૂન ખટાક્ અટકી.

અમે, એમ જ, એક-બીજા સામું જોઈ રહ્યા.

0 comments: