વર્ષાવેભવ-સિક્સટીન ફોરેવર


-         ચંદ્રિકા પંડ્યા

(સાદર ઋણસ્વીકાર : અખંડ આનંદમાંથી

વરસાદની સૌથી વધુ પ્રતીક્ષા કોને હોય એ સવાલના જવાબમાં સાધારણ રીતે ચાતક, મોર અને ખેડૂતોનાં નામ લેવામાં આવતાં હોય છે. આ અર્ધસત્ય છે. વધુમાં વધુ પોણુંસત્ય છે. એ પૂરું ત્યારે જ થાય જ્યારે વર્ષોની પ્રતીક્ષા યાદીમાં એક ચોથું નામ ઉમેરવામાં આવે. આ ચોથું નામ છે વૈખરીનું
વાણીનું. વર્ષાના આગમનનો જેટલો ઉમંગ ચાતક, મોર અને કૃષિકારને હોય છે એથી વૈખરીનો વર્ષાઉમંગ જરાય ઓછો નથી.

વાદળા ગરજે છે. વીજળી ચમકે છે અને વરસાદ વરસે છે તેની સાથે વૈખરીનું હૃદય જોરશોરથી ધબકી ઊઠે છે. વરસાદની સોબતમાં વૈખરીનું હૈયું અજબગજબનું દ્રવી ઊઠે છે અને હૈયાનું આ દ્રવવું સંગીતના માધ્યમે વ્યક્ત થતું રહે છે, થતું રહે છે, થતું રહે છે. સંગીતનો વરસાદ તો તે સામાન્ય દિવસોમાં પણ કરતી હોય છે. પરંતુ ચોમાસાના દિવસોની વાત જ નિરાળી. વરસાદ વરસતો હોય ત્યારે તો રગ રગમાં વહેતું સંગીત રોમ રોમથી ફૂટે છે.

વર્ષાકાળ વૈખરીના ઉમંગની જે સાંગીતિક અભિવ્યક્તિ થતી હોય છે તેને સમયની કોઈ અવધિ નડતી નથી. વૈખરીનો ઉમંગ જોઈને વરસાદને પણ તાન ચઢે છે. વરસાદ પણ મન મૂકીને વરસ્યા કરે છે. વૈખરીનાં ઉમંગમાં ઓર વધારો થાય છે. વરસાદના ઝરવા સાથે તેના કંઠમાંથી સંગીતના આડાઅવળાં ઝરણાં વહી નીકળે છે. વરસાદને કેવું સરસ વહેણ મળી ગયું કહેવાય
!

સતત વરસાદ અને સતત સંગીતના બેવડા લાભને માણવાની વાત જ કંઈ ઓર હોય છે. પરંતુ સાધારણ જનોને આવી કશી ગમ પડતી નથી અને દુ
:ખ આવી પડ્યું હોય એમ વરસાદની અને સંગીતની બેવડી વર્ષાને બેવડો ઉપદ્રવ કહીને નિદે છે. પ્રતિભા અને જનસાધારણ વચ્ચે આ જ તો ફરક છે. એકને જે વરદાન લાગે છે તે બીજાને શાપ ભાસે છે.

ક્યારેક તો વરસાદના થંભી ગયા પછી પણ વૈખરીનું ગાયન ચાલુ રહે છે. વરસાદે તેના હૈયામાં એટલો આનંદ રેડ્યો હોય છે કે તે આનંદની અભિવ્યક્તિ ઝટ પૂરી થતી નથી. ક્યારેક ક્યારેક વરસાદ અને વૈખરીનું સંગીત કોણ ઝાઝું વરસે એવી હોડ બકે છે. ક્યારેક વરસાદ જીતે છે, પરંતુ મોટા ભાગે તો વૈખરીનું ગાયન જ વિજયી નીવડે છે. એક જ શબ્દ કે પંક્તિને લાંબુલચક લંબાવતા શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદો પણ વૈખરીના ગાયનલંબાણ આગળ પાણી ભરે.

વરસાદના આરંભે મિત્રો, સ્વજનો અને પાડોશીઓને વર્ષાના આગમન અંગે સાબદા કરવા તે એક ગીત લલકારે છે. વર્ષાનો છડીદાર કેવળ મોર નથી, વૈખરી પણ છે. વાદળની જેમ ગીતગર્જના કરીને આષાઢસ્ય પ્રથમ દિને તે જગતને વાકેફ કરે છે કે વરસાદની સવારી આવી પહોંચી છે. શાસ્ત્રીય સંગીત ગાનારાઓ વિશે અજીબોગરીબ મજાકો સાંભળી હોવાથી તે તેના નિકટવર્તીઓને ફિલ્મસંગીત પીરસવાનું જ મુનાસિબ માને છે. વર્ષાદીવાની વૈખરીની મસ્ત મસ્ત જીભ પર ફિલ્મોનાં તમામ વર્ષાગીતો તહેનાત છે. તે એક ગીત આરંભે છે.

બરખા રાની જરા જમકે બરસો
મેરા દિલબર જા ન પાએ ઝૂમકે બરસો...

પહેલી પંક્તિના શબ્દ
જેમકે અને બીજી પંક્તિના શબ્દ ઝુમકે પર તે મુકેશજી કરતાં પણ વધારે ભાર મૂકીને ગાય છે. વરસાદ અને વૈખરી બંને સંગીતના સથવારે આનંદથી ઝૂમી ઊઠે છે. પરંતુ સિક્કાની બીજી બાજુએ કાંટો પણ હોય છે.

અડોશપડોશની દુનિયા ધ્રુજી ઊઠે છે. દુનિયા વૈરખીના પ્રથમ ગીતની આરંભની પંક્તિઓને વરસાદ અને વૈખરીના ગાયનના બેવડા હુમલાના આગમનાં એંધાણ સમજી નિહવળ બની જાય છે. પરંતુ આ વાતની વરસાદ કે વૈખરી બેમાંથી એકેયને ગમ  હોતી નથી. વર્ષા અને વૈખરી બંને નટખટ સખીઓ પોતાની ધૂનમાં મસ્ત રહે છે.

યે અભી તો આએ હૈ કહતે હૈ હમ જાયેંગે
યૂં બરસ બરસોં બરસ યે ઉમ્રભર ના જાએ રે...

વર્ષાને આવા લાંબા આહવાનથી પડોશીઓની દુનિયામાં ખળભળાટ મચી જાય છે. ત્રણ મહિના નહીં, છ મહિના નહીં, વરસ નહીં પરંતુ વર્ષો સુધી વર્ષા સતત વરસ્યા કરે અને સંગીતકારની વૈખરી તે વણથંભ્યું જો ગાયા કરે તો શું થશે એ વિચારે પડોશની દુનિયામાં ચિંતાપ્રેરિત પોતપોતાનો સ્વભાવ સમજી વર્ષા અને વૈખરી હરખાય છે, પોરસાય છે અને પોતપોતાની વરસાની અને ગાવાની પ્રવૃત્તિમાં રત રહે છે.

વર્ષાનાં આગમનનો અતીવ આનંદ વૈખરીને સંગીત ઉપરાંત બીજું એક કલા સાથે પણ જોડી દે છે. સંગીતની સાથે તે વર્તનમાં પ્રવેશ કરે છે. ક્યારેક વરસાદ તેના માંહયલામાં એટલી બધી ઉત્તેજના પ્રેરે છે કે સ્વરકિન્નરી બનવા ઉપરાંત તે મોર પણ બની બેસે છે. તેના આ મોરનૃત્યમાં એવી એવી ભંગિમાઓ આવે છે કે જેનો સમાવેશ ભરતનાટ્યમ્, કથક, કથકલ્લી, કુચીંપુડી, મણિપુરી કે ઓડિસીમાં પણ જોવા મળતો નથી. કોઈ નૃત્યનિર્દેશકે કોઈ ફિલ્મની કોરિયાગ્રાફીમાં ક્યારેય ન આપી હોય એવી અનોખી અંગભંગિમાઓ વરસાદના ઉમંગમાં તે નર્તી બેસે છે. તેના નોખા કૂદકાઓ મોરના જોવામાં આવે તો ગંભીર મોરથી પણ હસી પડાય એમાં શંકા નથી.

વર્ષા થોડું મહેકે અને બહેકે એટલી જ વાર. વર્ષાના મહેકવા અને બહેકવા સાથે વૈખરી મોર બનીને સંગીતમાં ગહેકી અને નૃત્યમાં લહેકી ઊઠે છે. આ રીતે ગયા ચોમાસામાં તો તેણે ભારે કરી હતી. વરસાદની સોબતમાં તેનાથી મોર બન્યા વિના રહી જ ન શકાયું. વરસાદ વૈખરીનો પ્રિયજન. જ્યારે પ્રિયજન આવે ત્યારે પ્રિયાનું રૂપપરિવર્તન (ટ્રાન્સફર્મેશન) ન થાય એ શી રીતે સંભવે
? વરસાદ આવતાં આ માનુની પણ મોર બની ગઈ. વર્ષામાં મોર નૃત્ય કરે છે એ વિધાનમાં થોડો ઉમેરો કરવાની તેને જરૂર જણાઈ. વર્ષામાં મોર અને વૈખરી નૃત્ય કરે છે એવું વાક્ય પ્રાથમિક શાળાનાં બાળકોના પાઠ્યપુસ્તકમાં હોવું ઘટે એણ તેને લાગ્યું. તેણે પાઠ્યપુસ્તક મંડળને આ અંહે તાકીદનો પત્ર પણ લખ્યો. પરંતુ મંડળે તેની વાતને ગંભીરતાથી ન લીધી. તેની નમ્ર ઓફરને મંડળે હસતાં હસતાં ઠુકરાવી દીધી હશે ! મંડળને જ અર્ધું જ્ઞાન આપવાની મરજી હોય તો વૈખરીને કેટલા ટકા ?

મંડળને તો હસવાનો મસાલો મળ્યો હતો. પરંતુ વૈખરીને તો હાણ થઈ. મોરનૃત્યની કૂદાકૂદમાં તેનો પગ ઘવાયો હતો. તબીબ પાસે જવું પડ્યું. તબીબે તબીબસહજ સલાહ આપી
એક્સ-રે કઢાવો. એક્સ-રેમાંથી ટપકી પડ્યું ફેક્સરફળ. વૈખરી ગીતાની ભક્ત હતી. ગીતાએ ઉર્ફે કૃષ્ણે કહ્યું હતું કે કર્મ કરવું, ફળની આશા રાખવી નહીં. કૃષ્ણની આ સોનેરી સલાહને શિરોધાર્ય રાખીને તેણે વરસાદના માર્યા કરેલા મોરનૃત્યના ફળની આશા રાખી જ ન હતી. છતાં કૃષ્ણ બોલીને ફરી ગયા હતા. તેમણે પાટલી બદલી હતી. આખરે રાજપુરુષ તો ખરા જ ને ? વૈખરીએ તો નૃત્ય નામના સુંદર કર્મને જ મહત્વ આપ્યું હતું. ફળ તેને જોઈતું જ ન હતું. પરંતુ કૃષ્ણે તેને ફળ જ ફળ આપ્યાં હતાં. ફેક્ચરફળ, શય્યાફળ અને તબીબની ફીનું સૌથી તગડું ફળ.

આટીલ હાણ ઓછી હોય તેમ તબીબનું હસવું માતું ન હતું. તેના મોર બન્યાની વિગત જાણીને તબીબ એટલું હસ્યા, એટલું હસ્યા, એટલું હસ્યા જાણે કે જિંદગીભરનું હાસ્ય એક જ દિવસમાં કરી લેવાનું હોય. કર્મના ફળની રહીસહી કસર તેમણે પૂરી કરી.  વૈખરીના મૂઠી જેવડા હૃદય પર નિર્દય તબીબે તડબૂચ જેવડું મોટું સલાહફળ ફેંક્યું
આ પ્રકારનાં નર્તનો તમારે ન કરવાં જોઈએ. આ ઉંમરે તો શરીરને ઝાટકા ન આવે એની ખાસ કાળજી રાખવી, કારણ હાડકાં નિર્બળ બની ગયાં હોય.

તબીબના તડબૂચને એક ઝાટકે રાઈના દાણાથી મહાત કરવાનો મનસૂબો કર્યો હોય એમ વૈખરી ગહેકી ઊઠી
પણ ડોક્ટર ! અભિનેતા, ગાયક, નર્તક, સંગીતકાર, શિલ્પકાર, ચિત્રકાર, લેખક વગેરે તો કલાકાર કહેવાય અને કલાકાર તો સદાનો ષોડસવર્ષી સોળ વર્ષનો ! તબીબને  કાંઈ સમજાયું નહીં. તેમણે પૂછ્યું – ‘શું ?’  વૈખરીએ તબીબને ક્લિષ્ટતાના કળણમાંથી કાઢવા અંગ્રેજી કરી આપ્યં – ‘ સિક્સ્ટીને ફોર એવર પહેલેથી જ તબીબના મનમાં વૈખરીની  માનસિક સ્થિતિ અંગે શંકાઓ જાગી હતી. સોળ વર્ષવાળા આ આખરી ઝાટકાથી તેમનો સંદેહ વિશ્વાસમાં પરિણમ્યો. તબીબને ઘણું કહેવું હતું. એટલું બધું કહેવું હતું કે કશું જ કહી શકાતું ન હતું. વૈખરીના કિસ્સાએ તબીબને વિસ્મયના દર્દી બનાવી દીધા. હા, એમના વિસ્મય અંગે વૈખરીને કોઈ વિસ્મય ન થયું. તે તો જાણતી જ હતી કે પ્રતિભાઓની આવી જ ટ્રેજેડી હોય. તેમને પાગલ માનવા એ તો દુનિયાનો રિવાજ છે.

0 comments: