સમૂહ પ્રાર્થના


(સાદર ઋણસ્વીકાર : પ્રભુની પાસેમાંથી)

-         ફાધર વાલેસ

પ્રાર્થના જાતજાતની હોય છે. કોઈ વાર એનો એક પ્રકારનો લાભ લઈએ, તો કોઈવાર બીજો. અને ધ્યાનશિબિર જેવો પ્રસંગ હોય ને એમાં દિવસો સુધી સાથે રહીને આધ્યાત્મિક સાધન કરવાની હોય તો લગભગ દરેક જાતની પ્રાથનાને એમાં અવકાશ રહે છે. એ સંદર્ભમાં સમૂહ પ્રાર્થનાનો પ્રયોગ અમે કંઈક વિશેષ રીતે કર્યો હતો.

રોજ રાત્રે દિવસને અંતે અમે સૌ એક કલાક માટે સાથે પ્રાર્થનામાં બેઠા. શિબિરમાં તો એક મહિના સુધી મૌન પાળવાનું હતું, અને બધા એ સખત રીતે પાળતા હતા; પણ બોલવાની છૂટ હતી- ભગવાનની સાથે. અને એ મનના એકાંતમાં જ નહિ પણ બધાની હાજરીમાં. એ વાત સમજાવતાં મેં બધાને કહ્યું : રોજ રાતની પ્રાર્થનામાં આપણે ચોવીસ જણ બેસીશું ત્યારે કોઈ અગાઉ તૈયાર કરેલી અથવા છાપેલી પ્રાર્થના આપણે બોલવાના નથી, પણ મનમાં આવે (એટલે કે દિલને સૂઝે) એવું બધાને બોલવાની છૂટ છે. જે બોલે તે માટેથી બોલે, પણ ભગવાનને જ ઉદ્દેશીને બોલે. બધા એ સાંભળીશું, પણ વાત તો બોલનાર અને ભગવાનની વચ્ચે જ હશે. એમાં કોઈ કૃત્રિમ પ્રાર્થના નહિ જોઈએ ને ગોખેલી પ્રાર્થના નહિ જોઈએ એ પહેલી વાત. પ્રાથના આપોઆપ સ્ફુરે, તે જ સમયે દિલમાં હશે એ વાત એમાં આવે અને મનમાં આવશે એવા શબ્દોમાં આવે. ભાષાના અલંકાર જોવાના નહિ ને વ્યાકરણ પણ જોવાનું નહિ ! ભગવાન સમજે છે અને આપણે પણ સમજીશું. ભાષા ગમે તેવી, પણ હૃદયની જ જોઈએ. કંઈ હોશિયારી બતાવવાની વાત જ નહિ; દિલ બતાવવાની વાત છે. માટે એની તૈયારી પણ કરવાની નહિ કે આજે પ્રાર્થનામાં બેસીને હું શું બોલીશ; પણ સરળ ભાવે ભગવાનની આગળ આવીને જો કંઈ બોલવાનું મન થાય તો એ જેવું મનમાં આવ્યું તેવું બોલીએ. કોઈ ને ઉપદેશ આપવા તો ન બેસીએ, પણ મનની અંગત વાત સહજપણે આપણા ભાઈઓની આગળ ખુલ્લી મૂકીએ.

બોલવામાં પણ શું આવે ? મુખ્યત્વે બે વાત આવે : વિનંતી અને આભાર. ભગવાનની પાસેથી જે કંઈ જોઈએ (અને અત્યારે તો શિબિરમાં વિશેષ આ સાધનામાં પૂરા દિલથી લાગી જવા માટે ને એમાં સફળ થવા માટે ભગવાનની કૃપા અને શક્તિ જોઈએ) એ માગીએ, અને એ મળે ત્યારે એનો આભાર માનીએ. હે ભગવાન, આજે ધ્યાનમાં બેસતાં મને કષ્ટ પડ્યું છે અને મન અસ્થિર અને અસ્વસ્થ રહ્યું છે; તો મારું મન એકાગ્રબને અને મારું ધ્યાન જામી જાય એવું વરદાન મારી અને મારા આ ભાઈઓની વિનંતીથી આપજે. એવી પ્રાર્થના થાય. અને વળી, હે પ્રભુ, આજે તારી કૃપા મારા પર ઊતરી છે એ માટે મારા ભાઈઓની સમક્ષ હું તારો આભાર માનું છું. એવું આભારદર્શન પણ થાય. અને જ્યાં સુધી શબ્દોમાં થઈ શકે ત્યાં સુધી એ મળેલી કૃપા અને એ થયેલા અનુભવનું પણ ટૂંકું વર્ણન કરી શકાય. મળેલી કૃપાનો એકરાર કરીએ એમાં કોઈ અભિમાન નહિ, ઊલટી નમ્રતા છે. ભાઈઓની વિનંતીથી અને ભગવાનની દયાથી કૃપા મળી, તો ભાઈઓને જણાવવું અને ભગવાનનો ઉપકાર માનવો એ આપણી ફરજ છે. અને એકને કૃપા મળી એ જોઈને બીજાઓની શ્રદ્ધા બંધાય અને સમૂહની સાધના સધાય.

કોઈ એક ભાઈ પ્રાર્થના કરે તો એને માટે બધા પ્રાર્થના કરીએ. અને કોઈ આભાર માને તો એની સાથે ભગવાનનો આભાર માનીએ. એકની વિનંતીને સૌનો ટેકો છે, એકના આનંદમાં સૌનો આનંદ છે. અને યોગ્ય લાગે તો ત્યાં જ પણ સમૂહ પ્રાર્થનામાં બેઠાં બેઠાં એ ટેકો અને એ આનંદ વ્યક્ત કરી શકાય. કોઈ ભાઈની પ્રાર્થના બીજો ઉપાડે, પોતાની કરે, આખો સમૂહ એમાં ભળી જાય, અને બધા એકીસાથે એ જ વાત લઈને પ્રભુને જોર કરે ત્યારે આ સમૂહ પ્રાર્થનાની કિંમત સમજાય અને એની અસર દેખાય. થોડા ઉત્સાહી સાધકો દિલના નિર્ણય સાથે ધર્મકાર્યને અંગે ભેગા થાય અને પૈસા માટે કે સત્તા માટે કે કિર્તિ માટે કે કોઈ પણ ભૌતિક લાભ માટે નહિ પણ ભગવાનની પ્રાપ્તિ માટે સૌ પોતપોતાને માટે અને એકબીજાને માટે નમ્ર વાણીથી અને અડગ શ્રદ્ધાથી પ્રાર્થના કરતા રહે તો એ પ્રાર્થના ફળ્યા વગર નહિ રહે.

એ થોડીક સૂચનાઓ થઈ. પછી રોજ રાત્રે એ સમૂહ પ્રાર્થનાનો કાર્યક્રમ ચાલ્યો, અને થોડાક દિવસમાં જ એ સૌને માટે શિબિરની સૌથી પ્રિય પ્રવૃત્તિ બની ગઈ. દિવસની લાંબી એકાંત સાધના પછી બધા સાથે પ્રાર્થનાખંડમાં બેસીએ, અગરબત્તી સળગાવાય, એક ભજન ગવાય, શાસ્ત્રોનાં થોડાં સૂત્રો મનન કે ઉપદેશ માટે નહિ પણ ભગવાનની સાક્ષાત્ વાણી અને હાજરી વચ્ચે લાવવાના હેતુથી વંચાય, અને બત્તી બંધ કરીને શાંત અંધારામાં એકબીજાની હૂંફમાં બધા પ્રાર્થનામાં ઊતરીએ.

ઠીક સમય સુધી મૌન છવાય. પણ એ મૌન ખાલી નહિ, ઉત્કંઠાથી ભરેલું હતું. દરેક શ્વાસ એક પ્રાર્થના હતો. દરેક પળમાં ચોવીસ હૃદયોની ઝંખના ઝબકતી. અદ્રશ્ય આત્મીયતા સર્જાઈ. પછી એક જણ બોલ્યો. (સાચાં ઉદાહરણો આપું છું.) હે પ્રભુ ! હું આ શિબિરમાં ઘણી આશા લઈને આવ્યો હતો. પણ એ અત્યાર સુધી સાચી પડી નથી. ઘણો પ્રયત્ન કરું છું, કંઈ વળતું નથી. હું જાણું છું કે સાધનાનો આખો આધાર તારી કૃપા ઉપર છે, અને તારી કૃપાનો હું અધિકારી નથી. તારી ઇચ્છાને હું નમ્ર દિલે વશ થાઉં છું. પણ મારા આ ભાઈઓની સાક્ષીએ અને ટેકાથી તને વિનંતી કરું છું કે મારા ઉપર દયા કરીને મારી સાધનાને હવે સફળ બનાવ.શાંતિ થઈ. સાચી પ્રાર્થના થઈ તે સૌના દિલમાં આદરથી અને આત્મીયતાથી ઝિલાઈ. એકની પ્રાર્થના  બધાની થઈ. થોડી વાર પછી બીજા એક ભાઈએ એ પ્રાર્થના આગળ ચલાવી, અને પોતાની પણ એવી ગરજ હતી એટલે ભાઈ માટેની પ્રાર્થનામાં પોતાની પ્રાર્થાના પણ ઉમેરી, તેમ જ આખા સમૂહમાં જેની જેની એ સ્થિતિ હશે તે બધાને પણ એ પ્રાર્થનામાં સમાવી લીધા. એટલે આખા સમૂહની પ્રાર્થના એ મુદ્દા ઉપર કેન્દ્રિત થઈ.

કોઈ તૈયારી કે પૂર્વયોજના વગર સમૂહનું ધ્યાન એક વાત ઉપર જાય અને સૌ એક બનીને એક જ પ્રાર્થના કરતા રહે ને એનો ઉલ્લેખ કર્યા વગર પણ સૌને એનું ભાન રહે એ એક અદભુત અનુભવ હતો. આખા સમૂહને જાણે એક મન અને એક દિલ હોય એમ લાગતું. ચોવીસ જણ નહિ પણ એક જ જણ ચોવીસ દેહ દ્વારા જાગ્રત હોય એવી અનુભૂતિ થતી. અને વાત સાચી હતી ભગવાન પોતે અમારા સૌમાં એ પ્રાર્થના ચલાવતો હતો ને ! પછી એકતા લાગે એમાં શી નવાઈ ! એ પ્રાર્થના અમારી નહોતી, ભગવાનની હતી. તે એક ભાઈની વાત દ્વારા બધાને પ્રેરણા આપતો, એકના મુખે પોતાની સૂચનાઓ મૂકીને આખા સમૂહને દોરી જતો. ખરેખર એ પ્રાર્થનાનું સંચાલન ભગવાન જ કરતો હતો, અને એનું સૂક્ષ્મ પણ તીવ્ર ભાન અમને સૌને રહ્યા કહતું. એ કોઈ દિવસ અમને વિનંતી અને માગણી તરફ, કોઈ દિવસ પ્રાયશ્ચિત્તની લાગણી તરફ, કોઈ દિવસ આભારદર્શન તરફ, તો કોઈ દિવસ સ્તુતિ અને આનંદ અને ધર્મોત્સાહ તરફ લઈ જતો. દરેક દિવસની પ્રાર્થના જુદી હતી, અને કોઈ ને ખબર નહોતી કે આજની પ્રાથનામાં શું શું થવાનું છે. દિવસને અંતે થયેલી એ પ્રાર્થના જાણે આખા દિવસનું પ્રતિબંબ ઝીલતી, અને ધ્યાનના એકાંતમાં દરેક જણને શો શો અનુભવ થયો હતો એનો સાહજિક અને આત્મીય અહેવાલ એમાં સૌને મળતો. એ પ્રાર્થના સમૂહનું આત્મનિરીક્ષણ હતી, સમૂહના અંતરની અભિવ્યક્તિ હતી.

એક દિવસ એક જણ બોલ્યો : “હે પ્રભુ ! આજનો મારો દિવસ ધન્ય બન્યો. તારા નિકટ સાંનિધ્યનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. એનું વર્ણન હું શબ્દોમાં કરી શકું એમ નથી, પણ તારા એ ક્ષણમય દર્શનથી મારું આખું જીવન હવે ચાલી શકે એ ભાવ દિલમાં રહ્યો છે. મારા અંગઅંગમાં તારો સ્પર્શ છે. હું શી રીતે આભાર માનું ? મારા ભાઈઓને વિનંતી કરું છું કે મારા વતી ને મારી સાથે બધા હવે તારી આભારસ્તુતિ કરે અને બધા એની ધન્યતાથી ધન્ય થઈને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એ દિવસ ખરેખર સૌને માટે આનંદનો દિવસ બન્યો.

બીજા દિવસે બીજો બોલ્યો : “મારે તારી અને મારા ભાઈઓની માફી માગવાની છે, પ્રભુ. મેં શિબિરના પવિત્ર વાતાવરણમાં પણ સંયમ ગુમાવ્યો છે. ભોજનમાં અત્યાહાર કર્યો છે, ધ્યાનનો સમય પાળ્યો નથી, મનમાં અઘટિત વિચારો સુધ્ધાં રાખ્યા છે. મારા ગુનાથી મને જ નુકસાન થયું એમ નથી પણ આખા સમૂહને હાનિ પહોંચી છે, એટલે સૌની ક્ષમા માગું છું, પસ્તાવો કરું છું, અને હવેથી જાગીને હું પણ સાધનામાં લાગી જાઉ અને સમૂહના પ્રયત્નમાં પૂરાં દિલથી જોડાઈ જાઉં એવો આશીર્વાદ માગું છું. એ દિવસે સમૂહના એ સભ્યની આધ્યાત્મિક સારવારમાં આખો સમૂહ રોકાયો; અને શરીરનું એક  રોગિષ્ઠ અંગ સાજું થતાં આખા શરીરમાં જે રાહતની લાગણી ફેલાય એ લાગણી આખા સમૂહમાં પ્રસરી ગઈ. એક ભાઈના પ્રાયશ્ચિત્તથી શિબિરમાં નવું તેજ આવ્યું.

શિબિરને અંતે એકભાઈએ કહ્યું : “સમૂહ પ્રાર્થનામાં મેં જે જે વસ્તુ ને કૃપાઓની માગણીઓ આ દિવસોમાં કરી છે (અને એણે ઘણી કરી હતી !) એ બધી જ મને મળી છે એની જાહેરાત મારે કૃતાર્થ ભાવે કરવાની છે. સમૂહ પ્રાર્થનામાં આટલી શક્તિ છે અની કલ્પના પણ મને નહોતી. તમારા સૌનો અને વિશેષ તો ભગવાનનો કાયમ માટે ઋણી છુ.
મારી પહેલેથી એ માન્યતા હતી તે શિબિરના અનુભવથી દ્રઢ થઈ : સમૂહ પ્રાર્થના જ શિબિરને અસરકારક બનાવે છે. દરેકની સાધના, મૌન અને ધ્યાન, તપ અને સંયમ તો આવશ્યક છે, પરંતુ એ સૌને પ્રાણ આપનાર તો સમૂહ પ્રાર્થના દ્વારા સૌ ઉપર ઊતરેલી ઈશ્વરકૃપા છે. એટલા માટે હું રોજ સમૂહ પ્રાર્થના માટે પ્રાર્થના જ કરતો અને બધાને પણ એ કરવાની સલાહ આપતો. સમૂહ પ્રાર્થના માટે જઈએ ત્યારે ભગવાનને કહીને જઈએ કે એ આપણી સાથે આવે, આપણી વચ્ચે બેસે, આપણી પ્રાર્થના ચલાવે, આપણી પાસે પોતાનો સંદેશ બોલાવે, એકબીજા દ્વારા આપણને દોરે, સમજાવે, પ્રોત્સાહન આપે, અને શિબિરમાં આપણામાંથી દરેકને બોલાવવામાં એનો જ હેતું હતો તે પૂર્ણપણે પાર પાડે.

અને ભગવાને ખરેખર એ અરજી સ્વીકારી. એનું કાર્ય હતું. એની પ્રાર્થના હતી. એની શિબિર હતી.

0 comments: