સારી વાતોના સમાચાર આપો


(સાદર ઋણસ્વીકાર : સર્જકનો સમાજલોકમાંથી)
મૂલ્યોના સંદર્ભમાં આપણા જાહેરજીવન પર નજર કરીએ ત્યારે અને રોજેરોજના સમાચારોમાં આપણે વાંચીએ-સાંભળીએ છીએ ત્યારે સંવેદનશીલ અને સંનિષ્ઠ માણસને ચિંતા જ નહીં પારાવાર વ્યથા ઉપજે એવું બની રહ્યું છે. એક તરફ પાંચ કે પાંચસો રૂપિયાની માંડીને પચાસ હજાર રૂપિયા સુધીની રકમ કે વસ્તુ ભૂલી જનારને રિક્સાવાળો કે કંડકટર કે પટાવાળો પ્રામાણિકપણે પરત કરે છે તો બીજી તરફ જેઓ કરોડો રૂપિયા બનાવી બેઠા છે અને પ્રજાનો મોટો વર્ગ જેમને જાણે છે કે ચાહે છે કે એમની પાસે મૂલ્યોની અપેક્ષા રાખીને બેઠો છે એવા લોકો નિર્લજ્જપણે જુઠ્ઠાણાં ચલાવે છે અને આજકાલ આવાં આવાં જુઠ્ઠાણાં અને નરી બેશરમીઓ માજા મૂકતા જાય છે ત્યારે સાચ્ચે જ આઘાત લાગે છે. મતદાન વખતે ઘણે અંશે જાગૃતિ દાખવતા શિક્ષિતો અને બૌદ્વિકો પણ આવા વકરતા જતા બનાવોથી ચિંચિત થતા દેખાતા નથી ત્યારે લોકશાહીના ભવિષ્યની નહીં એટલી શાંતિમય સમાજજીવનની ચિંતા થાય છે. શિક્ષિતો અને કહેવાતા બૌદ્ધિકોમાંથી પણ ઘણાં ખરા આજે તો અનાચારો આચરવામાં કે વગર મહેનતે અને ખોટે માર્ગે નાણાં વગેરે રળવામાં પડેલા દેખાય છે... સ્વસ્થ સમાજની આ નિશાની નથી. થોડીક ઘટનાઓ વાંચો...

‘અનેક રોકાણકારોને નવરાવતો મનોજ પ્રભાકર’ : ‘રિક્સાવાળાંને ઢોર માર મારતો અભિનેતા સંજ્ય દત્ત’ ‘ઝિમખાનાના પોતાના લોકરમાંથી મળી આવેલી લાખોની રકમનો ખુલાસો કરવા સમિતિ સામે  હાજર રહેવાનું ટાળતો સુનીલ ગવાસ્કર’, ‘મેચ ફિક્સીંગ બાબતે ટીવી મુલાકાત દરમ્યાન આંસુ સારતો ને મનોજ પ્રભાકરને ખેંચીને તમાચો મારવાનું કહેતો કપિલ દેવ’ ‘કરોડો રૂપિયાની કાળ કમાણી કરનાર અજરુદ્દીન કહે છે કે પોતે લઘુમતિ કોમનો છે એટલે એને સતાવવામાં આવી રહ્યો છે.’ ‘મધરાતે અકસ્માત કરી બે માણસોને જખમી અવસ્થામાં ત્યાં જ છોડી દઈને ગાડી ભગાડી મૂકતી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક’ ‘પોતાના ગુનેગારભાઈને પોલિસ કસ્ટડીમાંથી છોડાવવા સીધા પોલિસ સ્ટેશને પહોંચી જતાં એક મંત્રીજી’ ’વધુ એક પ્રધાનપુત્રનું કૌભાંડ...’
‘બસના ડ્રાઈવરને બેહરમીથી માર મારતાં મંત્રી’ ‘લાંચ લઈ ન્યાય તોળવામાં બેઈમાની કરનારા જજ(દસથી વધારે) સસ્પેન્ડ’ ‘ગુંડા ટોળીને ફેવર કરનાર ભ્રષ્ટ ન્યાયાધીશ નાસતા ફરે છે.’ ‘પી.એફ.નાં નાણાંની બારોબાર ઉચાપત કરનાર ક્લાર્ક’ ‘સ્ટાફનાં એરિયર્સ-નાણાં હડપ કરતી જતા પ્રિન્સીપાલ...’ ‘ખોટી સહીઓ કરી નાણાં ઉપાડતો બેંક કર્મચાકી...’ ‘તલાટીઓ-સરપંચો-નગરપતિઓના બેફામ ભ્રષ્ટાચારથી ખદબદતો પંચમહાલ જિલ્લો...’ ‘પેન્સન કચેરીમાં ચાલતી કટકીએ માઝા મૂકતાં હજારો નિવૃત્તોને પેન્સન મેળવવામાં થતી પરેશાની.’ ‘એન.ઓસ.સી.’ મેળવવા માટે લેવાતી તગડી રકમ...’ ‘ડોનેશનને નામે મનમાની રકમ પડાવતા સંચાલક મંડળનાં મંત્રી...’ ‘શિક્ષકોની નિમણૂંકમાં ચાલતા ભ્રષ્ટાચારમાં બોર્ડના મેમ્બર, સિક્ષણાધિકારી, આચાર્ય તથા મંડળના પ્રમુખની ભાગીદારી...’ ‘પ્રવાસન ખાતાની હોટેલના ચાર રૂમ પચાવી પાડતા બિહારના પ્રધાન.’ ‘દલિતોને ગોંધી રાખીને પાશવી અત્યાચારો કરતા બિહારના પ્રધાન-’ ‘બાર વાઘ મરી ગયા તો શું થઈ ગયું ભાઈ? હું રાજીનામું શા માટે આપું ? !
રોજેરોજછાપાઓમાં આવા સમાચારો ઊભરાય છે અને છાપામાં નહીં આવતી કેટલીક ત્રાસજનક ઘટનાઓ સંભળાયા કરે છે. ઢોરોનો કરોડો રૂપિયામાં ઘાસચારો ખાઈ જનારને શિક્ષા થતી નથી. પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓ માટેનું તાજું માંસ કર્મચારીઓ ખાઈ જાય છે - કાં વેચી દે... ! જેને જે કામ માટે વિશ્વાસથી મૂક્યા છે ને એ માટે પગાર આપવામાં આવે છે ને તોય કામ નથી થતું એ તો ઠીક ઉપરથી નુકસાન થાય છે ને છતાં કોઈને કશી શિક્ષા થતી જ નથી... સરકારો ‘કડક હાશે કામ લેવાની’ વાતો કરે છે ને કાયદાની દુહાઈ ગાયા કરે છે ત્યાં નર્યાં સમાજજીવનની અને સલામતીની આશ ક્યાંથી રખાય ? ! ગુજરાતનાં હજારો બસ્ટેન્ડો બારેમાસે ગંધાતાં અને ખાડાઓ તથા કાદવથી ખદબદતાં રહે છે. વેપારીઓ ખાદ્યપદાર્થો અને દવાઓમાં ભેળસેળ કરે છે - ને તોય બધા જ ‘દૂધ ધોયલા’ થઈને છૂટી જાય છે... ને છાપાં પણ જાણે આવા જ માણસો વિશે લખે છે. આ બધા અનાચારો વિશે છાપાં લખે એની ના નહિ પણ જાણે કે આ બધું મહત્વનું છે એમ ‘ગ્લોરીફાઈ’ કરવાનું શું કામ ? છાપાંની ફરજ પ્રજાજીવનમાં મૂલ્યોનું સંવર્ધન કરવાની ય છે.
આપણાં છાપાં સારા માણસોનાં સારાં કાર્યો વિશે વધારે સમાચારો આપે અને મૂલ્યો માટે પ્રજાને ઉદાહરણો પૂરાં પાડે એ જરૂરી છે. દૂરાચારો વિશે લખાયું એમને ખુલ્લા પણ પડાય... છતાં એની સામે સદાચારો તથા કેટલીય વ્યક્તિઓ ઉમદા કર્યોમાં જીવન ખર્ચી દે છે - તે બધા વિશે લખાવું જોઈએ.
કળાઓ, સાહિત્ય, સંસ્કૃતિન-ને લગતી પ્રવૃત્તિઓની વાત બધાં માધ્યમોએ વધારવી પડશે. દૂરદર્શન તથા ટીવી ચેનલોમાં બેપાંચ ટકા વર્ગના લોકોની પ્રેમની અને કુટુંબ ક્લેશની કે ધંધા હરીફાઈની સિરિયલો આપ્યા કરવામાં સમાજની કશી સેવા થતી નથી કે નથી ઘડતર થતું નવા સમાજનું ! પ્રજાનો મોટો વર્ગ જે વેઠે છે; એમની જે સમસ્યાઓ છે એ વિશે છાપાંને ટીવી બધાં આગળ આવે એ જરૂરી છે શિક્ષણના ભ્રષ્ટાચારો વિશે પણ સિરિયલો બનાવી શકાય છે. હજી જૂની ઘરેડમાં સબડતા પછાત સમાજનો સમસ્યાઓ વિશે પણ કામ કરી શકાશે. રાજકારણ વિશે તો સતત રજૂઆત થાય ને એ પ્રજાને બળ પૂરું પાડી વધારે હિંમતવાન બનાવે એવી ભૂમિકાએ થવી જોઈએ.
સમૂહ માધ્યમો સેક્સના, રૂપસુંદરીઓના, ખૂન અને લૂંટફાટના, નાખી દીધા જેવી કુટુંબ ક્લેશની ઘટનાઓના સમાચારો આપે છે - એમાં વિવેક કરી શકાય. પણ એની સામે પ્રજાને સત્વશીલ આનંદ આપે, રુચિ પોષે તથા જીવવાનું બળ પૂરું પાડે એવા સમાચારો કે કાર્યક્રમો પણ મૂકાવા જોઈએ. છાંપા-વર્તમાન પત્રો હજી વધારે પ્રસાર ધરાવે છે - ટીવી કરતાંય ! એટલે કળા-સંસ્કાર-સભ્યતાને લગતી બાબતોને હવે આગળ કરવી પડશે. ઉત્તમ દૃષ્ટાંતો મૂકીને પ્રજાને અનાચારોમાં નહીં પણ નિષ્ઠામાં અને સ્વસ્થ જીવનમાં રાચતી કરવી પડશે. આ કામ માધ્યમો ચૂકતાં જાય છે... એટલે અનાચારોનાં ગુણગાન અટકે ને મૂલ્યો વિશે વાતો થાય એ જરૂરી છે. તંત્રીઓ શા માટે વધારે સજાગ બને એવો તકાજો છે.

0 comments: