એક ક્ષણનો ઉન્માદ


- હરીશ નાગ્રેચા


(સાદર ઋણસ્વીકાર : નવનીત સમર્પણમાંથી)

ચર્ચગેટથી નીકળી ઓફિસે જતાં ઓવલ મેદાનની વચ્ચોવચ પડતી કેડી પર ઊભા રહી એણે મરકતા જોયા જ કર્યું. જે અનુભવાયું હતું એનો કંપ હજી દેહમાં શમતો નહોતો, છતાં માન્યમાં નહોતું આવતું, ખરેખર શું !

મધની સપાટી પર હળવેકથી મૂકેલો સિક્કો જેમ સહેજ રહીને ગરકી જાય એમ જોયા જ કરતી એની આંખો કોઈ અજાણ્યા ઘેનમાં મીંચાઈ ગઈ.

એકાગ્રતા તીવ્ર કરવા એણે પોપચાં વધુ જોરથી ભીડ્યાં અને પગતિળામાંથી પ્રવેશી દેહમાં વિલસતી ચોમેર છવાયેલાં તૃણોની લીલીછમ કુમાશને રોમેરોમથી, પ્રસન્ન ચિત્તે એ માણી રહી. અદભુત !

એને થયું, હવે વધુ ઊભી રહેશે તો માટીમાં પદચાપ ઊઠશે. પણ એ ખસી નહીં, જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી મલકતી રહી.

પીંછાના મખમલી સ્પર્શ જેવી માટી એને ગમતી હતી, અચાનક ગમવા માંડી હતી. એ ગમા સાથે જ એને એક નગુણાપણું ખૂચ્યું. ત્ચ્ !

વિસ્મય-ક્ષોભમાં એણે પણ તરફ જોયું. અહીંથી જતાં-આવતાં ચંપલોને ઝંખવાતાં જોઈ, કોને ખબર, કેટલી વાર એણે પણ પછાડ્યા હશે - ધૂળ ખંખેરવા ! ‘ધૂળ’માં ગર્ભિત ધૃણા એને ખટકી-આમ કેમ થયું ? આજે ધૂળ-માટીમાં જે મમતા, વહાલપનો સ્પર્શ અનુભવાય છે, એ પહેલાં કેમ નહીં પામી હોઉં ? આ અહલ્યા-ઉદ્ધારશો ચમત્કાર કોના સ્પર્શે ? આ ફરક કેમ, શાથી પડ્યો ! કોણ પાડી ગયું ! આ નવી આત્મીયતાનો પરિચય કોણ કરાવી ગયું ?

ચીંધાયેલું પક્ષી ભડાકાથી જ સાબદું થઈ, નિશાન ચૂકવતું સડક દઈને પાંખો પર અધ્ધર થઈ જાય, પસાર થયેલી ગોળીની સનસનાટીથી કમકમી, દિશાભાન ખોઈ, આમતેમ ઊડે, પાંખો સમેટતું પાછું વૃક્ષ પર હળવેકથી બેસી જાય એમ ધૂળ શબ્દના સ્કુરણથી ક્ષુબ્ધ થઈ, પરિતાપમાં ફફડી, પ્રસન્નતાની ડાળ પર એ પાછી ગોઠવાઈ ગઈ. હાશ !

રખે...ને, ફરીથી એ જો....! એવા ભાવમાં રહી રહીને ફરી, એ પાછળ જોઈ રહી હતી.

મેઘધનુષને જોઈ અણધાર્યા આનંદથી ઉત્તેજિત થઈ, એના રંગો વિલાઈ જાય એ પહેલાં ‘ઇંદ્રધનુ.... ઇંદ્રધનુ !’ એમ પોકારી તાળીઓ પાડી પોતાના ભેરુ જોડે આંગણામાં કૂદવા સાદ પાડતું મન જેમ બારવું બારવું દોડી જાય એવા જ કોઈ વલવલાટમાં એ હરખભેર ઝડપથી ચાલવા લાગી, જાણે કહેતી હોયઃ તેં...તેં.. જોયુંને! જોયુંને તેં....!

પાછું જોવાની લાલચમાં એ અટકી, ફરી. સાંકડા નળામાં નાખેલો રબરનો દડો દૂર દડી ન જઈ શકે, ને એક જ જગ્યાએ ટપ્પો ખાતો રહે, એમ એનું મન ઊછળી રહ્યું. પ્રસન્નતાએ જગાડેલી ઉછાળશક્તિ ઝાલી ન રહેતાં, ફરસ પરના જળરેલાની જેમ એણે અટકી અટકીને અણધાર્યું ફંટાવા માંડ્યું. એને થયું, હું ચાલતી નથી, ઘેલા જેવી આમતેમ વણબાંધી ઝૂમી રહી છું, હરણી જેવી. કોઈ જુએ તો ! આ રીત છે ચાલવાની ? છોકરીની જાત...! એણે હોઠ ભીડી, ફુત્કાર્યા.

પંથ કાપવા કરતાં, પંથ કાપવાની રીત જ ચાલવાનો હેતુ, આનંદ હોય એમ એના મને એને ઉશ્કેરી. પણ ભુલાઈ ગયેલી સૂચના યાદ કરતી હોય એમ બે-ચાર રાહદારીને જોઈ એણે સ્વસ્થ, સ્થિર, શિસ્તબદ્ધ સૌની જેમ ડાહ્યાડમરાં માપીને પગલાં ભરવા માંડ્યા એક... બે...

તર્કે સમતુલા આણી, પરંતુ વીજળીના થાંભલા પર પથ્થરના અફાળવાથી એક દીર્ધ સૂરીલ ટંકારવ એ લોખંડી પોલાણમાં ધ્રૂજી ઊઠે એમ એની શિસ્તમાં અનુભવાયેલી પુલકિતતા કંપી રહી. એને લાગ્યું કંઈક છે પારસ-સ્પર્શ જેવું જે જીરવાતું નથી.

એ નિર્જન વિસ્તાર તરફ તરંગોમાં તરતી અનાયાસે વળ ગઈ. એકાએક અડાબીડ જંગલમાં ઘૂઘવતી નદીના સામે કાંઠે આદમને ક્ષણેક જોઈ, બિહવળ થઈ, ફિગ-લિફને ફગાવતી નિર્બંધ ઈવની જેમ જાતને નદીમાં ફંગોળ્યાની એને અનુભૂતિ થઈ, ક્યાંય સુધી એ આંબવા જળલોઢમાં ખાબકતી રહી, બબડતીઃ બબલી, એ એય બબલી, જો સાંભળતો... આમ !

ઠેસ વાગી, તરંગો સાથે ચંપલ તૂટ્યું. એને રંજ ન થયો. ચંપલને રૂમાલથી બાંધી, મેદાન ક્રોસ કરી, એ ફૂટપાથ પર આવી.

ગુલમહોરના ઝાડ નીચેથી પસાર થતાં એણે ભીતર ઘેઘૂરતા અનુભવી, ઉપર જોયું, થડમાંથી ફૂટી, વિકસી, વિસ્તરી, ઝૂકી પડેલી ડાળને જોતાં જ એના હૈયે રતુંબડા ઉમંગોની સેરો ફૂટી. ડાળ એના ચહેરા પર એમ લચી હતી જાણે હમણાં ચૂમી લેશે.

આશ્ચર્યમાં અટકી જતાં એને થયું : ડાળમાં આટલી બધી લચક શેની હશે ? લીલાછમપણામાં છતી થઈ જતી યુવા પાંદડીઓની લજ્જાને કારણે કે પછી સંભવિત કૂંપળોના ગર્ભભારને લીધે ! હિલોળતી ડાળમાં થરરાટી છે, હવામાં અધ્ધર ઝૂલવાના આનંદની કે પછી ઝૂલતા લચકી-તો-નહીં-પડાયને એવી દહેશતની ! એ એમ ઝૂકી આવી છે જાણે એને કંઈ કહેવું છે, કહે છે, નજીક આવીને કે...

ઝૂલ ખાઈ એકાએક ઊંચે ચડી જતી ડાળને જોઈ, કાને પડ્યા શબ્જોનો અર્થ ન પમાયો હોય તેમ વિહવળ થઈ પવન પર એ ચિડાઈ : મૂઆ પાપિયા ! પોતે પોતાના પર ઝૂકી હોય એમ ડાળના ઝુકાવને એ તાકી રહી : ડાળ કેવી વહાલી લાગે છે ? પોતાને જ પોતે ક્યારેય આટલી વહાલી લાગી છે ખરી ! કેવી અધ્ધર ઝૂલી રહી છે, ઝૂકી કહી રહી છે : ઝાલને, ઝાલને મારો હાથ, જો મારે તને કંઈક કહેવું છે...

ઊંઘમાં હસતા બાળકના ચહેરાની જેમ એ વિલસી રહી, વિસ્મિતઃ મારી પાસે કહેવા જેવું તો કંઈ નથી, તો મારે શું કહેવું છે ? તને, તને ખબર છે ? તો કહેને મને...! એણે ડાળને સંબોધી, ઉત્તરની અપેક્ષામાં હાથ ઊંચા કર્યા. હવાના હિલોળે ઝૂમતી ડાળે સ્પર્શી એના મનની મૂંઝવણનો ઉકેલ છાનોછપનો એની હથેળીમાં મૂક્યો હોય તેમ એની મુઠ્ઠી વળી ગઈ, અને ‘યુ... રેકા...!’ જેવો એના દેહમાં ઉછાળો જન્મ્યો.

પરંતુ હોંશભેર વૃક્ષ પર ચડી, મનગમતા ફળને જેવો હાથ અડકાડો ને સંતાયેલું કોઈ તમને પડકારે, અને માલિકીના હક્ક-ભંગ કર્યાની દોષિતતામાં વીલા પડી જાઓ તેમ-આ કેવો ઉત્સાહ. નાની છે તું, જેવી ભીતર ઊઠતી ટકોરથી એના પગની પાનીઓમાં જન્મેલો આવેલ મોચવાઈ ગયો. એને થયું, કોઈએ એને કહ્યું : બોલ, શું છે, કહે જોઉં તારી વાત ! અને ઉમળકાભેર એ હરફ પાડે ત્યાં જઃ બસ... બસ... રહેવા દે તારી વાત, બીજી કોઈ વખત, કહી તરત એને ઉતારી પાડી. એ ઉદાસ થઈ ગઈ, પછી ધૂંધવાઈ અને રોષ-રાવ ખંખેરતી હોય તેમ પગ પછાડતી ચાલવા લાગી.

મારે-કંઈ-કહેવું-છે-ના વિચારમાં એણે ક્યાંય સુધી ચાલ્યા કર્યું. કેવું છે, એ અકળાઈ છે છતાં ક્ષુબ્ધ નથી જાણે પારદર્શક અભેદ કાચ-પેટીમાં સુરક્ષિત સચવાઈ રહી છે. ઉઘાડની જેમ પ્રસન્નતા પળેપળ ભીતર વિલસ્યા કરે છે, રહી રહીને પોતાનામાં ઝબકોળતી.

ખોવાયેલી ખોવાયેલી એ જઈ રહી હતી ઉન્માદમાં. કઈ દિશામાં એનું એને ભાન નહોતું. રાખવું નહોતું. આખો વિસ્તાર પરિચિત હતો છતાં માર્ગ સૂઝતો નહોતો. ભીતર એનાં પરિમાણો ઊલટસૂલટ થઈ ગયાં હતાં, એને લીઘે ? કોને ?

શરમમાં લાલ થઈ જવું એને ગમ્યું. કૂપરેજ પાસે રસ્તો ઓળંગવા એ અટકી. ડાબે હાથે વળી જવાનું છે એ ખબર હતી, પરંતુ જડતું-નથી-શોધવાનું છે એવો ભાવ સામે ને સામે જ ટળવળ્યા કર્યો.

પૂનમની રાતે ઘાટ બાંધ્યા તળાવનાં મૂંગા પગથિયાં આંબી જવા જળ-લહેરો ઉપરાછાપરી દડૂક દડૂક દડી રહે એવું જ કંઈ હૈયાની હોઠ તરફ દડી, ઓળંગી જવા તલપી રહ્યું છે. એ સાથે જ, દડીને ક્યાં ? કોની પાસે, એ પ્રશ્નો શોધને વધુ તીવ્ર કરે છે.

એ ચિડાઈ, તું આલાંબાલાં શેના કરે છે, કહેવું છે કે નથી કહેવું, નથી કબૂલવું તારે ! છટ્ ભીરુ ક્યાંની. રસ્તો ઓળંગતી, જાતનો સામનો કરવા એ છંછેડાઈઃ મારે કોની સાડીબાર. ગમવું, કંઈ ચોરી છે. હા, જા, કહેવું છે એટલે જ, શોધી રહી છું- દિશાને, દિશામાં કોઈકને, એકને કહેવા કે... લય છે પણ પકડાતો નથી, આડતાલ એવો અનુભવાય છે કે સમની સૂઝ નથી પડતી. સમનું સ્થાન નિશ્ચિત છે, એ જાણું છું, પણ  ક્યાં ? અહીંયા ! અહીંયા સમ દઉં, આને કહું, કોને કહું ! કહું તો સમજશે ! નહીં સમજે તો ! લાગણીઓની આમન્યા જાળવવા ક્યાં જાઉં ? ક્યાંય પણ, જવાની મને પડી નથી, બસ કહેવું છે. કોને એ મહત્ત્વનું નથી. તો !

બસ ગોરંભાયેલા વાદળામાં આલસવીલસ જળની જેમ થયા કરે છે વરસું-વરસું-વરસું, કહું-કહું-કહું કે મળ્યો હતો, હમણાં મેદાનમાં કેડી પર, બન્ટી મળ્યો હતો, સામેથી આવતો હતો. યુ...રેકાનો ઊછળી ગળે બાઝેલો ડૂમો વછૂટી ગયો. એ હાંફવા લાગી, મલકતીઃ બન્ટી મળ્યો હતો, મેદાન ક્રોસ કરતાં, કેટલા બધા વખતે !

પાડોશ છોડી ગયાને તો પાંચેક વર્ષ થઈ ગયાં તોય એ ભૂલ્યો નથી, મને ઓળખી ગયા. પણ એ બોલ્યો કેમ નહીં ? એકાએક તે તતડીઃ અરે લોભણી તને હાથ તો કર્યોને ! અનાયાસે એનો હાથ હવામાં અદ્ધર થઈ, હાય્ કરતો ઝૂલ્યોઃ કેટલો બધો બદલાઈ ગયો છેને, હેન્ડસમ !

એ ઊભી રહી ગઈ, વચ્ચે, ફૂટપાથ પર, રસ્તો રોકતી. પછી એમ પાછી ફરી, જોવા-જાણે મેદાનમાંની નાળિયેરીની ઝૂલતી ડાળ, વિશ્વાસ દેવડાવવા, બન્ટી મળ્યાના સ્થળને ચીંધી બતાવવાની ન હોયઃ જો, બબલી જો, ત્યાં, ત્યાં હતો, પેલી વાડ પડખેની કેડી પર...! સાચ્ચે જ, કહું છું માન મારું !

0 comments: