પોપટ


-   ચિનુ મોદી

(સાદર ઋણસ્વીકાર : ગુજરાત ભાગ-2માંથી)

માએ બહુ કહેલું કે, મીઠ્ઠુજી, વનમાં ને વનમાં ઊડજે. મનમાં આવે તેમ ઊડાઊડ ના કરીશ.
પણ મીઠ્ઠુ જેનું નામ ! એને દુનિયા આખીનું ભારે કૌતુક. હજી પાંખો આવી અને એક ડાળીથી બીજા ડાળી સુધી ઊડવાનું આવડ્યું ત્યારે તો ટૂંકું ટૂંકું ઊડીઊડીને પણ એણે એના રહેણાંકના આંબાની ડાળીએ ડાળીએ બેસી જોયું હતું. દરેક ડાળીનાં એણે પાંજડે પાંદડાં જોઈ-તપાસી લીધાં હતાં. માને થાય, આ શીદને આવી લમણાંઝીંક કરતો હશો ?”
પણ, પોપટજી કહેતાં, તું શીદને એની ચિંતા કરે છે ? પંખીની જ જાત છે. ઊડશે તો ખરોને ? નાની નાની પાંખો છે, એટલે ટૂંકું ઊડશે, પણ ઊડશે તો ખરો જ ને !”
પોપટી કહે, પણ આને તો ભારે કૌતુક છે. પાંદડે પાંદડે એ ચાંચ મારી આવ્યો છે. એને એ ઝાડ પર કેટલી કેરીઓ છે, એનીય જાણ છે. આટલું બધું કૌતુક સારું નહિં.
પોપટજીને ય મનમાં તો મીઠ્ઠુ માટે થોડો વલોપાત તો ખરો. કશું વધારે સારું નહીં, પણ જો પોપટીના દેખતાં જો એ આવું બોલી દે તો મીઠ્ઠુનું આવી બને. પોપટી એને માળામાં પૂરી જ રાખે. માને દીકરા વહાલા હોય, પણ આટલું બધું વહાલ ? મૂંઝારી થાય એટલું વહાલ ના હોય. તો યે પોપટજીને થયું ખરું કે, પોપટી કહે છે એ ખોટું નથી. મીઠ્ઠુને સહેજ મ્યાનમાં તો રાખવો પડે, એટલે પોપટજી એ પોપટી નહોતી ત્યારે મીઠ્ઠુજીને કહ્યું, બેટા મીઠ્ઠુ, બહું ઊડાઊડ ના કરીશ, હોં બીટા ! તારી માનો જીવ અદ્ધર થઈ જતો હોય છે.
મીઠ્ઠુ કહે, બાપા, આ પાંખો દીધી છે શેના માટે ? ઊડવા માટે નહીં ?”
બધું માપમાં સારું લાગે. જો આ જંગલને છેડે માણસની વસ્તી શરૂ થાય ને માણસ તો ભારે ભૂંડા. એમને પોપટ બહુ વહાલા. આપણો મીઠ્ઠો અવાજ એમને બહુ ગમે અને પંખીઓમાં આપણે એકલાં જ છીએ કે, જે માણસ બોલાવે એવું બોલીએ, એટલે એમને આપણી જોડે ભારે ગમ્મત પડે.
મીઠ્ઠુ કહે, એમાં ખોટું શું છે ? આપણે કોઈને ગમીએ તે આપણને ના ગમે ? મને તો બહુ ગમે.પોપટ કહે, પણ માણસજાત ભારે કઠણ છે. એને જાણ છે કે, આપણે તો મન થાય ત્યાં ઊડનારા, એટલે આપણે ઊડી ના જઈએ એટલે પાંજરામાં બંધ કરી દે.
મીઠ્ઠુજીને પાંજરાની જાણ જ નહીં એટલે એણે તો અચરજ ભરી આંખ કરીને પોપટજી સામે તાક્યા કર્યું.

એટલે પોપટજી કહે, માણસ એ ખોટું કામ કરે ને પકડાઈ જાય તો એને સળિયા પાછળ ધકેલી દે. એને એ લોકો જેલ કહે. આવી જેલ જેવું અદ્દલ સળિયાવાળું એ આપણાં માટે પાંજરું ઘડાવે ને એમાં પૂરી દે.
આપણે કંઈ ખોટું ના કરીએ તોયે પૂરી દે ?” મીઠ્ઠુજીએ પૂછ્યું.

પોપટજીએ મીઠ્ઠુજીને ધમકાવી નાંખ્યો, બહુ લમણાઝીંક ના કર અને બહુ ઊડાઊડ ના કરીશ. આ તને કહી રાખ્યું, નહિતર પાંજરે પુરાઈશ, આખો જન્મારો સળિયા પાછળ રહીશ. આ તને કહી રાખ્યું.
મીઠ્ઠુજીને સમજાયું નહિ, કે બાપા કેમ ગુસ્સે થઈ ગયા, પણ મા-બાપની તો ટેવ જ એવી હોય છે કે, સમજાવી ના શકે ત્યારે છાશિયું કરે. મીઠ્ઠુજી તો બહુ મૂંઝાયો. એનાં મનમાં થાય, માણસ માટે જુદો અને પોપટ માટેય જુદો ? કાયદો તો બધા માટે સરખા હોય કે નહિ ? માણસ ખોટું કરે તો એને સળિયા પાછળ ધકેલે અને પોપટ માણસને ગમતું કરે તોય એને સળિયા પાછળ ધકેલે ? આ કંઈ ઠીક ના કહેવાય. જોકે આવું નાય હોય. બાપાને બધી ખબર હોય એવું ઓછું છે ? જે પોપટને પાંજરામાં પૂરતા હશે ને એનો કંઈ વાંક-ગુનો હશે. વાંક વગર કોઈનેય કશું ના થાય. મા ને બાપા વંક વગર બીધેલાં છે. બાકી આવું તે કાંઈ હોય ?”
મીઠ્ઠુજીને  થયું, કરતા હો સો કિજીયે. એટલે એણે તો પોપટ અને પોપટીને નજર ચૂકવીને ઊડવાનું ચાલુ જ રાખ્યું. એણે તો જંગલ આખેઆખું જોઈ નાખ્યું. એણે તો કાચી કેરીઓ ચાખી. બોરાં ખાધાં, વડના ટેટા ખાધાં. ગુલાબ-મોગરો તો ઠીક આકડાનાં ફૂલ પણ સૂંઘી આવ્યો. જો કે એણે એ જોયું કે, ચકલી હોય કે કાબર હોય, સમડી હોય કે તેતર હોય, કોઈ જંગલ વટીને બહાર જતા નહોતા અને બીજું એ પણ જોયેલું કે, કોઈ પંખી ભોંય પર બહું ઝાઝુ ચાલતાં નહીં. એ નાનાં નાનાં હોયને ત્યારથી જ એમને કહી રાખેલું હોય કે, જંગલમાં ચાલવું નહીં. બધાં જાનવર સરખા ખાઉધરા છે. ગમે ત્યારે તરાપ મારે.

હવે મીઠ્ઠુજીને થાય કે, પગ છૂટા કરવા હોય તો શું કરવું ? જંગલમાં તો ચલાય નહીં. તો જંગલને છેડે જઈને ખાંખત રાખીને, ચાંપ રાખીને, વીસ-પચીસ ડગલાં ચાલીએ તો કાંઈ ન થાય અને માણસનો કે જાનવરનો ભો શું રાખવાનો ? આપણે તો પંખી છીએ. આપણે તો ચાલતાં ચાલતાં ઊડી પણ શકીએ ને ! માણસથી ઓછું ઊડાવાનું છે ? એમને ઓછી પાંખો છે ?” એટલે મીઠ્ઠુજી તો ઘણી વાર સવારે સવારે જ જંગલને પેલ્લે છેડે પહોંચી જાય અને પછી જાતભાતની ચાલ ચાલે. કોક વખત સિંહ પાછળ પડ્યો હોય એમ ધડબડાટી બોલાવે. ક્યારેક રાજાજીની રૂઆબી ચાલે ચાલે. ક્યારેક ચોકી કરવા નીકળેલા એથી ચારે ચારે બાજુ ડોક ફેરવતા ચોકિયાતાની જેમ સરવા કાને ચાલે. ક્યારેક મીઠ્ઠુજીને થાય, આકાશમાં કાળાં ભમ્મર વાદળ દેખાવાં શરૂ થાય ને વીજળીઓ ઝબૂકવા માંડે ત્યારે મોર પીંછાં ખોલીને હળવે હળવે નાચે એમ એ ટૂંકી પાંખો સાથે પણ, ઓછાં પીંછાં સાથે પણ બે પગને નચાવતો. એને મોર જેમ ગહેકવાનું મન થતું, પણ ગળું સાથ આપે તો ને મોર, મેં આવ ! મેં આવ. કેવું વિલંબિતમાં ગાઈ શકે !
આ મીઠ્ઠુને એમ થાય કે, અમારે માત્ર દુમાં જ ગાવાનું ? જેટલું હોય તેટલું, છે તો ધનને ! વાપરવું. મોર ગમે તેટલું ઇચ્છે તોય રામ’, ‘રામ બોલી શકવાનો છે ? જ્યારે પોપટી તો મીઠ્ઠુજીને કહે, બોલો, રામ, રામ !’ તો એ કેવો તરત જવાબ આપે, રામ, રામ !’ આ ચાલવાની કેવી મજા છે  નહિ ? ઊડવામાં ઝાઝો કસબ દેખાડી શકાય નહિ. માણસ હોશિયાર તો ખરો હોં ! એ ઊડાડે ખરો પણ ઊડે નહિ.
એક દિવસ બપોરે-તપોરે મીઠ્ઠુજીની ઊંઘ ઊડી ગઈ અને એને થયું, તરસ લાગી જ છે તો ઝરણે જઈ શું કામ પાણી પીવું ? જંગલનો છેડો વટાવો ને ત્યાં એક નદી છે. આજે તો નદીનું મીઠું પાણી પીવું. ઘણા દહાડે મનભરીને નહાવું.’’ પોપટ અને પોપટી તો કેરી ઝાપટીને ઊંઘી ગયાં હતાં ઘસઘસાટ. વૈશાખનો તાપ હતો અને શાખની પડેલી કેરીનાં ભોજન હતાં ને પોપટ ને પોપટીની આંખો ઘેરી ઊંઘમાં હતી, એટલે મીઠ્ઠુજીએ ધીમે રહીને કાયા માળા બહાર કાઢી અને બહુ ઓછી પાંખો ફફડાવી. રહેણાકથી દૂર ઊડવા માંઢ્યું પોપટની કંઈ સમડી જેવી ઝડપ નહીં, એટલે જંગલને છેડે પહોંચતાં પહોંચતા બે-ચાર જગ્યાએ તો એણે પોરો ખાવો પડ્યો. સહેજ થાક જેવુંય લાગ્યું, પણ નક્કી કર્યું તું કે ઊડવું છે તો ઊડી લઈએ. તાપ પણ ખાસ્સો હતો. લીમડે એ બેઠો ત્યારે એને ટાઢક થઈ. એને થયું, અહીંયા જ બેસી પડીએ. કાંઈ નદીંએ નથી જવું. અને પીળી પીળી લીંબોળીઓને જોઈને એને રહી જવાનું મન થયું, પણ જંપી ગયેલી કાબર મીઠ્ઠુજીના સંચારથી જાગી ગઈ અને કર્કશ સ્વરમાં મીઠ્ઠુજીમે બોલવા લાગી. એટલે મીઠ્ઠુજીને થયું, આ કાબરનો કકળાટ ક્યાં સાંભળવો ? કાબર બોલે એટલે કાગડાને થાય કે આપણે રહી ગયા. એટલે એમણેય ક્રા,ક્રા કરવાનું ચાલુ કરી દીધું. મીઠ્ઠુને થયું, હવે તો ઊડે જ છૂટકો છે. એટલે એ તો ઊડ્યો.

જંગલનો છેડો વટાવી, પાસેની નદીના કાંઠે પહોંચ્યો. ઊડતાં ઊડતાં થાકી ગયો તો એને થયું, લાવો, થોડું ચાલીએ.
ઊડતાં ઊડતાં એ કાંઠાની રેત પર બે પગ ટેકવે છે ને વોય બાપા કરી રહે છે. રેત એટલી ગરમ થઈ ગયેલી ને કે દઝાડતી હતી. મીઠ્ઠુજીએ તો તરત પાંખો ખોલી ને ઊડીને વહેતાં પાણીમાં કાયા ઝંપલાવી દીધી. માથે કાળઝાળ ઉનાળો અને આંબાથી નદી સુધીની આ ગરમીમાં જાત્રાને કારણે મીઠ્ઠુજીને પાણીમાં એટલું તો સારું લાગ્યું કે, ન પૂછો વાત. એ તો ક્યાંય લગણ નહાતો જ રહ્યો, એને થયું, આ પોપટની જાતને બહુ અક્કલ નહીં. આ નદી કાંઠે રહેવાનું માંડી વળ્યું. બિકાળવા જંગલમાં શું કામ રહેતા હશે ? જંગલમાં ઝાડ છે તો નદી કાઠે ઝાડ છે. આપણે તો માળો જ બાંધવાનો છે ને રહેવા માટે, પણ ઘરેડમાં પડી જાય ને એને નવું ન સૂઝે તે આનું નામ. માછલી તો કે પાણીમાં રહે, પંખી તો કે જંગલમાં રહે. આવું તે હોય ?
મીઠ્ઠુજીને નહાતાં નહાતાં થયું, હું પોપટનો રાજા હોઉં તો બધાને નદી કાંઠે વસાવું. સવાર-બપોર-સાંજ, જ્યારે ઇચ્છા થાય ત્યારે પાણીમાં છબછબિયાં કરવાના, મન થાય તો ડૂબકી દેવાની. ત્યાં મીઠ્ઠુજીને યાદ આવ્યું, એની મા પોપટી કહેતીતી પાણીમાં તો મગર હોય. એક પૂંછડું મારેને તો આપણે પાણી ભેગા થઈ જઈએ ને પાછી તો રામ બોલો, ભાઈ રામ. તો મીઠ્ઠુજીને થયું, નદીમાં રહીએ તો મગરની બીક. તો જંગલમાં ય ક્યાં સિંહની બીક નથી લાગતી ? આમ તો જ્યાં હોઈએ ત્યાં મરવાની બીક તો લાગે જ. જેમ સિંહને પાંખો નથી, એમ મગરનેય ક્યાં પાંખો છે ? ભલે નાની કે મોટી પંખીને પાંખો તો છે ને ? બીક જેવું લાગે એટલે પાંખો ખોલી નાંખવાની. આપણે ક્યાં વિમાન જેવું છે કે, ભોંયતળ લાંબું દોડીએ ત્યારે ઊડીએ ? બનાવનારી પંખી ઉપર બહુ મહેર હોં ! પંખીને ચાલવું હોય ત્યારે ચાલે, તરવું હોય ત્યારે તરે અને ઊડવું હોય ત્યારે ફુર, ફુર જાતે ઊડે. ના, ના, આવી મહેર કોના પર છે? ચાલવું હોય ત્યારે ચાલવું, તરવું હોય ત્યારે તરવું અને ઊડવું હોય ત્યારે ઊડવું. માણસ, મગર કે સિંહ પંખીની તોલે ન આવે હોં ! પંખીએ તો ડરવા જેવું જ નથી.
હા, એ ખરું કે સિંહની ત્રાડથી બીકના માર્યા ઊડતા ઊફાંગ નીચે પડીએ, પણ એ તો આપણને જાત માટે જાણ નહીં એટલે, બાકી સિંહથી શું ડરવાનું ? મારું ચાલે તો સિહંની પીઠ પર બેસી સવારી કરું. સિંહ શું કરી લે ? એ જરા હાલે-ચાલે એટલે ઊડી જવાનું. પૂછડું ન અડકે એ રીતે મગરની પીઠ પર પણ બેસી શકાય.

મીઠ્ઠુજીને નહાતાં નહાતાં થયું, આ ધરતીનાં પડમાં પંખીથી ઝાઝું જોર કોઈનામાં નહીં. એને મરવાવો ઓછોમાં ઓછો ડર !”
એટલામાં એણે પાણીમાં કંઈક પડેલું જોયું. એને થયું, લાવ જોઉં
મીઠ્ઠુજીને ખબર જ નહોતી કે, કોઈ માછીમારે માછલી પકડવા જાળ બિછાવી છે. એનો પગ તો જાળમાં ફસાઈ ગયો. બહુ મથ્યો, પણ પગ છૂટા જ થાય નહીં. થોડી વારે તો માછલાંઓ ભેગો એ ય કોઈનો ખેંચ્યો કાંઠે ખેંચાયો અને માછીમાર તો ખુશ ખુશ. માછલીઓ તો રોજ મળે, આવું બોલતું પંખી પહેલી વાર જાળમાં ઝડપાઈ ગયું.

માછીમારની નાની છોકરીએ રાજીનારેડ થઈને મીઠ્ઠુજીને પિંજરામાં પૂર્યા છે. રોજ આ છોકરી એને કંઈ લાડ કરે, કંઈ લાડ કરે. મીઠ્ઠુજીને આ છોકરી મરચું ધરે, ક્યારેક જામફળ ખવડાવે. રહી રહીને મીઠ્ઠુજીને રામ, રામ બોલતાં શીખવાડે. મીઠ્ઠુજી કોઈને જુએ નહીં ત્યારે પાંખ ફફડાવી પિંજરા સાથે ઊડવા બહુ જોર કરે, પણ પિંજરું લઈને તો પ્રાણેય ઊડી શકતો નથી. ખોળિયું તો અહીંનું અહીં રહે છે. મીઠ્ઠુજીને થયું, હવે શું કરીએ તો પિંજરેથી બહાર અવાય. એને ખાવાનું આપતી છોકરીની પોચી પોચી આંગળી પર તો ઠીક, પિંજરામાં સળિયાનેય ચાંચો મારી જોઈ, પણ જંગલમાં આંબાની ડાળે એનાથી પહોંચાયું જ નહીં. મીઠ્ઠુજીને ઊડવાનું બહુ મન થાય, પણ પિંજરામાંથી ઊડી ઊડીને કેટલું ઊડાય. હજી પાંખો ખોલી ઊડે ત્યાં તો પિંજરાના સળિયા પાંખોને અથડાય. મીઠ્ઠુજી હવે પિંજરામાંથી બહાર નહીં જ નીકળી શકાય એ વાત સમજી ગયા હતા. એને થયું, આમ સોગિયું મોઢું કરીને શું જીવવાનું ? જે છે એ છે અને એનાથી કોઈ છૂટકારો નથી. ના અહીં પાંખો કામ લાગે છે, ના પગ. ના ઊડાય છે, ના ચલાય છે, તરયા છે. મીઠ્ઠુજીને થયું, આમાં કાંઈ ખોટું નથી. માછીમારની છોકરી ટાઈમસર ખવડાવી જાય છે, ટાઈમસર પીવા માટે પાણી મૂકી જાય છે. ખાવા માટે ન ઊડાઊડ કરવાની કે ન પાણી પીવા. બધું અહીં બેઠા બેઠાં. ખાસ કંઈ કરવાનું જ નહીં. આવી સાહેબી તો મારા બાપા પોપટોના રાજા છે તોય ક્યાં છે ? અમારાં મા-બાપ બંનેને જીવના જોખમે જંગલમાં રહેવાનું. વાવઝોડું કે વરસાદ આવે ત્યારે માળો તૂટી જાય એ ફરી બાંધવાનો, તણખલાં ભેગાં કરી કરીને. આમાનું આપણે કાંઈ નહિ. એય ને પરસાળમાં ફળિયે લટકાવેલા પિંજરામાં બીક વગર ઘસઘસાટ ઊંઘવાનું જાગીએ ત્યારે ખાવાનું, પીવાનું. મન થાય તો હિંચકા જેમ પિંજરાને હલાવી પણ શકાય.

મીઠ્ઠુજીને ધીમે ધીમે આ છોકરી યે ગમવા માંડેલી. કેટલું બધું વહાલ કરે છે મને  ! કોક દહાડો જામફળ તો કોક દહાડો બોર અને મરચાં તો બધા દહાડા મૂકે હોં ! હું ચાંચ મારતો હતો ત્યાં સુધી તો એ મારાથી છેટી પણ રહેતી., પણ હવે તો એની ટચૂકડી આંગળી સળિયામાં નાખી મને અડકી પણ લે છે. ને કેવો મીઠ્ઠો અવાજ છે અનો ! પાછી મને માનથી બોલાવે, બોલો મીઠ્ઠુજી સીતારામ’ ” અને હું સીતારામબોલું ત્યારે એ તાળીઓ પાડી નાચી ઊઠે અને ઘર આખાને કહી આવે, અમારા મીઠ્ઠુજીએ નવાં રામ,રામનાં ગાણાં ગાયાં !”
ક્યારેક તો આ છોકરી મારી સાથે લાંબી લાંબી વાતો પણ કરે. એક વાર મને કહે, અમે તો દીકરીની જાત. અમે તો ઊડણ ચરકલડી. એક વાર અમેય ઊડી જવાના ફર ફુરુ.
ત્યારે મને ખબર ના પડી. એક દહાડો ઢોલ, ત્રાંસાં ને શરણાઈ વાગી. કંઈ કેટલાય માણસો ભેગા થયા. ઘરમાં તો ગોકીરો મચી ગયેલો. પાનેતર પહેરેલી માછીમારની છોકરી સાવ અચાનક દોડતી દોડતી મારા પિંજરા પાસે આવી અને બોલી : “મીઠ્ઠુજી અમે તો આ ચાલ્યાં, પણ તમને કોને ભરોસે મૂકીને જાઉં?” અને માછીમારની છોકરીએ પિંજરાની બારી જેવું બારણું ખોલી નાખ્યું અને એના હાથમાં મને લઈને કહે, ઊડાય એટલું ઊડો મીઠ્ઠુજી, ઊડાય એટલું ઊડો.
પણ હું થોડું ઊડીને ખુલ્લા પિંજરે આવીને બેસી ગયો છું. તમે હોવ તોય આવું જ કરો ને

0 comments: