(સાદર ઋણસ્વીકાર : ‘વૃદ્ધ માતાની સેવામાં’માંથી)
મરો એક સંકલ્પ છે. ખરું જોતાં મારો આ એક જ સંકલ્પ છે, અને બીજું બધું મારી જિંદગીમાં ગૌણ જ છે. હા, અનેક કામ છે, અનેક યોજનાઓ છે, સેંકડો પ્રવૃત્તિઓ છે અને વિવિધ જવાબદારીઓ છે. ઠીક છે. કરું છું. કરતો રહીશ. પણ મારે મન એનું મહત્વ નથી. આજે કરું અને કાલે મૂકી દઉં. આ મારાં પુસ્તકો છે. લખું જ છું. હજી ઘણાં લખવાં છે. એક લખું એમાં બેનાં બીજ મનમાં આવે, એટલે એનો અંત નહિ આવે એમ લાગે છે. તો ય આજે જ જો કલમ મૂકવાની થાય અને મનની અંદરનાં બધાં પુસ્તકો મનની અંદર જ રહી જાય તો હું એનો વસવસો નહિ કરું. ઘણું લખ્યું. કેટલું હજી લખાવાનું છે ? લખાશે તો લખીશું. અને પૂર્ણવિરામ આવે તો પૂર્ણવિરામ મૂકીશું એટલી જ વાત છે.
લાંબું જીવવાનો મને મોહ પણ નથી. મરવું તો ગમતું નથી, કારણ કે જીવનમાં મને મઝા આવે છે, પણ ઉપડવાની આજ્ઞા આવે ત્યારે ફરિયાદ નહિ કરું. પૂરું જીવન જીવ્યો. સાચો આનંદ માણ્યો. હવે આગળ બીજો કોઈ ઉત્કૃષ્ટ અને ઊંચી જાતનો આનંદ માણવા તૈયાર. ચાલો, આગળ જઈએ.
પણ એમાં એક જરીક વાત આવે છે અને મારો પેલો એકનો એક સંકલ્પ પણ આવી જાય છે. મને મરવામાં કોઈ વાંધો નથી; તૈયારી જ છે. મને મોતનો ડર નથી અને આ અવસ્થાનો પરિગ્રહ નથી. ભગવાનને કહું છું કે મને ગમે ત્યારે બોલાવવાની એને છૂંટ છે. જોકે હું ન કહું તો ય એને છૂટ છે, અને છેવટે મને પૂછ્યા વગર અહીંથી ઉપાડશે. તો ય કહું છું અને એને માટે રસ્તો મોકળો બનાવી આપું છું. અને ત્યારે સાથે સાથે ભગવાનને એક વિનંતી કરી લઉં છું : “ભગવાન, મને ગમે ત્યારે લઈ લેજો, ગમે તે સયોગોમાં અને ગમે તે કાળે લઈ લેજો. તમારી ઇચ્છા અત્યારથી માથે ચડાવું છું અને મારી સંમતિ અત્યારથી આપી દઉં છું. પણ એક વિનંતી છે : મારાં બા જાય, પછી ગમે ત્યારે હું જાઉં : પણ તે પહેલાં તો નહિ. બાનાં નેવું વર્ષ પૂરાં થયાં, ને હજી, સ્વાસ્થ્ય છે અને ઘણું જીવી શકે એમ છે અને હું ઇચ્છું છું કે તે ઘણું જીવે, સારી તંદુરસ્તી સાથે જીવે, પૂરા સંતોષ સાથે લાંબું લાંબું જીવે. અને હું સાથે જ જીવું. એની સેવા કરતો રહું. એને સાથ આપતો રહું. એને હૂંફ આપતો રહું. એની પાસે જ રહું. એ હજી જીવે અને હું મરી જાઉં તો એને કેટલું દુ:ખ થાય, ભગવાન ! માટે એવું ભૂલેચૂકે થવા નહિ દો, મેં જો કોઈ પુણ્ય કર્યાં હોય તો એનો શુભ બદલો આ આપો; અને મારા પુણ્ય સિવાય તમારી દયા છે એને આધારે આ પ્રાર્થના કરું છું. બા લાંબું જીવે, અને હું એટલું તો જીવું. પછી ઊપડવા તૈયાર. આટલી પ્રાર્થના છે. જિંદગીનો મારો આટલો સાચો ઊંડો આદ્ર સંકલ્પ છે.
આ હું કાંઈ લખવા ખાતર તો નથી લખતો. આ અનુભવમાળા કંઈક ભદ્ર રીતે પૂરી કરવા માટે પણ નથી લખતો. ખરું કહું તો આ લખવું સહેલું નથી. હૃદયની નિજી વાત છે. એ કાગળ ઉપર છતી કરતાં મનને કષ્ટ પડે છે. એ કરવા માટે હિંમત પણ જોઈએ. પણ કરું છું કારણ કે એ મારો અંતરતમ ભાવ છે, અને એ વગર આ કથા અપૂર્ણ રહે અને મને સંતોષ નહિ થાય.
આ વાત જાહેર કરીને ભગવાનને બાંધવા માગું છું એમ પણ નથી. ભગવાન મુક્ત જ છે. એને યોગ્ય લાગશે તેમ કરશે. પણ હું પણ મારી વાત કરવા મુક્ત છું, અને એ નીડરતાથી અને નમ્રતાથી કરી છે. કર્યા બાદ હવે દિલમાં રાહત અનુભવું છું. આટલી જ ચિંતા હતી તે મૂકી દીધી. હવે ફક્ત એક કામ બાકી છે. આ વાતો મેં ગુજરાતીમાં લખી છે તે એનું બોલતું ભાષાંતર કરીને પૂ.બાને મારે હવે વાંચી સંભળાવવી છે. બધી વાતો કરીશ. મારા દિલમાં જે જે છે અને જેવું છે એ બધું એમને જોવા દો. એ પણ એમની સેવા છે.
0 comments:
Post a Comment