વર્તમાન ક્ષણ

(સાદર ઋણસ્વીકાર : આરોગ્યનિર્માણમાંથી)

ભૂત કે ભવિષ્ય નહીં પરંતુ વર્તમાન ક્ષણનો મહિમા એટલા માટે કે અમને તેમાંથી વ્યક્તિની તંદુરસ્તી અંગેનું અદભૂત સમીકરણ પ્રાપ્ત થયું છે. વર્તમાન ક્ષણની વિશિષ્ટતા સાત વર્ષથી સતત ચાલતા એવા અમારા શવાસન અને ધ્યાનના પ્રયોગમાંથી સમજાઈ છે.

ભૂતકાળના વિચારો અને ભવિષ્ય માટેની આકાંક્ષાઓમાં ડૂબી જતાં વર્તમાન વીસરી જવાય છે અને વર્તમાન ક્ષણની બધી મજા મરી જાય છે. જો આપણે વર્તમાનમાં રહેતાં શીખીએ તો જીવનનો આનંદ ભરપૂર રીતે માણી શકીએ. વર્તમાનમાં રહીએ તો આપણા વિચાર, શબ્દ અને વર્તન પર અદભૂત રીતે કાબૂ મેળવી શકીએ. વર્તમાન ક્ષણમાં રહીને ધ્યાનથી જમીએ તો આપણા માટે શું હિતાવાર નથી એનો પૂરેપૂરો ખ્યાલ રહે અને જે જમીએ એનો સ્વાદ અને આનંદ પૂરેપૂરો માણી શકીએ અને વધારે પડતું ખવાઈ પણ ન જાય. વર્તમાનમાં રહેવાની ટેવ પડી એટલે ધ્યાનમાં રહેવાનો મહાવરો પડે.

ઘણી વાર આપણે ભૂતકાળનાં સુંદર સ્મરણોને વર્તમાનમાં વાગોળતા હોઈએ છીએ. તો કેટલીક વાર ભવિષ્યમાં પ્રવાસ માટે ઘણી હોંશથી વિચારતા હોઈએ છીએ. પણ એ બધું વર્તમાન ક્ષણની જ પ્રવૃત્તિ બની રહે છે. એટલે એ તનાવ ઉપજાવતી નથી ઊલટાનો આનંદ આવે છે. પણ જ્યારે વર્તમાન ક્ષણની પ્રવૃત્તિ બીજી હોય અને એ સમયે ભૂત અને ભવિષ્યના બીજા વિચારો આપણને વર્તમાન ક્ષણની પ્રવૃત્તિમાં મગ્ન રોકે તો એ બરાબર નથી. એટલે ભૂતના વિચારો અને ભવિષ્યની આશાઓ જો આપણી વર્તમાનની પ્રવૃત્તિને પુષ્ટિ આપે તો એ બધું વર્તમાન ક્ષણને માણવાના આનંદમાં વધારો કરે છે. ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જોડાણ છે. જે ઇચ્છનીય નથી તે એ છે કે ભૂત અને ભવિષ્યના વિચારો તમને વર્તમાનની પ્રવૃત્તિથી અળગા કરે.

વર્તમાન ક્ષણને સ્વીકારવી એ તંદુરસ્ત રહેવા માટેનું એક અગત્યનું લક્ષણ સમજાયું છે. વર્તમાન ક્ષણનું નિર્માણ તેની અગાઉ વીતી ગયેલી અગણિત ક્ષણો પર આધારિત છે. હવે પછીથી ઉદભવતી ક્ષણ મહદંશે વર્તમાન ક્ષણનાં વિચાર, વાણી અને વર્તન ઉપર આધારિત હશે એવું સમજાય છે. વર્તમાન ક્ષણમાં આપણા વિચારોમાં અલગતાપણાની ભાવના હશે; કોઈ પ્રત્યે ઘૃણા, અણગમો, તિરસ્કાર, ક્રોધ કે મતભેદ હશે તો આવતી ક્ષણ પણ એવું જ સ્વરૂપ લેશે. વર્તમાન ક્ષણમાં શબ્દો જાણીબૂજીને નિકટતાના કે જોડાણના વાપરીશું અને વિચાર અલગતાના હશે તો આવતી ક્ષણ આપણા વિચારોને અનુસરશે, શબ્દોને નહીં. અને જો આપણા શબ્દો પ્રેમભર્યા અનુકંપાસભર હોય પણ જો આપણાં વર્તનમાં કડવાશ હશે, સંકુચિતતા હશે તો આપણી ભવિષ્યની આવતી ક્ષણ આપણા વર્તનને અનુસરશે અને નહીં કે શબ્દોને.
એટલે આપણાં વિચાર અને વર્તનને પ્રેમભર્યા જોડાણ અને ઐક્યની ભાવનાભર્યા કરીશું તો પછીની ક્ષણ સુખકારી હોવાની શક્યતા વધશે. અગત્યની વાત તો એ છે કે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં, મોટા ભાગે વર્તમાન ક્ષણમાં રહેવાને બદલે ભૂતકાળ અવસ્થામાં, કે ભવિષ્યની ક્ષણોમાં રાચતી રહે છે. આથી વ્યક્તિ વર્તમાન ક્ષણને પૂરેપૂરી સમજી શકતી નથી.

વર્તમાન ક્ષણમાં શ્વાસ સાથે એકરૂપ થઈ જવાની ધ્યાનની પ્રક્રિયામાં વ્યક્તિ ઉપર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અસર થાય છે. એ ક્ષણમાં વ્યક્તિને સમષ્ટિ સાથેના જોડાણની અનુભૂતિ થાય છે. અનૈચ્છિક રીતે નિરંતર ચાલતા આપણા શ્વાસને એક ક્ષણ માટે જોતાં શીખીએ અને આ શ્વાસનો જો અભ્યાસ કરીએ તો જણાશે કે શ્વાસનો પ્રકાર મનની સ્વસ્થતા કે અસ્વસ્થતાનો નિર્દોશ કરે છે. છાતીથી ચાલતો ઝડપી છીછરો શ્વાસ મનની અસ્વસ્થતાનો નિર્દેશ કરે છે. જ્યારે તદ્દન સ્વસ્થ, શાંતિથી ચાલતો ઉદરીય શ્વાસ મનની સ્વસ્થતા સૂચવે છે.

અમારા ધ્યાનના પ્રયોગમાં સૌથી સરળ અને છતાં સૌથી વધારે શક્તિશાળી ઉદરીન શ્વસન છે, કારણ કે તે તનાવ અટકાવવાની એક ઉત્તમ રીત છે. આપણા મધ્યપટ સ્નાયુનું સ્થાન છાતી અને ઉદર વચ્ચે છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે મધ્યપટ નીચે ખસે છે અને આપણું પેટ ફૂલે છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણો મધ્યપટ ઉપર ખસે છે અને પેટ અંદર જાય છે. નવજાત શિશુ ઉદરથી શ્વસન કરે છે. પછી બાળક મોટું થતાં છાતી દ્વરા શ્વસન કરે છે. પ્રૌઢાવસ્થા દરમિયાન મોટા ભાગના લોકો છાતી દ્વારા જ શ્વાસોચ્છવાસ લે છે. સામાન્ય રીતે આપણે શ્વાસ અંદર લેવાનો પ્રયત્ન કરી છીએ ત્યારે છાતી ફૂલે છે પણ ઉદર સંકોચાય છે. આ બરાબર નથી. આ રીતે થતું શ્વસન ઓછું અસરકારક બને છે, કારણ કે ફેંફસાઓના નીચેના ભાગમાં લોહીનો વધુ પ્રમાણમાં સંચાર થતો હોય છે. ઉદરીય શ્વસનથી ફેંફસાના નીચેના ભાગમાં યોગ્ય પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચે છે. ઉદરીય શ્વસનનો આ શારીરિક લાભ છે. નિદ્રા તથા શિથિલીકરણની સ્થિતિ દરમિયાન શ્વસન પોતાની મેળે જ ઉદરીય બને છે. ચિંતા સ્વસનને ઝડપી બનાવે છે અને તે છાતીથી થતું હોય છે. ઉદરીય શ્વસનથી તનાવમાં ઘટાડો થાય છે. તે ઉદરીય શ્વસન દરમિયાન મગજના તરંગોના આલ્ફામાં થતા પરિવર્તનથી સિદ્ધ થાય છે.
- - - - -
આત્મસ્મરણ એટલે કે અતીત અને ભાવિની ક્ષણભંગુર સૃષ્ટિઓમાં ભટક્યા કર્યા કરતાં વર્તમાન પર એકાગ્ર થવાની કળા. વર્તમાન ક્ષણમા જીવવું એટલે, શારીરિક ક્ષમતામાં વધારો, દીર્ઘાયુષ્ય, માંદગીમાં ઘટાડો, વધુ સારી નિદ્રા અને સૌથી વિશેષ અધિક સર્જનશીલતા.

-         ગુર્જિયેફ
-         રશિયન રહસ્યવાદી

0 comments: