- શ્રી આશિષ ખારોડ
(સાદર ઋણસ્વીકાર : નવનીત સમર્પણ)
વિશ્વની પ્રત્યેક પ્રજા કોઇ ને કોઇ પ્રકારના ઉત્સવો ઉજવીને જીવનમાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કરતી હોય છે. એક અંદાજ મુજબ વર્ષના 365 દિવસોમાં હિન્દુ પ્રજાના ઉત્સવોનો આંક એક હજાર જેટલો થવા જાય છે. આ પૈકીના કેટલાક વહેતા સમયની સાથે પોતાનો પ્રભાવ ગુમાવી બેઠા છે તો કેટલાક માત્ર અમુક સંપ્રદાયો પૂરતા મર્યાદિત રહ્યા છે.
આ બધા જ ઉત્સવોમાં ગુજરાત માટે સૌથી પ્રભાવશાળી ઉત્સવ દિપાવલીનો છે. વાઘબારસથી શરુ કરીને ભાઇબીજ સુધીનો સળંગ છ દિવસનો આ તહેવાર ગુજરાતની પરંપરાનો એક મહત્ત્વનો ભાગ છે.
દિપાવલીના ઉત્સવમાં જેટલું મહત્ત્વ તેના નામ સાથે સંકળાયેલ દીપમાલાનું છે, તેટલું જ મહત્ત્વ ઘરના આંગણામાં શોભતી રંગોળીનું છે. રંગોળીના પ્રથા પણ દિવાળી જેટલી જ પ્રાચીન છે. વાત્સ્યાયનના `કામસૂત્ર'માં જે ચોસઠ કળાઓનો ઉલ્લેખ થયો છે તેમાં `આલેખ્યમ્' એટલે કે રંગોળીની કળાનો પણ સમાવેશ છે. ભાસ્કર ભટ્ટ રચિત `શિશુપાલવધ'માં `રંગાવલિ' તરીકે રંગોળીનો ઉલ્લેખ છે. આજે માત્ર માંગલિક પ્રસંગોએ જ દોરવામાં આવતી રંગોળીનો પ્રાચીન સમયમાં સુશીલ ગૃહિણીના દૈનિક કાર્યમાં સમાવેશ થતો.
રંગોળીનાં વિવિધ નામો
ગુજરાતમાં રંગોળી તરીકે ઓળખાતી આ કલા દેશના વિભિન્ન ભાગોમાં અલગ - અલગ નામથી ઓળખાય છે. બંગાળમાં `અલ્પના', મધ્ય પ્રદેશમાં `ચૌકપૂરના' રાજસ્થાનમાં `માંડણાં', આંધ્ર પ્રદેશમાં `મુગ્ગૂ', મહારાષ્ટ્રમાં `રંગોળી' તામિલનાડુમાં' કોળમ્', વૈષ્ણવ મંદિરમાં `સાંઝી' અને પારસીમાં `છાપાં' તરીકે આ કળાનાં સ્વરુપો પ્રચલિત છે.
રંગોળીની પદ્ધતિઓ
પરંપરાગત રીતે રંગોળીમાં ધરતીમાંથી પ્રાપ્ત રંગોનો જ ઉપયોગ કરવામાં આવતો. સફેદ ખડીચૂનો, કંકુ-ગુલાલ, હળદર, સિંદૂર, ચોખા, વિવિધ રંગનાં ધાન્ય અને કઠોળથી જ રંગોળીની રંગલીલાને સાકાર કરવામાં આવતી.
બંગાળમાં આ આકૃતિ આંગળીઓથી આલેખવાના કારણે મૂળ સંસ્કૃત શબ્દ - આલિંપન - ઉપરથી `અલ્પના' શબ્દ ઊતરી આવ્યો જણાય છે. સામાન્ય રીતે અલ્પનાનો રંગ સફેદ જ રખાય છે. દિવાળી અને નાગપંચમીના તહેવારો ઉપરાંત લગ્ન પ્રસંગે પણ રંગોળી દોરવાનો રિવાજ છે.
રાજસ્થાનનાં માંડણાં બંગાળની અલ્પનાને મળતાં આવે છે. પણ અહીં જમીન ઉપરાંત દીવાલ ઉપર પણ માંડણાં કરાય છે. દક્ષિણ ભારતમાં સળંગ રેખા દ્વારા અંત વિનાની અટપટી આકૃતિ બનાવાય છે. કૃષ્ણજન્મ પ્રસંગે પણ `કોલમ' તરીકે ઓળખાતી આ રંગોળી ચીતારાય છે અને પોંગલના ઉત્સવ સમયે જે રંગોળીનું આલેખન થાય તેમાં પહેલેથી આકૃતિ નકકી કરવામાં આવતી નથી. કોઇ પણ પ્રકારના પ્રયાસ વિના રેખાઓ ખેંચાતી જાય અને રંગોની અવનવી ભાત પડતી જાય છે.
રંગોળીમાં પ્રતીકોનું વૈવિધ્ય
ગુજરાતમાં ચીતરાતી રંગોળીઓમાં લક્ષ્મીજીનાં પગલાં, સ્વસ્તિક, કળશ, હાથી, મોર કે પોપટ જેવાં પ્રતીકો પ્રયોજાય છે. એક રીતે જોઇએ તો રામાયણકાળની લક્ષ્મણરેખા પણ રંગોળીનો જ પ્રકાર હતી. એની સીમાની અંદર રહેનાર પર અમંગળ દ્રષ્ટિ પડી શકતી નહોતી. રંગોળીનું વર્તુળ ગ્રહોના ભ્રમણમાર્ગનું પ્રતીક ગણાય છે. ચોરસ આકારની રંગોળીને યજ્ઞકુંડની પ્રતિકૃતિ માનવામાં આવે છે. ચાર સરખા ખૂણાવાળી રંગોળી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતિનિધિત્વ કરતી મનાય છે.
ટુંકમાં, રંગોળીની આકૃતિને ગમે તે નામ કે અર્થ આપીએ, પરંતુ એક વાત નિશ્ચિત છે કે રંગોળી એ સદીઓથી ચાલી આવતી પૃથ્વીની પૂજાનું પ્રતીક છે.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment