-પ્રવીણસિંહ ચાવડા
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાત ભાગ-2’માંથી)
પાછળ ત્રણ ઓશીકા ગોવીને ડોસાને બેસાડ્યા હતા. ડાકલી અડધી ઉઘાડી હતી અને હાથ ફેલાઇને બે બાજુ પડેલા હતા. વારંવાર જમણો હાથ વાકડા સાથે ઘસાતો હતો. હવે ચા કાંસાના વાડકામાં જ મળતી. ફેરફારો આ રીતે થતા હતા. થોડા થોડા દિવસે કંઈક જતું, કાંઇક ઓછું થતું. છાપું પણ એ જ રીતે ગયું હતું. પહેલાં સવારનું કામ આટોપી ડોસી સામે બેસતાં અને ચશ્માં ચડાવી, સમાચાર વાંચી સંભળાવતાં. એક દિવસે ડોસાને લાગ્યું કે, બધું કહોવાઇને ફોદા બની ચારે બાજુ એક પાતળા પ્રવાહીમાં તરતું હતું, એમાં કંઈ સ્પષ્ટ સમજાતું નહોતું.’ એટલે એમણે ઇસ ઉપર હાથ પછાડ્યો- ‘આ બંધ કરો, બાળો !’ ડોસી તરત સંમત થયાં અને છાંપુ વાળીને બાજુમાં નાખ્યું. આપણે આ ઉંમરે શું છાપાં ! એના કરતાં રૂપાળું ભગવાનનું નામ ના લઇએ !’ ડોસા હસ્યાં. એ વિચાર પણ ખોટો નથી, વધાવી લેવા જેવો છે. ડૌસી ખુશ થવા ગયાં, પણ તરત પેલા હાસ્યાં રહેલી વક્રતાની અણી વાગી. એમણે કહ્યું, ‘તમારી અમુક વાતો તો સમજાતી જ નથી !’
ચોખ્ખું દેખાતું નહોતું, એટલે આંખો સતત પટપટ્યા કરતી અને અંદર રમત ચાલ્યા કરતી. કોઈ ખડખડ હાસ્ય સંભળાતું. એમના હોઠ ઉપર મલકાટ આવવા માંડે ત્યાં એક પછી એક બંધ થતાં બારણાંના પડઘા સંભળાતા. એ અવકાશમાં એકલા ડોસી સ્ફૂર્તિથી ફતાં હતાં. એ વારંવાર લૂગડું લઈને આવતાં અને એકાદ બારીને વળગતાં, ખૂણાઓમાં સાવરણી પછાડતાં, ‘ખસજો’ કહી એમને અડધા ઉપાડી, અડધા હસડેલી, ચાદર બદલી નાંખતાં, બાથરૂમમાં ડોલો સતત ગાજ્યા કરતી. આખાં બે-અઢી માણસ હતાં તોય દિવસમાં ત્રણ વખત પાછળ ચોકડીમાં ઘુબાકા સંભળાતા. પછી ઓરડામાં આવી, ભીનો સાડલો કે ધોતિયું એવું ઝાટકતાં કે, વાછટથી ડોસાને મૂંઝવણ થઈ જતી. બપોરે ઓટલા ઉપર બેસી, આવતાં-જતાંને આંતરતાં અને તડાકા મારતાં. એ તીણા સ્વરમાં રહેલો રણકો સાંભળી ડોસાને થતું, બે માણસ જુદા તે જુદા.
ક્યારેક આંખો આગળ તડકાની રમત ચાલતી હોય અને એ મરતાં હોય ત્યાં પડછાયો આવીને આડો ઊભો રહેતો.
‘શુ હસો છો ?’
કંઈક ફરકતું આવીને બેસવાનું કરતું હોય એ ઊડી જતું. એ ક્ષોભથી પૂછતાં, ‘હસતો હતો ?’
પછી, કોઈ સંદર્ભ વગર એ કહેતાં, ‘બેસો બે ઘડી, સાંભળો,’ કહેવાનું એ વેરાઈ જાય એ પહેલાં ઝડપથી બોલી નાખતા, ‘ના, મને કોઈ દુ:ખ નથી. હવે મોતનોય ભો નથી. તમારે કોઈ વાતનો ઉચાટ કરવો નહીં.’
‘ડોસી કહેતાં, ‘તમે ના કહો છો, એટલે નહીં કરીએ.’
-------------------------------------------------
જળ જોરથી હાલી ગયાં. જાળી ધમધમાવી નાખનાર હાથમાં જે અધિકાર અને આક્રમણ હતાં એમને ડોસા ઓળખતા હતા. કંઈક શોધતા હોય એમ એમણે પથારીમાં હાથ ‘બે બાજુ ફેરવ્યા, પોતાનું પહેરણ સરખું કર્યું અને ટટાર થયા. ‘દશમન આયો.’
‘કનિયો આયો’ – કરતો ડોસીનો લિસોટો દોડી ગયો. ડોસાએ ઓશિકા ઉપરાંત બીજો કોઈ આધાર શોધતાં ઉધરસ સાથે કહ્યું, ‘આરતી ઉતારો.’
આંખો નીચે ઢાળી દેવી પડી, કારણ કે જાળી ખખડાવનાર હાથ ખાટલા ઉપર પછડાતો હતો. ‘શું કરતાં હતાં બે જણાં ? મરી ગયાં હતાં ? કેમ છો ઓલ્ડ મેન ?’
ડોસી એને વળગવાં ગયાં. ‘ઓ ભઈ, આ તારા હાથે -’
‘કાંક ખાવા હોય તો બાળ.’
‘પણ ભઈ, તારા બુસકોટ પર આ ડાઘા-’
‘માય ડિયર મધર, આ તો સામાન્ય ગણાય !’
‘ક્યાંય બાઝીને આયો ?’
‘અપમાન તારા છોકરાએ સહન કર્યું નથી અને કરવાનો નથી. સ્વમાન સાથે જીવ્યો છે અને સ્વમાન સાથે મરશે. લોકો ફાટી ગયા છે.’
‘કોણ ફાટી ગયા છે ? કોની સામે શિંગડાં માંડ્યાં ?’
‘બેસાડતી વખતે બોલી કરે નહિ, આવો સાહેબ, બેસો સાહેબ અને ઉતરતી વખતે ભડાક લઈને બાવન રૂપિયા, હેંડ્ય, હેંડ્ય !’
‘રિક્ષામાં બેસી રાવણ કાઢ્યો હશે. લઈ લે ગિરધરનગર, હવે ઉઠાવ સરખેજ બાજુ !’
ડોસારામ આજે કંઇક મૂડમાં લાગે છે
આમ ને આમ એક દોડો-
મધર, આટલા લોહીથી બીઓ છો તે છોકરો બોર્ડર પર લડવા જાય તો શું કરો ?
ડોસાએ બાજુમાં ભીંત સામે મોં કરતાં કહ્યું, ‘જુગારીઓની અને દારૂડિયાની રેજિમેન્ટ બનશે, ત્યારે કનૈયાલાલ ઉર્ફે કનકસિંહને એનો કમાન્ડ બનાવશે.’
અચાનક કનૈયાનો અવાજ ફાટી ગયો, ‘કહું છું એ સંભળાતું નથી ? ખાવાનું કાઢ.’
ડોસાએ અવાજની દિશામાં હાથ જોડ્યા, ‘ભાઈ આમ ઊંચા અવાજે બોલવાની જરૂર ખરી?’
‘દંભીઓ ! છોકરો લોહીલુહાણ થઈને આયો તેની પડી નથી અને લોક સાંભળે એની બીક છે ? સમાજના મોભીઓ થઈને બેઠા છો તે બધી પોલ એક દા’ડો ઉઘાડી પડી જશે.’
ડોસાના જોડાયેલા હાથ આગળ નમી પડ્યાં. ‘કઈ પોલ ઉઘાડી પાડીશ, ભાઈ ? અમે શું પાપ કર્યાં છે એ કહે, એટલે આવડે એવું પ્રાયશ્ચિત કરીએ.’
‘દંભનો પડદો ચિરાઈ ગયો છે. છોકરાને રખડતો મેલીને લેર કરો છો તે ચરમપોશી દુનિયા નથી જોતી ! દુનિયાને તો હજાર આંખો છે. તારે એક નથી, ધૃતરાષ્ટ્ર !’
છેલ્લા શબ્દો વધારે ઊંચેથી બોલાયા, કારણ કે ડોસી એને ધકેલતાં રસોડામાં લઈ જતાં હતાં. ‘પાડામાં જોર કેટલું છે ! દારૂ પીને આયો છે ? ટપલીઓ મારીશ નહીં મુવા, માથું ફોડી નાખ્યું.’
ડોસાના હોઠ અવાજ વગર ઝડપથી હાલવા લાગ્યા. આ જોડીની પાગલ સંગત એમને સમજાતી નહોતી. બે સરખાં ભંગા થયાં છે ! ‘શું હસો છો ?’ એ છતના ખૂણાઓ સામે જોઈ બબડ્યા, ‘શું દાંતિયા કરો છો ?’
એમની ક્રિયાઓમાં સાતત્ય નહોતું. એકદમ પલાંઠી મારી, ચહેરા અને આખા શરીરને ઠાવકું બનાવીને એ બારણા બાજુ નમ્યા અને આંધળી આંખો રસોડા તરફ માંડી ‘કનુભાઈ, ભાઈ, આવું ન કરીએ ! ડાયા થઈએ ! તમારે મન ગમ્મત હોય, પણ આ આપણી અજડ પ્રજા એ સમજે નહીં અને રાજી થાય. ભાઈ, કનુભાઈ-’
અવાજ રસોડા સુધી પહોંચતો નહોતો એ સ્પષ્ટ થયું, એટલે એ પ્રયત્ન પડતો મૂક્યો, પણ બબડાટ ચાલુ રહેયો. ‘આટલો વ્યર્થ વ્યર્થ ! આવો સુંદર દેહ ! રાજાના કુંવર જેવું, અરે ઋષિકુમાર જેવું રૂપ ! બુદ્ધિ, વાકચાતુર્ય-’ સામે ચોપડી પડી હોય અને એનું પાનું ફેરવતા હોય, એમ હવામાં આંગળી ફેરવતાં એ બોલ્યા, ‘આ-આ-આટલો એક કાગળવા જ ફેર. આમથી આમ થવાની જ વાર. કનુભાઈ સહેજ આમ ખસો ને ! એક દોરા જેટલા અમારી બાજુ આવો ને, દીકરા !’
આકાશમાં ફૂલોની છાબડીઓ લઈ, અર્ધ વર્તુળમાં બેઠેલા પૂર્વજો દેખાયા. એ મંડળીમાં જે છેલ્લા જોડાયા હતા, થોડાં જ વર્ષો પૂર્વે, તે તો એક હાથમાં છાબડી રાખી, બીજા હાથે લાકડી પછાડતા હતા. ડોસાએ એમને સંભળાવ્યું, ‘લાકડીઓ ખખડાવવાથી કંઈ વળવાનું નથી. છાનામાના પુષ્પવૃષ્ટિ કરો !’
ગોળ અને ઘી શેકવાની સુગંધ ઉપર ચડીને વાતો આવતી હતી. ‘હાશ ! નાયો તે શરીર કેવું ફૂલ જેવું થઈ ગયું ! ખાઈને પંખા હેઠે બે ઘડી આડો પડ. પછી હું દસની નોટ આલું તે ગણપત પાસે જા, આવાં જટિયાં-દાઢી આપણને શોભે ? કોઈ કહેશે બાવો.’ ‘દસની નોટ આ બુસકોટના ખિસ્સામાં સરકાવો, મમ્મી, પણ એમ દાઢી કઢાય નહીં. એ તો તમારા જેવાને બીવરાવવા રાખી છે. જ્યાં એન્ટ્રી પડે ત્યાં ટેરર થઈ જાય, રાવણ આયો, રાવણ આયો ! હળવે ચાવીને ખા. આમ બાચકાં શું ભરે છે ! ચાવીને ખાઈએ તો પેટમાં અમી થાય, જોને તારું મોઢું ! ભજિયા, બ્રેડના ડૂચા અને ચા ‘ના ના, મમ્મી ડાર્લિંગ., એવું નથી. ચારે બાજુ તમારા કુંવરનાં અછો વાનાં છે. સોને કી છડી છે. તારી વ્રતની ચોપડીઓમાં નથી આવતી ? એવી અપ્સરાઓ આમ નમીને પ્યાલીઓમાં સૂરા રેડે છે. પીઓ પ્રાણનાથ !’
બારણા તરફ ડોકી નમાવીને બેઠેલા ડોસાએ કાન ઉપર હાથ મૂકી દીધા અને એ તાડૂક્યા, ‘તું સામે ચોંટીને ઢાપલી થાય છે, તે ઊભી થા. લાજ, લાજ !’
કનૈયાનું ખડિંગ હાસ્ય રસ્તા સુધી પડઘાયું. થોડી વારે ઘર જંપી ગયું. ડોસાની પણ આંખ મળી ગઈ.
‘ગુડ આફ્ટરનૂન સર !’
બારીમાંથી તડકો આવતો હતો. એમાં સોને મઢ્યો હોય એવો આકાર કમરેથી ખૂબ નમીને હાથ જોડી ઊભો હતો. બે બાજુ પાંખો જેવું પણ દેખાતું હતું.
બીજું સૂઝ્યું નહીં, એટલે ડોસાએ સરખા બેસતાં ગંભીરતાંથી પૂછ્યું, ‘ક્યાં ગયાં તારાં બા ?’
‘મધરને પતાવી દીધા. હવે આપનો ટર્ન.’
આ જુઓને રામો ! ઓશીકું સરખું થયું અને ખભે ડોસીના હાથનો સ્પર્શ થયો. ‘સાચવજો, અહીં વાડકો છે.’
બા, ચામાં દૂધ નાખીને આપે છે ? બે હાથે વાડકો પકડીને બચ્ બચ્ પી જાય છે !
પાંપણો જોરથી બંધ કરીને ડોસા મનમાં ત્રણ વાર ગાયત્રી બોલી ગયા. પછી ખાટલા ઉપર પોતાની પાસેની જગ્યા બતાવી, ‘કનુભાઈ અહીં બેસો.’
આનો જવાબ મળ્યો નહીં અને સામે ઊભેલા આકારનું તપ ચાલુ રહ્યું, એટલે એ ડોસી તરફ ફર્યા, કનુની બા, કનુને એકલો ચા પાયો કે કાંક નાસ્તો કરાવ્યો ?’ વળી, ચાદર ઉપર હાથ ઘસ્યો, ‘અહીં બેસો, ભાઈ શાંતિથી વાત કરો.’
‘હું કહું છું, બે દા’ડા રહી જા. બે-ચાર ટંક ઊનું ઊનું ખા. હું લૂગડાં સાંધી દઉં. બાપ-દીકરો બેસીને રૂપાળા વ્યવહારની વાતો કરો. ઘણું કહું છું પણ આને તો કેડે ભમરા પડ્યા છે. બસ, ટાઈમ મથી !’
‘એવું નથી, કનુની બા, ભાઈને કેટલી જવાબદારીઓ એ તમે સમજ્યાં નથી. કેટલી બોર્ડ-મિટિંગો હોય, કેટલો મિનિસ્ટરોને મળવાના ટાઇમ આપ્યા હોય !’
‘અહાલેક !’
તેજસ્વી આકાર જમણો છોડી ડાબા પગ ઉપર ઊભો રહ્યો.
ડોસાએ કહ્યું કે ‘આ તું શું કરે છે ?’
‘ડોઝરું ભરાયું. હવે ભોજનાન્તે દક્ષિણા, હા હા !’
ડોસાએ બે ઊંડા શ્વાસ લીઘા, પછી આંખો ખોલી નાખી. ‘અહીં બેસ, ભાઈ મારે બે ફરિયાદ કરવી છે. મને તો આ ખૂણામાં નાખી રાખ્યો છે. પડ્યો પડ્યો સડ અંધારામાં ! તારે તારી બાને છપકો આપવો પડશે.’
ડોસીએ સામી ફરિયાદ કરી, ‘સાંભળજે કનિયા ! આટઆટલી વેઠ કરીએ છીએ તેની આ કરદ.’
‘તે ક્યાં તમારી પૂંઠ પાછળ બોલું છું ? આ તમે બેઠાં છો, આ ભાઈ ઊભો છે. મને લોકોની પઠ્યમ કેડે બોલતાં નથી આવડતું, સામી છાતીએ કહું છું. !’
‘નાણાં કોથળી સાવધાન !’
ડોચાના ઊંચા થયેલા હાથ ખાટલા ઉપર પછડાયા, આ નરધનને પથ્થર ઉપર પાણી છે.’
‘બાળક બંધાઈ રહ્યો છે એને જલદી છૂટો કરો. ક્વિક !’
ઓશીકા નીચેથી કાઢીને ડોસાએ બે-ત્રણ નોટો ફેંકી ! ‘લે, ટળ અહીંથી.’
કનૈયાએ નીચા વળીને એ નોટોને ઉપાડી લીધી અને ખિસ્સામાં મૂકી. ‘દસની નોટો તો પસ્તી કહેવાય, ડેડી. લીલી કાઢો, લીલી !’
ડોસા બબડ્યાં, ‘મૂવો ઘરડો થયો’ ‘ઓન્લી ફોરટી ટુ, મમ્મી. બાલુડો કહેવાઉં.’
પછી એણે ડોસાના કાન પાસે મોં લાવી ખાનગીમાં વાત પૂછતો હોય એમ સહાનુભૂતિથી પૂછ્યું, ‘કઈ ચાપ દબાવું તો મશીનમાંથી પૈસા નીકળે, પેટ કે હૈડિયો ?’
ડોસી ઊભાં થયાં અને લાકડાના કબાટમાં સાડલા નીચેથી કાઢીને પૈસા ધર્યા. કનૈયાએ લઈને ગણ્યા વગર લેંઘાના ખિસ્સામાં મૂક્યા અને અટકી અટકીને હસ્યે ગયો. પાછાં નીચે બેસીને ડોસી નખ વડે ઇસને ખોતરવા લાગ્યાં. ‘તને હસવું આવે છે. કનિયા ?’
કનૈયાએ જવાબ આપ્યો નહીં. એના શરીરમાંથી નૃત્ય ઓસરી ગયું હતું. સોનેરી તેજ એણે ઉતારીને ફેંકી દીધું હતું. પીઠ ફેરવી, કંઈક નરમ અવાજે ‘થેન્ક્યુ કરતો એ ચાલ્યો ગયો. જાળી પછડાઈ નહીં. આવા તડકામાં એટલું બોલીને ડોસી બેસી રહ્યાં.’
કાચા રસ્તાની બાજુમાં મોટું મેદાન હતું. થોડે જ આગળ નાની નદી ઉપર પથ્થરનો જૂનો પુલ હતો. મેદાનમાં વેંત જેટલું ઘાસ હતું. એ પૂરું થાય ત્યાં ઝાડી હતી. પુલ પાર કર્યા પછી નદીને સામે કિનારે અને ઝાડીની પાછળ શું હતું એની ખબર નહોતી. દ્રશ્ય ચોસલાની જેમ કાપીને તાજું જ જૂદું કાઢ્યું હોય એમ નીતરતું હતું. પીળા તડકામાં ઝાકળથી ચળકતા ઘાસમાં સ્વેટર અને ગરમ ટોપી પહેરી કનૈયો ઉઘાડે પગે દોડતો હતો. બાપ પણ હાથ ફેલાવીને એ પગલાઓને અનુસરતો દોડતો હતો. વચ્ચે વચ્ચે છોકરો પાછળ જોઇને ખિલખિલ કરી લેતો હતો. એક ક્ષણ માટે બંનેના હાસ્યને અને આજુબાજુના દ્રશ્યને એક પક્ષીની વિલંબિત કિલિયારીએ જોડી દીધાં –
અચાનક અંધારું થઈ ગયું. એની વચ્ચે ખાઈમાં ડૂબતો અને દૂર દૂર જતો સ્વર સંભળાયો, ‘બાપા !’
ડોસા ખાટલામાં ઊંચા થઈ ગયા, ‘હા બેટા !’ આ આવ્યો !’
પછી એ બોલ્યા વગર બેસી રહ્યા. ક્યાંય કોઈ અવાજ નહોતો. ઈસ ઉપર માથું રાખીને ડોસી ઊંઘતા હતા.
0 comments:
Post a Comment