ચિંતન


  નસીબદાર કેમ બનશો ?

-   ડો. ભરત જે. કાનાબાર

(સાદર ઋણસ્વીકાર : અખંડ આનંદમાંથી)

વિખ્યાત તત્વચિંતક કોન્ફ્યુશિયસના મત પ્રમાણે
નસીબ રેતીના કણને પર્વત અને પાણીના બિદુંને નદી બનાવી શકે છે. આપણામાંના મોટા ભાગના લોકો નસીબ કે ભાગ્યમાં દ્રઢ વિશ્વાસ ધરાવતાં હોય છે. જીવનમાં કોઈ દુ:ખદાયક ઘટના બને તો તેવી વ્યક્તિના મુખમાંથી આપણા નસીબ... જેવા ઉદગારો સરી પડતાં આપણે ઘણી વાર સાંભળતાં હોઈએ છીએ. વારંવાર નિષ્ફળતાથી હતાશ બનેલ વ્યક્તિ પાસેથી મારું નસીબ જ ફૂટેલું છે અથવા તો હું પહેલેથી જ કમનસીબ છું એવું સાંભળીએ, ત્યારે તેવી વ્યક્તિ માટે સહજ સહાનુભૂતિ થાય છે. ભાગ્યદેવતાંને રીઝવવા અનેક નંગોની વીંટીઓ ધારણ કરતાં કે નસીબ આડેનું પાંદડું હટે તે માટે અનેક વિધિવિધાન કે પાઠપૂજા કરાવતા સદગૃહસ્થો જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં મળી આવે છે. દૂધ ઢોળાય, અરીસો ફૂટે કે બિલાડી આડી ઊતરે ત્યારે અમંગળ અને અશુભ કલ્પનાઓથી ભયભીત થતા લોકો આપણી વચ્ચે નોંધપાત્ર સંખ્યામાં મોજૂદ છે. ત્યારે તેનાથી તદ્દન વિપરીત એવા લોકો પણ મળી આવે છે, જેઓ હંમેશાં પોતાની જાતને અત્યંત લકી માનતા હોય છે, અને કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવે છે તેમાં સફળતાને વેર છે.

અહીં પ્રશ્ન એ થાય છે કે કોઈ વ્યક્તિ કાયમી ધોરણે કમનસીબ યા નસીબદાર હોઈ શકે
? શું કોઈના માટે ભાગ્યના દરવાજા કાયમ માટે બંધ રહી શકે ? તો તેનો જવાબ ના છે. તો પછી પ્રશ્ન એ થાય કે શું માણસ જાતે પોતાના નસીબનાં દ્વાર ખોલી શકે ? ‘કાયમી ફૂટેલા નસીબ વાળી વ્યક્તિ બંદા તો હંમેશાં લકી બની શકે ? તો એનો જવાબ સ્પષ્ટ હા છે, શરત એટલી કે માણસે આવી લકી પર્સનાલિટી બનવાના કેટલાંક રહસ્યો પામવા પડે.

હાવર્ડ યુનિવર્સિટીના પ્રખ્યાત માનસશાસ્ત્રી પ્રો. એલન લેન્ગરના મત પ્રમાણે, જેઓ લોકોમાં નસીબદાર યા લકી તરીકે ઓળખાય છે, તે બધા કાર્યદક્ષ અને આનંદી સ્વભાવ ધરાવતા માલૂમ પડ્યા છે. એટલું જ નહીં, પણ તે આસપાસના લોકોને તેમના પ્રતિ ખેંચે તેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે.
‘Think Lucky & You are more likely to be lucky’ – તમે નસીબદાર છો એવું વિચારવાથી તમે નસીબદાર નીવડો, તેવી શક્યતાઓ ઊજળી રહે છે. જેને સમાજ લકી યા ભાગ્યશાળી માને છે તેવી કેટલીય વ્યક્તિઓનાં જીવનના અભ્યાસ પરથી, આવા લોકોનાં વ્યક્તિત્વમાં કેટલીક સર્વસામાન્ય ખાસિયતો અને લાક્ષણિકતાઓ માલૂમ પડી છે. તો આવો, નસીબદાર બનવા માટેના આવાં કેટલાંક રહસ્યોને સમજીએ.

1.      હંમેશાં એવું વિચારો કે નસીબ તમારા પક્ષે છે.

પેન્સેલ્વેનિયા યુનિવર્સિટના માનસશાસ્ત્રના પ્રધ્યાપક અને Authentic Happiness – ઓથેન્ટિક હેપિનેસ ના લેખક માર્ટિન સેલીગમેનના અભિપ્રાય પ્રમાણે તમારે એવું દ્રઢપણે માનવું જોઈએ કે, શુભ ઘટનાઓ તમારા જીવનમાં વારંવાર બને છે. જીવનના કોઈ પણ ક્ષત્રમાં મળેલ પીછેહઠને સામાન્ય યા રોજબરોજની ઘટના તરીકે સ્વીકારશો, તો આ પ્રકારની પરિસ્થિતિમાંથી માર્ગ શોધવામાં તમને ખાસ મુશ્કેલી નહીં પડે. મનથી તમે ભાગ્યશાળી છો, એવું માનવાથી તમારાં વર્તન અને વ્યવહારમાં એવા ફેરફારો થશે, જેના લીધે તમારી આસપાસના લોકો તરફથી પણ તમને હકારાત્મક પ્રતિભાવો મળશે. અલરોયની એક જાણીતી પંક્તિ છે કે. ‘We make our fortunes and call them fate.’
2.      નકારાત્મક લાગણીઓ પર કાબૂ મેળવો

ગુસ્સો, અણગમો, ઈર્ષા જેવી નકારાત્મક લાગણીઓ તમને મદદરૂપ થવા ઈચ્છતા લોકોથી તમને દૂર કરે છે અને એ રીતે તમારા પ્રારબ્ધને પાંગળું બનાવે છે. ‘Understanding Depression – અંડરસ્ટેન્ડિંગ ડિપ્રેશન’ –ના સહલેખક અને પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક જે. રેમન્ડ ડી. પાઉલોવના મતે, અમુક પ્રકારની પરિસ્થિતિમાં આવી લાગણીઓ તો કોઈ પણના મનમાં ઉદભવી શકે છે. પરંતુ તેની અભિવ્યક્તિને રોકવામાં તમે સફળ થાઓ, તો સરવાળે તમારા Selfesteem – આત્મગૌરવમાં વૃદ્ધિ થશે. આ પ્રકારની નકારત્મક લાગણીઓ શેના કારણે અને કઈ પરિસ્થિતિમાં આપણાં મનમાં ઉદભવે છે તેની સંજોગોમાં મુકાતા પહેલાં જ તેના નિયમન માટે આપણે આગોતરા ઉપાયો પણ કરી શકીએ.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા પ્રો. રોફેસ પોતાના જાતઅનુભવને નોંધતા લખે છે કે, 48 વર્ષની ઉંમરે, હું આ પ્રકારની નકારાત્મક લાગણીઓને બદલવા માટે મારી જાતને અસહાય અનુભવવા માંડ્યો. કોઈ પણ ઘટના યા પ્રસંગની નેગેટિવ-નબળી બાબતો વિશે મારું મન યંત્રવત વિચારવા માંડતું. પરિણામે મારા જેવી નિરાશાની લાગણી અનુભવતા લોકો જ મારી આસપાસ જમા થઈ જતા અને અનાયાસે મારી સાથે સંકળાઈ જતાં. હાથમાં લીધેલ એક પણ પ્રોજેક્ટ હું પૂર્ણ કરી શકતો નહીં. આખરે થાકી, મારા જીવનમાં ચાલતા આ કરુણ નાટક પર મેં પડદો પાડી દેવાનો નિર્ધાર કર્યો. અગાઉની મારી તમામ નિષ્ફતા અને પીછેહઠને મેં મનોમન એકઠી કરી, તેને Waste of timr – સમયના દુવર્યયનું લેબલ મારેલ એક કાલ્પનિક પરબીડિયામાં પેક કરી દીધી. એ જ રીતે, આવાં નકારાત્મક વલણો ધરાવતી વ્યક્તિઓ વિશેના વિચારોને મનોમન ભેગા કરી, તેને ‘Toxic – ઝેરીના લેબલ મારેલ બીજા કાલ્પનિક પરબીડિયામાં પેક કરી લીધેલ. અને આ રીતે ઘણા લાંબા સમયે હું આમાંથી મારી જાતને મુક્ત કરી શક્યો. મેં જોયું કે હવે આશાવાદી અને હકારાત્મક વલણ ધરાવતા લોકો મારા સંપર્કમાં આવવા લાગ્યા.
3.      તકને ઝડપવા માટે મગજ હંમેશા ખુલ્લું રાખો.

ભાવિના ગર્ભમાં આપણા માટે શું છુપાયેલું છે તેની પૂર્વધારણા થઈ શકતી નથી, પણ નવી તકને ઝડપવા મગજને ખુલ્લું રાખનાર પોતાના નસીબને ચમકતું રાખી શકે છે. પ્રખ્યાત વિચારક જેમ્સ ગારફીલ્ડે ખરું જ કહ્યું છે કે, “Apound of pluck is ton of ludm.” જીવનમાં ઊભી થતી તકને ઝડપી લેનાર પર ક્યારેય ભાગ્યદેવતાની અવકૃપા થતી નથી. પ્રખ્યાત અંગ્રેજી ઉક્તિ પ્રમાણે “Luck is what happens, when effort and opportunity meets.” – પ્રયત્ન અને તકનો સંગમ થાય છે ત્યારે ભાગ્યના સૂર્યનો ઉદય થાય છે.

ભાગ્યદેવતાની કૃપા તો હરકોઈ પર ક્યારેક થતી જ હોય છે. સ્વેટ માર્ડન કહે છે તેમ સંસારમાં એક પણ માણસ એવો નથી કે જેના પર જીવનમાં એક વાર પણ ભાગ્યદેવતાની કૃપા થઈ ન હોય’, આ કૃપાનો પ્રસાદ પામવા ઇચ્છતી વ્યક્તિએ તેને માટે તૈયાર રહેવું જરૂરી છે. મોન્ટેસ્ક્યુએ યોગ્ય જ ક્યું છે કે, “But when she (Lusk) does not find him ready to receive her, she walks in at the door, but flies out of the window.”
4.      કર લો દુનિયા મુઠ્ઠી મેં જેવો મિજાજ કેળવો.

સમગ્ર વિશ્વ પર તમારી આણ પ્રવર્તે છે, એવો વિજેતા સિકંદર જેવો આત્મવિશ્વાસ કેળવો અને ધ્યેય પ્રાપ્તિ માટે હંમેશાં મથતા રહો. માથે હાથ મૂકી બેસી રહેનારનું નસીબ ક્યારેય ખૂલી શકે નહીં. સૂતેલાનું નસીબ પણ હંમેશાં સૂતેલું જ રહે છે. તમારી આસપાસ બનતી તમામ ઘટના યા પ્રસંગોમાં તમારા નસીબ ખૂલવાની શક્યતાઓને શોધતા રહેવું જોઈએ. ભૂલો થાય કે નિષ્ફળતા મળે તોપણ નવા સાહસ માટે તૈયાર રહેવું જોઈએ. ડીઝરાયેલી વારંવાર કહેતા કે ભાગ્ય હંમેશાં સાહસી લોકોને જ સાથ આપે છે. ઊંડા સમુદ્રમાં ડૂબકી મારવાનું સાહસ કરનાર મરજીવાને જ મોતી પ્રાપ્ત થાય છે. પોતાનું નસીબ ઊઘડશે તેવી આસામાં ઘર ઝાલી બેસી રહેનારનું ભાગ્ય કરમાયેલું જ રહે છે.

કવિ બાલાશંકર કંથારિયાના શબ્દો :
અરે, પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગ્યે તે, ન માગ્યું દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
5.      બીજાના સારા નસીબની ઈર્ષા ન કરશો.

જે લોકો અન્ય કોઈના સારા નસીબ વિશે હંમેશાં વિચારતા રહે છે તેઓ પોતે નસીબદાર છે. તમારા કોઈ પરિચિતને લોટરી લાગવા જેવો અણધાર્યો આર્થિક લાભ થાય કે નોકરીમાં સારી બઢતી મળે કે ધંધામાં ખૂબ જ સારી સફળતા મળે તો તેના વિચારોમાં ડૂંબી, મનોમન તેની અદેખાઈ કરવામાંથી તમારી જાતને મુક્ત રાખજો, નહીંતર આવા વિચારોનું તમે પોતે કમનસીબ છો એવી માન્યતામાં પરિવર્તન થતા સમય લાગતો નથી. વાસ્તવમાં તો આ બધી દુન્યવી સફળતાઓ હંમેશાં જીવનમાં સુખ લાવે છે તેવું માનવું પણ સાચું નથી. એવી જ સફળતા યા લાભ તમારા જીવનને સુખથી ભરી દેશે તેવી કોઈ ગેરંટી નથી. તમારે તે તમારાં જ સ્વપ્નો અને ધ્યેય પ્રતિ જાગ્રત રહી, તેને પૂર્ણ કરવા મથતા રહેવું જોઈએ.

6.      સંબંધોના સેતુઓ બાંધતા રહો.

જેટલા વધુ લોકો સાથે તમે સંબંધો બાંધી શકશો અને જેટલા વધારે લોકોની ચાહના પ્રાપ્ત કરશો એટલા જ તમારા નસીબદાર પુરવાર થવાનો સંજોગો ઉજ્જવળ બનશે – “Tipping point – How Little Things Can Make a Big Difference”ના લેખક માલ્કોમ ગ્લેડવેલ નામના લેખકે, આવી સંબંધોની શૃંખલા ઊભી કરતી વ્યક્તિઓ માટે “Connectors”- જેવો શબ્દ પ્રયોજ્યો છે. મોટા ભાગના આવા કનેક્ટર્સ નસીબદાર હોય છે કારણ કે તેઓ શક્તિશાળી લોકોના મોટા સમૂહ સાથે સંપર્કમાં રહેતા હોય છે અને એ રીતે વિવધ ક્ષેત્રમાં ઊભી થતી તકો વિશે સૌથી પહેલાં માહિતગાર થતા હોય છે. આપણામાંના મોટા ભાગના લોકો, સામાન્ય પરિચય યા ઓળખાણને ગાઢ સંબંધોમાં પરિવર્તન કરવાની આવડત ધરાવતા હોતા નથી યા તો તે માટે પ્રયત્ન પણ કરતા નથી. ઊલટાનું આપણે આપણી ફુરસદનો સમય પણ આપણા તદ્દન નિકટના મિત્રો યા સંબંધીઓ સાથે વિતાવવાનું પસંદ કરતા હોઈએ છીએ. આવા કનેક્ટર્સ બનવું એટલું અધરું પણ નથી. કોઈએ સોંપેલાં સામાન્ય કામને પણ ચીવટથી અને સમયમર્યાદામાં કરી આપવા માટે ફાળવેલ મામૂલી સમય અને શક્તિ કોઈના દિલમાં કાયમી સ્થાન ઊભું કરી શકે છે. અને આવો અલ્પ પરિચય, અતિ નિકટના સંબંધમાં ફેરફાર જતા સમય લાગતો નથી. અનાયાસે ઊભા થયેલા આવા સંબંધો, ક્યારેક તમારા પ્રારબ્ધના દરવાજા ખોલી નાખવા શક્તિમાન હોય છે.

7.      દરેક વસ્તુ યા પ્રસંગની ઊજળી બાજુ શોધી કાઢો.

નસીબ કે ભાગ્ય વિશે ઊંડું સંશોધન કરનાર વિખ્યાત મનોવૈજ્ઞાનિક મેથ્યુઝ સ્મીથે બીજા એક સંશોધક સાથે રહી “Study of Luck” નામનું પુસ્તક તૈયાર કર્યું છે. તેમાં એમણે પ્રતિપાદિત કર્યું છે કે, નસીબદાર બનવા માટે તમારે ભૂતકાળ વિશે હકારાત્મક વિચારો અને વર્તમાન વિશે આશાવાદી વલણ ધરાવતા રહેવું જોઈએ. આવા નસીબદાર લોકોના અભ્યાસ પરથી જણાયું છે કે, તેઓ હંમેશાં જીવનના સારા અને દુ:ખદ પ્રસંગોને સ્મૃતિમાંથી ભૂંસી નાખવામાં સફળ થાય છે. ક્યારેય કોઈ ખરાબ પ્રસંગ બને તો એ ઘટનામાં ઘણુંબઘું ભયકંર યા અમંગળ થઈ શક્યું હોત તેનો વિચાર કરી, ખરેખર જે બન્યું છે તેની સરખામણી કરી પોતાને ખરેખર ખાસ મુશ્કેલી ન પડી તે માટે ઇશ્વરનો પાડ માની સ્વસ્થ રહે છે. આવા લોકો જર્મન કહેવત “In bad luck hold out. In Good luck hold in” પ્રમાણે વર્તે છે. કોઈ પણ કાયમી રહેતી નથી, તેવી અચળ શ્રદ્ધા ધરાવે છે “All we know about luck is that it changes”માં વિશ્વાસ ધરાવતા હોય છે. કોઈ ઘટના યા પ્રસંગ આપણાં માટે કમનસીબ યા ભાગ્યદાયી નીવડશે તેનો આધાર આપણે એ ઘટનાને કઈ રીતે મૂલવીએ છીએ તેના પર રહેલો છે.

ચીનની એક લોકકથા, આ વાત સરસ રીતે સમજાવે છે. એક સમયે, એક ટેકરી પર એક જૂના જર્જરિત કિલ્લામાં એક વદ્ધ અને તેનો એક પુત્ર રહેતા હતા. તેમની પાસે સંપત્તિમાં માત્ર એક ઘોડો હતો. એક વખત આ ઘોડો ખોવાઈ ગયો. આ સમાચાર જાણી આજુબાજુના લોકો પેલા વૃદ્ધને આશ્વાસન આપવા આવ્યા. ખરેખર તમારા માટે આ બહુ કમનસીબ બનાવ ગણાય. પરંતુ વૃદ્ધ ડાહ્યો હતો. તેનો જવાબ હતો કે જે બન્યું તે. પણ ઘોડો ખોવાયો તેથી હું કમનસીબ છું તેમ હું માનતો નથી. અને બન્યું પણ એવું જ. થોડા સમય પછી ખોવાયેલ ઘોડો, અન્ય કેટલાય ઘોડાઓ લઈ પાછો ફર્યો. પેલા વૃદ્ધ હવે એકને બદલે ઘણા અશ્વોનો માલિક બની ગયો. ફરી એ જ પાડોશીઓ આવી તેને અભિનંદન આપવા માંડ્યા. તમે તો નસીબદાર છો આટલા ઘોડા તો આપણા પ્રદેશમાં કોઈની પાસે નથી. પણ વૃદ્ધનો જવાબ એવો જ – ‘કેમ ખબર ? હું નસીબદાર છું એવું પણ સમજતો નથી. હવે વૃદ્ધનો પુત્ર નવા નવા આવેલા અશ્વોને લઈ દૂર દૂર સુધી ભટકવા માંડ્યો. એક વાર અકસસ્માતે તે ઘોડા પરથી પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો. ફરી એ જ પાડોશીઓ આશ્વાસન સાથે હાજર. પણ વૃદ્ધનો જવાબ તો હંમેશાં જેવો જ આને હું કંઈ અમારું દુર્ભાગ્ય સમજતો નથી. એ દરમિયાન એ પ્રદેશના રાજાએ પડોશી પ્રદેશ સાથે યુદ્ધ જાહેર કહ્યું. રાજાએ પ્રદેશના તમામ સશક્ત યુવાનોને સૈન્યમાં જોડાવા હુકમો કર્યા. પણ એ વખતે પેલા વૃદ્ધનો પુત્ર, જે ભાંગેલા પગને કારણે સારવાર લેતો હતો તેને યુદ્ધમાં જવામાંથી મુક્તિ મળી, આમ, અકસ્માત તેના માટે લાભદાયી નીવડ્યો.

આ લોકકથા એક વાત શિખવાડે છે કે, કોઈ પણ ઘટના આપણાં માટે કમનસીબ યા નસીબવંતી બને તેનો આધાર આપણે તેને કઈ રીતે મૂલવીએ છીએ અને સ્વીકારીએ છીએ તેના પર છે અને આ સત્યમાં જ કાયમી નસીબદાર બનવાની ચાવી છુપાયેલી છે.

(સંદર્ભ : નવે. 2002ના રીડર્સ ડાયજેસ્ટમાં પ્રકાશિત માર્ક મેયર્સ લિખિત લકી યૂ ધ સેવન સિક્રેટ્સ ઓફ ગુડ ફોચર્યુંન લેખના આધારે)

કાનાબાર સર્જિકલ હોસ્પિટલ ઈશાવાસ્ય, એસ.ટી. ડેપો પાસે, અમરેલી-365 601

0 comments: