સૌરાષ્ટ્રે સોમનાથં ચ


- મીનાક્ષી ઠાકર
(સાદર ઋણસ્વીકાર : ગુજરાતનાં તીર્થધામો માંથી)
આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથિનાં જ્યાં રાજ્ય,
ગ્રીસરોમથી ય જૂનાં
કુરુ પાંડવથીયે પ્રાચીન,
સોમનાથ, ગિરિનગર, દ્વારકા
યુગયુગ. ધ્યાનવિલીન
ઊભીને કળસિન્ધુને તીર
બજાવે બંસરી ભવ્ય સુધીર
ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ !
રમણીય ગુર્જર ભૂમિની પશ્ચિમે કચ્છથી દમણ સુધીનો સાગકાંઠો વિશાળ છે. સુંદર છે, સમૃદ્ધ છે ને આકર્ષક છે. તેમાંય સોમનાથનું ભવ્ય મંદિર સમયની અનેક પડછાટો પછીય અડીખમ, અણનમ, ભવ્યતા અને પવિત્રતાની સાક્ષી પૂરતું ઊભું છે.

સૌરાષ્ટ્રના દક્ષિણે આવેલ લીલીનાઘેર વિસ્તારમાં વેરાવળથી માત્ર 6 કિ.મી.ના અંતરે દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શંકર આ તીર્થોમાં અનંતકાળથી રહ્યા છે અને અનંતકાળ સુધી રહેશે.

આખા કાઠિયાવાડનું ક્ષેત્રફળ બાવીસ હજાર ચોરસ માઈલ અને લંબાઈ 160 માઈલ તથા પહોળાઈ 215 માઈલ છે. પૂર્વમાં ખંભાતના અખાતથી, ઉત્તરમાં કચ્છના અખાતથી અને પશ્ચિમમાં તથા દક્ષિણમાં અરબી સમુદ્રથી બંધાયેલો આ દ્વીપકલ્પ ખંભાતના અખાત અને કચ્છના અખાત વચ્ચે ગુજરાત સાથે જોડાયેલો છે. આ બે અખાતને જોડનારી સીધી લીટી નળ નામની કોઈ મોટી નદીનું તળ હોય એમ લાગે છે. એક કાળે બેટરૂપ અને અત્યારે દ્વોપ-કલ્પરૂપ આ પ્રદેશમાં જમીન, ઝાડપાન, જનાવરો અને અને માણસો ગુજરાતથી જુદાં પડે છે. પ્રાચીન કાળમાં એ દૂધ અને મધની નદીઓનો દેશ ગણતો. એની સમૃદ્ધિથી આકર્ષાઈને અરબસ્તાન, તર્કસ્તાન, ઉત્તર આફ્રિકા અને યુરોપના અગ્નિ ખૂણાના ભાગનાં વેપારી વહાણો સુરાષ્ટ્ર-હાલનાં સૌરાષ્ટ્ર-નાં બંદરોમાં આવતાં. પ્રાચીન અવશેષો અને પ્રાચીન દેશી તથા પરદેશી ઉલ્લેખો પરથી એવું જણાય છે કે કાઠિયાવાડનો દક્ષિણ પ્રદેશ, ઘણું કરીને ઉત્તરમાં ભાદર નદી, પશ્ચિમમાં માધવપુર, પૂર્વમાં તુશીશ્યામ અને દક્ષિણમાં સમુદ્રથી બંધાયેલો નાનો પ્રદેશ પ્રાચીનકાળમાં આર્યોએ વસાવેલો હશે અને એ જ પ્રદેશને પ્રભાસક્ષેત્ર કહે છે.

ભારતકાળમાં પ્રભાસ તીર્થસ્થાન હતું. એ સ્થળે સરસ્વતી, હિરણ્યા અને કપિલા એમ ત્રણ નદીઓનો સમુદ્રના કાંઠા ઉપર સંગમ થાય છે.

પ્રભાસમાં શિવનું કાલભૈરવ લિંગ આવેલું છે. આ શિવલિંગની ચંદ્ર ભારે ઉપાસના કરતો. આથી દેવો ચંદ્ર ઉપર પ્રસન્ન થયા અને ચંદ્રને વરદાન આપ્યું કે ભગવાન સદાકાળ ભક્તને નામે જ ઓળખાશે આથી ચંદ્રના નામ ઉપરથી આ શિવલિંગ સોમનાથના નામે ઓળખાયું. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં સોમનાથ લિંગનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. એ સ્વયંભૂ લિંગ અત્યંત ક્રાંતિમાન છે. સૂર્યના બીંબ જેવું તેજસ્વી છે. સર્પથી આવૃત્ત છ અને તે ભૂગર્ભમાં આવેલું છે.
સોમનાથનું મંદિર ધાર્મિકતા સાથે પૌરાણિકતા અને ઐતિહાસિકતા પણ ધરાવે છે. આ મંદિર સૌ પ્રથમ ઈસવીસનના ચોથા સૈકામાં બંધાયું હોવાનું અનુમાન છે. (ડો. રસેશ જમીનદાર) આ મંદિરના અવશેષો અહીંના સંગ્રહાલયમાં પ્રદર્શિત છે. અરબી ઇતિહાસકાર અલ બીરૂનીએ આ તીર્થક્ષેત્રની મુલાકાત લીધી હતી. અહીં મસ્જિદો પણ આવેલી છે.

ઈ. સ. 1024ની સાલમાં મહંમદ ગીઝનીએ આ ઐતિહાસિક સોમનાથના મંદિરને લૂંટ્યું હતું. ભૂતકાળમાં આ મંદિરની જાહોજલાલી પુષ્કળ હતી. દરરોજ ગંગા નદીમાંથી ગંગાજળ અને કાશ્મીરમાંથી ફૂલો લાવવામાં આવતાં. રોજ દસ હજાર ગામડાંની આવક મંદિરોમાં આપવામાં આવતી. રોજની પૂજા માટે એક હજાર બ્રાહ્મણ રોકવામાં આવતા. મંદિરમાં નૃત્ય અને સંગીત માટે 350 નર્તકીઓ રહેતી હતી. બસો મણની સોનાની સાંકળ વડે ઘંટનાદ કરવામાં આવતો. મંદિરમાં 56 જેટલા રત્નજડિત સ્થંભો હતા. આ દરેક સ્તંભને ભારતવર્ષના જુદા જુદા શૈવધર્મી રાજાઓએ સુવર્ણના પતરાથી મઢાવ્યો હતો. તેના ઉપર હીરા, પન્ના, મામેક મોતી, ગોમેદ, પોખરાજ વગેરે રત્નોનું જડતર કરવામાં આવ્યું.  ઈંટોથી બંધાયેલ ગર્ભગૃહની વચ્ચે આવેલા સોમનાથ મહાદેવનું લિંગ દસ ફૂટ ઊંચું અને 6 ફૂટ જાડું હતું. આ લિંગ ચાર ફૂંટ જેટલું જમીનમાં દટાયેલું હતું. ગુજરાતના સોલંકી રાજા ભીમદેવે બુંદલખંડની જીતમાંથી મેળવેલી સોનાની પાલખી સોમનાથના મંદિરને અર્પણ કરી હતી. એ રીતે ઘણાય રાજાઓ સોમનાથના મંદિરને ભેટો ધરતા હતા. એ વખતે જ મંહમંદ ગીઝનોએ ચડાઈ કરી અને વીસ લાખ રૂપિયાની રકમ જેટલી લૂંટ કરીને ગીઝની પાછો ફર્યો. આ પછી થોડા દિવસોમાં સોલંકી રાજા ભીમદેવે ચડાઈ કરી આખું ગુજરાત કબજે કર્યું અને સોમનાથનું મંદિર બંધાવવા માટે વિમળશાહને જણાવ્યું. આ મંદિર ઘણું મહાકાય હતું. આ મંદિરના ગર્ભગૃહમાં દાખલ થવા માટે ત્રણ માર્ગો હતા. છત્રીસ થાંભલા ધરાવતો ભવ્ય ગૂઢમંડપ ઉત્તમ સોલંકી શ્રેણીની ઝાંખી કરાવતો ઊભો છે. મંદિરોની છતના મળેલા અવશેષો ઉપરથી સાબિત થાય છે કે ગૂઢમંડપની કોતરણી અદભૂત હશે. ગૂઢમંડપ બે મજલાવાળો હશે. ભીમદેવના સમયમાં પાશુપત સંપ્રદાયના આચાર્યોને સોમનાથની ગાદી સોંપવામાં આવી હતી. આ આચાર્યોએ આશરે ત્રણસો વર્ષ સુધી સોમનાથના મંદિરની ગાદી શોભવી હશે.

ઈ. સ. 1225માં ભાવ બૃહસ્પતિએ સોનમાથની પ્રશસ્તિ લખેલી છે. આ પ્રશસ્તિનો ભાંગેલો પથ્થર પ્રભાસપાટણમાં જ ભદ્રાકાળી આગળના મંદિરની એક દીવાલમાંથી મળ્યો છે. પ્રશસ્તિમાં સોમનાથ મંદિરની પ્રખ્યાત દંતકથા આપી છે જેમાં લખ્યું છે : સોમનાથનું મંદિર પ્રથમ સોમે (ચંદ્રે) સોનાનું બંધાવ્યું પછી બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું. કૃષ્ણે લાકડાનું બંધાવ્યું અને ભીમદેવે પથ્થરનું બંધાવ્યું. અને છેવટે કુમારપાળના વખતમાં સોમનાથના એ વખતના મઠપતિ ભાવ બૃહસ્પતિની દેખરેખ નીચે મોટા પાયા પર આ મંદિરની મરામત કરાવવામાં આવી.

સોમનાથનું મંદિર સૌ પ્રથમ મહંમદ ગીઝનીએ 1297માં, અલાઉદ્દીન ખીલજીના સરદાર અફઝલખાંએ સંવત 1374માં, ત્યારબાદ 1390માં, 1451માં, 1490માં, 1511માં, 1530માં અને છેલ્લે ઔરંગઝેબે ઈ. સ. 1701માં લૂટ્યું. આમ આ મંદિર સત્તર વાર લૂંટાયું. સોમનાથના મંદિરની તેજપ્રતિભા ઝાંખી થઈ ગઈ. પરંતુ જેટલી વાર મંદિર તૂટ્યું તેટલી વાર ફરીથી બંધાયું છે. ઈ. સ. 1783ની સાલમાં મહારાણી અહલ્યાબાઈએ આ સોમનાથ મંદિરની નજીકમાં જ બીજું મંદિર બંધાવ્યું હતું. જૂના મંદિરોને મસ્જિદના રૂપમાં ફેરવી નંખાયેલ હોવાથી બાજુની એક જગ્યા પસંદ કરીને મરાઠા શૈલીનું સુંદર મંદિર બંધાવ્યું જે હાલમાં મોજૂદ છે.
સોમનાથ મૂળમંદિદર દરિયાની સપાટી બરોબર હતું. સમુદ્રનાં જળ દરરોજ સોમનાથના લિંગને અભિષેક કરતાં હતાં. દરિયાનાં પાણીની અસર ન થાય તે માટે એ સમયે સોમનાથનું મંદિર સોનાથી બંધાવાયું હશે. સમય જતાં આ ભાગનું પુરાણ થવા લાગ્યું હશે. એટલે સોમનાથનું મંદિર ફરીથી ઊંચી ઊભણી ઉપર બંધાયું હશે.

નૂતન સોમનાથના મંદિરના પાયાનું ખોદકામ થતું હતું ત્યારે ભરતીની ઊંચામાં ઊંચી સપાટીની સાથે સરખાવતાં એ સપાટીથી તેર ફૂટ નીચાઈએ પાયામાંથી પુરાણા મંદિરની જગતિ મળી આવી હતી, આ મંદિરના પાયાના ખોદકામ દરમિયાન મૈત્રક કાળથી માંડીને સોલંકી કાળ સુધીના શિલ્પ સ્થાપત્યના અવશેષો મળ્યા હતા. જેમાં ઘણાં ઉત્કૃષ્ટ કોટિનાં મૂર્તિશિલ્પો તથા શિલ્પખંડો મળી આવ્યાં હતાં. જેમાં શિવ, ત્રિપુરાન્તક, નટરાજ, ભૈરવ, યોગી વગેરેના અવશેષો નોંઘપાત્ર છે. ભમદેવ પહેલાંના અને કુમારપાળના સમયના ઘણા અવશેષ સ્થાનિક મ્યુઝિયમમાં વ્યવસ્થિત ગોઠવાયેલા છે. નૂતન મંદિર બાંધવાનું નક્કી કરવામાં થોડી મુશ્કેલી પડી હતી. સ્વતંત્રતા મળી તે વખતે નેતાઓએ કહ્યું કે બિનસાંપ્રદાયિક ભારત રાજ્યે સોમનાથનું મંદિર શા માટે બાંધવું ? પરંતુ મક્કમ મનમાં, ધાર્યું કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું મંદિર ફરીથી બંધાવવા નિર્ણય કર્યો અને ભારતવર્ષે પોતાનું જૂનું ગૌરવ ફરી પ્રાપ્ત કર્યું.

સોમનાથનું મંદિર એ તો ભારતવર્ષના ચિંતકોને મન ધર્મસહિષ્ણુતાનું પ્રતીક છે. વેરનો બદલો વેરથી નહીં, પણ પુરુષાર્થથી પ્રાપ્ત કરનાર હિન્દુ ધર્મની ધર્મસહિષ્ણુતા સોમનાથમાં મૂર્તિમંત થાય છે. ધર્મશાળાઓ, આરામગૃહો, મહેમાનગૃહો વગેરેમાં યાત્રિકોને સગવડ મળે છે. સોમનાથમાં કોઈ પણ યત્રિકને ધર્મ, સ્વાસ્થ્ય અને પર્યટનનો ત્રિવિધ લાભ મળે છે.

સોમનાથ મંદિરની આસપાસ જોવાલાયક સ્થળોમાં, જૂના મંદિરના ફોટોગ્રાફસનું મ્યુઝિયમ-સોમનાથ મંદિરના જૂનાં શિલ્પોનો સંગ્રહ ભલિકાતીર્થ જ્યાં શ્રીકૃષ્ણને તીર વાગ્યું હતું અને અગ્નિદાહ દેવાયો હતો તે, પ્રભાસપાટણ પાસેનું હિંગળાજ માતાનું મંદિર, સૂર્યનારાયણનું મંદિર, સિદ્ધનાથ મહાદેવનું મંદિર, બળદેવજીનું મંદિર, રામચંદ્રજી અને કૃષ્ણ  ભગવાનનાં મંદિરો, ભીમેશ્વરનું મહાદેવ, નરસિંહજીનું મંદિર, ત્રિવેણીસંગમ, આદિપ્રભાસ અને જલપ્રભાસ નામના કુંડો આવેલા છે.

સોમનાથની આસપાસનાં જોવાલાયક સ્થળોમાં ચોરવાડ 25 કિ.મી. સાસણગીર 45 કિ.મી. દૂર આવેલું છે. સાસણમાં સિંહોની વસ્તી છે. સોમનાથ જવા માટે કેશોદ સૌથી નજીકનું એરપોર્ટ છે. જ્યારે સોમનાથથી પાંચ કિ.મી. દૂર આવેલા વેરાવળ સ્ટેશન સુધી અમદાવાદથી ટ્રેન રસ્તે સહેલાઈથી જઈ શકાય છે. વેરાવળ-સોમનાથ વચ્ચે બસ સર્વિસ છે. તેજમ અમદાવાદથી સોમનાથ 406 કિ.મી. દૂર હોવા છતાં ગુજરાત એસ.ટી. તથા ખાનગી લક્ઝરી બસો ઘણી જ દોડે છે.

સોમનાથના મંદિરની સામે જ સોમનાથ ગેસ્ટ હાઉસ, કામાણી ગેસ્ટ હાઉસ, પી.ડબલ્યું.ડી.ના ગેસ્ટ હાઉસ, સોમનાથ ટ્રસ્ટની ધર્મશાળાઓ વગેરે આવેલાં છે; જ્યારે વેરાળમાં પ્રવાસી બંગલો, પ્રવાસ નિગમું ગેસ્ટ હાઉસ, સરકીટ હાઉસ વગેરે આવેલાં છે. આમ ગુજરાતમાં તો વિવિધ રસ-રુચિવાળા લોકોને આકર્ષે એવાં ઘણાં પ્રવાસધામો અને તીર્થસ્થાનો છે. કવિએ યોગ્ય જ ગાયું છે કે-
જય સોમનાથ, જય દ્વારકેશ,
જય બોલો અંબાજી માતાની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ
યશગાથા ગુજરાતની,
જય જય ગરવી ગુજરાતની.

ભગવાન સાથે વાતચીત

(સાદર ઋણસ્વીકાર : મનનો માળો ભાગ-2માંથી)
એક માણસે ભગવાનને પ્રાર્થના કરી કે, ‘હે ભગવાન! મારી બધી ખરાબ આદતો તું લઈ લે!
તો ભગવાને કહ્યં કે, ‘ના! એ બધી ખરાબ આદતો મારે લેવાની નથી પરંતુ તારે છોડવાની છે!
પછી એણે ભગવાનને એવું કહ્યું કે, ‘હે પ્રભુ! મારાં અપંગ બાળકને તું સારો અને સંપૂર્ણ બનાવી દે!
ભગવાને જવાબ આપ્યો કે, ‘ના! એનો આત્મા તો સારો અને સંપૂર્ણ જ છે. સારું કે અપંગ એ શરીર છે, અને શરીર તો ક્ષણભંગુર છે!
ત્યાર બાદ એણે ભગવાનને વિનંતી કરી કે, ‘હે નાથ! મને ધીરજ અને સબૂરી આપ!
ત્યારે ભગવાને કહ્યું કે, ‘ના! ધીરજ અને સબૂરી એ તો કસોટીઓની નીપજ છે. એ અપાતી નથી, માત્ર શીખી શકાય છે!
હવે ખૂબ જ મક્કમ નિર્ધાર સાથે એણે ભગવાનને કહ્યું કે, ‘હે દીનાનાથ! મને તું સુખ આપ!
આ વખતે ભગવાન હસી પડ્યા. હસતાં હસતાં ઘસીને ના પાડતાં એમણે કહ્યું, ‘ના બેટા! હું તો તને ફક્ત આશીર્વદ આપું છું. સુખ અને દુઃખ એ તો તારા મનની પેદાશમાત્ર છે.’
હવે એ માણસે દૃઢતાપૂર્વક માગણી કરી કે, ‘હે ભગવાન! મારી પીડાને તો તું શમાવી દે. તું જો તો ખરો આટલી બધી પીડાને લીધે હું કેટલો હેરાન થાઉં છું?
એની દૃઢતાથી જરા પણ વિચલિત થયા વિના ભગવાન બોલ્યા, ‘ના! આ પીડા અને દુઃખો જ તને દુન્યવી કારણોથી દૂર રાખીને મારા સુધી લઈ આવે છે. અને તું બરાબર સાંભળી લે, હું તને ગુમાવવા નથી માંગતો!
એ માણસને નવાઈ લાગી. બધી જ વાતમાં ના પડતા ભગવાન પાસે ફક્ત એક જ વખતમાં બધું જ માંગી લેવાના વિચારથી એણે કહ્યું કે, ‘હે પ્રભુ! તું મને એ બધી જ વસ્તુઓ આપી દે જેથી હું જિંદગીનો આનંદ માણી શકું!
ભગવાન બોલ્યા, ‘ના! એમ નહીં, હું તને જિંદગી જ આપું છું જેથી તું એ બધી વસ્તુઓનો આનંદ લઈ શકે! !
હવે પેલા માણસની ધીરજની હદ આવતી જતી હતી. એકેએક વાતે નનૈયો ભણતા ભગવાનને ગમતું કંઈક કહેવાની અને એ રીતે માંગી લેવાની ગણતરી સાથે એણે કહ્યું, ‘હે નાથ! તું મારા આત્માનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવું કરી દે!
એના આશ્ચર્ય વચ્ચે આ વખતે પણ ભગવાને ના પાડી, અને કહ્યું, ‘હરગિજ નહીં! તારે તારી મેળે તારો વિકાસ સાધવાનો છે. પણ હા! હું તારામાં જરૂરી ફેરફારો ચોક્કસ કરીશ, જેથી તારી સાધના ફળે!
હવે એ માણસ બરાબરનો કંટાળી ગયો. શું માંગવું એનો પણ એને ખ્યાલ નહોતો આવતો. છતાં છેલ્લે એણે એમ માંગ્યું કે, ‘હે ભગવાન! તું મને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ હું બીજાં બધાંને કરી શકું એટલું તો શીખવાડ!
આ વખતે ભગવાન મંદ મંદ હસ્યા, જમણો હાથ ઊંચો કર્યો અને બોલ્યા, ‘હંમ...મ્...મ્... ! હવે બરાબર છે! હવે તને કંઈક સમજાયું હોય તેવું લાગે છે. જા, તથાસ્તુ! !

મનનો માળો (મોતીચારો ભાગ-2)


દૈવી પાંખો  

(સાદર ઋણસ્વીકાર : મનનો માળો ભાગ-2માંથી)
પરદેશના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વખત દાવાનળ ફાટી નીકળ્યો, સેંકડો કિલોમીટર્સમાં ફેલાયેલાં વૃક્ષો, છોડવાઓ તેમજ ઘાસ બળીને ભસ્મ થઈ ગયું. આગને ઠારતાં પણ થોડાક દિવસો લાગી ગયા. આગ સંપૂર્ણપણે ઠરી ગઈ પછી એ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પોતાના માણસો સાથે વન્ય જીવોની કેટલી ખુવારી થઈ છે તેનો અંદાજ લગાવવા માટે નીકળ્યો. એક પર્વત પર ચડતાં એમણે એક વિચિત્ર દૃષ્ય જોયું. બળીને સાવ ઠૂંઠા થઈ ગયેલા એક ઝાડ નીચે એક વિશાળ પક્ષી ઊભાં ઊભાં જ સળગી ગયું હતું. જાણે કોલસો જ બની ગયું હતું. ફોરેસ્ટ ઓફિસરે પોતાની લાકડીથી એ પંખીને આડું પાડ્યું. જેવું પંખી આડું પડ્યું કે તરત એની પાંખ નીચેથી ચીં... ચીં... કરતાં ત્રણ નાનકડાં અને થોડાક નબળાં પડી ગયેલાં બચ્ચાં નીકળી આવ્યાં. બધાંના આશ્ચર્ય વચ્ચે આટલી ભીષણ આગ વચ્ચે પણ એ જીવતાં રહ્યાં હતાં. એની માતાની દૈવી પાંખો નીચે એમને બરાબર રક્ષણ મળી શક્યું હતું. પેલી પક્ષી-માતાને ખબર જ હતી કે આગ બધે ફેલાવાની જ છે. આમેય પક્ષીઓને તો આની આગોતરી જાણ થઈ જતી હોય છે. એ ધારત તો ઊડીને દૂર પણ જઈ શકી હોત. પરંતુ પોતાનાં બાળકોને નોધારાં છોડી દેવાને બદલે એણે એમને પોતાની પાંખો નીચે ગોઠવી દીધાં હશે. જ્યારે અગ્નિની ઝાળ એને અડકી હશે ત્યારે પણ એ જરાક પણ હલી નહીં હોય, કારણ કે જો એ હલી જાય તો પાંખ નીચેથી બચ્ચાં બહાર આવી જાય. એ એમ જ ઊભાં ઊભાં જ સળગી ગઈ હશે. એનો નિશ્ચય કેવો દૃઢ અને અડગ હશે? એણે નક્કી કરી જ લીધું હશે કે એને મરવાનું જ છે, કારણ કે નાનકડી ત્રણ જિંદગીઓને હજુ જીવવાનું બાકી હતું...
આપણા અનેક અવતરો, મહાન પુરુષો તેમજ સરહદ પરના બહાદુર જવાનોએ આપણે શાંતિની જિંદગી જીવી શકીએ એ માટે આવી જ રીતે અગન-પિછોડી ઓઢી લીધી છે ને? એ દૈવી પાંખોનાં આપણે હંમેશ ઋણી રહીશું.

હાસ્યનો અવતાર


(સાદર ઋણસ્વીકાર : અરધી સદીની વાચનયાત્રામાંથી)
અમે નાના હતા ત્યારે અકબર બાદશાહ અને બીરબલની વાર્તાઓ બહુ જ રસપૂર્વક વાંચતા, સાંભળતા ને કોઈ હૈયાફૂટો અડફેટે ચડી જાય તો તેને સંભળાવતા પણ ખરા. અમારે મન બીરબલ હાસ્યસમ્રાટ હતો. સાચો રાજા અમને બીરબલ લાગતો; અકબર નહિ. બીરબલે અમારા પર જબરી ભૂરકી નાખેલી. આ બીરબલ રસ્તામાં મળ્યો હોય તો કેવો લાગે એવું હું મારા નાનકડા મનને પૂછ્યા કરતો.
-ને કો એક સભામાં શ્રોતાઓના સવાલોના તત્ક્ષણ જવાબ આપી તેમને ખડખડાટ હસાવતા જ્યોતીન્દ્રભાઈને સાંભળ્યા એ જ ક્ષણે કલ્પનાનો પેલો બીરબલ જ્યોતીન્દ્રનો દેહ ધરવા માંડ્યો. !
જ્યોતીન્દ્રને હું હાસ્યનો અવતાર જ ગણું છું. જ્યોતીન્દ્રનો પરિચય આપતાં એક સભામાં ઉમાશંકરે કહેલું : ‘‘જ્યોનીન્દ્રભાઈ હવે તો હાસ્યના પર્યાય તરીકે ઓળખાય છે. મને હસવું આવે છે એમ કહેવાને બદલે મને જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ...’’ આનો વિરોધ કરતાં જ્યોતીન્દ્રે ઉમાશંકરના કાનમાં એ જ વખતે કહેલું : ‘‘આ બાબત મારી પત્નીને પૂછવું પડે...’’
જ્યોતીન્દ્રને વાંચવાનો જેટલો આનંદ છે એટલો જ, બલકે એથી યે અદકો, આનંદ તો એમને સાંભળવાનો છે. હાસ્યકાર બધું જ હસી કાઢતો હોય છે, એવું આપણને આ હાસ્યકારને વાંચતાં કદાચ લાગે; પણ જ્યોતીન્દ્રને મળવાથી જુદો જ અનુભવ થાય. એમની પાસે બેઠા હોઈએ ત્યારે જાણે કોઈ જ્ઞાનની પરબે બેઠા હોઈએ એવું જ લાગ્યા કરે. આમ તો એ પંડિત-પેઢીના લેખક છે. છતાં પોતાના જ્ઞાનથી કોઈનેય આંજી દેવાનો પ્રયાસ એ ક્યારેય નથી કરતા. પંડિતાઈનો એમના માથે ખોટો ભાર નથી. હા, પંડિયાઈને વચ્ચે લાવ્યા વગર પોતાના લખાણમાં પંડિતાઈનો ઉપયોગ સરસ રીતે કરી શકે છે. સંગીતથી માંડીને બંદૂક સુધી ને વૈદકથી માંડીને સ્ટ્રિપ ટીઝ સુધીના બધા વિષયો પર તમને છક કરી દે એટલું જ્ઞાન તે ધરાવે છે.

તત્ક્ષણ જવાબ આપવામાં તો જ્યોતીન્દ્રનો જોટો જડવો મુશ્કેલ છે. કેવળ ગમ્મત ખાતર મેં કેટલાક હાસ્યલેખકોના ઇન્ટરવ્યૂ લીધેલા. એમાં હું જ્યોતીન્દ્ર પાસે ગયો ત્યારે એ બીમાર હતા. પથારીમાં સૂતા‘તા. શરીરે વધારે કૃશ દેખાતા. મને જોઈને ‘આવો’ કહી એ ઊભા થઈ ગયા ને શર્ટ પર તેમણે કોટ પહેરી લીધો. મને આશ્ચર્ય થયું. કદાચ બહાર તો નહિ જવાના હોય ! હું વગર એપોઇન્ટમેન્ટે ગયેલો. મેં સંકોચથી પૂછ્યું : ‘‘આપ ક્યાંય બહાર જાઓ છો ?’’

‘‘ના... આ તો મને બરાબર જોઈ શકો એ માટે કોટ પહેરી લીધો !’’

‘તમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું.’

‘‘ભલે, લઈ લો.’’ ખૂબ સ્વાભાવિકતાથી તે બોલ્યા. મેં તેમને માટે તૈયાર કરેલો પ્રશ્નપત્ર તેમની આગળ ધર્યો.

ને મેં પ્રશ્નો પૂછવા માંડ્યા. મારો પ્રશ્ન પૂરો થાય ન થાય, ત્યાં તો તે ફટાફટ ઉત્તર આપી દેતા. એમાંની કેટલીક પ્રશ્નોત્તરી આ પ્રમાણેની હતીઃ

‘‘તમે શા માટે લખો શો?’’
‘‘લખવા માટે... અક્ષરો સુધરે એ માટે !’’

‘‘તમે હાસ્યલેખક જ કેમ થયા ?’’

‘સહિત્યના બીજા પ્રકારોમાં શ્રેષ્ઠ જગ્યા ખાલી નહોતી. આમાં ખાલી જગ્યા જોઈને ઘૂસી જવાનો પ્રયાસ કર્યો. ભીડ ઓછી, જગ્યા મોટી; મારું શરીર નાનું ને ચાલ ઝડપી; એટલે થોડા સમયમાં ને ઝડપથી પહોંચી જવાશે એમ વિચારી પ્રયત્ન કર્યો. હજી પહોંચી શક્યો નથી.’’

‘‘તમે હાસ્યલેખક છો એવી ખબર પહેલવહેલી તમને ક્યારે પડી ?’’

‘‘મારા વિવેચનનો ગંભીર લેખ વાંચીને ત્રણચાર મિત્રોએ ‘અમને તમારો લેખ વાંચીને બહુ હસવું આવ્યુ’ એમ કહ્યું ત્યારે.’’

‘‘હાસ્યલેખકે લગ્ન કરવું જોઈએ એમ તને માનો છો ?’’

‘‘હા... કારણ કે હાસ્ય અને કરુણ રસ પાસે પાસે છે, એ સમજાય એ માટે હાસ્યલેખકે લગ્ન તો કરવાં જ રહ્યાં.’’

‘‘તમારા કોઈ ઓખળીતાના સ્વજન ગુજરી ગયા હોય તો એના બેસણામાં જઈને તેને આશ્ચાસન કેવી રીતે આપશો ?’’

‘‘એ તો ગયા, પણ તમે તો રહ્યાને ?- એમ કહીને (પણ કહેતો નથી).’

હસવા-હસાવવાની વાત થોડી વાર માટે બાજુએ મૂકીને વ્યવહારુ દૃષ્ટિએ જોઈએ તો જ્યોતીન્દ્ર જેવો બીજો અવ્યવહારુ-નિઃસ્પૃહી માણસ ભાગ્યે જ જડે. ગીતાની, ‘કર્મણ્યેવાધિકારસ્તે’ની ફિલસૂફી એમણે બરાબર પચાવી છે. તેમ એમની પાસે લેખ મંગાવો, પ્રસ્તાવના મંગાવો, એ તમને મોકલી આપે - વિદ્યાર્થી લેસન કરે છે એ રીતે.... બસ, પતી ગયું. એમનું કામ પુરું થયું. પછી એ લેખ તમે છાપ્યો કે નહિ, એમની પ્રસ્તાવના લખાયેલા પુસ્તકની નકલ તમે મોકલી કે નહિ કે પુરસ્કાર કેટલો આપવાના છો એ વિશે એમના તરફથી કોઈ જ પત્ર તમને નહિ મળે. ભાષણ કરવા લઈ જનાર ટ્રેનના ફસર્ટ કલાસમાં બેસાડે છે કે સેકન્ડ કલાસમાં એય તેમણે જોયું નથી. કશાની જાણે પડી જ નથી, સ્પૃહા જ નથી!

એકવાર જ્યોતીન્દ્ર કોઈ કોલેજમાં ભાષણ કરવા ગયા. કોલેજના પ્રિન્સિપાલે તેમનો પરિચય આપતાં કહ્યું : ‘‘જ્યોતીન્દ્રભાઈ ભાષણ કરતા હોય ત્યારે કોઈની મગદૂર છે કે તે હાસ્ય વગર રહી શકે ?’’

કોલેજનો એક વિદ્યાર્થી જરા વધુ  સ્માર્ટ હતો. તે વચ્ચે જ બોલ્યોઃ ‘‘બોલો, એ મને હસાવી ના શકે.’’ પ્રિન્સિપાલ જેવા પ્રિન્સિપાલ પણ એક વિદ્યાર્થીની જાહેરાતથી ચોંકી ગયા.

પછી એ વિદ્યાર્થીને સ્ટેજ પર જ્યોતીન્દ્રની બાજુમાં ઊભો રાખવામાં આવ્યો. જ્યોતીન્દ્રે બોલવાનું શરૂ કર્યું. બધા જ વિદ્યાર્થીઓ હસતા‘તા; નહોતો હસતો પેલો છોકરો. દાંત ભીંસીને તે ઊભો રહ્યો હતો. તે નહિ હસવાની જીદ પર આવી ગયો હતો. અરધોપોણો કલાક જ્યોતીન્દ્રે બોલિંગ કરી, બોલ સ્પિન કર્યા, પણ કેમેય કર્યો પેલો બેટ ઊંચકે જ નહિ - હસે જ નહિ. ભાષણ પુરું કરવાનો સમય પણ થઈ ગયો. છેલ્લી ઓવરના છેલ્લા બોલની જેમ જ્યોતીન્દ્રે છેલ્લું વાક્ય કહ્યું : ‘આ ભાઈ આજે તો શું, ક્યારેય નહિ હસે... એ કેમ નહિ હસે એનું સાચું કારણ હું જ જાણું છું : એમને બીક છે કે એમના પીળા દાંત કદાચ તમે બધા જોઈ જશો.’ - ને પેલો ફૂઉઉઉઉ... કરતો હસી પડ્યો.

ઘણાબધા હાસ્યલેખકો વાંચ્યા છે, માણ્યા છે, હાલમાં હાસ્યનું લખતા ઘણાખરા તો મારા મિત્રો પણ છે; પણ જ્યોતીન્દ્ર જેટલી ‘હાઈટ’ મને ક્યાંય દેખાઈ નથી.

વિનોદ ભટ્ટ
(‘વિનોદની નજરે’ પુસ્તકઃ 1979)



લોહીની સગાઈ


-ઈશ્વર પટેલીકર
(સાદર ઋણસ્વીકાર : 'માતૃમિહમા'માંથી)

મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતા ત્યારે એમની આંખમાં ઝળહળ્યાં આવી જતાં અને દરેકને એ એક જ જવાબ આપતાં : હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય ? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી  આવવા જેવું જ એ તો કહેવાય.

અમરતકાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડી ને મૂંગી દીકરીને એ રીતે  ઉછેરતાં, ચાકરી કરતાં, અને લાડ લડાવતાં એ પ્રત્યક્ષ જોઈ લોકો એમનાં વખાણ પણ કરતાં કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરતકાકી જ ઉછેરી શકે! બીજાને ઘેર હોય તો ભૂખીતરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય.

મંગુ સિવાય અમરતકાકીને ત્રણ સંતાનો હતાં : બે દીકરા અને એક દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા હતા, દીકરી પરણીને સાસરે રહેતી થઈ હતી. અમરતકાકી એ ત્રણે સંતાનોને વીસરી ગયાં હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતાં એમનું  ઘર બાળ પૌત્ર-પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઊઠ્યું. છતાં દાદીમા તરીકે અમરતકાકી હરખપદૂડાં થઈ જતાં નહિ. ભાગ્યે જ બાળકોને એ તેડતાં, રમાડતાં કે લાડ કરતાં.

માના આ વર્તન  વિશે દીકરાઓને કંઈ લાગતું નહિ, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી. દીકરાનાં બાળકો એમને દીઠાં ગમતાં નથી. અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી!
માતૃત્વની લાગણમાં ખેંચાઈ વહુઓ અમરતકાકીને અન્યાય કરી બેસતી એટલું જ, બાકી દીકરીનાં બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ હતું. એ કારણે, વહુઓ પતિ આગળ બબડીને જ્યારે રહી જતી ત્યારે દીકરી માને મોંએ જ સંભળાવી દેતી, મંગુને  ખોટાં લાડ લડાવીને તેં જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરનેય ઝાડોપેશાબ કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે, તો બાર વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે ? એ મુંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે.

દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમરતકાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી, તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું પણ યાદ રાખજે કે તું જ એની સાચી  વેરણ છે. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને  પનારે પડશે ત્યારે રોજ એનાં મળમૂતર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહિ કરે અને એ દુ:ખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, કહેવત છે એ ખોટી નહિ, કે  પારકી મા જ કાન વીંધે.

દવાખાનામાં  મૂકવાથી ડાઈ નહિ થવાની હોય તો નહિ થાય, પણ ઝાડાપેશાબ અને કપડાંનું ભાન આવશે તોય બસ છે.

ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે, ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી.

અમરતકાકી લોકોને દવાખાના અંગે  પાંજરાપોળની ઉપમાં આપતાં ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી, દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એના અને કુંટુંબનો છુટકારો થશે !
મંગુના મોતને અમરતકાકી પણ છુટકારો માનતાં હતાં, જો એ કુદરતી રીતે આવે તો. પરંતુ બેદરકારી બતાવી એને જાણીજોઈને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો. સ્વાર્થનું તો સૌ સગું. દીકરા કમાતાધમાતા હોય, દીકરી સાસરે હિંડોળાખાટે ઝૂલતી હોય ત્યારે હું મા થતી જાઉં એનો કંઈ અરથ નથી. મંગુની  સાચી મા બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમરતકાકી તૈયાર ન હતાં.

દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે કોઈ વખતે એવી વાત કરતા નહિ. વળી, ઉચાટ કરવાનો અર્થ પણ ન હતો, કારણ કે ત્રણ ગોરા નિષ્ણાત દાક્તરોએ એકમત થઈ નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું નથી. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે દાક્તરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડાપેશબ ને કપડાંનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહિ એટલે એ મૌન રહ્યા હતા.

છતાં અમરતકાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતર્યા ઘેર આવી પહોંચતા. શિલાજિત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતાં પોતે દવા જાણે છે તેવો દાવો કરતાં. અમરતકાકી માનતાં કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટીકી લાગી જાય. એટલે બીજાને  મન ગાંડીઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતાં અને શ્રદ્ધાથી એનો અમલ કરતાં. જોશીઓ અને ભૂવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે, આવતા માગશર મિહનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમરતકાકીનો આરાધ્યદેવ બની ગયો ગતો.

માગશર મહિને તાકડે મંગુને ચૌદ વર્ષ પૂરાં થઈ રહેતાં હતાં. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે  ન ચડી જાય તેવા તરંગે અમરતકાકી ચડી જતાં : ચૌદમું ઊતરતાં કમુને પરણાવેલી, મંગુ ડાહી હોત તો આજે એના  વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો...મૂઈનું રૂપ તો એવું છે કે મુરતિયો એને જોતાં સામો હા પાડી દે !
અને જાણે એને મડ્યું હોય તેમ એ લગ્નની યોજના વિચારવા મંડી જતાં-કમુ વખતે ઘરની સ્થિતિ આજના જેટલી  સારી ન હતી. આજે બે ભાઈઓ શહેરમાં મબલક કમાયા છે, પાણીની પેઠે પૈસો વાપરે છે. પછી મંગુના લગ્નમાં હું શું કામ પાછું વાળીને જોઉં !
એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમા પેશાબ કરવા બેઠી તેથી હરખાઈ જતાં અમરતકાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું, જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહિ ને આ વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી !

સાંભળનારને ગળે આ વાત ઊતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળી વડે ખોતરતી નજરે પડતી ! અમરતકાકીની નજર એ ભણી જતાં ડાહી દીકરીને શિખામણ આપતાં હોય તેમ ધીમેથી કહેતાં, મંગુ, એવું ગંદું ન કરાય, હોં બેટાં !
મંગુને ધૂમ આવે ને ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ !

આમ, અમરતકાકીનો  આશાભર્યો માગશર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ. પણ શહેરના કન્યા-વિદ્યાલયમાં  ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડાપેશાબનું ભાન ન રહ્યું. અમરતકાકીને એથી દુ:ખ તો થયું, પણ સાથેસાથે સંતોષ પણ થયો કે ડાહીડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને  બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ ?
કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ  સમાચાર જાણી અમરતકાકીને ઓછુ આવ્યું કે એની મા જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની દ્રશ્ય એમને કંપાવી ગયું.

પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે ચૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી, ઝાડાપેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો.

બીજે મહિને કુસુમને મટી ગયું. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઊમટ્યું હતું. સૌથી મોખરે અમરતકાકી હતાં.

કુસુમને પૂરેપૂરી ડાહી થયેલી જોઈ અમરતકાકીને દરેક સલાહ આપવા મંડી ગયું, કાકી ! તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ. જરૂર એને મટશે.

અમતકાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગામૂગાં એ લોકોની સલાહ સાંભળી રહ્યા. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી. એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. મા દયાભાવ રાખી ચાકરી ન કરી શકે તો દાક્તર-નર્સ કરી નમ શકે એવી એમના  મનમાં જે ગાંઠ પડી ગઈ હતી તે કુસુમની વાતચીત ઉપરથી ઊકલી ગઈ. નર્સ કે દાક્તરને કોઈ કોઈ ગાંડાં તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આસા જન્મી કે મંગુના કમરમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર ? આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. નહિ મટે તો પાછી ક્યાં નથી લવાતી ?
છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરતકાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઊડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યાં હતાં, એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. દવાખાના ઉપર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત હતું, બાકી ઊંડેઊડે બીજું કારણ ડોકિયાં કરતું એમને દેખાતું હતું.

મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી, વહુઓ ચાકરી નહિ કરે એની ખબર પડી ગઈ હતી; કારણ કે બેમાંથી એક વહુ હજી સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેરઘેર જોતાં હતાં.  એટલે પેટના દીકરાઓની આસા પણ એમને ઝાઝી દેખાતી ન હતી, એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય, કે ન મટે તો પણ જો એને દવાખાનમાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું.

આ વિચારવહેણ સાથે અમરતકાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઊઠતું ગમે તે બહારનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમેય દીકરીથી થાક્યાં છો ! અમરતકાકી ઊંઘમાંથી ઝબકી જતાં, બોલી ઊઠતાં શું હું થાકી છું ? હૈયું બમણાં જોરથી પોકારી ઊઠતું એક વાર નહિ ને હજારવાર !
અમરતકારીને થયું, પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે આ શિયાળાવી ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે ? રાતમાં હું એને કેટલીય વખત ઓઢાડું છું, દવાખાનામાં એમ ઘડીએ-ઘડીએ કોણ ઓઢાડશે ? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત.

પરંતુ પત્ર મળતાં દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક એઠવાડિયામાં જ મગુંને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમરતકાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું  ના હોત તો પત્ર મળતાં તરત આવી શું કામ પહોંછે ? લાગવગ વાપરીને તરત  ને તરત દાક્તર તથા મેજિસ્ટ્રેટના દાખલા કઢાવે શું કામ ? એમને થતું હતું કે હમણાં બંધ રાખવું  અને ઉનાળામાં મૂકી આવવી, પણ દીકરાને કહેતાં જીભ ઊપડતી ન હતી. એ પરાણે રજા લઈને આવ્યો હોય, દાખલાદુખલી કરાવી લીધું, હવે ના પાડું તો એને થાય કે માને બીજો ધંધો નથી !
મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમરતકાકીને  બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે એ સહેવાશે નહિ. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે નહિ જુએ ત્યાં સુધી મન શાંત પડે એવું ન હતું. એટલે નાછૂટકે જવા તૈયાર તો થયાં પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રાહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણભાદરવો શરૂ થયો.

નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી કે કેમેય ઊખડતી ન હતી. મંગુ એને પહેરાવેલાં નવાં કપડાંનો રંગ ધારીધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમરતકાકી સામે જોતાં એ હસી પણ ખરી. એ સમું અમરતકાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલુંય ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભનતાં અમરતકાકી ઊમરા ઉપર પસડાઈ પડ્યાં. હૈયુ કકળી ઊઠ્યું અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહિ ? સગી મા પણ એની ના થઈ !
દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું. મા સામે આંખ માંડવા જેટલી એનામાં સ્વસ્થતા ન હતી. જેટલો વિલંબ થતો હતો તેટલો ગાડી પકડવાનો સમય ટૂંકો થતો હતો. ફળિયા બહાર ડમણિયે જોડેલા બળદ પગ ઉપાડવા તળે ઉપર થઈ રહ્યાં હતા. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતાં કહ્યું, મોડું થાય છે. હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતાં એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી.

પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમરતકાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભાં થયાં. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું.

મંગુ ગાંડી છે એમ જાણતાં ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો.

આવી ખાધેપધે સીધી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દહાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ !
અમારા ગામમાંથી એક ડોસીને તેના દીકરા પાંચ વરસથી મૂકી આવ્યા છે પણ કશો ફેર પડ્યો નથી. ગામનું કોઈ મળવા જાય તો રડવા લાગે છે. પગે પડીને કહે છે મને અહીંથી તેડી જાઓ. પણ આજના દીકરા લાવતા જ નથી !
એવા દીકરાઓને શું રીસતા રાખવાના ?
દીકરાઓ તો આમ સારા છે, પણ આજની વહુઓ, જાણો છો ને, પહેરીઓઢીને મહાલવું હોય એટલે વધારાનું માણસ ઘરમાં પોસાતું નથી.

આ છોડીને મા નથી ?
અમરતકાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયાં. કંઠ રૂંધાંઈ ગયો. શરમથી ડોકું નીચું નમી ગયું. સામે માથું નમતાં મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થયો.

બાપ રે ! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો !
અમરતકાકી જો એકલાં હોત કે દીકરાને માઠું લગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછાં ફર્યાં હોત. પરંતુ બીજો ઉપાય ન હતો. એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયાં.

મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમનાં સગાંસંબંધીઓ છૂટાંછૂટાં બેઠાં હતાં. સ્વજનોએ ઘેરથી આવેલી રસોઈ ઘણાં જમતાં હતાં. કોઈ કોઈ ફળ ખાતાં હતાં. એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાતો કરતી હતી. ગાંડી પત્નીને પતિ મળવા આવ્યો હતો તેને બાધી પડી હતી. અને બાજુમાં ઊભેલી વોર્ડની પરિચારિકાઓ તરફ નજર કરી એ ફરિયાદ કરતી હતી, આ ભૂતડીઓ મને સારાં કપડાં પહેરવા આપતી નથી. સારું ખાવાપીવા આપતી નથી, માથામાં નાખવા તેલ આપતી નથી.

અમરતકાકી તે વખતે પરિચારિકાઓ તરફ જોઈ રહ્યાં હતાં. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એક વાર ખાઈ લ્યો.

પેલી ગાંડી બાઈ છણકો કરતાં બોલી, મેં દાતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું.

અમરતકાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. છતાં સહેજ પણ ખિજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ઘોવડાવ્યું. નેપ્કિન વતી મોં લૂછી નાખ્યું. અમરતકાકીના હૈયાને ડાઢક વલી કે કામ  કરનાર લોક છે તો માયાળું.

દાક્તર ને સ્ત્રીવોર્ડ મેટ્રન આવી પહોંચ્યાં. એમરતકાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રેન કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી.

વચ્ચે અમરતકાકી બોલ્યા, બેન ! ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહિ તો એ ખાતી નથી.... આટલું  બોલતાં એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું.

દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઊઠી, તમે બા, કોઈ જાતની ફિકર કરશો નહિ. અમે એને મોંમાં કોળિયો ઘાલીને ખવડાવીશું.

ગળગળા સાદે અમરતકાકી બોલ્યાં, એ જ બેન મારે કહેવું છે. એને ઝાડાપેશાબનું ભાન નથી એટલે કપડાં બગાડે તો જોજો. નહિ તો ભીનામાં સૂઈ રહેશે તો વાયું થઈ જશે.

બીજી પરિચારિકા બોલી, રાતમાં ચારપાંચ વખત તપાસ કરવામાં આવે છે.

અમરતકાકી : રાતે બત્તી હોય તો એને ઊંધ નથી આવતી.

જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ.

એને બીજાં તોફાની મારે નહિ તે જોજો

તોફાની હોય તેને જુદાં રાખવામાં આવે છે. રાતે બધાને જુદીજુદી ઓરડીઓમાં સુવડવામાં આવે છે.

મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખૂલતું. એ તક ઝડપી લઈ અમરતકાકીની નજર બે વખત અંદર ડોકાઈ રહી હતી. ત્રણચાર સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડાંમાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને ડોળો એવો ત્રાંસો કર્યો કે એ છળી મર્યાં. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું, માંગણી કરી,  મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મે જોવા દ્યો.

મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા દેવાનો કાયદો નથી.

ચકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમરતકાકીની સોડમાં લપાઈ ; માથે હાથ મૂકી, અમરતકાકી રોજનો વહાલસોયો બેટા શબ્દ ઉચ્ચારતા ગયાં ત્યાં એમનો  સાદ ફાટી ગયો... મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આંક્રદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આસું વહી ચાલ્યાં.  આવા રુદનથી ટેવાઈ ગયેલાં દાક્તર, મેટ્રન અને પરિચારિકાઓનાં હૈયાં પણ ભરાઈ આવ્યાં. દીવાલો ધ્રૂજી ઊઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું એમ જાણ્યું નથી !

એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે ?
એ રૂમાલ પકડવા માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને, બહેન ! હું તને સારુંસારું ખાવાનું આપીશ, નવાંનવાં કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે  એ ક્ષણનો ઉપયોગ કરી લેતાં ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખૂલું થઈ મંગુને ગળી ગયું.

મંગુ...મંગુ...ની કાળજું કંપી જાય તેવી ચીસ અમરતકાકીએ નાંખી. દાક્તરે આશ્વાસન આપતાં કહ્યું : ઘરડાં બા ! અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતાં જણાવ્યું : આ તમારા દીકરા જેવો મને પણ દીરકો ગણજો. દીકરીને દવાખાનામાં નહિ પણ તમારા દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો.

આધેડ ઉંમરની, બાળવયમાં વિધવા થતાં  આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આફતાં કહ્યું, આજ સુધી તમે એનાં એક બા હતાં. આજથી હું એની નવી બા થઈ છું.

અમરતકાકી ડૂસકું ભરતાં બોલ્યાં, એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી... અને એમનો કંઠ રંધાઈ ગયો.

મેટ્રન : એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે. અમરતકાકીનું ડૂકસું શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યાં. એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં.

અમરતકાકી કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનનીશક્તિ લુપ્ત થઈ હોય તેમ એણે નીચે દ્રષ્ટિ રાખી કહ્યું, સારું.
અમરકાકી : એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજે-ત્રીજે દહાડે  આપજો . એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું.

અમરતકાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યાં ત્યારે બંનેનાં મો ઉપર શોકનાં વાદળ છવાયેલાં હતાં. મૂંગામૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયાં. ગાડીના ડાબામાં પગ મૂકતાં અમરતકાકીને  સાંભરી આવ્યું દવાખાનામાં સૂવા ખાટલો આપતા હશે કે નહિ ? મંગુ નીચે સૂઈયેલી નથી એટલે જો ખાટલો નહિ હોય તે એને નહિ ફાવે. મનમાં થયું કે જો પાતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જોતા એટલે તરત સાંભરી આત.

દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલાં છે, એવી ખાતરી અમરતકાકીને થઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધાં ન હતાં એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહિ ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહિ દેવાનો કાયદો કર્યો હશે ને ? એને ટેકો આપતું હતું પેલું અધખૂલું બારણું, ભૂતની માફક ભમતી ગંદી, જથરપથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી હોય સ્ત્રીઓ ; એ સાથે અમરતકાકીને મંગુ પોતાને ન જોવાથી રતડી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યાં. બાજુમાં બેઠેલી સ્ત્રએ પૂછપરછ કરી : કેમ બા રડો છો ? કોઈનું મયણું થયું છે ?
રાત્રે પોણા અગિયાર વાગ્યો ઘર આવ્યાં ત્યારે એમની વાટ જોતી પાડોશણ, જે એમની પિત્રાઈ થતી હતી તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી. પરંતુ બંને જણે વાળુ કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રાહ કરનારની જીભ ન ઉપડે તેન પાડોશણ ખેંચતાણ ન કરી શકી.

અમરતકાકીના અંતરમાં એક જ તંબૂરો વાગી રહ્યો હતો મંગુ અત્યારે શું કરતી હશે ? પળેપળે એ જ વિચાર એમના  હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે ! એને ઓઢાડ્યું હશ ? પેસાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પથારણું બદલ્યાં હશે ?

જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યાં :  બેટા! પેશાબ ન કરતી. ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દ સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતાં છતાં મંગુ અનો  અમલ કરતી નહિ. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની  ઘાઘરી અને પથારી એ બદલી નાખતાં. મંગુ મોટી થઈ ગઈ છતાં પોતાની ભેગી એને સુવાડતાં, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી અને ભીનામાં સૂઈ રહેવું ન પડે.

અમરતકાકી પોતાને પમ એના વગર પથારી સૂનીસૂની લાગતી હતી. મનમાં થયું મારા ભેગી સૂવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે ? એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું હું મા થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી ? એમનાંથી ડૂસકું ભરાઈ ગયું.

બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. મા કરતાં એને સોમા ભાગવી મંગુ  સાથે માયા ન હતી છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંઢ પથ્થર મુકાઈ ગયો હતો. માનાં ડૂસકાં સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં.

પોતાને આટલી વેદના થાય છે તો માને શું-શું થતું હશે ? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંચી રહી હતી તેનો સાક્ષત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું  પોકારી ઊઠ્યું  : માનું આ દુ:ખ કોઈ પણ ઉપાયે ટાળવું  જોઈએ. દીરકો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી મંગુને જીવતાં સુધી સારી રીતે પાળીશ વહુ એનાં મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ ! એ સાથે વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો.

અમરતકાકીએ બીજું ડૂકસું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યાં હોત. પરંતુ એ જંપી ગયેલાં લાગ્યાં એટલે સવારે હવે વાત એણ માની દીકરાએ ઊંઘવા આંખ મીંચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ.

વહેલાં પરોઢે, ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમરતકાકીએ કરી મૂકી. જાગો રે...જાગો મારી મંગુને મારી નાખી રે...

દીરકો ખાટલામાંથી ઊછળી પડ્યો. પડોશી દોડી આવ્યાં. ઘંટીઓ અને વલોણાં થંભી ગયાં. જેણે  સાંભળ્યું તે દોડી આવ્યાં અને આવ્યા તેવાં હબકી ગયાં, અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં !

આવું હોય છે માનું દદિલ ! કોઈ પણ પથ્થર દિલના માણસની આંખમાં આંસુ આવી જાય છે.

સંકલ્પનું બળ


- રવિશંકર વ્યાસ (મહારાજ)
(સાદર ઋણસ્વીકાર : અરધી સદીની વાચનયાત્રામાંથી)
એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઈ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું, ‘‘જો, હવેથી કોઈને આવો ઉપદેશ દેતા ! કોઈને મારી નાખશો !’’
અને પછી તેમણે આપવીતી સંભળાવવા માંડીઃ ‘‘તમારા ગયા પછી મને તો ઝાડ થઈ ગયા, બોલવા-ચાલવાના હોશ રહ્યા નહીં, લગભગ બેભાન થઈ ગયો. પછી તો મેં ઈશારતો કરીને બૈરાંને બોલાવ્યાં અને ઇશારાથી સમજાવ્યું કે મને અફીલ ખવડાવો. અફીણ ખાધું, ત્યારે માંડ જરા હોશ આવ્યો.’’
પણ મેં તો ઠાકોરને ઝાટક્યાઃ ‘‘ભૂપતસિંહ ઠાકરો, અફીણ ખાધા વિના મરી ગયા હોત તો દુનિયામાં તમારા વિના શું ખાટુંમોળું થઈ જવાનું હતું ? ટેક ન પાળી શક્યા, તો ક્ષત્રિય શાના ? અફીણ જેવી ચીજ પણ તમને હરાવી ગઈ ? તેના વિના તમે મરવા પડ્યા ? તમે તો તમારું ક્ષિત્રયપણું પણ ગુમાવ્યું. ત્યારે હવે તમે જીવતા હો કે મરેલા, બંને સરખું જ છે. જો તમે વીર હોત તો જીતત. પણ તમે હાર્યા, અફીણ જીત્યું.’’
આટલું સાંભળતાં જ તેમને તો એટલું પાણી ચડ્યું કે અફીણનો દાબડો ફેંકી દીધો. અને પછી ન તો તેમને ઝાડા થયા કે ન બેભાન થઈ ગયા. કારણ કે આ વખતે સંકલ્પનું બળ હતું.
રવિશંકર વ્યસ (મહારાજ)

ભાષક જાગતો સારો...


(સાદર ઋણસ્વીકાર : સર્જકનો સમાજલોકમાંથી)
ગુજરાતી મારી માતૃભાષા છે અને હું એને ખૂબ ચાહું છું. મારી માતૃભાષા માટે મને ખૂબ પ્રેમ તો છે જ, પણ એથીય વધુ ગૌરવ છે, એનું ગૌરવ જાળવવા માટે હું સતત સજાગ છું અને રહીશ, બીજાઓને પણ આ બાબતે વધારે જાગ્રત કરીશ, આવું માનનારા ભાષકો જે ભાષાને મળે-આવા અઢળક કહેતા તમામ ભાષકો માતૃભાષાના પૂર્ણ ચાહકો હોય. તે ભાષા કદી મરતી નથી.
ગુજરાતી ભાષા માટે આવું માનનારા કેટલા ભાષકો છે, વારુ ?! આપણે ઇચ્છીએ કે આવા ચાહકોની ગુજરાતી ગિરાને કદી ખોટ ન હજો ! શું દેશમાં કે શું પરદેશમાં, મા તે મા જ હોય છે, માતૃભાષા પણ મા જ છે. ને દરેકને પોતાની મા માટે પ્રેમાદર હોય જ વળી. જેમ જન્મ આપનારી જનેતા ગરીબ કે અભણ હોય તોય એનાં સંતાનોને માટે તો એ જ શ્રેષ્ઠ છે, એનો કશો વિકલ્પ ન હોય. માતૃભાષાનું પણ આવું જ છે.
જે માતૃભાષા ઘર-કુટુંબ-સમાજમાંથી ‘ગળથૂથી’ સાથે  મળી અને પછી રક્તની રગરગમાં ભળી તે કોઈ જન્મારે છૂટતી નથી. એ તો શરીરની ત્વચાની જેમ હોય છે. આ વાણી જ મારું અંદરનું ‘અસ્તર’ છે ! કવિ દલપતરામે માતૃભાષાને પ્રેમ કરવાની, અને અવનવાં શોભાશણગાર આપવાની વાત કહેલી. પોતાની માતૃભાષા માટે પોતે વકીલ છે - ‘હું ગુજરાતી વાણીરાણીનો વકીલ છું.’ એમ એ કહેતા રહેલાં.
નર્મદે માતૃભૂમિને અને દલપતે માતૃભાષાને ચાહવાનું - અનપેક્ષ રીતે, સહજભાવે અને પૂરા ઉમળકાથી ચાહવાનું - શીખવ્યું હતું. નવી પેઢીઓને આપણા આ વારસો જોઈએ એટલી ચોકસાઈ અને પૂરી તમાથી નથી આપ્યો. આપણે દિલચોરી કરી, બેદરકારી દાખવી ને ક્યાંક શરમ અનુભવીઃ પરિણામે આજે માતૃભાષા તરફ આકંઠ પ્રેમાદર દાખવનારાઓ ઘટતા જાય છે. દુઃખની વાત છે કે ભણેલો વર્ગ જ માતૃભાષાને બેદરકારીથી પ્રયોજે છે.
શિક્ષક અને સર્જકઃ આ બન્નેની, માતૃભાષાને સદાય પ્રસન્ન, પ્રવાહમય અને આનંદપ્રદ રાખવાની જવાબદારી ગણાય. આજે તો હજારો શિક્ષકો તથા અધ્યાપકોને ગુજરાતી ભાષા સાચી, સારી બોલતાં-લખતાં-વાંચતાંય આવડતું નથી. સમાજના બીજા વર્ગોની બેજવાબદારી પણ શરમજનક છે. ભણેલા તથા ભદ્ર સમાજ માટે આ શોભાસ્પદ નથી.
મહાત્મા ગાંધીજી જોડાણીદોષવાળાં પુસ્તકોની હોળી કરાવતાં. આજનાં છાપાં તથા ટીવી જેવાં માધ્યમો તો વાતે વાતે ભાષાદોષ અને માતૃભાષાદ્રોહ કરતાં દેખાય છે. અનેક પ્રકારના દોષો છે - એ બધા ગણાવવા બેસીએ તો પાર નહિ આવે ! સાચી જગ્યાએ સાચો શબ્દ પ્રયોજાય તોય ભયો ભયો ! આચાર્ય કક્ષાના માણસો પોતાની શાળા-કોલેજના કોઈ અવસરે-પ્રસંગે પાંચ મિનિટનું વક્તવ્ય પણ-ભાષોદોષ વિનાનું-કરી શકતા નથી.
શબ્દોના વ્યામોહમાં ખોટી જગ્યાએ શબ્દ મુકાઈ જાય છે અને અનર્થ થાય છે. એક વિદાય થતા આચાર્યને, શુભેચ્છા પાઠવવાના પ્રારંભમાં, નવા વરાયેલા આચાર્ય શુભાશિષો પાઠવે છે ને કહે છે કે ‘હું સમગ્ર શળા પરિવાર તરફથી એમને શ્રદ્ધાસુમન અર્પું છું.’ આમ કહી ફૂલગુચ્છ આપનારા એ રાજી થાય છે ! ભાષાને શિક્ષક સંબોધન કરતાં કહે છે : ‘મંચસ્થ ઉપર બિરાજમાન મહાનુભાવો !’ : આ બધા નવી પેઢીના ભાષાવિદો છે !
હા ! જીવતા માણસને માન આપવા અધકચરો વક્તા ‘મરહૂમ’ (મર્હૂમ) વિશેષણ લગાડે છે. ઉચ્ચારદોષો ને વાક્યદોષો તો અપરંપાર છે. કોઈ પણ સમારંભમાં જાઉં છું ત્યારે આ બધાંને લીધી ત્રાસ થાય છે. આ બધા ભાષા ઉપર જુલમ કરનારા આતંકવાદીઓ જ છે.
પોતાનાં પુસ્તકોમાં ભાષાદોષો રહી જશે એવી બીકને લઈને સ્વામી આનંદ, ફુરસદ વિના પોતાનાં પુસ્તકો છપાવવા આપતા નહોતા. ‘મુદ્રારાક્ષસ માત થતો નથી’ એ ખરું. પણ પ્રયત્નો તો સાચી દિશામાં થતા જ રહેવા જોઈએ. સુરેશ જોષી એમના એક નિબંધસંગ્રહમાં રહી ગયેલા ભાષાદોષોને લીધે નારાજ થયા હતા અને નોંધ લખી હતીઃ ભાષાભૂલો એટલી બધી છે કે શુદ્ધિપત્રક મૂક્યું નથી...? ભૂલ તો, નહીં પણ આ લખનારથીય થાય છે, પણ મૂળ વાત છે સભાનતાની, ભૂલો થાય તો સુધારી લેવાની તત્પરતા હોવી જોઈએ.
ગામડાંનાં લોકો જે બોલે છે તે અશુદ્ધ ભાષા ના કહેવાય. એ તો એમની તળ બોલી છે. તળ બોલી કે શિષ્ટ બોલીઃ બન્નેનું કાર્ય પ્રત્યાયનનું છે. એ બેઉ ભાષારૂપો છે. એમાં કોઈ એક ચઢિયાતું નથી કે બીજું એક ઊતરતું નથી, પણ બન્ને એની જગ્યાએ યોગ્ય છે. શિક્ષણમાં, વ્યાખ્યયામાં, પાઠ્યક્રમોમાં શિષ્ટ ભાષા પ્રયોગ સ્વીકારેલો છે. એ ઉચિત પણ છે. છતાં જરૂર પડે તો શિષ્ટ ભાષક તળબોલીનાં શબ્દરૂપો લઈને ભાષાને વધારે ધારદાર બનાવી શકે છે.
ભાષા તો વહેતી નદીનાં જળ જેવી છે. એ તળાવ જેવી બંધિયાર બને તો ગંધાઈ ઊઠે. શબ્દોનેય વારાફેરા આવે છે. રૂઢિપ્રયોગો, કહેવતો પણ જમાને જમાને અવનવાં આવે છે એમ ભાષા તથા ભાષક સમૃદ્ધ થતાં જાય છે.
દૂધમાં સાકરની જેમ, બીજી પ્રજા આપણામાં ભળી જાય છે એમ, બીજી ભાષાના શબ્દો કે વાક્યભાતો આપણી ભાષાના નાદ-લય, અર્થ તથા વૈયાકરણી માળખામાં મળીભળી જાય છે ત્યારે એ શબ્દો પછી ઊછીના નથી રહેતા. ભાષાઓ વચ્ચે આવું આદાનપ્રદાન ઇચ્છનીય, બલકે આવકાર્ય પણ છે.
છતાં એક વાત જરૂર નોંધીએ કે કૃતક રીતે બે ભાષાઓનું મિશ્રણ કરીએ તો એમાં માધુર્ય નથી પ્રગટતું. ‘વર્ણસંકરતા’ ખટકવાની જ. બિનજરૂરી અને ઠઠારા માટે અથવા આડેધડ બીજી (ખાસ તો અંગ્રેજી) ભાષાના શબ્દો આપણી ભાષામાં ઘુસાડીએ છીએ ત્યારે આખી રચના જ બેઢંગી અને બનાવટી બની રહે છે. ‘ફાધરને હોસ્ટિલમાં એડમિટ કર્યા છે.’ આ વાક્યની સામે તમે બોલી જુઓ - ‘બાપુજીને દવાખાને દાખલ કર્યા છે.’ - કર્યું વાક્ય વધારે, પોતીકું લાગે છે. ?
મા-ને મૂકીને માસીને વળગીએ ત્યાં સુધી તો ઠીક, પણ દાસી તો દાસી જ છે  એ રૂપાળી હોય અને ભણેલી કે સોને સજાવેલી હોય તોય એ મા તો નથી જ નથી ! ‘ફાધર કાર બાય કરવામાં ડિસએગ્રી થાય છે’ જેવાં તો કેટલાંક વાક્યો સાંભળીને થાકી જવાય છે. ગમ્મત માટે ઠીક છે, બાકી માતૃભાષાને તેમાંય આપણી માતૃભાષાની સમૃદ્ધિ તો ઉત્તમ વાચકોને પૂછજો ! ભાષક નબળો હોય, ભાષા તો સમક્ષ ને સમર્થ હોય છે. ભાષાને પ્રયોજનારા ઉત્તમ સર્જકો આવે છે ને ભાષા તથા આપણે સમૃદ્ધ થઈએ છીએ.
કેટકેટલી જગ્યાએ નર્યાં ખોટ્ટાં લખાણો હોય છે. માત્ર જોડણીદોષો નહિ, પણ વાક્યદોષોનો ય પાર નથી. રસ્તા પર આવતાં પાટિયાં જુઓઃ
‘આગળ નાડું સાંકળું છે.’
અહીં ‘ળ’ની જગ્યાએ ‘ડ’ની જગ્યાએ ‘ળ’ વાપર્યો છે. આવી બીજી પણ પારાવાર ભૂલો દેખાય છે. આ બધું ચલાવી ન લેવાય. આની સામે ઝુંબેશ ચલાવવી જોઈએ. વિદ્યાસંસ્થાઓમાં આ માટે કામ પ્રારંભાવું જોઈએ. અંગ્રેજી-હિન્દી એટલી હદે અને એવી બેઢંગી રીતે આપણી વાક્યરચનામાં નહિ જ આવવા જોઈએ જેથી આપણી ભાષા વરવી અને નધમિયાતી લાગે ! !
દરેક વાતની એક સીમા હોય છે ને હવે એ હદ આવી લાગી છે. લેખકો, વિવેચકોની ભાષા પણ વધુ ને વધુ પ્રત્યાયનક્ષમ હોવી જોઈએ. અર્થવિલંબન કરીને પણ અવગમન તો સાધવાનું જ રહેશે. પણ કોણ ધ્યાન રાખે છે ?
નવી પેઢીનાં છોકરાંનાં નામ પૂછીએ ત્યારે આઘાત લાગે છે. ઘણાં નામોને અર્થ જ નથી હોતો... ને કેટલાંક સરસ નામો ધરાવનારા પોતાના નામનો અર્થ પણ નથી જાણતા ! બધાંને ધન્ય છે ! દેખાદેખીથી પડાતાં નામો અને બેદરકારીથી લખાતાં દુકાનોનાં પાટિયાં ઓછાં થાય તો રાહત મળે, બંગલો સરસ હોય, પણ એનું નામ ?
બધાં પ્રિયજનોનાં નામના પ્રથમાક્ષરોથી બનેલાં નામ સૌથી વધુ ત્રાસદાયક હોય છે. ને બંગલાનાં નામોની જોડણી તો 90 ટકા ખોટી જ હોય છે. ! અનુસ્નાતક કક્ષાનાં વિદ્યાર્થીઓની વાક્યરચનાઓ વ્યાકરણ-દોષોથી છલકાતી હોય છે.
ખોટી માહિતી અને અધકચરી સમજણઃ અખાની શણગટ વહુ યાદ આવે. એમ.ફિલ થયા પછીય અરજી કે અહેવાલ લખતાં 95 ટકા યુવકોને નથી આવડતું... ત્યારે માતૃભાષાપ્રીતિની વાત કોની આગળ કરીશું?... ફોન... ઇ-મેઈલે તો પત્રલેખન પણ ભૂલવી દીધું. ‘કેટલી બધી મજાઓ’- ને ગળે નખ દેખાઈ ગયો છે ! ! માતૃભાષાનો ચાહકો... જાગી જવાનું આ ટાણું  છે...